Gurudev Dattatraya and 24 Gurus in Gujarati Spiritual Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | ગુરુદેવ દત્તાત્રય અને ૨૪ ગુરુઓ

Featured Books
Categories
Share

ગુરુદેવ દત્તાત્રય અને ૨૪ ગુરુઓ

ગુરુદેવ દત્તાત્રેય અને ૨૪ ગુરુઓ.

૨૪ ગુરુઓ પાસેથી ગુણ ગ્રહણ કરનાર ભગવાન શ્રી દત્તાત્રેય

માગસર સુદ ૧૫ એટલે શ્રી ગુરુ દત્તાત્રેય જયંતી.

દત્ત એટલે કે વરદાન માંગવાથી મળેલા હોવાથી અને ત્રણ સ્વરૂપનું એક જ શરીર હોવાથી ઋષિ, અત્રીમુની અને ઋષિપત્ની અનસૂયાએ બાલ સ્વરૂપમાં મળેલા ભગવાનનું દત્તાત્રેય નામકરણ કર્યું.

પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અશ્વસ્થામા, બલી, વ્યાસ, હનુમાન, વિભિષણ, કૃપ અને પરશુરામ ચિરંજીવ છે. તે જ રીતે ભગવાન દત્તાત્રેય સર્વ વ્યાપ્ત અને ચિરંજીવ છે. ભગવાન દત્તાત્રેય પોતાના જીવનમાં ૨૪ ગુરુઓ કર્યા હતા. કોઇ પણ વ્યક્તિ આ ૨૪ ગુરુઓમાંથી પ્રેરણા લઇને પોતાનું જીવન સાર્થક બનાવી શકે છે. ભગવાને ૨૪ ગુરુઓમાંથી કયા કયા ગુણ ગ્રહણ કર્યા તેનો સાર અહીં રજૂ કર્યો છે.

પૃથ્વીઃ ગુરુ દત્તાત્રેય પૃથ્વીને પ્રથમ ગુરુ માન્યા છે. તેમનાથી સહનશીલતા, ગમે તેવા અનિષ્ટ પદાર્થો તેમના પર ફેંકવામાં આવે તો પણ ક્રોધ ન કરવો. એક માતા તરીકે સર્વોનું પાલનપોષણ કરવું. તેમ જ એમની સેવા કરવી તેવું શીખ્યા, પોતાની શક્તિ પ્રમાણે પૃથ્વી દરેક પ્રાણીમાત્ર, વનસ્પતિ વગેરે સ્થાન આપી ઊપકાર કરે છે.

વારિ (પાણી): પાણી સિંચન પણ કરે છે અને દરેકની સાથે ભળી પણ જાય છે. પ્રવાહી રૂપે બધામાં રહે છે, છતાં તેના ગુણો સ્વીકાર કરતું નથી, નિર્લેપ રહે છે. ગંદકી વગેરેનું વહન કરે છે, વનસ્પતિનું પોષણ કરે છે. છતાંય કોઈ પણ રીતનું અભિમાન નથી.

આકાશઃ ત્રીજા ગુરુ છે. તેઓ સર્વવ્યાપ્ત છે. નિર્વિકાર છે. એક જ જગ્યાએ પ્રાણરૂપે છે. અગ્નિ, પૃથ્વી, જળ વગેરે હોવા છતાં મેઘને ધારણ કર્યો છે, પાલન અને પોષણ પણ કરે છે.

વાયુઃ વાયુને બીજા ગુરુના રૂપમાં સ્વીકાર કર્યો છે. બધે જ વાયુ વ્યાપ્ત છે, છતાંય વાયુ નિર્લેપ છે, વિરક્ત છે. વૈરાગ્ય અને ક્ષમા તેમના પરમ ગુણ છે. બધાને, પ્રાણી વગેરેને પ્રાણવાયુ આપે છે. જીવન આપે છે.

અગ્નિઃ અગ્નિ એ દત્તાત્રેયનો પાંચમો ગુરુ છે. તેમાં તપશ્વર્યા અને પ્રદિપ્તાનો ગુણ છે. સુખેથી જે પણ મળે તેનું મિશ્રણ કરવુ અને ક્યાંય લિપ્ત ન થવું. ક્યારેક ગુપ્ત રહેવું અને ક્યારેક પ્રગટ થવુ પોતાના તમામ ગુણોને પ્રગટ કરવા.

ચંદ્ર: ચંદ્ર દત્તાત્રેયનો છઠ્ઠો ગુરુ છે. જે નિર્વિકાર આત્મા છે. એક મહિનામાં વધે છે અને ઘટે છે. દરેક નક્ષત્રમાં ભ્રમણ કરે છે, વૃદ્ધિ અને ક્ષયમાં પણ એક સરખો શીતલ રહે છે, સમાન રહે છે, આત્મા અલિપ્ત છે અને એ સાક્ષી છે. તેને દેહવિકાર નથી એવું તેઓ ચંદ્રથી શીખ્યા છે.

સૂર્યઃ સૂર્યને દત્ત ભગવાને સાતમા ગુરુ ગણાવ્યા છે. સૂર્ય પોતે બધે વ્યાપક છે અને તેનું પ્રતિબિંબ પણ બધે જ વ્યાપ્ત છે. જળમાં પડે તો તે ચલાયમાન લાગે, હરતું-ફરતું લાગે, દેશ, કાળ વગેરેમાં કામનું સાતત્ય હોવા છતાં અલિપ્ત રહે છે, કોઈની પણ સાથે રાગ-દ્વેષ રાખતા નથી. નિત્યક્રમમાં જ રહે છે.

કરોળિયોઃ કરોળિયો લાળ વડે જાળ ગૂંથે છે અને તે જ જાળમાં બંધાય છે. તે સત્વ, રજસ ને તમો - ગુણથી મુક્ત થઈને વીચરે છે. કરોળિયો પોતાના મનોરથ, વાસના વગેરેની માયા થકી જીભનું ગુંથન કરે છે અને અંતે તેનો સંહાર કરે છે, કરોળિયો પોતે વ્યાપક છે, બધાને જ ગૂંથી લેશે તેવા મોહમાં રાચે છે તે જ ભ્રમ છે. મારા જેવો બીજો કોઈ નથી તો એવા મોહ ભ્રમમાંથી મુક્ત થવા માટે કરોળિયાને ગુરુ કર્યા.

પતંગિયુઃ દિપ જ્યોતમાં મોહિત થઈને પોતે પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે. એવા મોહમાં જ હાથે કરીને મોતને ભેટ છે. આ રીતે સમર્પિત ભાવમાં આત્માને પરમાત્મામય બનાવવા માટે, પરમાત્મા મેળવવા માટે શરીર, મોહનો ત્યાગ કરવો, ઈશ્વર માટે સમર્પિત થઈ જવું એવી શીખ આપી.

સમુદ્રઃ દત્તાત્રેય ભગવાને દસમા ગુરુ સમુદ્રને કર્યા કારણ કે સમુદ્ર શાંત, બધી જ વસ્તુઓને પોતાનામાં સમાવે છે. ભરતી અને ઓટ બંનેને એક સમાન ગણે છે, રત્નો વગેરે કિંમતી નંગોનું ઉત્પાદન કરે છે, અખૂટ સંપત્તિનો માલિક હોવા છતાં શાંત રહે છે. ઘણો ઊંડો હોવા છતાં એનો ભેદ કોઈને કહેતો નથી, એવા ગુણો છે.

મધમાખી-ભમ્રરઃ ભમ્રર અને મધમાખી એ અગિયારમો ગુરુ છે કારણ કે મધુમાખી - ભ્રમર કમળ પર બેસે છે અને પરાગને લઈ ભ્રમર કમળના મોહમાં કેદ થાય છે. મધમાખી પણ ફૂલો પર ભ્રમણ કરી મધને એકઠું કરે છે, પરંતુ મધનું ભક્ષણ કરતી નથી, સ્વાર્થ વિના કાર્ય કરે છે. તેને જન્મ-મરણનું બંધન નડતું નથી.

મધુહારકઃ મધપુડામાંથી મધ લેનાર. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં જે કંઈ પણ કષ્ટ પડે તેને સહન કરવાનું, ધુમાડાથી પોતાની આંખોમાં બળતરા થાય છે તે સહન કરવાની વૃત્તિ રાખવી તેવા ગુણના કારણે મધુહારકને ગુરુ માન્યા છે.

ગજ (હાથી-ઐરાવત): હાથીને તેમણે તેરમા ગુરુ તરીકે ગણાવ્યા છે. હાથી મદોન્મત અને અજય પણ છે. હાથણીને વશ થાય છે. પારકી હાથણીને વશ કરવા માટે બીજા હાથી સાથે લડે છે અને પ્રેમ મોહના કારણે, વાસનાના કારણે પોતે ફસાય જાય છે અને અંતે જીવ ગુમાવે છે. મતલબ કે પારકી સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે બીજા સાથે ઝઘડો કરીને જીવન સંકટમાં નહીં મૂકવું કારણ કે મોહનો, વાસનાનો કોઈ અંત નથી. આવા દુર્ગણોનો ત્યાગ કરવો જોઇએ.

મૃગ (હરણ)સઃ કસ્તુરી મૃગ જેમાં સુગંધ છે. કપટી લોકો તેની પાસે ગાયન કરે છે. જેથી મૃગ મુગ્ધ બની જાય છે અને પોતાનું સર્વસ્વ ગુમાવે છે અને પોતાના શરીરમાં રહેલી કસ્તુરીને ગૂમાવે છે. જેથી મનુષ્યે મોહને વશ થવું ના જોઈએ.

ભ્રમરી (પેશસ્કાર, જંતુવિશેષ): જે મશરૂમની જેમ માટીનું ઘર બનાવીને તેમાં બીજા જંતુઓને લાવીને પોતાના ઘરમાં રાખીને જીવન જીવે છે. સંગ્રહખોરી કરે છે, પણ જરૂર પડે એ જીવાતને ડંખ મારીને મારી નાંખે છે. પોતાના સ્વાર્થ ખાતર બીજાનો જીવ લેવો એવા દુર્ગુણોમાંથી મુક્ત થવાનું અને સંગ્રહખોરી ન કરવી આ ભ્રમરીથી શીખી શકાય.

મીન (માછલી): મીન દત્તાત્રેયની સોળમી ગુરુ છે. જે પોતે સ્વેચ્છાએ જળમાં ગતિ કરે છે, વાયુની જેમ દોડે છે, જીવવામાં લોલુપ્ત થઈને તે ખોરાક માટે થઈને જાળમાં ફસાય છે અને અંતે મરી જાય છે. લોલુપ્ત વાસનામાં ફસાવું ન જોઈએ એવું તેઓ મીનથી શીખ્યા છે.

અજગરઃ અચિન્તય થઈને ઘણા લાંબા સમય સુધી કોઈ પણ ચિંતા કર્યા વગર પડયો રહે છે. પોતે હંમેશા મસ્તીમાં રહે છે. વિશ્વાસ રાખીને હંમેશા એક જ જગ્યાએ કામ કર્યા વિના પડયો રહે છે. નસીબજોગે ખોરાક ન મળે તો પણ એ ભૂખ્યો પડી રહે છે. હંમેશા જાગૃત રહે છે એવા ગુણો અજગરમાં છે. તે બધી જ વૃત્તિઓને ધીમે ધીમે પ્રદિપ્ત કરે છે અને પોષણ કરે છે.

સરકાર (બાણ કરનારો વ્યાધ્ર): વ્યાધ્રનું ચિત્ત (લક્ષ્ય) બાણમાં હોય છે અને તેનું આસન નિશ્ચલ (અવિચળ) હોય છે. અને તેનું લક્ષ્ય શિકાર કરવાનું હોય છે, એકાગ્રતાનો ગુણ પણ તેનામાં છે.

બાળકઃ બાળક ઓગણીસમો ગુરુ છે. બાળક પોતાની અવસ્થામાં સારુ-નરસુ, માન-અપમાન વગેરેમાં કોઈ ભેદ રાખતો નથી. હંમેશા નિજાનંદની મસ્તીમાં જ રહે છે. કીર્તિ-અપકીર્તિ વગેરેને પણ લક્ષમાં રાખતો નથી. માતા-પિતા વગેરેમાં પણ સમભાવ રાખે છે.

કુમારી કંકણઃ એમણે કુમારી કંકણને વીસમો ગુરુ માન્યા છે. કુમારીના કંકણો હાથમાં રણકે છે. જ્યારે કુમારી ઘરમાં ડાંગરને છડે છે, બંને કંકણો અથડાય છે અને આનંદ કરે છે. ખાંડેલા ડાંગરને ભારે પ્રેમથી પીરસીને જમાડે છે. બે કંકણો એકઠા રહેવા છતાં કોઈ પણ પ્રકારના દ્વેષ વિના સુખથી કેમ રહેવું એ તેઓ કંકણો પાસેથી શીખ્યા છે.

સર્પઃ સર્પને દત્તાત્રેય ગુરુએ એકવીસમા ગુરુના રૂપમાં સ્વીકાર્યા છે. જેમ સર્પ એક સ્થાને રહેતો નથી, પણ જ્યાં રહે ત્યાં મોજથી રહે છે. પ્રગટ ક્યાં થાય છે તે વિચારતો નથી. પોતે પ્રમાદમાં કંઈ પણ કરતો નથી. જ્યાં સુધી એને છંછેડો નહીં ત્યાં સુધી કોઈના પર પણ ક્રોધ ન કરવો એ ગુણ સર્પનો છે.

ગણિકાઃ જે સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરતી નથી તેની ઈજ્જત હોતી નથી. નૃત્ય, ગાયન વગેરે કરીને પુરુષને મોહિત કરે, વશ કરે છે અને સર્વસ્વ ગુમાવે છે. ગણિકા પોતે ભોગ ભોગવવા છતાંય તૃપ્ત થતી નથી. તેની પાસેથી શીખવા એ મળ્યું કે દ્રવ્ય-લોભ માટે ઈજ્જત ગુમાવવી નહીં.

કપોત (પક્ષીવિશેષ): જંગલમાં માળો બાંધીને પોતાના પરિવાર સાથે રહે છે. તે કોઈ પણ સંજોગોમાં પરિવારથી છૂટા પડતા નથી. શુધા (એક પ્રકારનું પક્ષી) તૃષા વગેરે છોડીને હંમેશા આનંદમાં રહે છે. મૃત્યુ ક્યારે આવશે તેની પણ પરવા કર્યા વિના હંમેશા પોતાના જ પરિવારમાં રહે છે. તેના બાળકોનું પાલનપોષણ વગેરે કરવું તેનો ધ્યેય છે. તે કદી પરિવારનો ત્યાગ કરતો નથી.

અને સૌથી છેલ્લે... ભગવાન દત્તાત્રેય સાથે રહેતા ચાર શ્વાન એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય બાબતનું જ્ઞાન આવશ્યક છે કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ. ધર્મ, અર્થ, કામ, મોક્ષનું જ્ઞાન મેળવીને તેનાથી અલિપ્ત રહીએ, કર્મના બંધનમાં ન બંધાઇને તેમ જ ચારેય બાજુનું જ્ઞાન મેળવીને માનવી પોતાના જીવનને મુક્તિમાર્ગે લઈ જઈ શકે. (ધામિઁક પુસ્તક ના અંશ)

Dipak M. Chitnis

dchitnis3@gmail.com