An innocent love - 36 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 36

Featured Books
Categories
Share

An innocent love - Part 36

કિશોર તો હવે પિતાજી પોતાના કારસ્તાન જાણી ગયા અને પોતાને અને મિત્રોને શું સજા કરશે તે વિચારમાં ધ્રુજી રહ્યો હતો.

"આ તમે લોકોએ ખૂબ ખોટું કામ કર્યું છે", કિશોરની સામે આવી એને ખભેથી પકડીને મનોહર ભાઈ બોલ્યા.

"અરે ડરો નહિ બેસી જાઓ બધા", અને મનોહર ભાઈ પણ કિશોરને પોતાની સાથે લઈને ત્યાજ વડ નીચે બેસી ગયા.

એમને જોઈ બાકીના બાળકો પણ બેસી ગયા અને હવે શું થશે એની રાહ જોઈ રહ્યા.

"બાળકો આજે તમને બધાને હું એક નાનકડી વાર્તા સંભળાવું છું, શાંતીથી બધા સાંભળજો", મનોહર ભાઈ બોલ્યા.

વાર્તાનું નામ પડતાં જ બધા ખુશ થઈ ગયા અને નીચે બેસી ગયા.

"બહુ સમય પહેલાની વાત છે. હિંમતપૂર નામના એક ગામમાં પહેલવાન સિંહ નામનો એક માણસ રહેતો હતો. નામ પ્રમાણે જ તે કદાવર હતો. દૂર દૂરના ગામો સુધી કુસ્તીબાજ તરીકે એનું નામ પ્રખ્યાત હતું. તેની પ્રસિદ્ધિથી અંજાઈને એક ૧૦-૧૨ વર્ષ જેટલો કિશોર જે શરીર અને શક્તિ બંનેમાં ખૂબ જ નિર્બળ હતો તે પહેલવાન સિંહ પાસે કુસ્તી શિખવા આવ્યો. તેણે પહેલવાન સિંહના ખૂબ બધા ગુણો ગાયા.પોતાની પ્રશંસા સાંભળવી કોને ન ગમે? પહેલવાન સિંહ તેનાથી ખુશ થઈ ગયો અને તેને પોતાની સાથે રાખી લીધો.

હવે પહેલવાન સિંહ જ્યા જ્યા જતો ત્યાં પેલો યુવક એની પાછળ પાછળ જતો. પહેલવાન સિંહના પોતાના માટે ફાળવવામાં આવેલ સમય પણ હવે પેલા ખૂબ નાના અને નિર્બળ એવા યુવક પાછળ જવા લાગ્યો. શરૂઆતમાં પોતાની પ્રશંસાથી ખુશ થતો પહેલવાન સિંહ હવે તેનાથી કંટાળવા લાગ્યો હતો. દરેક જગ્યાએ પાછળ ફરતો પેલો યુવક હવે તેને બંધનરૂપ લાગી રહ્યો હતો.

છેવટે એક દિવસ પેલા યુવાનને ઊંઘતો મૂકી પહેલવાન સિંહ પોતે જ કંટાળીને ગામ છોડી નીકળી પડ્યો."

"તો બાળકો હવે તમે જ જણાવો આં કહાનીનો શું સાર છે?" મનોહર બધા બાળકોની સામે પ્રશ્નાર્થ સૂચક નજરે બોલ્યા.

"ચાલો હું જ તમને સમજાવું", પોતાના પ્રશ્નનો કોઈ જવાબ ન મળતા મનોહર ભાઈ બોલ્યા.

"જુઓ બાળકો, દરેક માણસની તાકાત પ્રમાણે એની અલગ અલગ રુચિ હોય છે, વળી એની ઉંમર પ્રમાણે તેની પસંદગી અને જીવન પણ અલગ હોય છે. તેને પોતાની ઉંમર પ્રમાણે શોખ અને મિત્રતા હોય છે. માટે તમારામાંથી આં જે મોટા બાળકો છે તેમની ઉંમર પ્રમાણે તેમને અલગ અલગ રમત રમવી ગમતી હોય છે. વળી તેમની શારીરિક તાકાત પણ તમારા નાનાં બાળકો કરતાં વધારે હોવાથી તેમની રમતો પણ એવી હોય છે. તેમને પોતાની ઉંમરના બાળકો સાથે વધારે ભળે છે કેમ કે તે પ્રમાણે એમના વિચારો મળતા હોય છે.

જો તમે નાનાં બાળકો એમની પાછળ ફર્યા કરશો અને તેમની સાથે રમવા ની જીદ કર્યા કરશો તો એમનો સમય પણ તમને તે બધું સમજાવવા અને શિખવવા પાછળ જતો રહે, છતાં તમારી ઉંમર ને કારણે તમે ઘણું બધું સમજી શકો નહિ. માટે નાં છૂટકે તેમને તમારાથી દૂર રહેવા આવા બધા તુક્કા લગાવવા પડે.

એટલે સમજ્યા મારા નાના બાળુંડાઓ કેમ તમારા મોટા ભાઈઓએ આં બધું નાટક કર્યું?"

મનોહર ભાઈએ ખૂબ જ સરળતાથી વાર્તાના સ્વરૂપે સુંદર બોધ આપ્યો હતો તે સમજતા નાનાં બાળકોને જરા પણ વાર ન લાગી.

"હા પિતાજી, અમને બધું સમજાઈ ગયું કે અમે નાના હોવાને કારણે મોટા બાળકોની બધી રમતોમાં ભળી શકીએ નહિ વળી એ લોકોને એમની ઉંમરના બાળકો સાથે વધારે બને. અમારે દરેક બાબતમાં એમનું અનુકરણ કરવું જોઈએ નહિ", મીરા બાકીના બાળકોને પોતે જે વાત સમજી ગઈ હતી તે સમજાવવાના પ્રયાસરૂપે બધાના સામે જોતી બોલી.

"હા અમને સમજાઈ ગયું બધું તમે શું કહેવા માંગો છો, પણ અમે લોકો તો મોટાઓ સાથે પેલી મિલમાં જવાના જ, હે ને રાઘવ?", સુમન રાઘવ તરફ ઈશારો કરતી બોલી.

"હા કેમ નહિ વળી અમે નાનેરાઓ જવાના જ, પણ હાં અમે લોકો અમારી અલગ ટીમ બનાવી ને રમીશું", રાઘવના આટલું બોલતાની સાથે જ બધા ખડખડાટ હસવા લાગ્યા.

મનોહર ભાઈએ બાળકોને સરળતાથી ખુબજ સુંદર રીતે બહુ મોટી વાત એક સ્ટોરી સંભળાવીને સમજાવી દીધી હતી.

હવે બધા જ બાળકો માટે રિસેસમાં રમત માટે સરસ નવી જગ્યા મળી ગઈ હતી.

જ્યારે સુમન અને રાઘવના મોઢે વિગતસર બધી વાત જાણી ત્યારે મમતા બહેન કિશોરની સમસ્યા, રાઘવ અને સુમનની નીડરતા અને પોતાના પતિ એટલે કે મનોહર ભાઈની સમજદારી ઉપર ઓવારી ગયા.


***
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)