Night duty in Gujarati Short Stories by Kuntal Sanjay Bhatt books and stories PDF | નાઈટ ડયૂટી

Featured Books
Categories
Share

નાઈટ ડયૂટી



"સાંભળો,હું શું કહું છું કે હવે તમારે આ નાઈટ ડયૂટીની જોબ છોડી દેવી જોઈએ.હવે ઘણું થયું બધું જ તો છે આપણી પાસે ક્યાં કંઈ ખોટ છે!" મનિષા એ મનન ને ટોકતાં કહ્યું.મનન વળતો જવાબ આપતાં બોલ્યો,"જો મની,તારે મને આ જોબ માટે કંઈ જ કહેવું કે પૂછવું નહિ એ આપણે લગ્ન પહેલાંનું જ નક્કી હતું ને તો કેમ આટલાં વર્ષે આ પ્રશ્ન?!" અને મનિષા ચૂપ થઈ ગઈ.
મનન અને મનિષા ખૂબ સરળ,પ્રેમાળ અને સંપન્ન લોકોની યાદીમાં આવતાં એ બે અને એમનો એક દીકરો અને ભીંતે લટકેલો મનનનાં માતુશ્રી નો ઘૂંઘટવાળો ફોટો આટલો જ એમનો સંસાર!મનિષા ને મનન અનાથાશ્રમથી પરણી લાવ્યો હતો એ ખૂબ જ સમજું અને સાલસ સ્વભાવની હતી.મનનનું ખૂબ ધ્યાન રાખતી હતી.મનન ફિટનેસનો ખૂબ જ આગ્રહી હતો.મનિષા એનું એ વાતે ધ્યાન રાખવામાં જરાય ચૂકતી નહિ.લગ્ન થયાં પહેલાં જ મનને એને કહ્યું હતું,"હું મારી આ જોબ ઉપરાંત નાઈટ ડયૂટી કરું છું અને લગ્ન પછી પણ એ ચાલું જ રહેશે..બાર થી ચારની શિફ્ટ હોય છે. તું ફક્ત એટલું સમજ કે આપણે વધુ સારી રીતે જીવી શકીએ એ મારો ધ્યેય છે.અને વચન આપ કે એ વિશે ક્યારેય પૂછીશ નહિ." મનિષા તો મનનનાં આટલાં મહેનતું સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ અને એણે વચન આપી દીધું!
મનન રોજ નિત્યકર્મ પતાવી મા નાં ફોટાની પાસે દીવો અગરબત્તી કરીને શ્રદ્ધા પૂર્વક નમન કરતો હતો.મનિષાને કહેતો બીજાં દેવો તારાં મારી તો આ એક જ દેવી મારી "મા"!નવાં ઘરનું નામ પણ "મા"જ રાખ્યું હતું ને!મનિષા ક્યારેક હસતી,"આ યુગનો શ્રેષ્ઠ માતૃભક્તનો જો એવોર્ડ જાહેર થાય તો મનન એ તમને જ મળે!"અને મનન એક મ્લાન છતાં અર્થપૂર્ણ હાસ્ય ફેંકી આમતેમ થઈ જતો.મનનનાં વૉલેટમાં અને એની ગાડીમાં પણ એ માનો ઘૂંઘટવાળો ફોટો હોય જ!એનાં મનની નવરાશનાં સમયે પણ"માતૃદેવો ભવ:"નાં જાપ કરતો રહેતો!
**************************
જોહરાબાઈનો કોઠો એ લોકોનાં આખા વિસ્તારમાં ધમધોકાર ધબકી રહ્યો હતો.વર્ષોથી એક ચમેલીબાઈનો મુજરો જોવા લોકો દૂર દૂરથી આવતાં હતાં.આ કોઠાની વિશેષતા એ હતી કે અહીં મુજરા સિવાય કોઈ જ ગોરખધંધા ચાલતાં નહોતાં!છતાં પણ એ વર્ષોથી ધમધમતો રહેતો હતો.આજે જોહરાબાઈ ખૂબ વ્યાકુળ હતી.સ્પેશિયલ કોલકત્તાથી એક મોટી પાર્ટી આવી હતી અને ચમેલીબાઈનો કોઈ પત્તો નહોતો!
ચમેલીબાઈનો જાદુ ગજબનો હતો એણે ક્યારેય આખો ચહેરો ખોલ્યો નહોતો ફક્ત આંખો જ જોઈ શકાય એવો નકાબ પહેરતી!પણ એનાં મુજરામાં ગજબ નજાકત છલકાતી અને મોટેભાગે કોઠામાં જે રોનક વર્તાતી તે ફક્ત એને જોવાવાળાની જ રહેતી!એ ફક્ત જોહરાબાઈ સાથે જ વાત કરતી.એ આટલાં મોટાં કોઠામાં ક્યાં રહેતી શું કરતી એ બધું જ એક રહસ્ય જેવું હતું!બીજી કોઈ જ એ વિશે જોહરાબાઈ ને કે એને કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત નહોતું કરી શકતું.
એ એનાં નક્કી કરેલ સમયે આવે અને નક્કી કરેલ સમયે મુજરો પતાવી પોતાને સ્થાને જતી રહે.જે વળતર આવ્યું હોય એ બધું જોહરાબાઈ પહોંચતું કરે!
**************************

મનિષા ઘણીવાર પૂછતી, "મમ્મીનો ઘૂંઘટ વગરનો ફોટો જ નથી મનન?" મનન કહે, "ના,મેં એને ક્યારે ઘૂંઘટ વગર જોઈ જ નથી અને આ એકમાત્ર ફોટો ક્યાંથી મળ્યો?ક્યાંથી આવ્યો એ મને ખ્યાલ જ નથી."વાત પૂરી થઈ જતી.મનન પણ અનાથાશ્રમમાં જ રહી મોટો થયો હતો એટલે આવું બધું સ્વાભાવિક જ હતું એટલે મનિષા ક્યારેય લાંબુ નહિ વિચારતી. એ જાણતી જ હતી મનન વ્યક્તિ તરીકે ખૂબ જ સારો હતો.સજ્જન એકદમ. વળી એ નાઈટ ડયૂટીની આવકમાંથી હવે દાન પુણ્ય કરવા લાગ્યો હતો.એ બધું ગુપ્ત દાન એને નામના મેળવવાની કોઈ જ ઈચ્છા નહિ!દાન આપનારની ચબરખી માં ફક્ત"મા" લખાવતો હતો.મનિષા ખૂબ ધન્યતા અનુભવતી હતી કે આવો જીવનસાથી મળ્યો!
આજે સવારના 6 વાગ્યાં પણ મનન નાઈટ ડ્યુટીથી હજી આવ્યો નહોતો!ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો!

**************************
મનનની આંખ ખુલી તો એ હોસ્પિટલનાં બિછાને!એને નાઈટ ડયૂટીએ જતાં જતાં રસ્તામાં જ હાર્ટ એટેક આવી ગયો હતો.રામ જાણે કોણ મૂકી ગયું હતું હોસ્પિટલમાં!ડયૂટી દરમિયાન ફોન તો એ સ્વીચઓફ જ રાખતો હતો...તો...હજી કંઈક એ વિશે વિચારે એ પહેલાં આંખો બંધ થઈ અને વિચારોની દિશા બદલાઈ..ચારેબાજું.. છમ છમ..છમ..છમ...,એક નાનકડો રૂમ.. નાનું સુ પારણું.. પગમાં છન છન કડલી ને પગ તાલબદ્ધ રીતે હલાવતું બાળક!બાળકની ચારેબાજું હી..હી..હી..હી..નાં અવાજો!ત્યાં જ એક ઘૂંઘટવાળી સ્ત્રી આવી નાનકડી મુસ્કાન સાથે બાળકને ઉઠાવી છાતીએ વળગાડ્યું.
હવે...બીજું દ્રશ્ય ફેરવાયું...ચાર પાંચ વર્ષનો બાળક..ઓઢણી ઓઢી પગમાં ઘૂંઘરૂં પહેરી ડાન્સ કરી રહ્યો હતો!અનાથાલયમાં ચીફ ગેસ્ટ તરફથી એને ઇનામ મળ્યું...કથકનાં ડાન્સ ક્લાસમાં ફ્રી એડમિશન મળ્યું! પછી...પછી...એને દેખાયો એક પોતાનો ફ્લેટ...અને એ લઈ આવ્યો હતો એક ઘૂંઘટવાળી સ્ત્રીનો ફોટો!ફરી અચાનક આંખ ખુલી ગઈ..ડૉક્ટર્સ નર્સીસ દોડી રહ્યાં હતાં.કંઈક પૂછી રહ્યાં હતાં પણ એ તો અજબ ઊંડાણમાં હતો!કોઈ અવાજો કાને નહોતાં પડતાં... બસ છમ..છમ..છમ..મનિષા....પોતાનો દીકરો....નાઈટ ડયૂટી..જોહરાબાઈ.. કોલકત્તાની મોટી પાર્ટી..કોઠામાં જન્મેલાં બાળકો માટેનાં દાનની રસીદો..!જોહરાબાઈનાં કોઠે પડેલાં પોતાનાં હાથ પગનાં નેઇલ પોલિશ કરેલાં સ્કિન કલરનાં મોજાં...દરવાજે દસ્તક દેતી નોકરાણી...."ચમેલીબાઈ...આપા બુલા રહી હે.."એકદમ ગભરાઈ ગયો...મારી ઓઢણી ક્યાં ગઈ...મારી માની હતી એ...એ બેબાકળો હાંફળો ફાંફળો શોધી રહ્યો હતો...હતું એટલું જોર લગાવ્યું ને બૂમ મારી...મા......ત્યાં જ સામે આવી એ ઘૂંઘટવાળી સ્ત્રી અને એ હાથ ફેલાવી બોલી.."આવ દીકરા..!" અને...એ માને વળગી પડ્યો...હવે... મનને એકદમ શાંતિ અનુભવી....ચિર શાંતિ..!એની દરેક જવાબદારીઓ સાથે...એની "મા" તરફની અસીમ લાગણી ધરાવતી નાઈટ ડયૂટી પણ બંધ થઈ!

કુંતલ ભટ્ટ
સુરત.