Non-cooperation in Gujarati Short Stories by Pravina Kadakia books and stories PDF | અસહકાર

Featured Books
Categories
Share

અસહકાર

ઘણી વખત વિચાર આવે, જ્યારે ભારત ગુલામીની ઝંઝીરોમાં જકડાયેલું હતું ત્યારે આ ‘અસહકાર’નું આંદોલન જન્મ પામ્યું. અંગ્રજોને ભારતમાંથી તગડી મૂકવા તે જે પણ નવા કાયદા કરે તેનો આપણે વિરોધ કરતાં. અસહકારનું આંદોલન કરી તેમની નવી નીતિનો બહિષ્કાર કરતા. તેમની યોજના નિષ્ફળ બનાવવામાં આપણે મચી પડતાં અને જ્યારે તે નિષ્ફળ નીવડે તો આનંદ પૂર્વક ઉજવણી કરતા. યાદ આવે છે,’ દાંડીકૂચ , મીઠાનો સત્યાગ્રહ’. ‘પરદેશી માલની હોળી’ !આ બધા પ્રસંગો વખતે હું પોતે પણ હાજર ન હતી. આ લેખ વાંચનાર બુઝર્ગ સિવાય અન્ય યુવાન વર્ગ પણ ગેરહાજર હતો આ બધું આપણે ભારતનો ઈતિહાસ ભણ્યા ત્યારે વાંચ્યું હતું. અમુક પ્રસંગો તે સમયની ફિલ્મ દ્વારા કાચકડામાં મઢી લેવા આવી હતી.

૨૧મી સદીમાં અસહકાર રગરગમાં સમાયો છે. નાના બાળકને પણ કીધું કે ‘ આ કપડાં પહેર, ના હું પેલા પહેરીશ’! જો કે અસહકાર શબ્દ નાના બાળકો માટે ઉગ્ર છે. પણ શુભ શરૂઆત ત્યાંથી જ થાય છે. મોટા થાય એટલે પોતાનું મનમાન્યું કરવાના. તેમાં વળી લગ્ન થયા પછી ? કશું કહેવામાં માલ નથી. આ તો સામાન્ય સ્તર ઉપર ઘર ઘરની વાત થઈ. જાહેરમાં , સમાજમાં અને આગળ જતા   દેશની ભક્તિ આ રીતે પ્રગટ કરીએ છીએ.

ભૂતકાળ ભૂલવાનો, ભવિષ્યની ખબર નથી. વર્તમાનમાં જીવનારા સામે આજે આ લેખ લખવાનો શો હેતુ હશે? આપણે નહી તો, આપણા માતા, પિતા યા સગા સંબંધી એ સમયે જેલ ભેગા પણ થયા હશે ! મતલબ સીધો છે. આપણામાં અસહકારના બીજ છે. જેને આપણે આજની ભાષામાં કહી શકીએ, આપણા ‘જીન્સ’માં છે. લાગે છે ને ભૂમિતિ ની કોઈ રાઈડર સૉલ્વ કરી હોય. જો કે રાઈડર સોલ્વ કરવાનું તો શાળા કાળ દરમ્યાન પણ અઘરું લાગતું હતું! આજે ક્યાંથી આવડી ગયું ?

હવે મુદ્દા પર આવું. આપણે યા આપણા ભાઈ બહેનો અથવા આપણા દેશવાસીઓ સરકારે કાયદો કર્યો .’આવકવેરો’ ભરવાનો. હવે જ્યારે આપણા જન્મજાત સંસ્કાર જ હોય કે સરકાર મા બાપ કાંઈ પણ કહે તેનો વિરોધ કરો. આપણે શામાટે આવકવેરો ભરીએ. જેને કારણે કરચોરી એ આપણો જન્મસિદ્ધ હક બને છે. ઉપરથી ફરિયાદ કરવાની, કર ‘ભરેલાં પૈસાથી આપણને શું ફાયદો થયો’ ?

સરકાર મા બાપે ભારતમાં બધે ટ્રાફિકના સિગ્નલ મૂક્યા છે. અસહકાર કરો. કાયદાનો ભંગ કરો. સિગ્નલ તોડીને ગાડી પુરપાટ ભગાવો. જો પાંડુ હવાલદાર પકડે ત્યારે ૧૦૦ કે ૨૦૦ રૂપિયા તેના ખિસામાં સેરવી દો. ગરીબ બિચારો પાંડુ હવાલદાર ‘બાર સાંધતા તેર ટૂટે’ એવી હાલત હોય. બે કડકડતી નોટો જોઈને તમને જવા દે. આપો તાળી !

આવકવેરો ભરવો નહી અને પછી જ્યારે ઇનકમ ટેક્સ વાળાની ધાડ પડે ત્યારે પસીનો છૂટી જાય. જો ઈમાનદાર ઓફિસર હોય તો આવી બન્યું. તેમની ધાડ ઘર, ઓફિસ, ફેક્ટરી, બેંકના ખાતા અને લૉકર બધા પર એકી સાથે પડે. કોઈને ગંધ પણ ન આવે. ક્યાંક એક પૈસો ખસાડવાની જગ્યા ન રાખે. એવા કેટલાય કિસ્સા સાંભળ્યા છે. શેઠ આ આઘાત સહન ન કરી શક્યા અને ‘ રામ બોલો ભાઈ રામ’ થઈ ગયા.  જો વ્યવહાર અને હિસાબ કિતાબ ચોખ્ખા રાખ્યા હોય તો આ દિવસ જોવાનું નસીબમાં ન આવે ! કરોડપતિને, રોડપતિ થતાં વાર ન લાગી ! આ  થઈ પૈસાની વાત !

આખા શહેરમાં કચરો નાખવાના ડબ્બા રાખ્યા છે. પણ આપણે તો ભાઈ અસહકારના હિમાયતી. આ પડીકામાંથી ખાધું નથી ને ડૂચો ફેંક્યો રસ્તા પર. પછી ગરમી ખાવાની , સરકાર રસ્તા સાફ નથી રાખતી. શું સરકારને બીજો કોઈ ધંધો ખરો? જો આપણે સરકારને સાથ અને સહકાર આપીશું તો મને લાગે છે આપણા દેશમાંથી ગરીબીને પગ આવે. જરા આપણી પ્રગતિ પર નજર નાખી વિચાર કરી જુઓ. ક્યાંથી ક્યાં આવી પહોંચ્યા છીએ.. આપણા દેશનું યુવાધન કેટલું હોશિયાર છે. તેને જરા સાથ અને સહકાર આપી જુઓ. તેમનામાં આકાશને આંબવાની તમન્ના છે. આધુનિકતાના રંગે  રંગાયેલા યુવાનો ખૂબ ઉંચા વિચાર અને કામ કરવાની શક્તિ ધરાવે છે.,

બે મહિના પહેલા સુરતથી મુંબઈ જઈ રહી હતી. ફ્લાઈંગ રાણીને આવવાની વાર હતી. મારી નજર સામે અદભૂત દ્રશ્ય જોયું. પાણીની પાઇપ વડે પ્લેટફૉર્મ ધોવાતું હતું. નીચે પાટા પરથી કચરો બધો સાફ થયો. ગાલે ચુંટી ખણી , ખરેખર આ બની રહ્યું છે. ત્યાં સમેના પાટા પર લોકલ ગાડી આવી અને ઉપડી ગઈ. તમે નહી માનો ગાડી ગયા પછી પાટા પર બેસુમાર કચરો ખડકાયો હતો. બોલો આને શું કરું. અમે સહકાર આપવાના નથી. ‘ગંદકી કરવી અમારો જન્મસિદ્ધ હક છે’ !

ઘણી વખત ભણેલા કે અભણ બેમાં કોઈ ફરક જણાતો નથી. ખૂબ દુઃખ થાય એવી વાત છે. ગરીબ કે તવંગર કોઈ ફરક નહી. ત્યાં એક જાતનું માનસિક વલણ ઘર કરી ગયું હોય ત્યાં બદલાવ કઈ રીતે લાવવો ? એક ઉપાય છે. જો આપણે બધા આચરણમાં મૂકીએ તો વાત સીધા પાટા પર આવે ખરી ! આજકાલ બધા એમ.બી. એ. છે. ‘મને બધું આવડે છે’. જેને કારણે અસહકાર દર્શાવવો એ એક રિવાજ થઈ ગયો છે. અરે ભાઈ, સહકાર આપવો એ ગુલામીની દશા નથી. એ તો છે ખુલ્લા દિલે અને મને નવીનતાને અપનાવવાની ઉત્કંઠા. સહકાર મળે તો આખું દૃશ્ય સુહાનું લાગે.

અમેરિકામાં બાળપણથી બાળકોને આ પ્રકારનું શિક્ષણ આપવાની આંખે ઊડીને વળગે એવી રીત છે. માતા અને પિતા બન્ને નોકરી કરતા હોય. નાનું બાળક ‘ડે કેર’ અથવા ‘પ્લે સ્કૂલ’માં જતું હોય. જ્યારે બધા બાળકોને ઘરે જવાનો સમય થાય એ પહેલાં ટીચર ગાવાનું શરૂ કરે.

” ક્લીન અપ. ક્લીન અપ એવરી બડી ક્લીન અપ”. શરૂઆત ટીચર કરે .નાની નાની વસ્તુઓ , રમકડાં ઉંચકીને તેની જગ્યા પર મૂકે. બાળકો ટીચર જે કરતા હોય તે કરે, આવો સુંદર દાખલો બેસાડે. માતા અને પિતા ઘરે આ રીતે તેમને રમકડાં ઉપાડી ટોય બૉક્સમાં મુકાવે. ધોવાના કપડા લોન્ડ્રી બાસ્કેટ માં મૂકતાં શિખવે. કેટલો સુંદર અભિગમ આ બાળક મોટું થાય ત્યારે આવું વર્તન જ કરે ! ‘જે ગંદકી કરે તે સાફ કરે. ( હુ એવેર મેક્સ મેસ ક્લિન્સ ઈટ” ) આ બીજો અકસિર ઈલાજ. અજમાવવા જેવો ! પરિણામ સારું આવશે એમાં બે મત નથી.. આ ગુણ જો બાળકમાં સંસ્કાર સાથે સિંચિત થયો હોય તો એ બાળક ખૂબ પ્રગતિ સાધે એમાં બે મત નથી !

ખબર નહી કેમ જીવનના દરેક તબક્કામાં અસહકાર દર્શાવવાની આદત પડી ગઈ છે. ‘ઝાઝા હાથ રળિયામણા’, જો સહકાર આપીને કોઈ કાર્ય કરીશું તો તેનું  પરિણામ સુંદર આવશે તેમાં બે મત નથી. કોઈ પણ વ્યક્તિને યા કુટુંબીજનને નવા પ્રયોગમાં સહકાર અને સાથ આપીએ તો તે સહુના લાભમાં છે. પૂરી જો મમ્મી યા સાસુ એકલાં બનાવતા હોય તે સમયે સહકાર આપીએ તો બધી પૂરી ફુલે, ગોળ વણાય અને જમનાર તેનો સ્વાદ માણી શકે ! ખોટી ‘હામાં  હા’ નહી ભણવાની.’ કિંતુ જે યોગ્ય હોય તો અસહકાર બતાવી પોતાનું મહત્વ સ્થાપવાની ખોટી રીત શોભાસ્પદ નથી.

અસહકાર ક્યાં દર્શાવવો એ અગત્યનું છે. અસત્યનું આચરણ થતું હોય. ખોટા સમાજના રિવાજો પ્રત્યે અણગમો હોય. બાળકોનું વર્તન અસભ્ય હોય! ત્યાં અસહકાર વ્યાજબી છે.  ઘણીવાર અસહકારને  બદલે ,”મૌનં પરં ભૂષણમ” યોગ્ય લાગે. જેનો મતલબ સંમતિ નથી. માત્ર તેના દ્વારા ઉભા થતા ઘર્ષણ થી છુટકારો છે. બાકી સમજુ કો ઈશારા કાફી. વિવેકબુદ્ધિ નો ઉપયોગ એ તેનો સરળ ઉપાય છે.