રાઘવ હવે ઝડપથી સીડી ઉતરી નીચે જવા લાગ્યો. ત્યાં સુધી પેલા બંને ભૂત સુમનની એકદમ નજીક આવી ગયા હતા. સુમન તો અચાનક આવી પડેલ આં બંને ભૂતો ને જોઈ ડરી રહી હતી અને અવાચક બની જડની જેમ ઊભી રહી ગઈ હતી. પણ રાઘવને પોતાની તરફ આવતા જોઈ એને થોડી હિંમત મળી રહી હતી.
પેલા બેઉ ભૂત હવે સુમનની ગોળ ગોળ ફરી રહ્યા હતા. ડરની મારી સુમન પોતાની બંને હથેળીથી આંખો બંધ કરી લીધી.
રાઘવ સીડી નીચે ઉતરી ગયો હતો અને ઝડપથી સુમન તરફ ગયો. પોતાને લાગતા ડર કરતા સુમન ઉપર આવી પડેલ મુશ્કેલીમાંથી તેને ઉગારવી રાઘવ માટે વધારે જરૂરી હતું માટે તે બને એટલી ઝડપથી સુમનને બચાવવા તેના તરફ દોડ્યો.
રાઘવ ગોળ ગોળ ફરતા બંને ભૂતોની પરવા કર્યા વિના તેમની વચ્ચેથી નીકળીને સુમન પાસે પહોંચી ગયો અને તેને પકડી લીધી.
રાઘવના જાણીતા સ્પર્શથી સુમનનો ડર ઓછો થયો અને તેણે પોતાની આંખો ખોલી દીધી. હવે બંને સાથે જ હતા માટે તેમના ચહેરા ઉપરનો ડર ગાયબ થઈ ગયો હતો. હવે ઘૂમી રહેલા આ ભૂતોનો સામનો કેવી રીતે કરવો બંને વિચારી રહ્યા.
ત્યાંજ સુમનની નજર એક ભૂતની નીચેની તરફ પડી તેણે ઈશારો કરીને રાઘવને તે તરફ જોવા કહ્યું. અને તે સાથે જ બંનેના ચહેરા ઉપર નાનકડી મુસ્કાન આવી ગઈ અને આંખો આંખોમાં જ વાત કરી લીધી હોય એમ એકબીજા સામે જોઈ ડોકું હલાવ્યું.
રાઘવે ધીમેથી સુમનનો હાથ છોડ્યો. અને બંને એકબીજાથી અંતર બનાવી અલગ દિશામાં આગળ વધવા લાગ્યા. જેથી પેલા ભૂતોનું ધ્યાન ભટક્યું અને એક ભૂત આગળ જઈને રાઘવે એનું સફેદ કપડું ખેંચી લીધું.
સફેદ કપડું હટતાં જ રાઘવ અને સુમન બંનેનું મોં આશ્ચર્યથી પહોળું રહી ગયું.
"તમે", બંને એકીસાથે બોલી ઉઠ્યા.
સામે બીજું કોઈ નહી પણ કિશોર ઊભો હતો. સફેદ શર્ટ ઉપર માથાથી લઈને છેક ઢીંચણ સુધીનું લાંબુ કપડું અને બ્લેક પેન્ટના કારણે તેના પગ નહોતા દેખાઈ રહ્યા. જેના કારણે તે હવામાં અધ્ધર ઊડી રહ્યો એમ લાગતું હતું.
કિશોરના પકડાઈ ગયો એમ જોઈ બીજું બનાવટી ભૂત પણ ભાગવા લાગ્યું પણ સુમને ઝડપ બતાવી તેનું સફેદ કપડું પણ ખેંચી લીધું. તે કિશોરનો ભાઈબંધ હતો.
આ બધી ભાગદોડમાં થયેલ અવાજ સાંભળી બહાર ઊભેલા બાળકો પણ અંદર આવી ગયા હતા.
કિશોર અને તેના મિત્રને અંદર જોઈ બધા અચરજમાં પડી ગયા હતા. અંદર શું થયું તે જાણવા ઉત્સુક એવા બધાની નજર હવે રાઘવ તરફ મંડાઈ.
બધાના મનમાં ચાલી રહેલ સવાલો જાણી ગયો હોય એમ રાઘવે અંદર આવ્યા બાદ બનેલ દરેક ઘટનાની વિગત ઝીણવપૂર્વક બધાને કહી સંભળાવી.
"પણ કિશોર ભાઈ તમે આવું નાટક કેમ કર્યું?" અત્યાર સુધી ચૂપ રહેલ મીરા મૌન તોડતા બોલી.
પોતે કરેલ નાટક પકડાઈ જતા કિશોર અને તેનો મિત્ર નીચી નજરો કરીને ઉભા હતા.
ત્યાં ઉભેલા નાના બાળકોની આંખોમાં ગુસ્સો તો મોટા બાળકોની આંખોમાં ગભરામણ ડોકાઈ રહી હતી.
આ બધું મે અને મારા મિત્રોએ ભેગા મળીને નાટક કર્યું હતું. આ મિલમાં વગડિયો ભૂત છે એવી વાતો અમે લોકોએ જ ફેલાવી હતી.
"પણ કેમ ભાઈ?" રાઘવની સાથે બીજા બાળકોને પણ કઈ સમજાઈ રહ્યું નહોતું.
"હા કહું છું તમને બધાને", હવે બધી વાત સાચે સાચી કહ્યા સિવાય કોઈ છૂટકો નથી એવું વિચારતો કિશોર એના મિત્રો સામે નજર કરતા બોલ્યો.
બધા છોકરાઓની નજર કિશોર સામે ખોડાંગાયેલી હતી. આ બધું કેમ કરવામાં આવ્યું હતું તે રહસ્ય જાણવા માટે દરેકના કાન અધીરા બન્યા હતા.
ત્યાંજ રિસેસ ખતમ થયાનો બેલ સંભળાયો. અને બધાના મોં ઉપર જાણે નિરાશાના વાદળો ઘેરાઈ ગયા.
**
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)