Kumau Yatra - 8 in Gujarati Travel stories by Dhaval Patel books and stories PDF | કુમાઉ યાત્રા - ભાગ- 8

Featured Books
Categories
Share

કુમાઉ યાત્રા - ભાગ- 8

કુમાઉ ટુર ભાગ - 8

હવે આપણે આઠમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.
આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.

એપિસોડ આવતા મોડું થાય છે એના માટે આપ સૌ ની માફી ચાહું છું.

અગાઉના એપિસોડમાં જણાવ્યા મુજબ અનાશક્તિ આશ્રમની મુલાકાત લીધી, અને વિચારોમાં ખોવાઈ ગયા કે આ એજ ભૂમિ છે કે ત્યાં ભૂતકાળમાં ગાંધીજી રોકેયેલા હતા અને અનાશક્તિ વિશે સાધના કરેલી હશે. હવે અમારે અમારી યાત્રા હવે આગળ નૈનિતાલ તરફ વધારવાની હતી. અને વાતાવરણ થોડું વાદળછાયું હતું અને વરસાદ આવવાની પુરી સંભાવના હતી. ઉપર આકાશમાં વાદળાઓ સૂર્યનારાયણને ઢાંકવાની કોશિશ કરી રહ્યા હતા અને બન્ને વચ્ચે સંતાકૂકડીનો ખેલ રચાયેલ હતો. વાદળાઓ પણ અમને જાણે કહી રહ્યા હતા કે એ અદના મુસાફરો તમે મુસાફરી આગળ ધપાવો બાકી વરસાદના અમી છાંટણા તમને જરૂર ભીંજવી નાખશે.

હવે અમારી મુસાફરીનું આગળનું મુકામ અલમોડા હતું. અમે અમારી મુસાફરી અલમોડા તરફ શરૂ કરી. આજે મોસમ ખરેખર બેઇમાન હતું. વાદળા અને સૂરજદાદાની સંતાકૂકડીમાં વાદળા હાવી હતા અને સૂરજદાદા કહે કે લાવ થોડો આરામ કરી લવ એમ કહી સંતાઈ ગયા હતા. પ્રમાણમાં થોડી ઠંડી વધુ લાગતી હતી અને વરસાદ આવવાની આશંકા પુરેપુરી હતી. પરંતુ જે થશે એ જોયું જશે એવી ભાવના સાથે અમારી સ્ફુટી આગળ ધપી રહી હતી, આજે સુકાન મારા હાથમાં જ હતું. મને હવે પહાડી રસ્તામાં સાધન ચલાવવાની સારી એવી ફાવટ આવી ગઈ હતી અને થોડો શોખ પણ ખરો એટલે વધારે સમય હું રાઈડ કરવામાં જ ફાળવતો. કોઈ વાર આરામ આપવા માટે ગોવિંદજી સ્કૂટીની સુકાન સંભાળી લેતા. મૂળ વાત ઉપર આવીએ, વરસાદ આવવાની પુરી શક્યતા હતી પણ અમને એનો જરાય ભય હતો નહિ કારણકે એક વાર સફરમાં નીકળ્યા પછી નાની-મોટી અણધારી આફત માટે તો તૈયાર જ રહેવું પડે. સફરની શરૂઆતમાં કહેલું ને કે "પ્રવાસ મુસાફરી એટલે અગવડો વેઠવાનો બાદશાહી ઠાઠ".

હવે અમારી મુસાફરી અલમોડા તરફ શરૂ થઇ ગઈ હતી. કૌસાની થી અલમોડા પચાસ એક કિલોમીટરની દુરી ઉપર આવેલું ઉત્તરાખંડનું શહેર છે. અલ્મોડા એક જિલ્લો પણ છે. આગાઉ જણાવ્યા મુજબ આજે મોસમ બેઈમાન હતું, સુરજ દાદા વાદળો સાથે સંતાકુડી રમી રહ્યા હતા અને મેઘરાજાના આગમનની તૈયારીઓ થઈ રહી હતી અને જાણે અમને કહી રહ્યા હતા કે છોકરાઓ જલદી જલદી અલ્મોડા પહોંચી જાવ. ટૂંકમાં અમારી અને મેઘરાજા વચ્ચે હરીફાઈ ચાલી રહી હતી કે કોણ અલ્મોડા વહેલા પહોંચે છે. અમે પહાડોનું સુંદર વાતાવરણ અને સૌંદર્ય માણતા માણતાં જઈ રહ્યા હતા .

અલ્મોડાથી લગભગ ૧૫ કિલોમીટર પહેલા "કટારમલ સૂર્ય મંદિર" નું બોર્ડ જોયું. પહેલા ત્યાં જવું કે નઈ એની અવઢવમાં હતા પણ હવે નજીક પહોંચ્યા તો નક્કી કર્યું કે સમય ઘણો છે તો મુલાકાત જરૂરી લઈજ લઈએ. આમેય અમારી આ ટ્રીપમાં રેગ્યુલર લોકેશન કરતા પૌરાણિક આને કુદરતી સૌંદર્યને વધુ મહત્વ આપવું એવું પહેલાથી પાક્કું કરેલું.

કટારમલ સૂર્યમંદિર તરફ જવાનો રસ્તો મુખ્ય રોડથી જમણી બાજુ તીવ્ર વણાંકે ઉપરની બાજુ તરફ જાય છે. આમેય પહાડોના રસ્તા ડાબા-જમણા સાથે ઉપર-નીચે તરફ પણ જતા હોય છે. આ રસ્તો મુખ્ય સડકથી ચાર કિલોમીટર ઉપરની તરફ જાય છે. ઉપર જવાનો રસ્તો થોડો સાંકડો અને અમુક જગ્યાએ ખરાબ થઇ ગયેલ પણ જોવા મળ્યો. કટારમલ સૂર્યમંદિર અધેલી સુનાર નામના ગામમાં સ્થિત છે. મંદિરની પહેલા પાર્કિંગ અને નાની નાની દુકાનો આવેલી છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે લાગતું હતું કે હવે મેઘરાજા ટુંકજ સમયમાં અમીછાંટણા નાખવાની શરૂઆત કરસે જેથી અમે અમારો સમાન સ્કૂટી માંથી લઈને બાજુની દુકાનમાં રાખી દીધો.

કટારમલ સૂર્યમંદિર હજુ અહીંથી ઉપરની બાજુ દોઢ કિલોમીટર દૂર હતું. પરંતુ હવે ત્યાં જવા માટે વાહન જવાનો રસ્તો નથી એટલે અહીંથી ચાલતા જવા માટે એક રસ્તો બનાવેલ છે. રસ્તો ખુબજ સુંદર અને કલાત્મક રીતે બનાવેલો છે. એક સાથે ત્રણ વ્યક્તિ આરામથી ચાલી શકે એવો પહોળો છે. આખો રસ્તો પહાડી પથ્થરના ટુકડાઓ માંથી બનાવેલલો છે અને રસ્તાની એક બાજુ પથ્થરની નાનકડી દીવાલ બનાવેલ છે અને બીજી બાજુ ટૂંકા અંતરને ગાળે બનાવેલ પથ્થરના પિલરમાં લોખંડની ગ્રીલ લગાવેલ છે. પિલ્લર ઉપર શુશોભન માટે ફૂલછોડના કુંડા રાખેલા છે. રસ્તો અમુક જગ્યાએ સપાટ તો અમુક જગ્યાએ પગથિયાં વાળો છે અને લગભગ દોઢ કિલોમીટર જેટલું ટ્રેક કરવું પડે છે. સારી વ્યવસ્થાના ભાગ રૂપે અમુક અંતરે બેસવા માટે બાંકડા અને એની ઉપર છાપરા જેવું લગાવેલ છે જેથી તડકા અને વરસાદમાં યાત્રીઓને રાહત રહે. ઉપરાંત સોલાર આધારિત સ્ટ્રીટ લાઈટ પણ લાગેલી છે જેથી રાત્રીના સમયે પણ ઉજાશ રહે. રસ્તાની નીચેના ભાગે ઢોળાવમાં લોકલ લોકોના છુટા છવાયા ઘર પણ આવેલા છે. રસ્તો ચઢાણ વાળો છે એટલે શારીરિક શ્રમ વધુ પડે ઉપરાંત ઠંડુ વાતાવરણ અને જેટલા ઊંચે હોવ એટલી પાતળી હવા પણ અવરોધક બને. શરૃઆત કરી ત્યારે તો લાગતું હતું કે આ દોઢ કિલોમીટર ટ્રેક વગર આરામે પૂરો થઇ જશે પરંતુ મંદિરથી ૧૫૦ મીટર દૂર હતા ત્યારે લાગ્યું કે બે-ત્રણ મિનિટ આરામની જરૂર છે. હૃદય ધમણની માફક ફૂલ કાર્યરત હતું જેથી એને આરામની જરૂર હતી. દરરોજની જિંદગીમાં આવી આદત ના હોય જેથી શરીર અને હૃદય બેવુંને શ્રમ પડે. જેથી જરુર પડે આરામ લઇ લેવો જરૂરી છે. મારા મિત્રને બ્રેકની જરૂર ના પડી કારણકે તે અહીંનો લોકલ છે જેથી એના શરીરને આટલા શારીરિક શ્રમની આદત હતી આ કારણથી પહાડી લોકોના શરીર ખડતલ હોય છે. અહીંના બાળકો શાળાએ જવા માટે દરરોજ બે-ચાર કિલોમીટર રોજનું ચડ-ઉત્તર કરતા હોય છે જેથી તેઓને આદત પડી જાય છે. નાનકડો બ્રેક લઈ મારા પગલાં પણ કટારમલ સૂર્યમંદિર તરફ ઉપડ્યા.

મંદિર તરફનું મુખ્ય પ્રવેશ દ્વાર મંદિરની ફરતે ફરીને આગળ બાજુ જઈને આવે છે. મંદિરના મુખ્ય દ્વાર પાસેજ ભારતીય પુરાતત્વ વિભાગની નોટિસ મારેલ છે જે મંદિરના સંવર્ધન અને જાળવણી માટેનો નિર્દેશ કરે છે. કટારમલ સૂર્યમંદિરનું સ્થાન કોણાર્ક સૂર્ય મંદિર, ઓરિસ્સા પછી બીજા નમ્બરે મુખ્ય છે. આ ઉપરાંત ગુજરાતમાં મોઢેરા, કાશ્મીરમાં અનંતનાગ અને અન્ય જગ્યાએ પણ આવેલા છે. કટારમલ સૂર્યમંદિરનું બાંધકામ મોટા વિશળ ચબુતરા ઉપર કરેલું છે. આ બાંધકામ નાગરશ્રેણી માં છે. મંદિર તરફ જવા માટે મુખ્ય દ્વાર આવેલું છે એની ઉપર મધ્યસ્થે મોટો એવો ટોકરો લાગવેલ છે જેનો નાદ કરી ઉપર મંદિર તરફના પગથિયાં ચડી શકાય છે. જે આઠ-નવ જેટલા છે. સામેની બાજુ મુખ્ય મંદિર આવેલું છે (Image-33) અને મંદિરની આજુ બાજુ નાના ૪૪ જેટલા મંદિર આવેલા છે.(Iamge-34) મુખ્ય મંદિરનું ખંડિત શિખર સામેજ દેખાય છે જેને જોતા મંદિરની વિશાળતા અને વૈભવનું અનુમાન આવી જાય છે. મંદિરની સામેની બાજુ અને ડાબી બાજુ પટાંગણ રૂપે વિશાળ જગ્યા આવેલ છે. જ્યાં નીચે અથવા બાંકડા પર બેસી શકો છો.

પ્રાપ્ત જાણકરી મુજબ કટારમલ સૂર્યમંદિરનું બાંધકામ આશરે નવમી સદી દરમ્યાન કત્યુરી વંશજ શ્રી કટારમલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર પુર્વાભીમૂખ છે. ત્યારબાદ કાળક્રમે નાના મંદિરનું બાંધકામ સમયાંતરે કરવામાં આવ્યું હતું. મુખ્ય મંદિર અને એના મંડપનું બાંધકામ નાગરશ્રેણીમાં કરવામાં આવ્યું છે. આ મંદિર સમૂહ એની ઉત્કુષ્ઠ સ્થાપત્ય અને કલાત્મક કળા માટે પ્રસિદ્ધ છે. અહીં મુખ્ય મંદિરનું ગર્ભગૃહ દ્વાર લાકડામાંથી બનાવેલ છે અને એમાં ખુબજ કલાત્મક રીતે કોતરણી પણ કરેલ છે જેને દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સંરક્ષિત રાખવામાં આવેલ છે. અહીં શિવ-પાર્વતી અને શ્રી લક્ષ્મીનારાયની પ્રતિમા સ્થાપેલ છે. ઉપરાંત મુખ્ય મંદિરમાં ૧૨મી સદીની સૂર્યદેવની પ્રતિમા છે જેને પણ દિલ્હી રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવેલ છે. અહીં થોડા વર્ષો પહેલા થયેલ ૧૦ સદીમાં બનેલ ઇષ્ટદેવની પ્રતિમાની ચોરી થયા બાદ ઉપર જણાવ્યા મુજબ પૌરાણિક મૂર્તિઓ, દરવાજા જેવી બહુ મૂલ્ય વસ્તુ રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં સરંક્ષિત કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કટારમલ સૂર્યમંદિરને લઈને એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે, સતયુગ દરમ્યાન ઋષિ-મુનિયો પર ત્યાં રાક્ષસ દ્વારા અત્યાચાર કરવામાં આવતા જેથી કરીને કોશી નદીના કિનારે ઋષિઓ દ્વારા સૂર્યદેવની આરાધના કરવામાં આવી જેથી સૂર્યદેવ પ્રસન્ન થઈને ત્યાં એક વટ વૃક્ષમાં પોતાની દિવ્ય રોશનીની સ્થાપના કરી અને ત્યારબાદ કત્યુરી શાસક દવારા "બડાદિત્ય" તીર્થસ્થાન રૂપે મંદિરની સ્થાપના કરી.

મુખ્ય મંદિરની મુલાકાત લઈને અમે સામે આવેલ પટાંગણમાં અમે નિરાંતે બેઠા, અહીં બેઠા બેઠા સામે વિશાળ મંદિર દ્રશ્યમાન થતું હતું અને એની ચોંટી ઉપર આવેલ હરિયાળા પહાડો એની સુંદરતાને વધારી રહ્યા હતા. (Image-35) પાછળની બાજુથી નીચે તરફની ખીણમાં આવેલ ગામ અને પગથિયાં આકારમાં આવેલ ખેતર દેખાઈ રહ્યા હતા. (Image-36) એની પાછળની બાજુએ ઉંચા અને હરિયાળા પર્વતોની હારમાળા દેખાઈ રહી હતી. મેઘરાજાના આગમન બાદ વાતાવરણ થોડું ધુંધળુ પણ ખુબજ નયનરમ્ય લાગી રહ્યું હતું . મેઘરાજાના અમીછાંટણા શરૂ થઇ જતા વાતાવરણ આહલાદક બની ગયું હતું અને પ્રકૃતિની સુંદરતા ચરમસીમાએ હતી. ક્યાંક ક્યાંક પક્ષીઓને કલરવ પણ સંભળાઈ રહ્યો હતો. થોડો સમય કુદરતના સાનિધ્યને માણ્યા બાદ અમારે અહીંથી બને એટલું વહેલું નીકળવું પડે એમ હતું કારણકે અમારે સાંજસુધીમાં નૈનિતાલ પહોંચવાનું હતું અને વરસાદી વાતાવરણનો સામનો પણ કરવાનો હતો.

-©ધવલ પટેલ

હવે પછીની મુસાફરી નવમા એપિસોડમાં ચાલુ રહે છે. જુના અને નવા એપિસોડ માટે મારી ટાઇમલાઈન અથવા ફેસબુક પેજ અથવા વોટ્સએપ કરવું ત્યાંથી મળી જશે.

મારી મુસાફરીના દરેક એપિસોડ માટે #Kumautour2021bydhaval ફોલો કરવું.

ટુરને લગતી અન્ય માહિતી અને બુકિંગ માટે વોટ્સએપમાં મેસેજ કરવો અથવા ફેસબુક પેજને લાઈક કરવું. મારી દરેક પોસ્ટ ઉપરાંત ટુરિઝમને લગતી માહિતી ફેસબુક પેજ ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. બન્ને માટે નીચે લિંક આપેલી છે.

વોટ્સએપ : 09726516505

ફેસબુક પેજ : https://m.facebook.com/Enjoye.Life/

યૂટ્યૂબ વિડિઓ લિંક :
સૂર્યમંદિર વિઝીટ : https://youtu.be/zk8r07AOgpU