Jivansangini - 6 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | જીવનસંગિની - 6

Featured Books
Categories
Share

જીવનસંગિની - 6

પ્રકરણ-૬
(નવી શરૂઆત)

અનામિકા હવે પોતાની હોસ્ટેલ લાઈફનો એક નવો અનુભવ લેવા ચાલી નીકળી હતી. અનામિકા સુરેન્દ્રનગરમાં આવી પહોંચી હતી. ફેશન ડિઝાઇનિંગમાં કેરિયર બનાવવાનું એનું સપનું પુરું થવામાં હવે માત્ર ત્રણ જ વર્ષનું અંતર બાકી રહ્યું હતું. એ ભણવામાં પોતાનું મન પરોવવા લાગી હતી. એને ત્યાં ખૂબ જ મજા આવી રહી હતી. પણ ઝાલાવાડમાં તમે રહો અને મુશ્કેલીઓ ના આવે એવું તો બને જ નહીં ને! એ તો સૌ જાણે છે કે, ઝાલાવાડ એટલે ખતરનાક લોકોનું ગામ. અનામિકાને પણ આવી જ એક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવાનું થયું.

સુરેન્દ્રનગરની સી. યુ. શાહ પોલિટેક્નિક કોલેજમાં એ ભણતી હતી. અનામિકા હવે કોલેજના બીજા સેમેસ્ટરમાં આવી ગઈ હતી. અને હવે જ એને એક કડવો અનુભવ થવાનો હતો. એમની કોલેજના HOD કલ્પનાબેન દેસાઈ ફક્ત પોતાને મળતાં પગારથી માત્ર મોજમજા જ કરતાં અને પોતાના કામની કામચોરી પણ કરતા.

સરકાર તરફથી ત્યારે દરેક વિદ્યાર્થીઓને પોતાના ભણતર માટે સબસીડી આપવામાં આવતી હતી પરંતુ એ સબસીડી એ પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચવા જ દેતા નહીં. અને બધી જ સબસીડી એ પોતાના ઘરભેગી કરતાં. અને વિદ્યાર્થીઓને પોતાની આ કરતૂતો કોઈને ન કહેવા માટે ધમકાવતાં.

કહેવા માટે તો એ શિક્ષક હતા પણ શિક્ષક જેવો કોઈ જ ગુણ હતો નહીં એમનામાં. શિક્ષક કોને કહેવાય? સાચો શિક્ષક એ જ કે જેનો સમાજમાં વિદ્યાર્થીઓના ઘડતરમાં ખૂબ મહત્વનો ફાળો હોય છે અને જે વિદ્યાર્થીઓને ઉત્તમ ભવિષ્ય બનાવવામાં મદદ કરે છે પણ અહીં તો ઉલટી ગંગા જ વહી રહી હતી. અહીં તો કલ્પના બહેન કે જે ડિપાર્ટમેન્ટના હેડ હતા એ પોતે જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યાં હતાં. કલ્પના બહેન શિક્ષકના નામ પર એક કલંક થી વધુ કશું જ નહોતા.

બધાં જ વિદ્યાર્થીઓ એમનાથી કંટાળી ગયા હતા પરંતુ કોઈ પ્રિન્સીપાલને ફરિયાદ કરવાની હિંમત નહોતા કરતાં. કારણ કે, જો કોઈ એવું કરશે તો એમને એ પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપતાં હતા. પણ દરેક ખરાબ માણસનો ક્યારેક ને ક્યારેક તો અંત નિશ્ચિત જ હોય છે અને કોઈ ને કોઈ એમાં નિમિત્ત બનતું જ હોય છે. એમના કિસ્સામાં અનામિકા એ નિમિત્ત બની. અનામિકા અને એની સખીઓ અમિતા,
ગાયત્રી, ફોરમ, કુંદન, દર્શના અને રિંકલે આનો સખત વિરોધ કર્યો. અને કલ્પનાબહેનની ફરિયાદની લેખિત નોટિસ ગાંધીનગર સચિવાલયમાં આપી. ચાર મહિના પછી એમને ન્યાય મળ્યો અને HOD કલ્પનાબહેને બધાંની માફી માંગી. અને સજારૂપે કલ્પનાબહેનની બદલી બીજા શહેરમાં થઈ ગઈ. પરંતુ જતાં જતાં એમણે પોતાની આંખ ઉઘાડવા બદલ એમણે અનામિકાની પણ માફી માંગી. અનામિકા અને એની સખીઓએ ગાંધીગીરીથી લડત લડી અને એનો લાભ ભવિષ્યના વિદ્યાર્થીઓને થયો.

****
નિશ્ચય હજુ આમતેમ નોકરીની તલાશમાં ભટકી રહ્યો હતો. પરંતુ હજુ પણ એને એ જેવી નોકરી ઈચ્છતો હતો એવી એને હજુ મળી નહોતી. એ પોતે ખૂબ જ હોશિયાર હતો અને કોલેજમાં પણ એને ગોલ્ડ મેડલ મળેલું એટલે નોકરી માટેના એના સપના ખૂબ જ ઊંચા હતા. એવામાં એક દિવસ એ અમદાવાદની એક નાનકડી કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા ગયો. એ કંપની બહુ મોટી નહોતી અને એટલી સારી પણ નહોતી છતાં પણ એને થયું કે, હવે અહીં પણ મારી કિસ્મતને અજમાવી જોઉં. એક વખત નોકરી મળી જાય પછી બીજી સારી કંપનીમાં પણ ઈન્ટરવ્યુ ક્યાં નથી અપાતો? અને મારા અત્યાર સુધીના અનુભવે મને એવું સમજાયું છે કે, કોઈ પણ સારી કંપની અનુભવ વિના મને કામ નહીં આપે એમ વિચારીને એ અહીં ઈન્ટરવ્યુ આપવા આવ્યો હતો અને અહીં જ એના નસીબે સાથ આપ્યો અને એણે નોકરી શરૂ કરી. નોકરી માટે એને હવે અમદાવાદમાં રહેવાનું હતું. એ હવે રહેવા માટે પોતાના માટે રૂમ શોધવાની તલાશમાં લાગ્યો.

*****
આ બાજુ મેહુલ પણ પોતાના મિત્ર ઈકબાલને મળવા આવી પહોંચ્યો હતો. મેહુલને જોતાં જ ઈકબાલ એકદમ ખુશ થઈ ગયો. એણે એને આવકાર આપતાં કહ્યું, "આવ આવ મેહુલ! કેટલાં વર્ષે તારા દર્શન થયા. કેમ છે તું? ઘરમાં બધા મજામાં છે?
"હા, બધાં મજામાં છે ઈકબાલ. પણ અત્યારે તો મને તારી મદદની જરૂર છે. એટલા માટે તારી પાસે આવ્યો છું." મેહુલે કહ્યું.
"અરે! દોસ્ત માટે તો આપણી જાન પણ હાજીર હૈ!" ઈકબાલે દોસ્તીની મિસાલ આપતાં કહ્યું.
એટલે મેહુલે પોતાના ઘરની પરિસ્થિતિ એને સમજાવતાં કહયું, "ઈકબાલ! મને અત્યારે નોકરીની તાત્કાલિક જરૂરિયાત છે. મા ના દવાના ખર્ચ વધતાં જાય છે અને પપ્પાની પણ એટલી બધી આવક થતી નથી, એટલે હું જો ઘરમાં પૈસાની થોડી ઘણી પણ મદદ કરી શકું તો એ લોકોને પણ થોડી રાહત થાય. જો તું મને કંઈ મદદ કરી શકે તો... હું તો કોઈ પણ કામ કરવા માટે તૈયાર જ છું. પ્લીઝ..હેલ્પ..."
"તો તો તું બરાબર જગ્યાએ આવ્યો છે દોસ્ત. મારા ક્લાસીસમાં મને એક કોમ્પ્યુટર ઓપરેટરની જરૂરિયાત છે. તારે ખાલી હું જે કંઈ પણ સ્ટડી મટીરીયલ આપું એ ટાઈપ કરવાનું રહેશે અને એની જેટલાં વિદ્યાર્થીઓ હોય એટલી ઝેરોક્ષ કોપી કરાવવાની રહેશે. અને આ કામના હું તને વધુ તો નહીં પરંતુ 800 રૂપિયા આપી શકીશ." ઈકબાલે કહ્યું.
"મને મંજૂર છે દોસ્ત!" મેહુલે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના એને તરત જ હા પાડી દીધી.
"તો તો તું કાલથી જ અહીં આવી જા." ઈકબાલે એને કહ્યું.
"ચોક્કસ! હું કાલથી જ આવી જઈશ. તારો ખૂબ ખૂબ આભાર." આટલું કહી અને મેહુલ ત્યાંથી ખુશી ખુશી પોતાના ઘરે જવા રવાના થયો.
એની પણ હવે નોકરીની નવી સફર શરૂ થવાની હતી.

*****
અનામિકાની સત્ય સામેની આ લડતનું શું પરિણામ આવશે? શું એ પોતાના જીવનમાં પણ સત્યને સ્થાન આપશે? શું નિશ્ચય પોતાને પોતાના લેવલ કરતાં નીચી કક્ષાની નોકરીમાં અનુકૂલન સાધી શકશે? શું એને ક્યારેય પણ વધુ સારી નોકરી મળશે? શું મેહુલને વધુ સારી નોકરી મળી શકશે? શું મેહુલની જિંદગીમાં પૈસાની કમી ક્યારેય પણ પૂર્ણ થશે? શું સંબંધ રચાશે અનામિકા, નિશ્ચય અને મેહુલ વચ્ચે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.