રીચા સાથે મેં કરેલા કોન્ટ્રાક્ટ મેરેજ થયાના લગભગ બે મહિના પછી મેં રીચાને ફોન કર્યો. “તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર કરતે હૈ, યે સનમ હમ તો સિર્ફ તુમસે પ્યાર કરતે હૈ” અને તેણે ફોન ઉપાડ્યો, “હા બોલો સર...”
મેં તેને પહેલાં નિરાશ કરીને સરપ્રાઈઝ આપવાના ઈરાદે કહ્યું, “તમારી વિઝા એપ્લીકેશન રીજેક્ટ થઈ છે.”
“કેમ?” એ ખરેખર નિરાશ અને હતાશ થઈ ગઈ હોય એમ એના અવાજ પરથી સ્પષ્ટ જણાતું હતું.
મેં થોડીક સેકન્ડો મૌન રહ્યા પછી હસીને કહ્યું, “તમે તો હતાશ થઈ ગયા. નિરાશ ના થાઓ, વિઝા આવી ગયા છે. જવાની તૈયારી કરો.”
આટલું સાંભળતા જ તેના અવાજમાં તાજગી આવી ગઈ હોય એમ એકદમ ખુશી અને જુસ્સાથી બોલી, “ખરેખર.”
મેં કહ્યું, “હા. તો પાર્ટી ક્યારે આપો છો.”
એની ખુશી સમાતી ન હતી એ એના અવાજ પરથી લાગી રહ્યું હતું. તેણે આનંદિત સ્વરે જ કહ્યું, “તમે કહો ત્યારે.”
મેં હસતાં હસતાં કહ્યું, “હું તો મજાક કરું છું. તમે ખરીદી શરૂ કરી દો. બે મહિના પછી આપણે નીકળવાનું છે.” મેં આટલું કહી ફોન મૂકી દીધો. બીજ દિવસે એ મીઠાઈનું બોક્સ લઈને આવી અને મને થેંક યુ ઓછામાં ઓછું દસ વખત કહ્યું હશે. એના કરતાં ડબલ ખુશી મને થતી હતી, કારણ કે મેં જોયેલું મારું ઓસ્ટ્રેલીયા સેટલ થવાનું સપનું આખરે પુરૂ થવાનું હતું.
મેં વિઝા લાવવા માટે ફાઈલમાં વિશેષ ધ્યાન આપીને પૂરેપૂરું જોર લગાવી દીધું હતું કે જેથી વિઝા ઓફિસરને વિઝા ન આપવાનું એક પણ કારણ ન મળે અને આખરે વિઝા આવી પણ ગયા. રીચાને પોતાની ખુશીમાં એ ખબર ન હતી કે મેં પૈસા કેવી રીતે ભેગા કર્યા છે. મને ઊંડે ઊંડે ડર પણ હતો કે જો એ મને અડધા પૈસા નહિ આપે તો મારે ભાર વધી જશે. મેં કરેલી બચત આશરે બાર લાખ રૂપિયા જેટલી હતી અને બાકીના દસ લાખ રૂપિયા મારા જીગરી ભાઈબંધ સંદીપે આપ્યા હતા. મારી ઓસ્ટ્રેલિયાની ફી એણે ત્યાંથી જ ભરી દીધી હતી. સંદીપ ઓસ્ટ્રેલીયા દસ વર્ષ પહેલાં જ ગયો હતો અને આજે એ ત્યાનો સીટીઝન પણ બની ચુક્યો હતો. મારા કરતાં તો એને વધારે ખુશી અને ઉમંગ હતો કે હું અંતે ઓસ્ટ્રેલીયા આવી રહ્યો છું. એણે મને કહી દીધું હતું કે હું એની સાથે જ રહીશ. પણ મેં હજી એને એ નહતું કહ્યું કે મેં વિઝા કેવી રીતે મેળવ્યા. એ મેં એના માટે સરપ્રાઈઝ જ રાખ્યું હતું.
છેવટે એ દિવસ આવી ગયો જેની હું ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. મારા મમ્મી, પપ્પા અને નેહા મને વળાવવા મારી સાથે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. મેં રીચાને કહી દીધું હતું કે મેં મારા ઘરે વાત કરી નથી એટલે આપણે ચેક ઇન પછી જ એરપોર્ટમાં ભેગા થઈશું અને એના મમ્મી પપ્પા કોર્ટ મેરેજ સમયે આવ્યા ન હતા એ પરથી મેં અનુમાન લગાવ્યું હતું કે એણે પણ એના ઘરે અમારા કોન્ટ્રાક્ટ મેરેજની વાત કરી નથી. એણે કેમ નથી જણાવ્યું એ તો મેં એને પૂછ્યું ન હતું, પણ મેં તો એટલા માટે નહતું કહ્યું કારણ કે જો મારા ઘરે ખબર પડે કે મેં એમને પૂછ્યા વિના કોર્ટ મેરેજ કરી લીધા છે તો મારું તો આવી જ બને. મારા મમ્મી પપ્પા તો કોન્ટ્રાક્ટ મેરેજની વાત સ્વીકારે જ નહીં અને એમાં પણ પોતાનો ખર્ચો કરીને એક પારકી છોકરીને ઓસ્ટ્રેલીયા લઈ જવી તેમના માટે સ્વીકારવું જ અઘરું થઈ પડે. અને મારી બહેન નેહા પંચાત, આખી સોસાયટીમાં એને માટે તો મારા લગ્ન પંચાત માટેનો વિષય બની જાત. મેં એમને ટૂંકમાં એમ સમજાવી દીધા કે મને ઓસ્ટ્રેલીયાના વિઝા મળી ગયા છે અને હવે આપણી બધી તકલીફો દૂર થઈ જશે. મારી મમ્મીને હજી એક જ ચિંતા હતી કે મારા લગ્નનું શું થશે અને તેનું એ ટેન્શન દૂર કરતાં કહ્યું કે હવે તો તારો છોકરો એનઆરઈ થઈ જશે પછી તો છોકરીઓની લાઈન લાગશે. હું સંદીપ સાથે રહેવાનો છું એ જાણીને તેમણે રાહત અનુભવી હતી.
મેં એરપોર્ટ પર રીચાને તેની મમ્મી પપ્પા સાથે જોઈ. તેના મમ્મી રડી રહ્યા હતા. મને તો એ નહતું સમજાતું કે એણે એના મમ્મી પપ્પાને કેવી રીતે સમજાવ્યા હશે અને એને એકલીને કેવી રીતે વિદેશ જવા દેવા માટે તૈયાર રહી ગયા હશે.
હું અને રીચા પ્લેનમાં ગોઠવાયા. અમારી બંનેની સીટો મેં જાણીજોઈને અલગ અલગ કરાવી હતી, જેથી અમે બંને અલગ અલગ બેસી શકીએ પણ જેના નસીબમાં જ સાથ લખ્યો હોય એમને કોણ જુદા કરી શકે. રીચાની બાજુમાં બેઠેલા બાનો દીકરો મારી બાજુમાં બેઠો હતો અને તેણે સીટ એક્સચેન્જ કરવા મને વિનંતી કરી ને હું અને રીચા બંને આજુબાજુમાં ગોઠવાઈ ગયા.
પ્લેન ઉડ્યું. મેં અમદાવાદને ઉંચાઈએથી જોવા મારી નજર બારી બહાર સ્થિર કરી દીધી. વાદળા દેખાયા એટલે મેં મારી નજર ફેરવી તો રીચા મારી સામે જોઈ રહી હતી. મેં એની સામે જોયું તો એણે નજર ફેરવી લીધી અને બોલી, “ઉંચાઈએથી કેવું અદભુત દેખાય છે નહીં.” મેં ફક્ત હા કહ્યું.
એટલીવારમાં એક એરહોસ્ટેસને આવતી જોઇને એર કંપનીની જાહેરાત યાદ આવી ગઈ અને ખીજ ચડી ગઈ, જેટલી સુંદર એરહોસ્ટેસો જાહેરાતમાં બતાવે છે એના કરતાં સાવ વિરુદ્ધ પ્લેનમાં હતી. મને થયું કદાચ ઈકોનોમી ક્લાસમાં અલગ હશે ને બીઝનેસ ક્લાસમાં અલગ હશે. જેવી ટીકીટ એવી સેવા.
સિંગાપોરમાં બે કલાકનો પોરો ખાઈને પ્લેન ઓસ્ટ્રેલીયા જવા રવાના થયું. ઓસ્ટ્રેલીયા પ્લેનમાંથી ઉતરતી વખતે હવાનું ઝોકું મને અડીને નીકળ્યું અને મારા મોંમાંથી શબ્દો સરી પડ્યા, “કેટલી રાહ જોઈ હતી તારી.”
એરપોર્ટ પર ચેક આઉટની બહાર મેં સંદીપને મારી રાહ જોતા જોયો. સંદીપ પહેલાં કરતાં ઘણો બદલાઈ ગયલો જણાયો. ટીશર્ટ અને બર્મુડામાં તે લાલ દરવાજા માર્કેટમાં ફરતા કોઈ ફોરેનર જેવો લાગતો હતો. માથે ભરાવદાર વાળ અને ક્લીન શેવમાં તે સુંદર દેખાતો હતો. મારી સાથે રીચાને જોઇને એ અચંબિત થઈ ગયો હતો એ તેના ચેહરાના ભાવ જોઇને સ્પષ્ટ જણાતું હતું. મેં એને રીચા સાથે ઓળખાણ કરાવતા કહ્યું, “રીચા. મારી પત્ની.” એણે રીચાને હગ કર્યું એ રીચાને ગમ્યું ન હતું એનું કારણ હું સમજી ગયો હતો કે મેં એની ઓળખાણ મારી પત્ની તરીકે કરાવી તે રીચાને પસંદ પડ્યું ન હતું.
મેં કારમાં બેઠા પછી ધીમેથી રીચાના કાનમાં કહ્યું કે મેં હજી આપણા કોન્ટ્રાક્ટ મેરેજની વાત સંદીપને નથી કરી. હું સમય જોઇને એને બધું સમજાવી દઈશ. અમે સંદીપની કારમાં સંદીપના ઘરે પહોંચ્યા. ફિલ્મોમાં જોયેલા વિદેશમાં રહેતા ભારતીયના બંગલા જેવો સુંદર અને આલીશાન બંગલાનો માલિક સંદીપ બની ગયો હતો એ જાણીને પોતાના દોસ્તની કામયાબી પર મને ગર્વ થયો.
સંદીપની પત્ની દિવ્યાને હું સારી રીતે ઓળખતો હતો અને એ પણ મને સારી રીતે ઓળખાતી હતી. તેણે અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેણે રીચા વિષે મને કંઈ જ ન પૂછ્યું એ જોઈને મને તેના સ્વભાવમાં વિદેશી રંગ છવાઈ ગયો હોય તેવો અહેસાસ થયો. બાકી આપણે ત્યાં જો કોઈ અજાણી યુવતી સાથે ઘરે આવો તો એક હજાર સવાલોનો મારો થાય. તેમના દીકરા યુવરાજ અને દીકરી શિખાને મેં એક એક ચોકલેટ આપી. સંદીપે અમને અમારા રૂમમાં લઈ જતા કહ્યું આજથી આ તમારો રૂમ.
મેં સંદીપને કહ્યું, “ચાલ, બીજો સામાન પણ લઈ આવીએ.”
સંદીપે કહ્યું, “પહેલાં ફ્રેશ થઈ જા. પછી લઈ આવીશું.”
“પછી પણ લાવવાનો જ છે ને, તો અત્યારે જ લઈ આવીએ.” એમ કહી હું એને રીતસર ખેંચીને રૂમની બહાર લઈ આવ્યો. મેં કાર પાસે સંદીપને ઉભો રાખી કહ્યું કે મેં ઓસ્ટ્રેલીયા આવવા કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા છે અને એની જણા મારા ઘર વાળાને કે એના ઘરના લોકોને નથી એટલે હમણાં તું પપ્પાને કંઈ પણ કહેતો નહીં. હું તને પછી નિરાંતે બધું સમજાવું છું. સંદીપે ઠીક છે કહ્યું અને અમે અમારા સમાન ઉતારવાના કામમાં પરોવાયા