Street No.69 - 16 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -16

Featured Books
Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -16

સ્ટ્રીટ નંબર 69

પ્રકરણ -16

 

        સોહમ અને સાવી દરિયે તો પહોંચી ગયાં. પણ સોહમનાં એક વાક્યે સાવીની આંખનાં ખૂણા ભીનાં થઈ ગયાં... સોહમે કહ્યું “તેં મને ખુબ મદદ કરી છે એની સામે તારી શું અપેક્ષા છે ?” સાવીએ સોહમની આંખમાં જોયું એની આંખમાં બોલવા પાછળ નિર્દોષતાજ હતી એટલે એ આખું વાક્ય ગળી ગઈ.

દરિયે પહોંચી સોહમે ચોખ્ખી જગ્યાં જોતાં કહ્યું ‘અહીં બેસીએ અહીં ચોખ્ખું છે રેતી કોરી છે અહીંથી હિલોળા લેતો દરિયો પણ સ્પષ્ટ દેખાય છે.”

થોડીવાર બંન્ને દરિયા તરફ જોતાં જોતાં ચૂપ બેસી રહ્યાં. સોહમે ચુપકી તોડતાં કહ્યું "સાવી એક વાત પૂછું ?’ સાવીએ સાવ કોરી સપાટ આંખે જવાબ આપતાં કહ્યું “પૂછને...”

સોહમે કહ્યું “આપણી બે ત્રણ મુલાકાત એ પણ રહસ્યથી ભરેલી...તારાં કહેવાં પ્રમાણે તું અઘોર વિદ્યા શીખી ...અઘોરણ બની ગઈ...તારે જોઈતું હતું એ તેં પ્રાપ્ત કરી લીધું તું ધારે એ કરી શકે ઉડતાં પંખી પાડી શકે...તો હવે તને મારી પાસેથી શું મળી શકશે ?  હું સાવ સામાન્ય ઘરનો છોકરો છું જેનાં માથે બે બે કુંવારી બહેનો છે...લગભગ બધી જવાબદારી છે નથી મારી પાસે તારાં જેવી શક્તિ -સિદ્ધિ કે બુધ્ધી...?”

સવીએ સોહમનાં હોઠે હાથ દઈને કહ્યું “બસ સોહમ પોતાની જાતને વારે વારે આટલી અસહ્ય નહીં માનવાની...સ્થિતિ સંજોગ બધાનાં હોય કોઈ અમીર કોઈ ગરીબ પણ હું મધ્યમવર્ગની છોકરી તારાં જેવાંજ કુટુંબમાંથી આવતી...મારી વાત સાંભળીશ તો તારાં નીચેથી રેતી સરકી જશે. તું તો ઘણો બહાદુર અને ખંતીલો છે.”

“હાં હું સિદ્ધિ -શક્તિ મેળવી અઘોરણ થઇ છું પણ...એનાં માટે કેટલાં ભોગ આપ્યાં છે...અઘોરણ થયાં પછી સમજાયું કે પોતાની જાત માટે કંઈ નથી મળતું બીજાઓને આપવા અને બીજાઓનું રક્ષણ કરવા માટે છે. આપ ભોગવટો તો તમારાં પ્રારબ્ધથીજ મળે છે હું ધારે એ જીવી શકું...ધારું એ મેળવી શકું આપી શકું એમાંય મર્યાદાઓ હોય છે. અઘોરી થયાં એટલે ઈશ્વર નથી બની ગયાં તમારાં જીવનની આસપાસની દુનિયા સંકોચાઈ જાય છે અઘોર તપ કર્યા પછી બધાં ફળ મળે છે. રિદ્ધિ સિદ્ધિ પામવાં અને એને જાળવી રાખવા તપ કરવાં પડે છે નહીંતર એય નિષ્ફ્ળ થાય છે.”

“બધુંજ મેળવ્યાં પછી પણ હજી...ભૂખ છે મનને અપેક્ષાઓને...શરીરને...તમારી પાસે તમારું માણસ તમારો પ્રેમ...તમારું પોતાનું...સાચું પોતાનું જ જે ફક્ત તમને ચાહે...તમારાં માટે જીવે બીજા કોઈ અપેક્ષા અને સ્વાર્થ કે આકાંક્ષાઓ વિના કોઈ લાલચ-મોહ-સ્વાર્થ વિનાં તમને પસંદ કરે...તમને પ્રેમ કરે...જે આ ભૌતિક સુખોની ઉપર હોય...એવી કોઈ વ્યક્તિ તમારી હોય જે તમને સંભાળે, લઢે,સમજાવે તમારાં સારાં માટે વિચારે...આવું કોઈક અંગત હોય...”

“સોહમ તને એમ થશે હું આ બધું શું બોલું છું ?પણ સાચું કહું છું સોહમ...થયેલી ઈચ્છાની પૂર્તિ થાય જોઈતું સાધન-ભૌતિક સુખ મળી જાય ભોગવટો થઇ જાય સંતોષાઈ જાય...પછી એ વસ્તુ સાધનથી મન ભરાઈ જાય ઉઠી જાય...પછી શું ? પછી કોઈ તૃપ્તિ ખરી?”

“સાચી તૃપ્તિની ખોજમાં અઘોર તપ કર્યું સિધ્ધી મેળવવાની વાસનામાં કેટ કેટલું સહન કર્યું ભોગ આપ્યાં... પણ મળી ગયું ? પછી શું ? મારાં અરમાન સંતોષાઈ ગયો પછી ? મેં શું મેળવ્યું શું ગુમાવ્યું એનાં ગણિતમાંથી બહારજ નથી નીકળી શકતી...”

સોહમ એકી નજરે અને એકી શ્વાસે સાવીને સાંભળી રહેલો...સાવી જે બોલી રહી હતી એ સાંભળવું ગમતું હતું...ઘણું સમજી રહેલો. એ એપણ સમજી ગયો કે આટલી ઉપલબ્ધી પછી પણ એ તો શૂન્યજ છે સાવી હજી સાવ ખાલી છે એને કશું મેળવ્યાનો એહસાસજ નથી ઉપરથી મેળવવાં પછીનો જાણે વસવસો છે...

સોહમે સાવીની આંખમાં આંખ પરોવીને કહ્યું ‘મન પરથી બધોજ ભાર કાઢી નાંખ કે શું મેળવ્યું કે શું ખોયું...સાવ સ્થિતપ્રજ્ઞ થઇ જા. મને તો નવાઈ લાગે છે કે આટલી સિદ્ધિ મળ્યાં પછી પણ આવી તારી મનોદશા ? હું તો અઘોર વિદ્યા શીખવા માંગુ છું એનાં દ્વારા જ ભૌતિક સુખ સગવડ મેળવવા માંગુ છું બધીજ રીતે સફળ સાબિત થવા માંગુ છું અને તું?”

સાવીએ કહ્યું... “બધું મેળવી લીધું એનો ભલે સંતોષ થાય પણ કોઈક મારું આગવું છે જે ફક્ત મારુંજ છે એવું મેળવવાની ભૂખ છે બધું મેળવીને પણ હું એકલી છું તને પહેલીવાર મળી...કુદરતે મેળવી હતી ત્યારથી મારે તને કશું આપવાનું હતું સિદ્ધિ સાબીત કરવાની હતી એ સમયે પણ હું ભલે મારી ક્રિયામાં હતી... તને પહેલીવાર જોયેલો... મારી વિદ્યાને કારણે મને તારાં વિશે બધી માહિતી મળી ગઈ હતી તારું જ્ઞાન,મન તારું કુટુંબ, તારી આર્થિક સ્થિતિ,ભણતર,ગણતર ઓફીસમાં તારી સ્થિતિ તારી ગણનાં...તારો સ્વભાવ તારી લાગણીઓ ,તારું મન બધુંજ હું તાગી ગઈ હતી બધુંજ જાણી ગઈ હતી મારે અંતિમ વિધી પ્રમાણે મારી સિદ્ધિનું ફળ ચકાસવા તને કંઈક આપવાનું હતું એ પહેલાં તારું બધુંજ જાણી લેવાનું હતું મેં જે સિદ્ધિઓ મેળવી છે એમાં કર્ણપિશાચીની શક્તિ પણ છે હું તને અંદર-બહાર બધાંથી ઓળખું છું.”

તારું જે "તારાં પણું" છે એનાંથી હું ખુબજ આકર્ષાઈ ગઈ હતી આ હું કબૂલું છું એક ક્ષણની મુલાકાત મારાં માટે...મારાં તડપતાં જીવ માટે ખુબ અગત્યની પુરુવાર થઇ ગઈ. ગુરુ આદેશની વિધિ પુરી કર્યા પછી પણ તને ના ભૂલી શકી પ્રથમ નજરે અને એ પ્રથમ ક્ષણે જયારે હું તારી પાસેથી પસાર થઇ ગયેલી મને તારાં માટે પ્રેમ લગાવ થઇ ગયો મારાં દિલનાં તાર ઝણઝણી ઉઠેલાં... હું બીજું પામવા જવાની જગ્યાએ તને પામવા બ્હાવરી બની ગઈ... આમાં તને શું લાગશે તું શું વિચારીશ મને નથી ખબર છતાં જે હતું એ બધુંજ પારદર્શી રીતે કહી દીધું... મારી સ્થિતિ મારો ભૂતકાળ પણ કહેવા માંગુ છું...” સોહમે કહ્યું...

 

વધુ આવતા અંકે -પ્રકરણ -17