અતીતરાગ-૧૭
પેલું કે છે ને કે,ઘણીવાર આખે આખો હાથી આસાનથી પસાર થઇ જાય પણ, છેવટે તેનું પૂંછડુ સલવાઈ જાય.
આપણે જે દિગ્ગજ હસ્તીની વાત કરવાના છે, તેની જોડે કંઇક આવું જ થયું હતું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની રજેરજથી માહિતીગાર દિગ્ગજ સ્ટાર્સ જયારે પહેલીવાર પ્રોડ્યુસર બને અને તેની ફિલ્મ સેન્સર બોર્ડમાં એ રીતે સલવાઈ જાય કે, રીલીઝ થશે કે નહીં તેનો પણ અંદાઝ ન આવે, તો વિચારો કે તેમની શું દશા થાય. ?
સેન્સર બોર્ડની અવળચંડાઇના ભોગે ઘણી ફિલ્મો અને તેના નિર્માતા ધૂળ ચાટતાં થઇ ગયાં છે.
પણ આ માથાભારે (અભિનયમાં) નિર્માતાએ સેન્સર બોર્ડ સામે એવો પંગો લીધો કે સેન્સર બોર્ડના અધિકારીઓને ધૂળ ફાંકતા કરી દીધા.
જે ફિલ્મની ૨૫૦ કટ્સ અને ‘A’ સર્ટીફીકેટ વિના ફિલ્મ રીલીઝ થવાની કોઈ જ શક્યતા નહતી. તેની જગ્યા એ આ ધુરંધર નિર્માતાએ એક પણ કટ્સ અને ‘U’ સર્ટીફીકેટ સાથે વટથી ફિલ્મ રીલીઝ કરાવડાવી.
પણ સાથે સાથે એ શપથ પણ લીધાં કે, આજ પછી કયારેય નિર્માતા ન બનવું.
શું નામ હતું એ લીજેન્ડ અભિનનેતાનું ? તે ફિલ્મ કઈ હતી ? ક્યાં કારણોસર સેન્સર બોર્ડે ૨૫૦ કટ્સનો આ આગ્રહ રાખ્યો ? એવું તે શું હતું એ ફિલ્મમાં ?
અને સેન્સર બોર્ડ સામે લાલ આંખ કરવાની શી જરૂર પડી ? અને અંતે કોના ઇશારાથી સઘળું સમું નમું પાર ઉતરી ગયું ?
તમામ સવાલોના ઉત્તર અતીતરાગની આજની કડીમાં..
એ ફિલ્મનું નામ હતું ‘ગંગા જમુના’ તેના નિર્માતા અને અભિનયના બેતાજ બાદશાહનું નામ હતું, દિલીપકુમાર.
‘ગંગા જમુના’ એ ફિલ્મ હતી જેના દિલીપકુમાર પ્રથમ અને અંતિમ વખત ફિલ્મ નિર્માતા બન્યાં.
‘ગંગા જમુના એ ફિલ્મ હતી જેમાં એક તમિલીયન હિરોઈને સચોટ અવધિ ભાષામાં તેમના અભિનયનો પરચો આપ્યો.
‘ગંગા જમુના’ એ ફિલ્મ હતી જેના કારણે દિલીપકુમારે સેન્સર બોર્ડ સામે સાઈંઠ વર્ષ પહેલાં જબરદસ્ત પંગો લીધો હતો.
‘ગંગા જમુના’ ફિલ્મમાં ગંગાનું પાત્ર ભજવ્યું હતું દિલીપકુમારે અને જમુનાનું પાત્ર ભજવ્યું હતું તેમના સગા નાનાભાઈ નસીર ખાને.
દિલીપકુમાર સામે નાયિકાના પાત્રમાં હતાં વૈજંતીમાલા.
‘ગંગા જમુના’માં દિલીપકુમાર એકટર પણ હતાં, પ્રોડ્યુસર પણ હતાં, સ્ટોરી રાઈટર પણ હતાં અને મહદ્દ અંશે ડીરેક્શન અને એડીટીંગનું કામ પણ તેમણે જ સાંભળ્યું હતું. એ સમયે કોસ્ચ્યુમ ડીઝાઇનરની કોઈ ભૂમિકા નહતી તે જવાબદારી પણ અહીં દિલીપકુમારે બખૂબી નિભાવી હતી.
‘ગંગા જમુના’માં વૈજંતીમાલા એ જે કોસ્ચ્યુમ્સ પહેર્યા હતાં તેની પસંદગી દિલીપસાબે કરી હતી.
ફિલ્મ ‘ગંગા જમુના’ ની એક બીજી ખાસ ખાસિયત એ હતી કે તે ફિલ્મને જોવાની સાથે સાથે સંભાળવાનો પણ એક અલગ લાહવો હતો.
‘ગંગા જમુના’ના સંવાદ લખ્યાં હતાં, વજાહત મિર્ઝાએ. અને ખૂબી એ હતી કે સંવાદ હિન્દી ભાષામાં નહીં પણ અવધિ અને ખડી બોલી બંનેના મિશ્રણથી એક નવી શૈલીમાં રજૂઆત કરવામાં આવી હતી.
અવધિ એક એવી બોલી છે, જે ઉત્તર પ્રદેશના પૂર્વીય વિસ્તારમાં અધિક અંશે બોલવામાં આવે છે.
અને વજાહત મિર્ઝાને તે વર્ષનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો
‘ગંગા જમુના’ના બેસ્ટ સંવાદ રાઈટર માટે.
આશ્ચર્યની બીજી વાત એ હતી કે, ફિલ્મની હિરોઈન વૈજંતીમાલની હિન્દી ભાષા પર પણ પૂરી પકડ નહતી, છતાં તેમણે જે છટા અને અદાકારીથી અવધિ ભાષામાં ફિલ્મના સંવાદોની રમઝટ બોલવી, તે જોઈ, સાંભળીને સૌ આફરીન પોકારી ઉઠ્યા.
તેનું ક્ષ્રેય પણ દિલીપકુમારને જ જાય છે.
દિલીપકુમારે અવધિ ભાષામાં રેકોર્ડ કરેલા સંવાદ વૈજંતીમાલાને આપ્યાં અને તે સંવાદ વૈજંતીમાલા એક આકરી તપસ્યાની માફક રટવા લાગ્યાં. અને એટલા તન્મય થઇને રટ્યા કે તે વર્ષનો બેસ્ટ એક્ટ્રેસનો એવોડ હાંસિલ કરીને જંપ્યા.
ફિલ્મ ‘ગંગા જમુના’ ના શૂટિંગની સમાપ્તિ પછી દિલીપકુમારના નાકે દમ આવી ગયો ફિલ્મને સેન્સર બોર્ડમાંથી પાસ કરાવવામાં માટે.
સામાન્ય રીતે સેન્સર બોર્ડ વાંધા વચકા કાઢતાં કોઈપણ ફિલ્મને પાંચ-પંદર કટ્સની સુચના આપીને પાસ કરી દે, પણ ૧૯૬૧માં બનેલી ‘ગંગા જમુના’ ને સેન્સર બોર્ડે ૨૫૦ કટ્સની સુચના આપી.
સેન્સર બોર્ડની દ્રષ્ટિએ ફિલ્માં અતિશય અભદ્ર અને હિંસાત્મક દ્રશ્યોની હારમાળા હતી.
વર્ષ ૧૯૬૧માં ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મીનીસ્ટર હતાં. બી.વી.કેશકર.
તેમનો કાર્યકાળ હતો ૧૯૫૨ થી લઈને ૧૯૬૨ સુધીનો.
આપને જાણીને આશ્ચર્ય થશે કે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે હિન્દી ફિલ્મ સંગીત, ક્રિકેટ કોમેન્ટ્રી અને હાર્મોનિયમનો ઓલ ઇન્ડિયા રેડીઓ પર પ્રતિબંધ મુક્યો હતો.
ઓલ ઇન્ડિયા રેડીઓ પર માત્ર શાસ્ત્રીય સંગીત પ્રસારણને જ મંજૂરી હતી.
બી.વી. કેશકરની ‘ગંગા જમુના’ માટેની દલીલ દિલીપકુમારને સાવ વાહિયાત લાગી.
અને તેમણે સેન્સર બોર્ડ સામે લાલ આંખ કરવાનો નિર્ણય લીધો.
બી.વી.કેશકરને પર્સનલી મળીને દિલીપકુમારે તેમનો પક્ષ રાખવાની કોશિષ કરી પણ અડીલય અધિકારીએ દિલીપકુમારની એકપણ વાત તેના કાને ન ધરી.
આ વાટાઘાટનો દૌર અને ઝગડો ચાલ્યો છ મહિના સુધી.
અંતે કંટાળીને દિલીપકુમારે આ મામલાની ગંભીરતા સમજાતા એક શોર્ટ કટ અપનાવવાનો નિર્ણય લીધો.
તેમણે ઇન્દિરા ગાંધી પાસે મદદ માંગી.
ઇન્દિરા ગાંધીએ તે સમયના વડા પ્રધાન અને તેમના પિતા જવાહર લાલ નહેરુ સાથે દિલીપકુમારની મુલાકાતનું આયોજન કરી આપ્યું.
એ મુલાકાતની સમય મર્યાદા હતી માત્ર પંદર મિનીટ.
માત્ર એ પંદર મીનીટમાં દિલીપકુમારે તેની નાવડીને “ગંગા જમુના’ પાર કરાવવાની હતી.
જયારે દિલીપકુમાર પંડિત જવાહરલાલ નહેરુને મળ્યાં ત્યારે ખુબ શાંતિથી તેમણે તેમની વાત અને ફિલ્મના વાસ્તવિકતાની રજૂઆત કરી.
જવાહરલાલ નહેરુને દિલીપકુમારની રજૂઆત નહીં પણ દિલીપકુમાર પણ ગમી ગયાં. જવાહરલાલ, દિલીપકુમારની વક્ચ્છ્ટાથી એટલાં પ્રભાવિત થયાં કે તે પંદર મિનીટની મુલાકાત નેવું મિનીટ ચાલી.
અને એ નેવું મીનીટની અસર જુઓ.... ફિલ્મ ‘ગંગા જમુના’ એકપણ કટ્સ અને ‘U’ સર્ટીફીકેટ સાથે બી.વી.કેશકર સાહેબે પાસ કરવી પડી.
પણ આ છ મહિનાના માનસિક તંગદીલીથી દિલીપસાબ એ હદે થાકી ગયાં કે, તેમણે આજીવન પર્ણ લઇ લીધું કે હવે પછી ક્યારેય નિર્માતા ન બનવું.
અંતે ‘ગંગા જમુના’ પાછળ કરેલી દિલીપકુમારની તનતોડ મહેનત એવી રંગ લાવી કે. ‘ગંગા જમુના ‘ વર્ષ ૧૯૬૧ના વર્ષની સૌથી વધુ કમાણી મેળવનાર ફિલ્મ સાબિત થઇ. ૧૯૬૧માં ‘ગંગા જમુના’ ચાર કરોડની આવક કરી હતી. ફિલ્મ મેગા ફીટ જાહેર થઇ.
અમિતાબ બચ્ચને તેમના એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, ફિલ્મ ‘ગંગા જમુના’માં દિલીપસાબના ગંગાનું પાત્ર મારાં માટે લાઈફ ટાઈમ લેશન સમાન છે.
આગામી કડી...
એક એવી હિન્દી ફિલ્મ જેનું નામ આજની તારીખમાં પણ હિન્દી ફિલ્મ જગતની ઓળખ છે.
જે ફિલ્મે હિન્દી સિનેમામાં કંઇક કીર્તિમાન સ્થાપિત કર્યા.
એ ફિલ્મનું નામ છે.. ‘મુગલ-એ આઝમ.’
જે ફિલ્મની રીલીઝ માટે દુનિયાભરના ફિલ્મ રસિકો કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં.
તે ફિલ્મના ઐતિહાસિક અને ઝાકળમાળ ભર્યા યાદગાર પ્રીમિયર પર સમગ્ર બોલીવૂડ ઉમટી પડ્યું હતું.
પણ જેમની સૌને અત્યંત આતુરતા પૂર્વક ઇન્તેઝારી હતી એ ફિલ્મના નાયક અને નાયિકા તે ફિલ્મના પ્રીમિયર પર નહતા આવ્યાં.
જી, હાં,દિલીપકુમાર અને મધુબાલા.
શું કારણ હતું તેમની ગેરહાજરીનું ?
વિગતવાર જાણીશું આગામી કડીમાં..
વિજય રાવલ
૨૬/૦૮/૨૦૨૨