કુમાઉ પ્રવાસ ભાગ - 11
હવે આપણે અગિયારમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી ફેસબુક પેજ, બ્લોગ પર અથવા વોટ્સએપ પરથી મળી રહે છે. આ ઉપરાંત ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.
તારીખ : 03-12-2021
છેલ્લા એપિસોડમાં જોયું કે અમે રાતે મોલ રોડની મુલાકાત કરીને હોટેલ પર પહોંચી ગયા. સવારે 8 વાગે ફ્રેશ થઈને ભીમતાલ જવા માટે નીકળ્યા. સવારે આજે પાર્કિંગ માંથી સ્ફુટી બહાર નીકાળતી વખતે નાનકડો અકસ્માત થઈ ગયો. વિસ્તારમાં વાત કરું તો, હોટેલની નીચે પાર્કિગ બનાવેલ છે. જેમાં જગ્યાને અભાવે પાર્કિંગથી નીચે જવાનો રસ્તાને તીવ્ર ઢાળ આપેલો છે. સાંજેતો મેં પાર્ક કરી દીધી હતી. સવારમાં હું બહાર કાઢવા જતો હતો ત્યારે મેનેજરે કહ્યું કે તમને ના ફાવે તો રહેવા દ્યો, અહીં સ્ટાફનો માણસ છે એ બહાર લઈ આવશે. જેથી મેં રિસ્ક લેવાનું માંડી વાળ્યું અને એ ભાઈને ચાવી આપી દીધી. એ ભાઈએ સેલ્ફ મારી સ્ફુટી સ્ટાર્ટ કરી ઉપર તરફ આવવા દીધી પરંતુ ઢાળ વધુ હોવાથી અધવચ્ચે આવ્યા બાદ સ્ફુટી ઉભી રહીં ગઈ, બ્રેક મારી પણ તીવ્ર ઢાળ હોવાથી કન્ટ્રોલ રહ્યો નહિ જેથી સ્ફુટી દીવાલ તરફ નમી પડી, સ્ટાફ વાળો વ્યક્તિ સ્ફુટી અને દીવાલ વચ્ચે દબાઈ ગયો. તુરંત અમે બધા દોડી ગયા અને સ્ફુટી સાઈડમાં લીધી. સુખદ વાત એ હતી કે ડ્રાયવર અને સ્ફુટી બે માંથી કોઈને વધુ નુકશાન નતું થયું. એ ભાઈને ડાબા હાથની આંગળી ઉપર જરા છોલાઈ ગયું હતું જેથી મારા પર્સમાં રાખેલ બેન્ડેજ પટ્ટી લગાવી આપી. આમતો નાનકડો કિસ્સો હતો પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. ઘણી વાર નાનકડી ઘટનાઓ થી મોટા અકસ્માત થઈ જતા હોય છે. મારા અનુમાન મુજબ એ ભાઈએ સ્ફુટીને સીધી ઢાળ ઉપર લાવીને સ્ટાર્ટ કરી જેથી ઢાળ મુજબ એને રનિંગ અને જોઈતી પિક અપ મળી નહિ. કદાચ થોડું પાછળ લઈને લીધું હોત તો આવું અટકાવી શક્યા હોત. જ્યારે પણ પહાડી વિસ્તારોમાં આવો ત્યારે આવી બધી બાબતોથી અવગત થયા બાદ જ કોઈ પણ સાધન ચલાવવું.
હોટેલથી નીકળીને અમે નૈનિતાલથી 22 કિલોમીટર અંતરે આવેલ ભીમતાલની મુલાકાત માટે નીકળ્યા. નૈનિતાલ શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું. સવારનો વહેલો સમય હોવાથી લોકલ થોડા માણસો અને દુકાનદાર સિવાય કોઈ નજરે આવતું નહતું. સહેલાણીઓ પણ કોઈ દેખતા નહતા. સવારની ગુલાબી ઠંડી અને ખુશનુમા મોસમ માણતા માણતા અમે ભીમતાલ પહોંચી ગયા. અહીં પહોંચતા 9:15 વાગવા આવ્યા હતા. જેથી સારી એવી ચહલ પહલ દેખાઈ રહી હતી. ભીમતાલ નૈનિતાલ પછીનું બીજા નંબરનું સહેલાણીઓ માટેનું પ્રિય સ્થળ છે. કિનારે રહીને લેકની સુંદરતાનું પાન કર્યું. લેકની ફરતે આવેલ પર્વતો લેકની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. કિનારા ઉપર આવેલ ઇમારતો અને હોટલનું સુંદર પ્રતિબિંબ પાણીમાં દેખાઈ રહ્યું હતું. સામે દેખાતા પર્વતોનું પ્રતિબિંબ એવી રીતે પાણીમાં પડતું હતું કે જાણે કે જલની સપાટી ઉપર બીજો લીલા રંગનો સુંદર પહાડ પથરાયેલ હોય. તટના કિનારે નીરવ શાંતિ હતી કોઈ સહેલાણીઓ હજુ પહોંચ્યા જતા. પ્રકૃતિનું પાન કરવું હોય તો એકલતા ખુબજ જુરૂરી બાબત છે. જ્યાં જ્યાં માનવ પહોંચે છે એ પ્રકૃતિનું નખ્ખોદ વાળીને જંપે છે. માફ કરશો મેં થોડો કઠોર શબ્દ વાપર્યો છે પરંતુ જ્યારે પ્લાસ્ટિકની કોથળીઓ, બોટલો અને માનવ સર્જિત કચરો જોઈએ ત્યારે દિલ બળી જાય છે. આપડે સૌ માનવોએ પોતાના મોજશોખ અને ઐયાસી માટે પ્રકૃતિની સુંદરતા નષ્ટ કરી દીધી છે. જેટલા પણ વાચક મિત્ર છે એમને મારી નમ્ર અરજ છે કે તમે જ્યારે પણ કોઈ પણ પ્રાકૃતિક જેમકે પર્વત, નદી, સમુદ્ર અને જંગલ ઉપરાંત મંદિર અને સ્થાપત્ય પણ ખરા, આવા પવિત્ર સ્થળની મુલાકાત માટે જાવ ત્યારે એનું સંવર્ધન કરજો જેથી ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત રહી શકે.
આ સુંદર લેક નૈનિતાલથી 22 કિલોમીટરની દુરી પર આવેલ છે. નૈનિતાલ લેકની જેમ આ લેકના મુખ્ય બે કિનારા છે જેને તલ્લીતાલ અને મલ્લીતાલ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય રોડ લેકના કિનારે કિનારે આવેલો છે. લેકની મધ્યમાં એક સુંદર ટાપુ આવેલ છે જ્યાં જવા માટે કિનારેથી બોટમાં જઇ શકાય છે. આ ટાપુને પીકનીક સ્થળ તરીકે વિકસિત કરવામાં આવેલ છે અને અહીં એક સુંદર માછલીઘર પણ આવેલ છે. અહીં તમે બોટિંગ કરીને લેકના સુંદર પાણી અને આહલાદક વાતાવરણને મણી શકો છો. આ લેકમાંથી ગૌલા નદી રૂપે એક ઝરણું વહે છે જે હલ્દવાની પાસે રામગંગા નદીમાં જઈને મળી જાય છે.
ભીમતાલનું ટાઉનનું નામ ભીમતાલ લેક પરથી પડ્યું છે. ભીમતાલ ભીમાકાર અને વિશાળ હોવાથી ભીમતાલના નામે જાણીતું છે. ભીમતાલ લેકનો આકાર જોતા ત્રિભુજાકાર જણાઈ આવે છે. આ લેક 1674 મિટર લાબું અને 447 મિટર પહોળાઈ ધરાવે છે. લેકના પાણીની ઊંડાઈ 15 થી 50 મિટર જેટલી છે. વિસ્તારની દ્રષ્ટિએ નૈનિલેક કરતા પણ ભીમતાલ મોટું છે. આ સુંદર લેક ફરતી બાજુ ઊંચા વિશાળ પર્વતથી ઘેરાયેલ છે જે એની ભવ્યતા અને સુંદરતા માં ચાર ચાંદ લગાવી આપે છે. લેકના પાણીમાં પર્વતો અને એની વનરાજી હરિયાળીનું સુંદર પ્રતિબિંબ આંખોને શાંતા આપે એવું મોહક હોય છે. ભીમતાલ લેકનો સુંદર વ્યુ જોવા માટે લેખના અંતમાં યુ-ટ્યૂબ વિડીઓની લિંક આપેલી છે.
ભીમતાલનું પૌરાણિક મહત્વ ઘણું છે. લોક માન્યતા મુજબ મહાભારતના સમય દરમ્યાન જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા ત્યારે અહીં આવેલા અને એ સમયે પાંડુ પુત્ર ભીમદ્વારા આ વિશાળ લેક બનાવામાં આવ્યું છે જેથી એને ભીમતાલ લેક કહે છે. અહીં એક પ્રાસિદ્ધ ભીમેશ્વર મહાદેવનું મંદિર પણ છે. વર્તમાન મંદિરનું બાંધકામ કુમાઉ રાજા બજ બહાદુર દ્વારા 17મી સદીમાં કરવામાં આવ્યુ હતું.
અહીં ભીમતાલ લેકમાં તમે બોટિંગનો આનંદ માણી શકો છો સાથે સાથે અહીં પેરાગલાઈડિંગ કરીને તમે ઊંચે ગગનથી સુંદર પહાડો, વનરાજી અને લેક વ્યુની મજા લઈ શકો છો.
ભીમતાલમાં રહેવા માટે નૈનિતાલ કરતા પણ સારી હોટેલ, રિસોર્ટ અને હોમસ્ટેની સુવિધા ઉપબ્લધ છે. જે તમે તમારા બજેટ અને કલાસ મુજબ પસંદ કરી શકો છો. અહીં ઘણી હોટેલ અને રિસોર્ટ લેકના કિનારે આવેલ છે જ્યાંથી તમને સુંદર વ્યુ પણ મળી જાય છે અને અમુક હોટેલ લેકવ્યુ રૂમની પણ સુવિધા આપે છે. સારી હોટેલ અને રિસોર્ટની માહિતી માટે તેમજ ટુર પેકેજ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો.
ભીમતાલની મુલાકાત બાદ અમે ત્યાંથી 4 KM જેટલે આવેલા નૌકુચિયાતાલ લેકની મુલાકાત કરવા માટે નીકળ્યા. આ સુંદર લેક ભીમતાલ અને નૈનિતાલની સરખામણી માં ઘણું નાનું છે પરંતુ સુંદરતામાં જરાય ઓછું નથી ઉતરતું. લેકની ફરતે વનરાજી આવેલી છે જેના પડછાયા થકી લેકની કિનારી એરિયામાં પાણીનો નજારો ખુબ જ સુંદર લાગે છે. અહીંનું પાણી પણ નીલા રંગનું દેખાય છે જે અહીંના આકર્ષણ મુખ્ય કેન્દ્ર છે. સુંદર લેકની લેકની સામે દેખાતા સુંદર પહાડોને લીધી લેકનો પ્રાકૃતિક વૈભવમાં ઔર વધારો થાય છે. લેકની અંદરની બાજુએ આવેલા ઝરણાંને લીધે અહીં બારેમાસ પાણી જોવા મળેછે. આ સુંદર લેકના અમુક ભાગમાં કમળના ફૂલ ખીલેલા જોવા મળે છે જે લેકની સુંદરતામાં ચાર ચાંદ લગાવી આપે છે.
આ લેકની પાળ કે કિનારાના ભાગમાં કુલ નવ ખૂણા હોવાથી આ લેકને નૌકુચિયાતાલ લેક તરીકે ઓળખવામાં આવે છે. લેકની લંબાઈ 983 મીટર જ્યારે પહોળાઈ 693 મીટર જેટલી છે. આ લેકની ઊંડાઈ 40 મીટર આજુ બાજુ છે. લોકમાન્યતા મુજબ તમે કોઈ એક જગ્યાએ થી ઉભા ઉભા લેકના નવ ખૂણા જોઈ લ્યો તો તમને મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે. જો કે આ અશક્ય છે તમે એક સાથે સાત ખૂણા માંડ જોઈ શકો છો.
સવારનો નાસ્તો બાકી હોવાથી અહીં સામે આવેલ એક ઢાબામાં આલુ પરોઠા અને ગરમ ગરમ ચાની મજા લીધી. ત્યાર બાદ અમે અહીંથી સાતતાલની મુલાકાત લેવા માટે નીકળી પડ્યા.
©ધવલ પટેલ
હવે પછીની મુસાફરી બારમા એપિસોડમાં ચાલુ રહે છે. જુના અને નવા એપિસોડ માટે મારી ટાઇમલાઈન, બ્લોગ અથવા ફેસબુક પેજ અથવા વોટ્સએપ કરવું ત્યાંથી મળી જશે.
તમે આ લેખ ગમે તો તમે તમારા પ્રતિભાવ વોટ્સએપના માધ્યમથી મોકલી શકો છો.
ટુરને લગતી અન્ય માહિતી અને બુકિંગ માટે વોટ્સએપમાં મેસેજ કરવો અથવા ફેસબુક પેજને લાઈક કરવું. મારી દરેક પોસ્ટ ઉપરાંત ટુરિઝમને લગતી માહિતી ફેસબુક પેજ ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. બન્ને માટે નીચે લિંક આપેલી છે.
વોટ્સએપ : 09726516505
બ્લોગ માટેની સાઈટ : https://dhavalhinustani.blogspot.com
ફેસબુક પેજ : https://m.facebook.com/Enjoye.Life/
યૂટ્યૂબ વિડિઓ લિંક :
ભીમતાલ લેક :https://youtu.be/wZB0U62dLS0
નૌકુચિયાતાલ લેક : https://youtu.be/RrxUhDk3YBw