બે ત્રણ દિવસ રજા રાખીને હું કમને સબવે પર ગયો. મારું મન હવે ફરીથી સબવેમાં કામ કરવા જવા માંગતું નહતું અને મેં નક્કી કરી લીધું કે નવી નોકરી શોધી લઈશ. સબવેમાં પ્રવેશીને હું ચેન્જીંગ રૂમમાં જવા આગળ વધ્યો ત્યાં જ એલીસ ચન્જીંગ રૂમમાંથી બહાર આવી. એણે મને ‘હાય’ એવી રીતે કહ્યું જાણે કે કંઈ બન્યું જ ન હોય. મેં પણ એની અવગણના કરવાના ઈરાદે તેની સામે જોયા વિના હાય કહ્યું.
બે ત્રણ દિવસ સામાન્ય રહ્યા ને ફરી એણે મને વીકેન્ડમાં કલબ જવા માટે ઓફર કરી, મન તો થયું કે ‘મેલું પાટું જાય ગડથોલું ખાતી’, પણ મને રજનીકાકાનો અવાજ સંભળાયો, “ક્ષમા વીરસ્ય ભૂષણમ.” પણ મેં કામનું બહાનું બતાવી એને ના પાડી દીધી. એને પણ મારી વાતનું જાણે ખોટું જ ન લાગ્યું હોય એમ ઓકે કહીને જતી રહી, જે મને અંદર સુધી હચમચાવી ગયું હતું. મારા માન્યામાં આવતું ન હતું કે કોઈ આટલી હદ સુધી કેવી રીતે બેફિકરાઈથી વર્તી શકે. મેં પણ એને જોઇને જીવ બાળવો એને કરતાં આ નોકરી જ છોડી દેવાનું મન બનાવી એક દિવસ એને કહ્યું કે મને બીજી જોબ મળી ગઈ છે, હું આવતા અઠવાડિયે ત્યાં જોઈન કરવાનો છું. એને ફક્ત ‘કોન્ગ્રેચ્યુલેશન’ કહી વાત પૂરી કરી નાંખી. મને એની અદા અને હાવભાવથી લાગી રહ્યું હતું કે એ મને અવગણી રહી હોય.
મેં એને છેલ્લો પ્રયાસ કરી જોવાના ઈરાદે પૂછ્યું કે તને કંઈ જ ફરક નથી પડતો. આપણે જે સમય સાથે વિતાવ્યો ને આપણી વચ્ચે જે પ્રેમ હતો એનો કોઈ અર્થ ન હતો. એણે ફક્ત એટલું જ કહ્યું કે બસ એજ સમય કીમતી હતો જે ફરી પાછો નહીં આવે. મને એની વાત સમજાઈ નહીં, પણ એના વર્તનમાં જે અદા હતી એના પરથી મને એટલી ખાતરી થઈ ગઈ હતી કે એના માટે હું ફક્ત ટાઈમપાસ હતો.
મેં સબવેની નોકરી છોડીને પંજાબ ફૂડમાં ફૂલ ટાઈમ જોબ શરૂ કરી અને પાર્ટ ટાઈમ ગો ડીલીવરી નામની કંપનીમાં ઓનલાઈન ડીલીવરીમાં કામ શરૂ કર્યું. એ કામનો ફાયદો એ હતો કે જયારે ઓનલાઈન થાઓ અને ડીલીવરી પડે એટલે ડીલીવરી આપી આવવાની ને જયારે ઈચ્છા થાય ત્યારે ફ્રી રહી શકો.
એક દિવસ હું વહેલો ઘરે આવી ગયો હતો અને ઘરમાં પ્રવેશતાં જ મને ગીટાર વાગવાનો અવાજ સંભળાયો. હું ઉપર મારા રૂમ તરફ આગળ વધ્યો. રીચાના રૂમમાંથી જ ગીટાર વાગવાનો અને ગીત ગાવાનો અવાજ આવતો હતો. મેં કુતુહલતાવશ રીચાના રૂમ સામે જોયું અને મારા રૂમ તરફ પગ ઉપાડ્યા. હું મારા રૂમમાં પ્રવેશ્યો. ફ્રેશ થઈને હું મારા પલંગ પર આડો પડ્યો. હજી પણ રીચાના રૂમમાંથી ગીટાર અને ગાવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.
ઘરમાં નીચે થઈ રહેલા અવાજથી હું જાગી ગયો, ત્યારે મને ખબર પડી કે મારી આંખ લાગી ગઈ હતી. જમવાનો સમય થયો એટલે કદાચ બધા એકઠા થયા હશે એમ વિચારી હું મારા રૂમમાંથી નીકળી નીચે ગયો.
મને જોઇને જાણે તે દિવસની દારૂ પીને થયેલી ઘટના જાણે ભૂલી ગઈ હોય એમ દિવ્યા બોલી, “અરે તું ક્યારે આવ્યો?” મેં ફક્ત ‘હમણાં જ’ એટલું કહ્યું.
સંદીપે મારો મૂડ ઠેકાણે લાવવાના પ્રયાસરૂપે કહ્યું, “ચાલ આવી જા જમવા. આજે ઘણા દિવસે બધા સાથે જમીશું.”
શિખાએ ઉમેર્યું, “હા અંકલ તમે આજે કેટલા દિવસે મળ્યા.” હું ડાયનીંગ ટેબલ પર ગોઠવાયો. સંદીપે મને પૂછ્યું કે હું વહેલો આવી ગયો હતો તો પછી મહેફિલમાં કેમ ના જોડાયો. મેં કંઈ પણ બોલ્યા વિના જ જમવા માટે ડીશ લીધી અને તેમાં રીંગણ બટેટાનું શાક કાઢવા લાગ્યો. આજે જ અચનાક હું વહેલો આવી ગયો હતો, બાકી તો હું રોજ રાત્રે મોડે ઘરે આવતો અને સવારે બધા જતા રહ્યા હોય ત્યારે જતો એટલે ભાગ્યે જ અમારે મળવાનું થતું. એક જ ઘરમાં રહેતા હોવા છતાં સંદીપ સાથે પણ ફોન પર વાત થતી. હું મારી એલીસ સાથેની પળોને ભૂલવા માટે મારી જાતને વધુને વધુ વ્યસ્ત રાખવા રવિવારે પણ કામ પર જતો એટલે મને એ લોકો જે મહેફિલની વાત કરી રહ્યા હતા એની જાણ નહતી.
શિખાએ રીચાના વખાણ કરતા કહ્યું, “મહર્ષિ અંકલ, રીચા દીદી બહુ સરસ ગીટાર વગાડે છે અને ગાય પણ મસ્ત છે.” પણ મારું ધ્યાન તેમનામાં ન હતું. સંદીપ અને દિવ્યાએ પણ શિખાની વાતમાં સુર પુરાવતા કહ્યું કે હા બહુ જ સરસ ગાય છે.
રીચા પોતાના વખાણથી ફુલાઈ ગયા વગર બોલી, “એવું કંઈ નથી. થોડુંક આવડે છે એટલે ટાઈમ પાસ માટે વગાડી લઉં છું.”
સંદીપે એની વાત સાથે અસહમતિ દર્શાવતા કહ્યું, “ખરેખર તું બહુ જ સરસ ગાય છે.” મને તેની વાતને અનુમોદન આપવાના ઈરાદે જોડતા કહ્યું, “એક કામ કરીએ, રીચા તું મહર્ષિને એકવાર તારો અવાજ સંભળાય. એ શું કહે છે જોઈએ.”
મને એમની સાથે કોઈ ફરિયાદ ન હતી એટલે હું એમની અવગણના કરી શકું તેમ ન હતો, તેથી મેં ધીમા સૂરમાં કહ્યું, “મેં સાંભળ્યું. ખરેખર મીઠો અવાજ છે.”
સંદીપ તરત બોલી ઉઠ્યો, “હવે બોલ રીચા, હવે શું કહેવું છે તારે?” મેં રીચા સામે જોયું, તેના ગાલ પર શરમ ઉભરાઈ જતા મેં નોંધી.
સંદીપે પોતાની વાત આગળ ચલાવતા ઉમેર્યું, “તમને ખબર ન હોય તો કહું, મહર્ષિ પણ બહુ સરસ ગાય છે.”
યુવરાજ કે જે બહુ શાંત રહેતો હતો એ બોલી પડ્યો, “હેં મહર્ષિ અંકલ. ખરેખર.” એના બોલ્યા પછી બધા વારાફરથી આશ્ચર્યજનક નજરે મારી સામે જોઈ રહ્યા હતા.
દિવ્યા મજાકમાં બોલી, “તો કાલે વાત. કાલે સાંભળી લઈએ મહર્ષિના સૂરને. શું કહેવું છે?”
સંદીપે પોતાનું સૂચન કરતાં કહ્યું, “કાલે નહીં. એક કામ કરીએ આ વીકેન્ડમાં ફરવા જઈએ અને ત્યાં જ સંગીતસંધ્યા રાખીએ.” બધાએ વિકેન્ડ પીકનીક માટે પોતપોતાની સહમતી દર્શાવી એટલે મેં પણ હા પાડી દીધી. મારી નીરસતા દૂર કરવા વિકેન્ડ પીકનીક સંદીપ મારા માટે જ કરી રહ્યો હતો તે હું સમજી શકતો હતો.
જમ્યા પછી સંદીપ મારા રૂમમાં આવ્યો. મારી સાથે ઔપચારિક વાતો કર્યા પછી બોલ્યો, “કાકાનો ફોન હતો. તેં ઘણા સમયથી ઘરે ફોન નથી કર્યો.” હું ચુપ બેસી રહ્યો હતો. તેણે મારી બાજુમાં આવીને મારા ખભા પર હાથ મુકતા સાંત્વના આપતા ઉમેર્યું, “જે થઈ ગયું એને ભૂલી જા. ક્યાં સુધી યાદ રાખીશ.” મારી આંખો ભરાઈ આવી. તેણે મને બાથમાં લઈ લીધો અને બોલ્યો, “જેટલું વધારે યાદ કરીશ તેટલું વધારે હેરાનગતિ થશે. એકવાર ઘરે વાત કરી લે.” મેં આંખો લુછી, પાણી પીને પોતાની જાતને સ્વસ્થ કરીને ઘરે ફોન લગાડી વ્યસ્ત હોવાથી ફોન ન કરી શકવાનું બનાવટી બહાનું આપ્યું. મેં અને સંદીપે મારા ઘરના ત્રણેય સદસ્યો સાથે વાત કરી. મારા મનને ઘરના લોકો સાથે વાત કરીને અનેરો આનંદ મળ્યો, જેની અસરરૂપે મને એ રાત્રે સરસ ઊંઘ આવી. બીજા દિવસની સવાર પણ મારા માટે નવી હોય એમ જણાઈ રહ્યું હતું.
કૃતિકા મને પસંદ કરતી હતી એ હું એના મારા પ્રત્યેના લગાવ પરથી હું જાણી ગયો હતો, પણ હું એને છેતરવા ન હતો માંગતો. એકદિવસ એને મને કહ્યું કે કયાંક બહાર ફરવા જઈએ, ત્યારે મેં એને એમ કહી ટાળી દીધું કે આવતા અઠવાડિયે જઈશું.
રવિવારે નક્કી કર્યા મુજબ અમે ઘરના તમામ સભ્યો મિની પીકનીક માટે એપલ ટ્રી પીકનીક એરિયા તરફ નીકળી પડ્યા. આખો દિવસ મોજમજા કર્યા પછી થાકીને ઘરે આવીને હું મારા રૂમમાં આખો દિવસ વાગોળતો પડ્યો પડ્યો જ સુઈ ગયો. ઘણા વર્ષો પછી મેં આટલા ઉત્સાહથી ગીતો ગાયા હતા અને એમાં પણ રીચા ગીતોને અનુરૂપ ગીટારનો તાલ આપતી હતી. રીચા ખરેખર જેટલું સુંદર ગીટાર વગાડતી હતી એટલું જ મધુર ગાતી હતી.
હું પણ ફરી નવેસરથી જૂની યાદો ભૂલી જઈ જીવન ફરી પાટે ચડાવવા કૃતિકાની ઓફર સ્વીકારીને તેની સાથે બીજા જ અઠવાડિયે ફરવા ગયો ને અમે આખો દિવસ અલગ અલગ સ્પોટ પર સમય ગાળ્યો. સાથે ડીનર લઈને છુટા પડ્યા.
ત્યારબાદ અમે સમય મળે ત્યારે ફરવા નીકળી જતા, અમારી મુલાકાતો જેમ જેમ વધતી ગઈ એમ એમ એલીસ અને તેની યાદો ધીરે ધીરે મારા હૃદયમાંથી ભૂંસાતી ગઈ. ઘણા દિવસે મને રજનીકાકાના શબ્દો યાદ આવ્યા, “જીવન સુખેથી જીવવું હોય તો વર્તમાનમાં જીવવું ને ભૂતકાળને ભૂલી જવો, વ્હાલા.” છતાં મારા અને કૃતિકા વચ્ચે બનાવટી સંબંધ હોય એવું મને લાગી રહ્યું હતું, પણ એનું કારણ હું સમજી શકતો નહતો.