લવ રિવેન્જ-2 Spin Off
Season -2
પ્રકરણ-17
“વ્હોટ નોનસેન્સ સિદ્ધાર્થ...!” સિદ્ધાર્થે મેરેજનું પ્રોપોઝલ મુકતા જ નેહા તાડૂકી “શું બોલે છે તું...!?”
કૉલેજના કોરીડોરમાં ઉભેલી નેહા બેચેનીપૂર્વક આમતેમ આંટા મારવા લાગી.
“એમાં નોનસેન્સ શું....!?” નોનસેન્સ શબ્દ સાંભળી સિદ્ધાર્થ ચિડાયો છતાં શાંત સ્વરમાં બોલ્યો “મેં મારું વચન નીભા’યું....! હવે તું તારું નિભાય....! તે કીધું ‘તું ...કે જો હું તારી હેલ્પ કરું...તો તું મેરેજ કરીશ...!”
પોતનાં કપાળને આંગળીઓ વડે દબાવતી-દબાવતી નેહા પરેશાન ચેહરે સિદ્ધાર્થની વાત સાંભળી રહી.
“તો હવે શું પ્રોબ્લેમ છે...!?” સિદ્ધાર્થ બોલ્યો “મેં તારી વાત માની લીધીને....! તો હવે તારો વારો છે....! તારું વચન નિભાય...!”
“ઉફ્ફ..... ગોડ સિદ્ધાર્થ....! શું થયું છે તને ....!?” નેહા હવે બરાબરની અકળાઈ અને કૉલેજની બહાર જવા કોરીડોરમાં ચાલવા લાગી “ક્યાં છે તું એ કે’...!?”
“ત્યાંજ .....!” સિદ્ધાર્થ ટૂંકમાં બોલ્યો.
“બપોર પડી....!” ચાલતાં-ચાલતાં નેહા આશ્ચર્ય પામી મનમાં બબડી પછી બોલી “હું આવું છું થોડીરવારમાં...!”
એટલું બોલીને નેહાએ કૉલ કટ કર્યો અને કૉલેજના બિલ્ડીંગમાંથી બહાર નીકળી ગેટ તરફ જવા ઉતાવળા પગલે ચાલવા લાગી. બહાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
“સારું થ્યું છત્રી લાઈ...!” ખભે ભારાવેલાં પોતાનાં હેન્ડબેગમાંથી નેહાએ ફોલ્ડેબલ છત્રી કાઢી અને કોરીડોરમાંથી બહાર નીકળતાં પહેલાં ખોલી માથે ઓઢી લીધી.
“તળ...તળ.... તળ.....!”
નેહા જેવી કૉલેજ બિલ્ડીંગમાંથી બહાર નીકળી કે તરતજ છત્રી ઉપર જોરથી પડતાં વરસાદનો અવાજ સંભળાવા લાગ્યો.
વરસાદથી સખત નફરત કરતી નેહાને એ અવાજ શોરબકોર ભર્યો લાગ્યો. ભારે વરસાદને લીધે પેવમેન્ટ ટ્રેક ઉપર ભરાયેલાં પાણીમાં ડૂબતાં પોતાનાં પગ જોતાં નેહાએ મોઢું મચકોડ્યું. તેણે પહેરેલે ડ્રેસના પાયજામાંની મોરી પાણીમાં પલળે નહિ એટલે તેણીએ એક હાથ વડે પોતાની સાથળો પાસેથી પાયજામાની બંને સાઈડની સ્લીવ સહેજ ઉંચી કરીને પકડી રાખી.
“ઈઇ....!”
પેવમેન્ટ ઉપર જામેલી લીલને લીધે નેહાનો પગ સહેજ લપસ્યો. તે પડતાં-પડતાં માંડ બચી.
“આ વરસાદ હવે જાય તો સારું....!” મોઢું બગાડીને નેહા બબડી.
ત્યાંજ તેની નજર અમસ્તા પાર્કિંગ શેડ ઉપર પડી. ત્યાં લાવણ્યા ઉભી હતી.
“હી...હી....આ છોકરી તો પાગલ થઇ ગઈ લાગે છે....!” લાવણ્યાને જોતાં નેહા હસીને મનમાં બબડી “હજુય સિદની રાહ જોવે છે....! હજુ એ બે-ચાર દિવસ નાં આવે તો....!?”
નેહાને વિચાર આવી ગયો અને તેનાં હોંઠ ઉપર કુટિલ સ્મિત આવી ગયું.
“એવું કંઈક કરવા જેવું છે....!”નેહા મનમાં બબડી અને ગેટ તરફ ચાલવા લાગી.
વિચારતાં-વિચારતાં તેણી બહાર નીકળી અને એક ઓટોવાળાને હાથ કરીને ઉભો રાખ્યો.
“શંભુ કૉફી શોપ....!” ઓટોમાં બેસીને નેહા બોલી અને પાછી વિચારોમાં ખોવાઈ ગઈ.
*****
“એ નઈ આવે....!” લંચ બ્રેક પૂરો થવાં આવ્યો છતાંય સિદ્ધાર્થ ના આવતાં રાહ જોઈ-જોઈને થાકેલી લાવણ્યા મનમાં બબડી.
આશા ભરી નજરે ગેટ તરફ જોઈ રહેલી લાવણ્યાની આંખો ભીની થઈ ગઈ.
સિદ્ધાર્થ ચોક્કસ આવશે એ વાતનો અત્યાર સુધી લાવણ્યાને વિશ્વાસ હતો. જોકે આજે પણ અડધો દિવસ વીતી જવા છતાંય લાવણ્યાને એ વિશ્વાસ તૂટતો હોવાનું લાગ્યું.
“એ નઈ આવે....! એ મને નઈ સમજે....!” લાવણ્યાના અંતરમનનાં એક ખૂણેથી હવે એ અવાજ આવી રહ્યો.
“પ....પણ....! એની આંખો.....!” પોતાનાં અંતરમન સાથે લડતી હોય એમ લાવણ્યા હવે સ્વગત બબડવાં લાગી “એની આંખોમાં મારાં ઉપર ટ્રસ્ટ હતો...! એ...એ...મ્મને સમજે છે....!”
સિદ્ધાર્થ ઉપર પોતાનો ભરોસો હજુય અકબંધ રાખતી હોય એમ લાવણ્યા પોતાની ભીની આંખો લૂંછવા લાગી.
“એ આવશે...! ચોક્કસ આવશે....!” લાવણ્યા બબડી અને પાર્કિંગમાં પાર્ક કરેલાં એક્ટિવાની સીટ ઉપર અધડૂકી બેસી ગઈ “હું રાહ જોઈશ.....!”
****
“પણ તને આમ અચાનક મેરેજ કરવાની ઉતાવળ કેમ થઈ છે....!?” નેહા ક્યારની સિદ્ધાર્થને પૂછી રહી હતી.
શંભુ કૉફી શૉપની બહારની લોબીવાળી બેઠકમાં બંને બેઠાં હતાં.
“અચાનક નઇ...!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “તે કીધું ‘તું...! કે હું વચન નિભાવું...તો તું ય નિભાઈશ....! અને મેરેજ માટે હા પાડીશ...! તો...હવે તું નિભાય...!”
“મેં એવું ક્યાં કીધું ‘તું....!?” નેહા તાડૂકી.
“જો તું ફરી ના જઈશ....!” સિદ્ધાર્થ હવે આશ્ચર્ય અને આઘાતથી ઊંચા સ્વરમાં બોલ્યો.
“શું ફરી ના જઈશ....!” નેહા પણ એવીજ રીતે તાડૂકીને બોલી “મેં કીધું ‘તું ને....! કે મારો રિવેન્જ ના પતે....ત્યાં સુધી હું મેરેજ નઈ કરું....!”
“તે એવું કીધું ‘તું...કે હું વચન નિભાઈશ..તો તું ય મેરેજ માટે હા પાડીશ...!” સિદ્ધાર્થે દલીલ કરી.
“હા તો....! મેં ક્યાં ના પાડી....!?” નેહા બોલી “મેરેજ માટે હાં તો છે...! પણ અત્યારે નઈ....!”
“આ તારી રિવેન્જની ગેમ ક્યારે પતે કોને ખબર...! ત્યાં સુધી તું મેરેજ નઈ કરે....!?”
“તું આમ અચાનક મેરેજની જીદ કેમ પકડીને બેઠો છે પણ....!?” આશ્ચર્ય પામી ગયેલી નેહાએ ફરીવાર પૂછ્યું “તને થયું છે શું...!?”
એક ઊંડો નિ:શ્વાસ ભરીને સિદ્ધાર્થે મોઢું બગાડી આડું જોયું.
“તારે મેરેજ નથી જ કરવાં....!” આડું જોઈ રહીને સિદ્ધાર્થ મનમાં બબડ્યો.
“એક મિનિટ....!?” સિદ્ધાર્થના ચેહરાના હાવ-ભાવ વાંચવા મથી રહેલી નેહા બોલી “તું બરોડા ગ્યો’તોને....!? કરણ અંકલે તો કઈં કીધું નઈને...!?”
“ના....!” સિદ્ધાર્થ બોલ્યો અને ચેયરમાંથી ઊભો થયો “પણ હવે હું કંટાળ્યો છું....!”
આશ્ચર્યથી સિદ્ધાર્થ સામે જોતાં-જોતાં નેહા પણ ઊભી થઈ.
“હું તને નવરાત્રિ સુધીનો ટાઈમ આપું છું....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “જેટલું વિચારવું હોય....! એટલું વિચારીલે...! જે કરવું હોય....! એ કરીલે....! યા તો હાં....!”
કઠોર શબ્દોમાં બોલી રહેલાં સિદ્ધાર્થ સામે નેહા આશ્ચર્યપૂર્વક જોઈ રહી.
“યા તો ના....!” સિદ્ધાર્થ ભાવિવહીન સ્વરમાં બોલ્યો “પછી હું રાહ નઈ જોવું...! તારો જે જવાબ હશે....! એ હું ઘેર કઈ દઇશ...!”
એટલું બોલીને સિદ્ધાર્થ પાછું ફર્યો અને ત્યાંથી જવાં લાગ્યો.
“તો તું વચન નઈ નિભાવે....!?” નેહાએ સહેજ ધમકીભર્યા સ્વરમાં પૂછ્યું.
“તે સરખું સાંભળ્યું નઈ....!” સિદ્ધાર્થ પાછું જોઇને કડક સ્વરમાં બોલ્યો “નવરાત્રી સુધીમાં તારે જે કરવું હોય એ કરીલે...! તારે તારો બદલો લેવો હોય તોય..! અને મારી સાથે મેરેજ કરવાં માટે વિચારવું હોય તોય...!”
એટલું બોલીને સિદ્ધાર્થ ત્યાંથી જવા લાગ્યો.
“મને ખબર છે...!” જતાં-જતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો “તું છેવટે ના જ પાડવાની છે....! એમ પણ....! તને મારા માટે કોઈ ફીલિંગ છે જ નઈ...!”
ત્યાં ઊભાં-ઊભાં નેહા આશ્ચર્યપૂર્વક અને અવિશ્વાસપૂર્વક જઈ રહેલાં સિદ્ધાર્થની પીઠ તાકી રહી. તેણીને હજી સુધી સિદ્ધાર્થનું એ બિહેવિયર સમજાઈ પણ નહોતું રહ્યું કે માનવામાં નહોતું આવી રહ્યું.
“કઈંક તો ગરબડ છે...!” જઈ રહેલાં સિદ્ધાર્થની પીઠ સામે તાકી રહેલી નેહા મનમાં બબડી.
****
“હું પાર્કિંગમાં તારી રાહ જોઈશ....!” કૉલેજનો પાર્કિંગ શેડ જોતાંજ સિદ્ધાર્થને લાવણ્યા યાદ આવી ગઈ.
શંભુ કૉફી શૉપથી નીકળી સિદ્ધાર્થ કૉલેજ આવી ગયો હતો. પાર્કિંગમાં બાઇક પાર્ક કરવાં જતાં-જતાં સિદ્ધાર્થ શેડ નીચે લાવણ્યાને “શોધી” રહ્યો.
“કદાચ કેન્ટીનમાં હશે....!” પાર્કિંગ શેડમાં લાવણ્યા ના દેખાતાં ધીમી સ્પીડે એ તરફ બાઇક લઈ જતાં-જતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો પછી.
“હુંય પાગલ છું....! હી...હી....! અત્યાર સુધી કોઈ થોડી રાહ જોવે....!” લાવણ્યા હજીપણ પોતાની રાહ જોતી હશે એમ વિચારી સિદ્ધાર્થ પોતાની ઉપર જ હસ્યો અને પાર્કિંગ શેડમાં બાઇક પાર્ક કરવાં લાગ્યો.
બાઇક પાર્ક કરી સિદ્ધાર્થ હવે કૉલેજની બિલ્ડીંગ તરફ જવા પેવમેંન્ટ ઉપર ચાલવા લાગ્યો. હળવા વરસાદના છાંટાં હજીપણ ચાલુંજ હતાં.
“ખબર નઈ એ મારાં વિષે શું વિચારતી હશે....!” મનમાં બબડતો- બબડતો સિદ્ધાર્થ હવે કેન્ટીન તરફ જતાં કોરિડોરમાં ચાલવા લાગ્યો “મેં પ્રોમિસ કરી ‘તી...!”
કોરિડોરમાં આવ-જા કરતાં સ્ટુડન્ટ્સની સામે અમસ્તું જોતાં-જોતાં સિદ્ધાર્થ મનમાં વિચારતો-વિચારતો જઈ રહ્યો હતો.
“તોય હું આઈ ના શક્યો....!”
“કેન્ટીનમાં તો જબરી ભીડ છે...!” કેન્ટીનના દરવાજે ઊભા-ઊભા સિદ્ધાર્થે કેન્ટીનમાં જામેલી ભીડ તરફ નજર ફેરવી.
કેન્ટીનમાં પ્રવેશી સિદ્ધાર્થ આજુબાજુ જોવા લાગ્યો. મોટેભાગે લાવણ્યા એન્ડ ગ્રૂપ જે જગ્યાએ બેસતું એ જ ટેબલ તરફ સિદ્ધાર્થ ચાલવા લાગ્યો.
“ગ્રૂપનુંય કોઈ દેખાતું નઈ....!” કેન્ટીનમાં લાવણ્યા કે ગ્રુપનું બીજું કોઈ ના દેખાતાં સિદ્ધાર્થ સહેજ નિરાશામાં મોઢું બનાવીને બબડ્યો અને પાછો ફરી બહાર જવાં લાગ્યો.
કેન્ટીનની બહાર નીકળી તે પાછો કોરીડોરમાં ચાલવા લાગ્યો.
“ક્યાં ગોતવી આ છોકરીને...!?” મનોમન બબડતો સિદ્ધાર્થ વિચારતો-વિચારતો જઈ રહ્યો હતો.
“અરે....! અંકિતા....!?” ત્યાંજ તેણે સામે કેન્ટીન તરફ જવા સામે મોબાઈલ મંતરતા-મંતરતા આવી રહેલી અંકિતાને જોઈ અને તેણી તરફ ઉતાવળા પગલે ધસી ગયો.
“અંકિતા....!” અંકિતાને આંતરીને સિદ્ધાર્થ ઊભો રહ્યો નાના બાળક જેવા સ્વરમાં પૂછ્યું “તે લાવણ્યાને જોઈ...!?”
“સ..સિદ...! તું આઈ ગ્યો....!?” અંકિતા થોથવાઈને બોલી “આઈ મીન..! અ...!”
“કેન્ટીનમાં તો કોઈ નઈ બેઠું....!” સિદ્ધાર્થ એવાજ મોઢે બોલ્યો “લાવણ્યા ત્યાં નઈ...!”
“એ તો ઘેર જતી રઈ...!” અંકિતા સહેજ નિરાશ સ્વરમાં બોલી અને સિદ્ધાર્થના ચેહરા સામે જોઈ રહી.
“ઓહ...!” સિદ્ધાર્થનો ચેહરો સહેજ ઉતરી ગયો અને તે નીચું જોઇને વિચારવા લાગ્યો.
“સારું....!” ધીરેથી એટલું બોલી સિદ્ધાર્થ ત્યાંથી જવા લાગ્યો.
“અ...સિદ....!” અંકિતાએ તેને ટોક્યો.
સિદ્ધાર્થ અટકયો અને પાછો ફર્યો.
“એણે તારી બવ વેટ કરી....!” અંકિતા સહેજ વધુ નિરાશ સ્વરમાં બોલી “પાર્કિંગમાં ....! પણ તું આયો જ નઈ....!”
એટલું બોલીને અંકિતા કેટલીક ક્ષણો સુધી સિદ્ધાર્થ સામે જોઈ રહી પછી પાછી ફરીને કેન્ટીન તરફ ચાલવા લાગી.
“એણે તારી બવ વેટ કરી....! બવ વેટ કરી....!”
“પણ તું આયો જ નઈ....! આયો જ નઈ....!”
અંકિતાના ગયાં પછી પણ તેણીના શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં. જાણે લાવણ્યાની તરફથી ફરિયાદ કરતી હોય તેવાં ભાવથી અંકિતા બોલી હતી.
“એને કૉલ કરી જોવું...!?” શૂન્યમનસ્ક થઇ થોડીવાર સુધી સિદ્ધાર્થ ત્યાંજ ઉભાં રહી વિચારી રહ્યો.
“રૂબરૂમાં જ વાત કરીશ....!” થોડીવાર સુધી વિચારતા રહ્યાં બાદ સિદ્ધાર્થ છેવટે માથું ધુણાવતો-ધુણાવતો બબડ્યો અને ત્યાંથી નીકળી ગયો.
****
“એણે તારી બવ વેટ કરી....! બવ વેટ કરી....!”
“પણ તું આયો જ નઈ....! આયો જ નઈ....!”
પોતાનાં ઘરની બાલ્કનીમાં ઉભાં-ઉભાં સિદ્ધાર્થ વરસી રહેલાં વરસાદને જોઈ રહ્યો હતો. અંકિતાએ કહેલા શબ્દો હજીપણ તેનાં કાનમાં પડઘાઈ રહ્યાં હતાં.
“મારે એને કૉલ કરવો જોઈતો ‘તો...!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો “ખબર નઈ એ શું વિચારતી હશે...!”
****
“marry me....!”
“મેં મારું વચન નીભાયું....તું તારું નિભાય...!”
બેડમાં પડે-પડે નેહા સિદ્ધાર્થ સાથે સવારે થયેલી વાતચીત વિષે વિચારી રહી હતી.
“તારી પાસે નવરાત્રી સુધીનો ટાઈમ છે....!”
“યા તો હા....! યા તો નાં....!”
“આ છોકરાને અચાનક શું થઇ ગ્યું....!?” ગોળ-ગોળ ઘૂમતા સીલીંગ ફેન સામે જોઈ રહી નેહા મનમાં બબડી “આમ સાવ મારી અગેન્સ્ટ બિહેવ કરવા લાગ્યો....!?”
ક્યાંય સુધી નેહા એજ વિચારી રહી હતી.
“ઓલીએ તો કંઈ કીધું નઈ હોય ને...!?” નેહાને વિચાર આવી ગયો અને તે બેડમાં બેથી થઇ ગઈ.
“નઈ..નઈ...! એની જોડે તો એણે વાત પણ નઈ કરી...! એ દિવસ પછી...!” નેહા જાતેજ મનમાં બબડી.
સિદ્ધાર્થના એ બિહેવિયરનો તાળો મેળવવા મથી રહી હોય એમ નેહા ક્યાંય સુધી વિચારતી રહી.
****
“લેટ થઈ ગ્યું...લેટ થઈ ગ્યું....!” વહેલી સવારે લાવણ્યા કોલેજ આવી પહોંચી હતી.
કૉલેજના મેઇન ગેટમાંથી જસ્ટ એન્ટર થઈ તે ઝડપથી કૉલેજ બિલ્ડીંગ તરફ જઈ રહી હતી.
“એકઝામમાં પણ લેટ લેટ....!” લાવણ્યા બબડી.
યુનિવર્સિટીની એકઝામની પહેલાં લેવાતી કૉલેજની ઇન્ટરનલ એક્ઝામનું આજે પહેલું પેપર હતું.
ગેટમાંથી એન્ટર થઈ લાવણ્યા હજીતો બે-ત્રણ ડગલાં ચાલીજ હતી, ત્યાંજ સામે જોતાંજ તેણીના પગ થંભી ગયા.
“હાય લવ.....!” સામે બ્લેક પોલો નેક ટી-શર્ટ અને બ્લ્યુ જીન્સમાં સિદ્ધાર્થ ઊભો હતો.
“સ...સિદ....!” લાવણ્યાએ માંડ પોતાની આંખ ભીની થતાં રોકી.
તે હળવેથી બે ડગલાં આગળ ચાલી અને અટકી ગઈ. સિદ્ધાર્થ પણ તેણી તરફ બે-ત્રણ ડગલાં આગળ ચાલ્યો.
“પ્લીઝ મારી વાત સાંભળી લે એકવાર લવ.....! પ્લીઝ....!” સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને બોલ્યો.
“ટ્રીઇઇઇન..... ટ્રીઇઇઇન..... ટ્રીઇઇઇન.....!” ત્યાંજ એક્ઝામ શરૂ થવાનો બેલ વાગ્યો.
“મ્મ....મારે એ...એ....એક્ઝામ છે.....!” ગળે ડૂમો ભરાઈ આવતો રોકતાં લાવણ્યા માંડ બોલી.
ઇચ્છવા છતાંય પોતે સિદ્ધાર્થથી નારાજ થઈ ના શકી. સિદ્ધાર્થનું સાવ નાના બાળકો જેવુ મોઢું જોઈ તેણીનું દિલ તરત પીગળી ગયું.
“પ્લીઝ લવ....!” સિદ્ધાર્થ લાવણ્યાની વધુ નજીક આવ્યો.
“એ....એક્ઝામ....!” લાવણ્યા માંડ એટલુંજ બોલી શકી ત્યાંજ સિદ્ધાર્થ તેણીની નજીક આવી ગયો અને તેણીનો હાથ પકડી લીધો.
“એ હું જોઈ લઇશ....!” સિદ્ધાર્થ બોલ્યો અને લાવણ્યાનો હાથ પકડીને પાર્કિંગ શેડ તરફ ચાલવા લાગ્યો “તું ચલ મારી સાથે....!”
કશું પણ બોલ્યા વગર લાવણ્યા ચૂપચાપ નાના બાળકની જેમ સિદ્ધાર્થની પાછળ દોરવાઈ.
પાર્કિંગ શેડમાં આવીને સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ હળવેથી છોડી દીધો અને પોતાનાં એન્ફિલ્ડ ઉપર બેસી શેડમાંથી બહાર કાઢવા લાગ્યો.
“ચલ....! બેસ....!” લાવણ્યાની સામે જોઈને સિદ્ધાર્થ બોલ્યો અને કશું પણ બોલ્યા વગર લાવણ્યા તેની પાછળ ઘોડો કરીને બેસી ગઈ.
ઇચ્છવા છતાં લાવણ્યા સિદ્ધાર્થને દર વખતની જેમ ચીપકીને નાં બેસી.
“અમ્મ....! પકડીને બેસજે....!” સિદ્ધાર્થે પણ એ વાત નોટિસ કરતાં ઇનડાયરેક્ટલી કહ્યું.
લાવણ્યાએ ઔપચારિકતા ખાતર સિદ્ધાર્થનાં ખભે હાથ મૂક્યો.
સિદ્ધાર્થે બાઇક ચાલુ કર્યું અને કૉલેજનાં ગેટની બહાર મારી મૂક્યું.
“રિવર ફ્રન્ટ જવા દઉંને....!?” મુખ્ય રસ્તા ઉપર બાઇક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે સહેજ પાછું જોઈને લાવણ્યાને પૂછ્યું.
“હમ્મ.....!” હકારમાં માથું ધૂણાવીને લાવણ્યાએ હુંકારો ભર્યો.
પોતે સિદ્ધાર્થથી નારાજ તો હતી છતાંપણ તે સિદ્ધાર્થ બાજુ હજુપણ એવુંજ પહેલાં જેવુ ખેંચાણ અનુભવતી હતી. જોકે સિદ્ધાર્થનું બિહેવિયર તેણીને દર વખત કરતાં થોડું અલગ “ઔપચારિક” લાગ્યું.
“કદાચ.....એ ડરે છે....!” સિદ્ધાર્થનાં ખભે હાથ મૂકીને બેઠેલી લાવણ્યા મનમાં વિચારતા બબડી “કે હું નારાજ હોઈશ...તો કેવી રીતે મને મનાવશે...!”
રિવરફ્રન્ટ પહોંચ્યા સુધી બંને વચ્ચે મૌન જળવાઈ રહ્યું.
****
“આઈ સ્વેર ….!” સિદ્ધાર્થ પોતાનું ગળું પકડીને નાના બાળકની જેમ બોલ્યો “હું સાચું કઉ છું...! લવ...!”
બંને રિવરફ્રન્ટનાં નીચેના વોક વે ઉપર બનેલી બેઠક ઉપર બેઠા હતાં. સિદ્ધાર્થે લાવણ્યાને બધી વાત કહી સંભળાવી હતી. વિકટનું અચાનક સુરેન્દ્રનગર જવું, એજ રાત્રે લાવણ્યાને ઘેર ડ્રોપ કરી બરોડા જવાનું, જતી વખતે પોતાના ફોનનું ચાર્જર ભૂલી જવું, વરસાદમાં પલળવાથી ફૉન ખરાબ થઈ જવો, પિતા કરણસિંઘને લીધે નવો ફૉન લેવામાં થયેલો delay તેમજ નવો ફૉન લીધા પછી પણ આઈફૉન ચાલુ થવામાં થયેલો વિલંબ, વગેરે બધુજ સિદ્ધાર્થે ડિટેલમાં લાવણ્યાને કહી સંભળાવ્યું. લાવણ્યાની નારાજગી દૂર કરવા માટે નાના બાળકની જેમ સફાઈ આપતો હોય સિદ્ધાર્થને બધુ એક્સપ્લેન કરતાં તેનો ચેહરો જોઈને લાવણ્યાનો બધો ગુસ્સો સાવ ઓગળી ગયો. જેમ-જેમ સિદ્ધાર્થ બધુ કહેતો ગયો, તેમ-તેમ લાવણ્યાને તેની ઉપર વ્હાલ આવતું ગયું. છેવટે લાવણ્યા અંદર-અંદર મલકાતી રહી. સિદ્ધાર્થ જે રીતે બધુ એક્સપ્લેન કરી રહ્યો હતો, તે જોતાં લાવણ્યા જાણી ગઈ કે તેણીનો પાસ્ટ જાણ્યા પછી પણ સિદ્ધાર્થનું તેણી તરફ બિહેવિયર સહેજ પણ નહોતું બદલાયું અને સિદ્ધાર્થે તેણીને એકસેપ્ટ કરી લીધી હતી. લાવણ્યા મનોમન ખુશ થઈ ગઈ. તેણીને રાહત થઇ કે સિદ્ધાર્થે તેણીને તેનાં પાસ્ટ સાથે એક્સેપ્ટ કરી લીધી હતી અને કશું પણ બોલ્યા વગર સિદ્ધાર્થે એ વાત માત્ર પોતાના બિહેવિયરથી દર્શાવી દીધી. જોકે પોતે સિદ્ધાર્થથી નારાજ છે એવું નાટક કરવા તેણીએ પોતાની ખુશી વ્યક્ત નાં થવા દીધી.
“સોરી લવ...! નવો આઈ ફૉન અપડેટ કરવામાં દોઢ-બે કલ્લાક થયા....!” સિદ્ધાર્થ એવીજ રીતે નાના બાળકની જેમ મોઢું બનાવીને બોલી રહ્યો હતો “એ પછી જૂના ફૉનનો બેક અપ....! નવા આઇફોનમાં ઈન્સ્ટોલ કરવામાં બીજા બે કલ્લાક....! પછી રાતે લેટ થઈ ગ્યું...! એટ્લે તને કૉલ કે મેસેજ નાં કર્યો....!”
“હમ્મ....! એટ્લેજ હું કાયમ કે’તી હોવ છું....!” લાવણ્યા મોઢું મચકોડીને નકલી ગુસ્સો દેખાડતી હોય એમ બોલી “કે આઈફૉન-બાયફોન લેવાયજ નઈને....! ખોટા ખર્ચા....!”
સિદ્ધાર્થ પ્રશ્નભાવે લાવણ્યા સામે મોઢું બનાવીને જોઈ રહ્યો.
“પણ.....! તે બીજા દિવસે પણ મને કૉલ કે મેસેજ નાં કર્યો....!? હમ્મ....!?” લાવણ્યાએ હવે સિદ્ધાર્થનો ગાલ પકડીને ખેંચ્યો.
“આહ....આ.....! પ..પણ...! મને એમ કે તું નારાજ હોઈશ....!” સિદ્ધાર્થ લાવણ્યાનો હાથ પકડીને બોલ્યો.
“એ તો હું છું જ....!” લાવણ્યાએ ફરીવાર મોઢા ઉયપર નકલી ગુસ્સાનાં ભાવ લાવ્યા અને સહેજ વધુ જોરથી સિદ્ધાર્થનો ગાલ ખેંચ્યો.
“સોરીઈઈ....!” સિદ્ધાર્થ દર્દથી કણસીને બોલ્યો.
“હમ્મ....!” લાવણ્યાએ છેવટે સિદ્ધાર્થનો ગાલ છોડ્યો.
“આટલું બધું જોરથી કોઈ ખેંચે....!?” પોતાનાં ગાલ ઉપર હાથ ફેરવતાં સિદ્ધાર્થ બોલ્યો.
લાવણ્યા થોડીવાર સુધી સિદ્ધાર્થ સામે જોઈ રહી.
“થેન્ક્સ સિદ....!”લાવણ્યા હળવા સ્વરમાં બોલી અને સિદ્ધાર્થના ખભે ધીરેથી માથું ઢાળી દીધું “મારો પાસ્ટ એકસેપ્ટ કરવા માટે....!”
કશું બોલ્યાં વગર સિદ્ધાર્થ સામે દેખાતી સાબરમતી નદી સામે તાકી રહ્યો. સિદ્ધાર્થના ખભે માથું ઢાળી લાવણ્યા પણ નદી સામે તાકી રહી. તેણીનું મન સાવ હળવુંફુલ થઈ ગયું.
કેટલીક ક્ષણો બંને વચ્ચે મૌન પથરાઈ ગયું.
“તારે કઈં પૂછવું છે....!?” લાવણ્યાએ સિદ્ધાર્થની સામે જોયું “મારાં પાસ્ટ વિષે તને કોઈ ક્વેશચન હોય તો..!?”
“એણે તને આરવ વિષે ના કીધું...!? આરવ વિષે ના કીધું...!?””
સિદ્ધાર્થ લાવણ્યા સામે શૂન્ય ભાવે જોઈ રહ્યો. તેનાં મગજમાં આરવ વિષે પ્રશ્ન ઘૂમરાઈ રહ્યો હતો.
“આરવ એનો પાસ્ટ નઈ....!? એનો પાસ્ટ નઈ....!?”
“સિદ.....!?” વિચારોમાં ખોવાઈ ગયેલા સિદ્ધાર્થને જોઈને લાવણ્યાએ તેનો હાથ હળવેથી દબાવીને ફરી પૂછ્યું.
“અમ્મ...તારે કશું કે’વાનું રઈ તો નઈ ગ્યું ને...!?” યાદ અપાવતો હોય એમ સિદ્ધાર્થે ઈનડાયરેક્ટલી પૂછ્યું.
“ટ્રીન....ટ્રીન...ટ્રીન.....!” લાવણ્યા બોલવા જ જતી હતી ત્યાંજ સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.
પોતના જીન્સના પોકેટમાંથી તેણે મોબાઈલ કાઢીને સ્ક્રીન ઉપર નંબર જોયો.
“નેહા....!” સિદ્ધાર્થ ધીમેથી બબડ્યો.
લાવણ્યાએ પણ સિદ્ધાર્થના ફોનની સ્ક્રીન ઉપર નંબર જોયો.
કૉલ કટ કરી સિદ્ધાર્થે ફોન સાઈલેન્ટ કર્યો અને પાછો જીન્સના પોકેટમાં મૂક્યો.
“ચલ....!” બેઠક પરથી ઊભા થઈ સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો “કઈંક ખાઈએ....! મને ભૂખ લાગી છે....!”
લાવણ્યા પણ સામું સ્મિત કરીને ઊભી થઈ. બંને રિવરફ્રન્ટના અપર વોક વે ઉપર જવા સીડીઓ તરફ ચાલવા લાગ્યાં.
“એણે મેરેજ માટે હા પાડી....!?” ચાલતા-ચાલતા લાવણ્યાથી પૂછાઇ ગયું.
“ના....! એને અત્યારે મેરેજ નઈ કરવા....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં પરાણે સ્મિત કરીને બોલ્યો.
“હમ્મ....! એને ભણવું હશે.....!” લાવણ્યા મજાકીયા સ્વરમાં બોલી.
“હી...હી....!” સિદ્ધાર્થ પરાણે હસ્યો અને સામે જોઈને ચાલવા લાગ્યો.
ત્યાંથી નીકળીને બંને લૉ ગાર્ડન આવ્યા અને પાઉંભાજી જમ્યા. જમીને તેઓ અમસ્તુંજ લૉ-ગાર્ડન આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશનમાં જઇ આવ્યાં. સિદ્ધાર્થે પોતાને એકસેપ્ટ કરી લીધી છે એ જાણી લાવણ્યા પાછી પોતાના અસસલ મૂડમાં આવી ગઈ. તે હવે બાઇક ઉપર સિદ્ધાર્થને ચિપકીને બેઠી અને પાછી ફ્લર્ટ અને છેડતી કરવા લાગી. વારેઘડીએ સિદ્ધાર્થના ગાલ ખેંચી-ખેંચીને તેણે સિદ્ધાર્થને હેરાન-પરેશાન કરી દીધો. મોડે સુધી ફર્યા બાદ સિદ્ધાર્થ લાવણ્યાને રાતે લગભગ દસેક વાગ્યે ઘેર ડ્રોપ કરી ગયો.
****
“તે મારો ફૉન કેમ ના ઉપાડયો....!?” મોડી રાતે સિદ્ધાર્થ સાથે વાત ફૉન ઉપર વાત કરતી વખતે નેહાએ ગુસ્સામાં પૂછ્યું.
“હું લાવણ્યા જોડે હતો....!” સિદ્ધાર્થ શાંત ભાવવિહીન સ્વરમાં બોલ્યો.
“ઓહ ગ્રેટ....! સરસ....!” નેહા ટોંન્ટ મારતાં બોલી.
“કેમ....!? તું તો ઈચ્છે જ છે ને....!” સિદ્ધાર્થે પણ સામે ટોંન્ટ માર્યો “કે હું એની જોડે રખડું....!?”
“તારે મારી જોડે આજ રીતે વાત કરવી છે....!?” નેહા બોલી “તને અચાનક થયું છે શું....!?”
“કઈં નઈ થ્યું.....!” સિદ્ધાર્થ સામે શાંતિથી બોલ્યો “તું જે ઈચ્છે છે....! એજ હું કરું છું...! હું મારું પ્રોમિસજ નિભાવું છું....! તું તારું નિભાય....!”
“જો છે પાછો....! ફરીવાર એજ જિદ્દ....!” નેહા અકળાઈ “ફાઇન..! મારો જવાબ સાંભળીલે....! મારે મેરેજ નઈ કરવા ઓકે...!”
“તો હું ઘેર બધાને કઈ દવ...!?” સિદ્ધાર્થ એવીજ શાંતિ જાળવીને બોલ્યો “કે તે ફાઈનલી ના પાડી છે...!?”
“તું શું કામ....!? હું જ કઈ દઇશને....!” નેહા સામે ધમકીભર્યા સ્વરમાં બોલી “હું જ પપ્પાને કઈ દઇશ...! અને પપ્પા કરણઅંકલ કે સુરેશઅંકલને મારો જવાબ કઈ દેશે...! ખુશ...!?”
“ગ્રેટ....!” સિદ્ધાર્થ ટોંન્ટમાં બોલ્યો અને કૉલ કટ કરી દીધો.
તે જાણતો હતો કે નેહા ગુસ્સામાં બોલી ગઈ.
સિદ્ધાર્થે કૉલ કટ કરી દેતાં છંછેડાયેલી નેહાએ પોતાનો ફૉન બેડમાં ઘા કર્યો.
ત્યાર પછીના થોડાં દિવસ બંને વચ્ચે એકની એક વાતે ઝઘડાં કોમન થઈ ગયા. સિદ્ધાર્થની એકની એક જિદ્દની સામે નેહા પણ એજ જિદ્દ ઉપર અડેલી રહી. કૉલેજ કેન્ટીનમાં પણ નેહા સિદ્ધાર્થને કોઈને કોઈ વાતે ટોંન્ટ માર્યા કરતી. સિદ્ધાર્થને ટોર્ચર થતાં જોઈએ લાવણ્યા પણ દુ:ખી થઈ જતી.
****
લગભગ પંદરેક દિવસ પછી.......
નેહા તરફથી સતત જાકારો મળતાં સિદ્ધાર્થ કંટાળ્યો હતો અને મેરેજ માટે સિદ્ધાર્થે છેવટે તેણીને મનાવવાનાં પ્રયત્નો પડતાં મૂક્યાં હતાં. તેણે નેહા બાજુથી પોતાનું ધ્યાન હટાવી અન્યત્ર લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. એમ કરવામાં જોકે એને ખાસ મુશ્કેલી નહોતી પડી. કેમકે લાવણ્યાએ ખૂબ ઝડપથી સિદ્ધાર્થનું મન પોતાનાં તરફ ડાયવર્ટ કરી દીધું હતું. લાવણ્યાની નિખાલસતા સિદ્ધાર્થને સ્પર્શી ગઈ હતી. જોકે સિદ્ધાર્થ હજીપણ રાહ જોઈ રહ્યો હતો કે લાવણ્યા આરવ વિષે પણ વાત કરે. પોતાનાં ભૂતકાળ વિષે સિદ્ધાર્થને બધુજ સાચું કહી દેનાર લાવણ્યાએ ઈમાનદારીથી પોતાનાં અન્ય છોકરાઓ સાથેનાં લફરાં, sexual રિલેશન વગેરે વિષે બધુજ કોઈપણ જાતનાં સંકોચ વિના સાચેસાચું કહી દીધું હતું. આથી જ સિદ્ધાર્થ એમ માનતો હતો કે આટલું સ્પષ્ટ જે છોકરી પોતાનાં ભૂતકાળ વિષે તેને કહી શકતી હોય, એ છોકરી આરવ વિષે જાણી જોઇને ના છુપાવે. કોઈ કારણસર આરવની વાત લાવણ્યાના મનમાંથી નીકળી ગઈ હતી.
“ખૂબ નાની ઉંમરમાં એની ઉપર રેપ થયો ‘તો....! કદાચ એ વાતનાં આઘાતમાં તે આરવ વિષે કે’વાનું ભૂલી ગઈ હશે....!” સિદ્ધાર્થ કાયમ આ રીતે મન મનાવતો.
જોકે આરવના પગ કપાઈ જવા જેવી વાત પણ ઘણી મોટી અને આઘાતજનક હોવાથી ઘણીવાર સિદ્ધાર્થને લાગતું કે લાવણ્યા એ ડરને લીધે એ વાત જાણીજોઈને છુપાવી હશે. છતાય, આરવ સિવાયના પોતાના ભૂતકાળ વિષે જેમ લાવણ્યાએ બધું કહી દીધું એમ આરવ વિષે પણ કોઈક દિવસ કહીજ દેશે એવો વિશ્વાસ સિદ્ધાર્થને સતત તેણી ઉપર થયા કરતો.
લાવણ્યાનું મુક્ત બિહેવિયર ઘણીવાર સિદ્ધાર્થને આશ્ચર્યચકિત કરતુ. ફલર્ટ હોય કે છેડતી, વ્હાલથી સિદ્ધાર્થના ગાલ ખેંચવાના હોય કે જોર્જોરાઈથી તેને વળગી પડવાનું હોય, લાવણ્યા કોઈજ જાતના ડર, શરમ કે સંકોચ વિના આ બધું કરતી. દિવસમાં એકવાર તો તેણી સિદ્ધાર્થની છાતીમાં માથું દબાવીને તેને વળગી રહેતી.
“મને બવ રીલેક્સ ફિલ થાય છે....!” સિદ્ધાર્થ જયારે પણ એમ વળગવાનું કારણ પૂછાતો તો લાવણ્યા એજ જવાબ આપતી.
બંને એકબીજાની ઘણા નજીક આવી ગયાં હતાં. કોલેજ સિવાય બંને ઘણોબધો સમય જોડે પસાર કરતાં. મોડે સુધી રિવરફ્રંટ પર બેસી રહીને વાતો કરતાં રહેવી એ જાણે તેમનો નિત્યક્રમ થઇ ગયો હતો. એ સિવાય શોપિંગ, કોફીશોપ, મૂવી, હરવાં-ફરવાંનું વગેરે પણ તેમના માટે રૂટિન થઈ ગયું હતું. કોલેજ સિવાય પણ બંને લગભગ પાંચ-છ કલ્લાક જેટલો સમય સાથે ગાળતાં.
લાવણ્યાની લાઈફમાં સિદ્ધાર્થનાં આવ્યાં પછી તે સમૂળગી બદલાઈ ગઈ હતી. પોતાનાં ઉપર તેમજ પોતાની સુંદરતા ઉપર તેનો ઘમંડ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અગાઉ પોતાનાં અન્ય મિત્રો જેમની જોડે તે કાયમ ઉદ્ધત વર્તન કરતી તેમની જોડેપણ તે હવે એકદમ સારું કહેવાય તેવું વર્તન કરતી. તેણે પોતાનો સ્વાર્થી સ્વભાવ ત્યજી દીધો હતો. હવે તે પોતાનાં મિત્રોની મદદ પણ કરતી. ગ્રૂપનાં તેમજ કોલેજનાં અન્ય લોકોએ તેનાં બિહેવિયરમાં આવેલાં પરિવર્તનને નોટિસ કર્યું હતું.
"આજે ચ્હામાં દમ નથી યાર....!" કેન્ટીનમાં ટેબલની ફરતે બેઠેલાં પ્રેમે કહ્યું.
નેહા, તેની એક બાજુ પ્રેમ, બીજી બાજુ લાવણ્યા, પછી સિદ્ધાર્થ, ત્રિશા, રોનક, કામ્યા વગેરે પણ બેઠાં હતાં.
પ્રેમ સિવાય લગભગ બધાજ પોત-પોતાનાં ફોન મંતરી રહ્યાં હતાં. સિદ્ધાર્થ અને લાવણ્યા હજી "just" આવ્યાં હતાં."
“સિદ..! તારે બોર્નવિટાવાળું દૂધ નઈ પીવું...!?" લાવણ્યાએ પ્રેમથી પૂછ્યું.
બધાને હવે નવાઈ લાગતી હતી કે નેહાએ લગ્નની ના પડતાંજ લાવણ્યાએ ખૂબ ઝડપથી સિદ્ધાર્થને પોતાની બાજુ “ખેંચી” લીધો હતો. આ વાતથી જોકે નેહાને કોઈ પ્રોબ્લેમ નહોતી કે પછી નેહા એવો દેખાડો કરતી હતી..
"હાં.....! મંગાઈલે....!" મોબાઈલ મંતરી રહેલાં સિદ્ધાર્થે ફોનમાંથી નજર હટાવ્યાં વિના કહ્યું.
"એ બચ્ચન....!" લાવણ્યા કેન્ટીનમાં કામ કરનાર એ ફેમસ છોકરાંને બૂમ પાડી.
"હાં...! બોલો મેડમ....!" બચ્ચને લાવણ્યાની જોડે ઊભા રહીને પૂછ્યું.
"એક બોર્નવિટાવાળું દૂધ અને બીજા બધાંને જે ખાવું હોય તે....!" લાવણ્યા બધાં તરફ જોયું.
"લાવણ્યા...! શું વાત છે...!?" નેહા તેની સામે જોઈને ટોન્ટમાં બોલી "તું પાર્ટી આપે છે...!? સિદ્ધાર્થને પટાયાની...!?"
"ના.....! પૈસાંતો હુંજ આપીશ....!" લાવણ્યા કઈ બોલે એ પહેલા સિદ્ધાર્થ તેનાં ફોનમાંથી નજર હટાવ્યાં વિના બોલ્યો "તારે પૈસાં ખરચવાની કોઈ જરૂર નથી લવ....!" સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં પેટ નેમ "લવ" કહીને બોલાવી.
નેહા સહિત હવે બધાંને નવાઈ લાગી. જાહેરમાં બીજાં બધાના સાંભળતાં સિદ્ધાર્થે પહેલીવાર લાવણ્યાને તેણીના પેટનેમથી બોલાવી હતી.
"બહુ જલ્દી મુવ ઓન થઈ ગયો તું તો..!" નેહાએ સિદ્ધાર્થ સામે જોઈને કટાક્ષ કર્યો.
"તો તું શું ઈચ્છે છે....!?" સિદ્ધાર્થે હવે તેની સામે જોયું અને રુક્ષ સ્વરમાં બોલ્યો "હું તારી પાછળ-પાછળ તારો દુપટ્ટો પકડીને ફર્યા કરું....!?"
"મે ક્યાં એવું કીધું...!?" નેહાએ હાથ ઊંચાં કર્યા.
"અરે બસ કરો...!" લાવણ્યા વચ્ચે બોલી "પતી ગયુને હવે....!?"
નેહા સામે કતરાઈને જોઈ રહ્યાં પછી સિદ્ધાર્થ પાછો ફોનમાં જોવા લાગ્યો.
"મારે માટે ચ્હા-મસ્કાબન....! રોનક તું....!?" ત્રિશાએ કહ્યું અને રોનક સામે જોયું. તેણે હકારમાં માથું ધૂણાવ્યું.
"ભાઈ બચ્ચન....! ચ્હા થોડી સારી લાવજે યાર...!" પ્રેમ બોલ્યો. બીજા બધાંએ પણ પોતાનું ગમતી વસ્તુ ઓર્ડર કર્યા પછી બચ્ચન જતો રહ્યો.
"અરે પાર્ટીથી યાદ આવ્યું...!" રોનક તેનાં ફોનમાંથી નજર ઉઠાવીને બોલ્યો. બધાંએ તેની સામે જોયું "થોડાં દિવસ પછી કોલેજનો સ્થાપના દિવસ છે....! શું કે'વું છે...!? ગઈ વખતની જેમ આ વખતે પણ ધમાલ પાર્ટી કરવી છે..!?"
"ના યાર....!" ત્રિશા નિરાશ સ્વરમાં બોલી "પાર્ટી બહુ લેટ નાઈટ ચાલતી હોવાથી ઘરેથી ના પાડે છે...!"
"હમ્મ....! સાચી વાત" કામ્યા બોલી "મને પણ ઘરેથી નઇ નીકળવા દે...!"
"મારે પણ એજ પ્રોબ્લેમ છે..! મારાં બાપા નઇ માને..!" ત્રિશાની જોડે બેઠેલી અંકિતા બોલી.
"અરે યાર છોકરીઓને કાયમ આજ માથાકૂટ....!" રોનક બોલ્યો.
"જો હું મનાઉ તો....!" સિદ્ધાર્થ ચેયરમાં રિલેક્સ થતાં બોલ્યો "તમારાં બધાંયના મમ્મી-પપ્પાને...!?"
ત્રિશા અને અંકિતાનાં ચેહરા ઉપર સ્મિત આવી ગયું અને બંને એકબીજા સામે જોઈ રહી.
"હું એમને કઈશ કે હું ટ્રસ્ટી સાહેબનો ભાણિયો છું....!" સિદ્ધાર્થ બોલ્યો "અને કોલેજમાં મારી કારમાં છોકરીઓને સલામત લઈ જવાની અને ઘરે પાછાં ડ્રોપ કરી જવાની જવાબદારી મારી....! તો...!?"
"તું શ્યોર આઈશ મારાં ઘરે...!?" અંકિતા બોલી.
"હાં...! જો તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો...!" સિદ્ધાર્થ બોલ્યો.
"ના કોઈ પ્રોબ્લેમ નથી....!" બંને લગભગ સાથેજ બોલ્યાં.
"જો તું મારાં મોમ-ડેડને મનાવી લઉં....!" અંકિતા બોલી "તો હું તને તેનાં બદલે એક કિસ આપીશ...!" અકીતાએ તેની આંખ મિચકારી.
"ઓયે...!" લાવણ્યાએ ઘુરકીને તેની સામે જોયું.
"તો તારું કામ થઈ ગયું સમજ...!" લાવણ્યાને ચીડવતો હોય એમ સિદ્ધાર્થ તેણી સામે જોઈને બોલ્યો.
"ઓયે...!?" લાવણ્યાએ હવે ચિડાઈને સિદ્ધાર્થ સામે જોયું.
"તું તો જબરો ફાસ્ટ છે...!" નેહાએ ફરી કટાક્ષ કર્યો.
" તું કે'વા શું માંગે છે...!?" લાવણ્યાએ ચિડાઈને હવે નેહાની સામે જોયું.
"એ એમ કે'વા માંગે છે...!" સિદ્ધાર્થ બોલ્યો "કે મારે હજી બીજા દસ મહિના એની પાછળ-પાછળ એને મનાવવા ફરવાનું હતું....! પછી કોઈ બીજી છોકરી જોડે જવાનું હતું...!"
સિદ્ધાર્થ એટલું રુક્ષ અને તીખાં સ્વરમાં બોલ્યો કે નેહા સમસમી ગઈ અને તેની સામે જોઈ રહી. લાવણ્યા હવે ડરી ગઈ. નેહા અને સિદ્ધાર્થ વચ્ચેની ચકમકને લીધે તે એટલુંતો સમજી ગઈ કે સિદ્ધાર્થ હજીપણ નેહા તરફ ઢાળેલો છે. લાવણ્યાને નવાઈ એ વાતની લાગતી કોઈ બીજાનાં પ્રેમમાં હોવાનો દાવો કરતી હોવાં છતાંપણ નેહા શા માટે એવું ઈચ્છે છે કે સિદ્ધાર્થ તેની પાછળ લાગેલો રહે?
"તું શા માટે એને આ રીતે ટોર્ચર કરે છે....!?" લાવણ્યાએ નેહાને રડમસ સ્વરમાં પૂછ્યું "તું એની જોડે મેરેજ કરવાં નહોતી ઇચ્છતી....! તે ના પણ પાડી દીધી....! તો પછી હવે એને હેરાન શું કામ કરે છે...!?"
નેહા થોડીવાર સિદ્ધાર્થની સામે ઘુરકીને જોઈ રહી. બધાં નેહાની સામે જોઈ રહ્યાં.
"ક્યાંક નેહા પણ સિદ્ધાર્થને પ્રેમ તો નઇ કરતી હોયને...!?" નેહાના ચેહરા ઉપર જેલસીના ભાવ જોઇને લાવણ્યાનાં મનમાં હવે એક આશંકાએ જન્મ લીધો.
"મને એવી કોઈ પરવા નથી....!" થોડીવાર પછી નેહા બોલી અને ફરી તેનાં ફોનમાં જોવાં લાગી.
"તો પછી ડન...!" થોડીવારે વાતાવરણ નોર્મલ થયાં પછી રોનક બોલ્યો "પાર્ટીનું નક્કી....!"
"શું ડન...!? તું આપવાનો છે....!?" લાવણ્યા બોલી "ટ્રસ્ટી સાહેબને કોણ મનાવશે...!?"
બધાંએ સૂચક નજરે સિદ્ધાર્થ સામે જોયું. લાવણ્યાએ પણ તેની સામે જોયું.
"કેમ...!? એમાં શું મનાવાનું...!?" સિદ્ધાર્થે પૂછ્યું "તમે કો'છોને દર વખતે પાર્ટી થાયજ છે...!"
"ના...! એ તો સિમ્પલ પાર્ટી જેવી પાર્ટી હોય છે....! ગેસ્ટ આવે, મેળાવળો થાય...! બધાં જમે અને ઘરે જાય....!" લાવણ્યા બોલી "કોઈ ધમાલ પાર્ટી નહીં..! એના માટેતો અમે ટ્રસ્ટી સાહેબને ગઈ વખતે બહુ કગર્યા'તા....!"
" તો કઈં વાંધો નઈ..!" સિદ્ધાર્થ બોલ્યો "હું જોઈ લઇશ...! તમે લોકો કોલેજમાં ખબર ફેલાઈ દો....!"
"ટ્રસ્ટીની મંજૂરી વગર...!?" અંકિતાએ થોડાં ભયથી પૂછ્યું.
"કહ્યુંતો ખરા....! હું જોઈ લઇશ....!" સિદ્ધાર્થ ફરી બોલ્યો "તમે લોકો બસ ગ્રુપ બનાઈ પાર્ટીની તૈયારી કરો...! બાકી મારે જોવાનું...!"
સિદ્ધાર્થ તેની ચેયર ખસેડતાં ઊભો થયો.
"તું ક્યાં જાય છે....!?" લાવણ્યા પણ ઊભી થતાં બોલી.
"ટ્રસ્ટી સાહેબને મલવા....!" સિદ્ધાર્થ બોલ્યો "પાર્ટીની વાત કરી લઉંને....!"
"હું પણ આવું ચલ....!" લાવણ્યા તેની બેગ લેતાં બોલી.
"નાં લવ....! હું જઈ આવું પછી આપણે ક્યાંક જઈએ....!" સિદ્ધાર્થ ક્યૂટ સ્માઇલ આપીને બોલ્યો અને પાછો ફરીને કેન્ટીનની બહાર ચાલવા લાગ્યો.
જતાં-જતાં તેણે ચેયરમાં બેઠેલી નેહા સામે જોયું. તે ઘુરકીને સિદ્ધાર્થ સામે જોઈ રહી હતી.
કેન્ટીનમાંથી બહાર જતી વખતે સામેથી તેણે બચ્ચનને તેમનાં ગ્રૂપનો ઓર્ડર લઈને આવતો જોયો. રસ્તામાંજ ઊભાં રહીને સિદ્ધાર્થે બોર્નવિટાવાળા દૂધનો ગ્લાસ ટ્રેમાંથી લઈને ગટાગટ પી લીધો.
"પૈસાં મારાં ખાતાંમાં...!" સિદ્ધાર્થે ગ્લાસ પાછો ટ્રેમાં મૂક્યો અને ચાલવાં લાગ્યો.
નેહા સિદ્ધાર્થને જતો જોઈ રહી હતી અને લાવણ્યા ભયથી નેહાની તરફ. જે ડરી રહી હતી કે ક્યાંક જે આશંકાએ તેનાં મનમાં જન્મ લીધો છે એ સાચી નાં પડે. કેમકે હજીપણ સિદ્ધાર્થ જોઈએ તેટલો તેની સાથે નહોતો ખૂલ્યો. એકવાર સિદ્ધાર્થ તેની બાજુ પૂરેપૂરો ઢળી થઈ જાય એટ્લે પછી નેહા તરફ પાછાં ફરવાનો કોઈ જોખમ નહોતું.
પોતાનો મોબાઇલ કાઢીને લાવણ્યાએ વિશાલને watsappમાં મેસેજ કરવાં માંડ્યો.
"સાંજે ખેતલાપા મલ...!" લાવણ્યાએ મેસેજ સેન્ડ કર્યો "અર્જન્ટ છે...!"
કેન્ટીનમાંજ બેઠો-બેઠો વિશાલ તેનો મોબાઈલ મંતરી રહ્યો હતો.
"તારે સિદ્ધાર્થ જોડે નથી જવાનું?" તેણે લાવણ્યાનો મેસેજ રીડ કરીને રિપ્લાઇ કર્યો.
"તને કેમની ખબર..!?" લાવણ્યાને નવાઈ લાગતાં તેણે ફટાફટ ટાઈપ કરીને પૂછ્યું.
"એમાં ખબર શું...!? છેલ્લાં પંદર દિવસમાં તે આજે મને મળવા માટે યાદ કર્યો...!" વિશાલે રિપ્લાઇ આપ્યો.
"એવું કઈં નથી...! તું મળને....! મારે કામ છે...!" લાવણ્યાએ જવાબ આપવાનો ટાળી મેસેજ કર્યો.
"કેટલાં વાગ્યે...!?" વિશાલનો મેસેજ આવ્યો.
"પાંચ....!" લાવણ્યાએ ટાઈમનો મેસેજ સેન્ડ કર્યો અને તરતજ બીજો મેસેજ સેન્ડ કર્યો "ok bye....!"
વિશાલે જવાબમાં thumbs upનું સ્ટિકર મોકલી હા પાડી.
***
“તો અમે પાર્ટી કરીએ એમાં તમને કોઈ વાંધો નઈને મામા...?” મામા સુરેશસિંઘની કેબીનમાં સામેની ચેયરમાં બેસીને સિદ્ધાર્થ તેમની સાથે વાત કરી રહ્યો હતો.
કૉલેજના સ્થાપના દિવસની પાર્ટી માટે તેમણે મંજુરી આપી દીધી હતી.
“ના..! પણ મેનેજમેન્ટ બધું તમારે છોકરાઓએ જોઈ લેવાનું....!” સુરેશસિંઘ તેમના ડેસ્ક ઉપર પડેલા કાગળીયા ઉથલાવતા - ઉથલાવતા બોલ્યાં.
“ઓકે....! અમે કરી લઈશું...!” એટલું બોલીને સિદ્ધાર્થ ઉભો થયો અને કેબીનની બહાર જવા લાગ્યો.
“સિદ્ધાર્થ....!” સુરેશસિંઘે તેને ટોક્યો.
“હા....!?” સિદ્ધાર્થ પાછું ફરીને ઉભો રહ્યો.
“તારે અને નેહાને કોઈ માથાકૂટ ચાલે છે....!?” સુરેશસિંઘે સીધુંજ પૂછ્યું.
“અમારે રોજનું હોય છે...!” સિદ્ધાર્થ સપાટ સ્વરમાં બોલ્યો “તમે એને ઓળખોજ છો...! એ જીદ્દીલી છે....!”
“હમ....!” સુરેશસિંઘ હળવું હસ્યાં અને નીચું જોઈ કાગળિયાંમાં નજર કરી બોલ્યા “હવે નવરાત્રી નજીક આવે છે...! તો એની જે જિદ્દ હોય....!”
સુરેશસિંઘે પાછું સિદ્ધાર્થ સામે જોયું
“એ પૂરી કર...! અને મેરેજ અંગે ઝડપથી નિર્ણય લો...! બઉ થયું હવે....! નોરતા પછી ગોઠવી દેવું છે...!”
“પણ નેહાતો નાં પાડે છે...!” સિદ્ધાર્થે દલીલ કરી.
“એ તો પે’લાં પણ નાંજ પાડતી’તી ને.....! એને મનાવાજ તો તું આયો ‘તો....!”
“પણ એ...!”
“સિદ્ધાર્થ....!” સુરેશસિંઘે તેની સામે હથેળી કરીને કહ્યું “સાંભળ....! બધા બૈરા આવા જ હોય....! એમની જિદ્દ સામે આપડું કશું નાં ચાલે....!”
“તો મારું એની સામે એમપણ કશું જ નઈ ચાલતું...!” સિદ્ધાર્થ ટોન્ટમાં બોલ્યો.
“તો તું એની સાથે નાહકની માથાકૂટ શા માટે કરે છે....!?” સુરેશસિંઘે પૂછ્યું “એની વાત માનીલેતો હોય તો....!?”
“તો પછી નોરતા પછી ભૂલી જાઓ મામા....!” સિદ્ધાર્થ રુક્ષ સ્વરમાં બોલ્યો “કેમકે એ તો અત્યારે મેરેજ કરવાની ધરાર નાં જ પાડે છે.....!”
“તકલીફ શું છે....!?” સુરેશસિંઘે પૂછ્યું.
“મને નઈ ખબર....!” ખભા ઉછાળી સિદ્ધાર્થે ઉડાઉ જવાબ આપ્યો “તમે એને જ પૂછો...!”
“એ તારી થવાવાળી વાઈફ થઈને તને ના કે’તી હોય....!? એવું બને...!?” સુરેશસિંઘ સહેજ ચિડાયા પછી આદેશ આપતા હોય એમ બોલ્યા “એની સાથે સરખી વાત તો કર....!”
“સારું...!” એટલું કહીને સિદ્ધાર્થ કેબીનની બહાર નીકળી ગયો.
કેબીનની બહાર નીકળી માથું ધુણાવતો-ધુણાવતો તે ત્યાંથી જવા લાગ્યો. પોતાનો મોબાઈલ હાથમાં લઈને તેણે લાવણ્યાનો નંબર ડાયલ કર્યો.
“હા બોલ...!” સિદ્ધાર્થનો કૉલ રીસીવ કરી લાવણ્યાએ સામેથી કહ્યું.
“હું પાર્કિંગમાં છું...!” સિદ્ધાર્થે ટૂંકમાં કહ્યું.
“આઈ....! પાંચ જ મિનીટમાં....!” લાવણ્યા બોલી અને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો.
મોબાઈલ જીન્સના પોકેટમાં મુકતો-મુકતો તે હવે પાર્કિંગ શેડ તરફ ચાલવા લાગ્યો.
***
“ખબર નઈ એને શું થ્યું છે....!?” કંટાળેલી નેહા માથું ધુણાવીને બોલી “મને તો લાગે છે....કે ઓલીએજ કંઈક મંત્ર્યું છે....!”
સામે અક્ષય બેઠો હતો. સિદ્ધાર્થના બિહેવિયર અને મેરેજ માટે હા પાડવાની જિદ્દથી મૂંઝાયેલી નેહાએ તેને મદદ માટે બોલાવ્યો હતો. બંને શંભુ કૉફી શોપની બહારની બેઠકમાં બેઠા હતાં.
“શું કરું એજ નઈ સમજાતું....!” નેહાએ પોતાનું કપાળ દબાવ્યું.
“હું વાત કરી જોઉં....!?” અક્ષયે પૂછ્યું.
“એ મારી કોઈ વાત નઈ માનતો...!” નેહા સહેજ ચીડાયેલા સ્વરમાં બોલી “તો બીજા કોઈનીય નઈ માને....! હું એને ઓળખું છું....!”
“હમ્મ.....! તો પછી જેમ ચાલે છે....એમ ચાલવાદે....!” અક્ષય શાંતિથી બોલ્યો.
“હેં....!?” નેહાને આશ્ચર્ય થયું “અરે શું જેમ ચાલે એમ....! ઓલી ડાકણ સિદને ખાઈ જશે....!”
“ખાઈ જશે એટલે...!?” અક્ષય મૂંઝાયો.
“અરે એ રખડેલ ભૂખડી છે...અ...સ...સેક્સની....!” સહેજ ખચકાઈને નેહા મોઢું બગાડીને બોલી અને પછી આડું જોઇને બોલી “એ સિદને એનાં રૂપના જાળમાં ભેરવી દેશે...!”
“તને સિદ પર ટ્રસ્ટ નઈ....!?” અક્ષયે પૂછ્યું.
“અરે એ બલા ઉપર નઈ...! સિદ જેવા છોકરાઓને પાડી દેવા માટે એ ગમે તે હદે જાય એવી છે...! ગમે તેની જોડે સુઈ પણ જાય એવી....!”
નેહા મોઢા ઉપર સુગના ભાવ સાથે બોલી.
“મારી વાત માન....!” અક્ષય બોલ્યો “જે થાય છે એ થવાદે....! તું પણ એજ તો ઈચ્છતી’તીને....!?”
“એટલે...?” નેહા મૂંઝાઈ.
“તું ઈચ્છાતી’તીને....કે સિદ્ધાર્થ લાવણ્યાની ક્લોઝ થાય...!?” અક્ષયે પૂછ્યું અને આગળ બોલ્યો “તો એ જ તો થઇ ‘ર્યું છે....! સિદ અજાણતાજ એની ક્લોઝ થઇ રહ્યો છે....! આમાં તારે કશું કરવાની જરૂર જ ક્યાં છે..!?”
અક્ષય બોલતો હતો અને નેહા વિચારી રહી હતી.
“તારે તો ઉલટાનું તું અત્યારે જે બિહેવ કરે છે....! એજ કરવાની જરૂર છે...!” અક્ષય બોલ્યો “એટલે સિદ તારાથી દુર ભાગે અને લાવણ્યાની નજીક જાય...! લાવણ્યાને પણ એવુંજ લાગે કે...તારા એવા બિહેવિયર થી કંટાળીને હવે સિદ્ધાર્થ એની તરફ આકર્ષાયો છે...! એટલે એ છોકરી સિદ ઉપર વધુ ટ્રાય મારશે...! અને વધુ ને વધુ અટેચ થતી જશે....! પછી....!”
બોલતાં-બોલતાં અક્ષય અટકયો અને નેહા સામે જોયું.
અક્ષયની વાત સાંભળતાં-સાંભળતાં જ નેહાની આગળની વાત સમજાઈ ગઈ હતી અને તેણીના મોઢા ઉપર ઓલરેડી કુટિલ સ્મિત આવી ગયું હતું. આગળ શું કરવું એ નેહા સમજી ગઈ હતી.
નેહાના ચેહરા ઉપરનું સ્મિત જોઇને અક્ષય સમજી ગયો કે તેણે હવે આગળ કશું કહેવાની જરૂર નથી.
“પણ...!” પોતાનાં મનમાં રહેલી વધુ એક મૂંઝવણ અંગે નેહાએ શંકા દર્શાવતા પૂછ્યું “સિદ્ધાર્થ ખરેખર એની બાજુ ઢળી ગ્યો’તો..!?”
“શક્યતા ઓછી છે....!” અક્ષય બોલ્યો “હવેથી હું એને યાદ અપાવતો રઈશ...! કે એ છોકરીના લીધે આરવના પગ ગયાં છે....! અને તારે પણ અમુક-અમુક સમયે એને ભાવ આપતું રે’વાનું....! ફિયાન્સ તરીકેનો હક જતાવતું રે’વાનું....! એનાથી બે નિશાના વાગશે...! એક સિદ્ધાર્થ મુંઝાયેલો રે’શે.....અને બીજું લાવણ્યા તને સિદ્ધાર્થને સાથે જોઇને ડરતી પણ રે’શે અને બળતી પણ.....! અને જો છતાંય સિદ્ધાર્થ ઓલી બાજુ ઢળી પણ જાય...તોય...મેરેજ તો તારી જોડે જ થવાના છેને...!?”
“હમ્મ....!” પોતાનો ડાઉટ ક્લીયર ના થયો હોવા છતાંય નેહાએ હુંકારો ભર્યો.
“મેરેજ પછી તું પાછો એને તારી બાજુ ખેંચી લેજે...!” અક્ષય બોલ્યો “થોડા ટાઈમમાં આપોઆપ લાવણ્યાનું ભૂત એનાં ઉપરથી ઉતરી જશે....!”
કશું પણ બોલ્યા વગર નેહા મનમાં વિચારી રહી.
“તને લાગે છે એ બલાનું ભૂત એમ ઉતરે....!?” નેહાએ પૂછ્યું.
“કેમ...!? આરવ અત્યારે એનાં વગર જ જીવે છેને...!?” અક્ષયે તર્ક કર્યો “એ તો પાગલોની જેમ લવ કરતો’તોને....! સિદને તો એવી કોઈ ફિલિંગ નઈ લાવણ્યા માટે...!”
નેહા કમને મન મનાવતી હોય એમ અક્ષયની વાત સાથે સહમત થવા મથી રહી.
***
"તને...અ...હજીપણ નેહા માટે કોઈ ફીલિંગ છે....!?" કચવાતાં મને અને અદ્ધર જીવે લાવણ્યાએ તેની સામે બેસીને પાંવભાજી ખાઈ રહેલાં સિદ્ધાર્થને પૂછ્યું.
બંને ઓનેસ્ટમાં લંચ કરવાં માટે આવ્યાં હતાં.
"હું ખોટું નહીં બોલું લવ...!" સિદ્ધાર્થ બોલ્યો "હજીપણ છે ...! થોડી થોડી..!"
લાવણ્યાનું મન ઢીલું થઈ ગયું. તે સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહી. તે જે વાતથી ડરી રહી હતી તે આખરે સાચી પડી હતી.
"ત..... તને ... તને લાગે છે કે નેહા તને લવ કરે છે...!?" લાવણ્યાએ કચવાતાં-કચવાતાં પૂછ્યું.
"શું ખબર....!" સિદ્ધાર્થે જમતાં-જમતાં ખભાં ઉલાળ્યા.
લાવણ્યા જાણે થથરી ગઈ અને સિદ્ધાર્થને જોઈ રહી.
"એ તને મારાથી છીનવી લેશે...!" નેહાથી ડરી રહેલી લાવણ્યા મનમાં બબડી "છીનવી લેશે....!"
"અરે...! તું અટકી કેમ ગઈ...!? ખાને..!" ખાવાનું બંધ કરીને શૂન્યમનસ્ક જોઈ રહેલી લાવણ્યાને સિદ્ધાર્થે કહ્યું.
"મ....મન નથી....!" લાવણ્યા માંડ બોલી.
લાવણ્યાનો મૂડ નહોતો છતાંપણ જમ્યા પછી બંને સાથે એક મોલમાં ફરવા ગયાં.
મોલથી નીકળીને તેઓ ઘર તરફ જઈ રહ્યાં હતાંને અચાનક વરસાદ તૂટી પડ્યો. બંને લગભગ પલળી ગયાં. લાવણ્યાએ પહેરેલો સફેદ ડ્રેસ ફરીવાર આજે વિલન બન્યો. વરસાદમાં પલળી જવાથી તેનો ડ્રેસ પારદર્શક થઈ ગયો અને તેનાં આંતરવસ્ત્રો સુદ્ધાં દેખાવાં લાગ્યાં.
"હવેથી વ્હાઇટ ડ્રેસનાં પહેરતી...!" ચિડાયેલાં સિદ્ધાર્થે રસ્તાની એક બાજુએ બાઇક ઊભી રાખી અને પોતાનો શર્ટ કાઢીને લાવણ્યાને આપ્યો. તેણે અંદર ગ્રે ટી-શર્ટ પહેરી હોવાથી શર્ટ વિના ચાલી જાય એવું હતું. વરસાદ ચાલુ હોવાથી જોકે સિદ્ધાર્થની ટી-શર્ટ પણ પલળી ગઈ હતી.
લાવણ્યાએ શર્ટ પહેરી લીધો. સિદ્ધાર્થે પાછી બાઇક લાવણ્યાનાં ઘર તરફ ચલાવી લીધી.
"મને સોસાયટીના નાકે ઉતારી દેજે..!" સિદ્ધાર્થના બાઇકની પાછળ તેની પીઠ ઉપર માથું ઢાળીને બેઠેલી લાવણ્યાએ ધીમા નિરાશ સ્વરમાં કહ્યું.
"કેમ આજે ચ્હા નહીં પીવડાવે..!?" સિદ્ધાર્થે સહેજ પાછું મ્હોં કરીને પૂછ્યું પછી આગળ જોઈને બાઇક ચલાવા લાગ્યો.
લાવણ્યાએ તેની પકડ સિદ્ધાર્થની કમર ફરતે થોડી વધુ કસી. તેની આંખો ભીની થઈ ગઈ. એક ડર જે તેનાં મનનો ભરડો લઈ રહ્યો હતો તે હવે વધુ વધુને ઘેરો થઈ રહ્યો હતો. લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થની પીઠ ઉપર માથું ઢાળીને બેસી રહી.
"શું થયું લવ...!?" સિદ્ધાર્થે ફરી તેનું માથું સહેજ ફેરવીને પૂછ્યું.
તેઓ હવે લગભગ લાવણ્યાની સોસાયટીના નાકે પહોંચવા આવ્યાં હતાં.
"બસ મૂડ ઠીક નથી....! જાન...!" લાવણ્યા શક્ય એટલું પ્રેમથી બોલી.
લાવણ્યાની સોસાયટીના નાકે પહોંચ્યા ત્યાંસુધી બંને કઈં ના બોલ્યાં. નાકે બાઇક ઊભી રાખી સિદ્ધાર્થ લાવણ્યાનાં ઉતરવાની રાહ જોઈ રહ્યો.
લાવણ્યા ઉતરી અને ઢીલા મોઢે સિદ્ધાર્થની જોડે બાઇકનાં મોઢા પાસે ચૂપચાપ ઊભી રહી.
"I am sorry લવ....!" સિદ્ધાર્થ તેની સામે જોઈને પ્રેમથી બોલ્યો "મારે હજી થોડોવધુ સમય જોઈશે...!"
"Its ok જાન....!" લાવણ્યા સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકતાં બોલી "તારો ફર્સ્ટ લવ છે એ....! અને ફર્સ્ટ લવનું મહત્વ હું સમજી શકું છું....! હું તારી રાહ જોઈશ...!"
લાવણ્યા પરાણે હળવું હસી અને સિદ્ધાર્થને બાય કરીને પાછી ફરીને સોસાયટીની ગલીમાં ચાલવાં લાગી. લાવણ્યાએ સિદ્ધાર્થનો શર્ટ પહેરી રાખ્યો હતો. સિદ્ધાર્થે કઈં કહ્યું નહીં અને થોડીવાર લાવણ્યાને જતી જોઈ રહ્યાં બાદ ત્યાંથી નીકળી ગયો.
સાંજના લગભગ ચાર વાગ્યા હતાં. ઘરે આવીને લાવણ્યાએ કપડાં ચેન્જ કર્યા. સિદ્ધાર્થનો શર્ટ તેણે બાલ્કનીમાં સૂકવી દીધો. બેડરૂમમાં આવીને તેણે સીધું બેડ ઉપર લંબાવ્યું. સિદ્ધાર્થ અને નેહા વિષેનાં વિચારો ફરી તેનાં મનને ઘેરી વળ્યાં. સિદ્ધાર્થને ખોઈ બેસવાનાં વિચારોથી તેનું મન ભાંગી પડ્યું હતું.
***
બીજા દિવસે...!
“બાઈક તો અહિયાંજ પડ્યું છે....!?” વહેલી સવારે કૉલેજન આવી પહોંચેલી લાવણ્યાએ પાર્કિંગ શેડમાં સિદ્ધાર્થનું એન્ડફિલ્ડ જોયું અને આશ્ચર્યથી બબડી.
“તો પછી આ છોકરો ક્યાં ગ્યો...!?” આમતેમ જોઈ લાવણ્યા સિદ્ધાર્થને શોધી રહી.
“કેન્ટીનમાં હશે...! કદાચ...!” લાવણ્યાએ વિચાર્યું અને કેન્ટીન તરફ જવા પેવમેન્ટ ઉપર ચાલવા લાગી.
“એ જીમ જાય છેને...!” લાવણ્યા પોતાની સાથેજ વાત કરતા-કરતા જઈ રહી હતી “એટલે સવાર-સવારમાં કેટલી બધી ભૂખ લાગે..!”
કૉલેજના બિલ્ડીંગમાં પ્રવેશી લાવણ્યા કેન્ટીન તરફ જવા કોરીડોરમાં ચાલવા લાગી.
કેન્ટીનમાં જવા તે હજી તો કોરીડોરમાં વળીજ હતી ત્યાંજ તેણે સામે અક્ષયને જોયો. અક્ષયને જોતાંજ લાવણ્યાના ડગલાં ધીમા પડી ગયાં. જોકે એક-બે ડગલાં ચાલવાની સાથેજ લાવણ્યા ચોંકી પણ ગઈ અને ડરી પણ ગઈ કેમકે અક્ષયની સામે સિદ્ધાર્થ પણ ઉભો હતો અને બંને કશુંક વાત કરી રહ્યાં હતાં.
“તારે કશું કે’વાનું રઈ તો નઈ ગ્યું ને...!?”
“તારે કશું કે’વાનું રઈ તો નઈ ગ્યું ને...!?”
સિદ્ધાર્થે પૂછેલા એ પ્રશ્નનના શબ્દો લાવણ્યાને અચાનક જ યાદ આવી ગયાં. બરોડાથી પાછા આવ્યા પછી લાવણ્યાએ પોતાનાં ભૂતકાળ અંગે સિદ્ધાર્થને કશું પૂછવું હોય તો પૂછવા કહ્યું હતું ત્યારે સિદ્ધાર્થે લાવણ્યાને એ સામેથી કહ્યું હતું
“તારે કશું કે’વાનું રઈ તો નઈ ગ્યું ને...!?”
“તારે કશું કે’વાનું રઈ તો નઈ ગ્યું ને...!?”
“હે ભગવાન....!” અક્ષયને સિદ્ધાર્થ સાથે ઉભેલો જોઈ લાવણ્યાને યાદ આવ્યું કે તે શું કહેવાનું ભૂલી ગઈ હતી.
“તારે કશું કે’વાનું રઈ તો નઈ ગ્યું ને...!?”
“આરવ વિષે કે’વાનું રઈ ગ્યું...! આરવ વિષે કે’વાનું રઈ ગ્યું...!” ગભરાઈ ગયેલી લાવણ્યા સ્વગત બબડાટ કરવા લાગી. તે રીતસરની ધ્રુજી ઉઠી.
■■■■
“S I D D H A R T H”
Jignesh
instagram@siddharth_01082014