Ikarar - 8 in Gujarati Love Stories by Maheshkumar books and stories PDF | ઇકરાર - (ભાગ ૮)

Featured Books
Categories
Share

ઇકરાર - (ભાગ ૮)

રીચા સાથે મુલાકાત થયા પછી બીજા દિવસે જયારે હું ઓફીસ પહોંચ્યો, ત્યારે મારા ચેહરા પર અલગ જ નુર હતું. મારા આખા શરીરમાં ઓસ્ટ્રેલીયા જવાનું સો ટકા ફાઈનલ થઈ જશે તેવી અદમ્ય આશાથી રોમાંચની લહેરો તેજ ગતિએ ફરી રહી હતી.


હું મારી કેબીનમાં હજી તો મારી બધી વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવીને માંડ બેઠો જ હતો કે લેંબો પાણીની બોટલ સાથે પ્રવેશ્યો. પાણીની બોટલ મારા ડેસ્ક પર મૂકી પ્રેમથી ધીમે અવાજે બોલ્યો, “મરશીભાઈ, તમે હમજો સો એવું કઈ નથી હોં.” લેંબાને મહર્ષિ બોલતા ફાવતું નહીં એટલે એ મને હંમેશા મરશી જ કહેતો. લેંબો જયારે જયારે મરશી બોલતો મને થતું કે હું જીવતે જીવત મૃત હોઉં.


મેં એની મજા લેતા કહ્યું, “શું એવું નથી?”


લેંબો સમજી ગયો હોય કે હું એની ખીલ્લી ઉડાડવાના મુડમાં છું, પણ એ મૂળ વાત જ સીધેસીધી કહેવા માંગતો હોય એમ બોલ્યો, “મારા અને અવની મેડમના વચમાં એવું કઈ નથી.”


હું અંદરથી તો દુઃખી જ હતો, પણ દ્રાક્ષ ન મળે તો ખાટી છે એ ભાવે કહ્યું, “અલા, તું તો નસીબદાર છે. તું તારે જલસા કરને... આટલી સરસ માલ...” ને મને રજનીકાકાનો અવાજ સંભળાયો, ‘સ્ત્રી કંઈ સંપત્તિ નથી વ્હાલા, તે તમે એના માટે માલ શબ્દ વાપરો છો.’ મેં સુધારતા કહ્યું, “મારો મતલબ છે કે ગર્લફ્રેન્ડ મળી છે... જલસા કર... અરે આ ઉંમરે પ્રેમ નહીં થાય ત્યારે ક્યારે થશે.” જો લેંબાની આંખમાં સ્કેનર હોત અને એણે મારા દિલ સામે જોયું હોત તો ખબર પડત કે લાલ રંગનું દેખાતું દિલ અત્યારે કાળું કોલસા જેવું થઈ ગયું હતું. છતાં મેં ચેહરા પર હાસ્ય રમતું રાખ્યું હતું.


લેંબાના ચેહરા પર પણ ખુશી છવાતી દેખાઈ. ભલે કાળા રંગમાં ગાલ ગુલાબી નહતા થયા પણ બુટ પોલિશ કર્યા પછી બુટ પર ચળકાટ દેખાય એવો ચમકારો તેના ગાલ પર દેખાયો. એ મને થેંક યુ કહીને બહાર જતો હતો ત્યારે મેં એને કહ્યું, “લેંબા, કોન્ગ્રેચ્યુલેશન.” લેંબો શરમાઈને નીકળી ગયો.


બપોરે જમ્યા પછી લગભગ બે વાગ્યાની આસપાસ રીચા મારી કેબીનમાં દાખલ થઈ. એને જોઇને જ હું સમજી ગયો હતો કે ઓસ્ટ્રેલીયા જવાનું કન્ફર્મ. પણ મેં એના ચેહરા તરફ જોયું તો મને તે કંઈ ચિંતામાં હોય તેવું જણાયું. તો પણ મેં વાતાવરણમાં ગંભીરતા લાવવાના સ્થાને વાતાવરણને હળવું રાખવા સ્વસ્થતા જાળવી રાખતા પૂછ્યું, “તો શું નક્કી કર્યું. ઓસ્ટ્રેલીયા જવું છે ને?”


એણે મુંઝવતા સ્વરે કહ્યું, “જવું તો છે, પણ...!”


મેં લગીરેય વાર કર્યા વિના તરત જ પૂછી લીધું, “પણ શું? ઘરેથી ના પાડી કે બીજો કોઈ પ્રોબ્લેમ..?” રીચાના ચેહરા પરથી કળી શકાતું ન હતું કે તેને શું કોરી ખાય છે.


તેના ચેહરા પરની મૂંઝવણ દુર કરવા અને મારા ઓસ્ટ્રેલીયાના સપનાને ફળીભૂત કરવાના મક્કમ નિર્ધારને અમલી બનાવવાના હેતુસર મેં પૂરેપૂરું જોર લગાવી કહ્યું, “મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે જવું છે તો મન મક્કમ કરીને કુદી પડો. મંઝિલ આપોઆપ મળી જશે.”


જાણે કે મારા ભરપુર આત્મવિશ્વાસથી બોલાયેલા વાક્યની તેના પર કોઈ અસર જ ન થઈ હોય એમ એ કચવાતા કચવાતા બોલી, “પણ લગ્ન સિવાય બીજો કોઈ રસ્તો નથી.”


તેની વાત સાંભળી મનમાં તો થયું કે ‘મેલું પાટું તો જાય ગડથોલું ખાતી’. આટઆટલું સમજાવવા છતાં કંઈ સમજતી જ નથી. પણ મને પેલો અવાજ સંભળાયો, “ક્ષમા વીરસ્ય ભૂષણમ.” મેં એના મગજના દ્વાર ખોલવાનો છેલ્લો પ્રયત્ન કરતાં કહ્યું, “તમારા મનમાં જે મૂંઝવણ હોય એ કહો. બાકી આના સિવાય ઓસ્ટ્રેલીયા જવા માટે મને બીજો કોઈ રસ્તો દેખાતો નથી. અને તમારે ક્યાં કોઈ ખર્ચો કરવાનો છે. જો વિઝા નહીં મળે તો પણ પૈસા તો મારા જશેને.”


એણે જાણે કંઈક સમજણ પડી હોય કે પછી મારી વાતથી કોઈ અસર થઈ હોય એમ કહ્યું, “હા એ તો બરાબર છે...પણ...”


મેં કંટાળા સહ કહ્યું, “હજી પણ. જો તમારી મરજી ન હોય તો કંઈ નહીં રહેવા દો. હું બીજી કોઈ છોકરી સાથે વાત કરી લઈશ. મારે તો જવું જ છે, તમે હોવ કે બીજું કોઈ, મને તો કંઈ ફરક નથી પડવાનો. મારે તો તમે હોવ કે બીજું કોઈ, સરખો જ ખર્ચો થવાનો છે. વિચારવાનું તમારે છે. તમારો જે વિચાર હોય એ મને જણાવજો.” મેં કામ કરવાનો ઢોંગ કરવા માટે મારા ડેસ્ક પર પડેલી એક ફાઈલ ઉપાડી. મને અંદરથી તો થતું હતું કે જો આ ના પાડશે તો ફરીથી ઓસ્ટ્રેલીયા જવાનું સપનું રોળાઈ જશે.


થોડીક ક્ષણો વિચારમગ્ન બેસી રહ્યા પછી જાણે કે એ થાકી હોય અને મનમાં નક્કી કરી લીધું હોય કે જવું જ છે એમ જુસ્સાથી બોલી, “ઠીક છે ક્યારથી શરૂ કરવી છે પ્રોસેસ?”


રીચાના મોંથી આ વાક્ય સાંભળીને ઈચ્છા તો થઈ આવી કે ખુરશી પર ઉભો થઈ મન મુકીને નાચવા માંડુ, પણ રીચાને સામે બેઠેલી જોઇને હાલ પુરતા મારા આવેગોને ઠારી દીધા. મેં મારા મન અને મગજ તુરંત કાબુમાં લઈ લીધું અને સ્વસ્થતા જાળવી રાખતા કહ્યું, “તમે ડોક્યુમેન્ટ્સ આપો એટલે હું મારી પ્રોસેસ ચાલુ કરી દઉં.”


એને પોતાની સાથે લાવેલી બેગમાંથી એક લેધરની ફોલ્ડર ફાઈલ કાઢી એક એક કરીને બધા ડોક્યુમેન્ટ્સ કાઢતી જોઈ મને ગુસ્સો આવી ગયો અને મને રજની કાકાનો અવાજ સંભળાયો, “સ્ત્રીને સમજવી નામુમકીન છે. જો એને બનાવનારો ભગવાન જ ન સમજી શકતો હોય તો, તું અને હું શું ચીઝ છીએ.” મને રજનીકાકાનું એ વાકય અત્યારે યથાર્થ લાગી રહ્યું હતું. ડોક્યુમેન્ટ્સ સાથે લઈને આવી હતી, તો પછી ક્યારની પણ ને બણ શું કામ કરતી હતી.


મેં રીચાએ આપેલા બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરીને કહ્યું, “માર્ક્સ તો બહુ સારા છે. ભણવામાં બહુ હોશિયાર લાગો છો.” એણે ફકત હં કહ્યું. મેં ઉમેર્યું, “એક કામ કરો આવતીકાલે બપોરે બાર વાગ્યાની આસપાસ મેટ્રો કોર્ટ ઘી કાંટા તમારી એક ફ્રેન્ડને લઈને આવી જજો.”


તેણે અચરજ પામતા કહ્યું, “કેમ?”


મેં ખુલાસો આપતા કહ્યું, “લગ્ન માટે એક સાક્ષી તમારી તરફથી જોઇશે અને એક સાક્ષી મારી તરફથી.”


તેણે હજી પોતાના ચેહરા પર આશ્ચર્ય જાળવી રાખતા કહ્યું, “પણ એટલી ઉતાવળ શું છે? કંઈ તૈયારી તો કરવી પડશેને.”


મેં કહ્યું, “આપણે ક્યાં વરઘોડો કે જમણવાર કરવાનો છે કે તૈયારી કરવી પડશે. આપણે ફક્ત કાનૂની કાર્યવાહી કરવાની છે. પેપર પર સહી કરીશું એટલે લગ્ન પુરા.”


એણે કંઇક વિચારતા કહ્યું, “કાલે નહિ, પરમદિવસ રાખો.”


મેં વધુ ફોર્સ ના કરવાના ઈરાદે ને વાત વધુ ના લંબાવતા ઠીક છે કહ્યું. એને મેં સાથે ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર પણ લાવવાનું કહી આખી પ્રોસેસ સમજાવી દીધી.


એણે હજી કંઇક મૂંઝવણ હોય એમ કહ્યું, “મારી કોઈ ફ્રેન્ડને નથી બોલાવવી. તમારી કોઈ ફ્રેન્ડ હોય તો એને કહી દેજોને. પ્લીઝ.” મને લેંબો યાદ આવ્યો. મેં ઠીક છે કહ્યું અને બધી વાત પૂરી થઈ ગઈ પછી એ મારી ઓફિસમાંથી નીકળી.


રીચા અને હું નક્કી થયા મુજબ અમે વકીલ બકુલ જાડેજાની સાથે મેરેજ રજીસ્ટારની ઓફિસે પહોંચ્યા. લેંબો પણ અવની સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. લેંબો હવે મારી દરેક વાત માનવાનો છે એની પુરેપુરી ખાતરી થઈ ગઈ હતી એટલે મેં એને રીચાના ગયા પછી મારી કેબીનમાં બોલાવી અવનીને લઈને મેરેજ રજીસ્ટારની ઓફિસે સાક્ષી તરીકે સહી કરવા માનવી લીધો હતો. અવની આજે પણ જાલિમ લાગતી હતી. સ્કીન ટાઈટ બ્લેક જીન્સ પર ઝીણાં સફેદ ટપકાં વાળા બ્લેક શર્ટમાં એ જે લાગતી હતી, મન તો થયું કે એની સાથે જ લગ્ન કરી લઉં. પણ હવે એનો કોઈ અર્થ ન હતો. એ પારકી અમાનત બની ચુકી હતી.


મેરેજ રજીસ્ટારની ઓફિસમાં જરૂરી વિધિ પતાવીને અમે બહાર નીકળ્યા. મેં બધાને ચા કોફી માટે પૂછ્યું, પણ બધાએ ના પાડી. છેલ્લે હું અને વકીલ બકુલ જાડેજા ચા અને મસ્કાબન ખાઈ છુટા પડ્યા. મારો હરખ માતો ન હતો. મને સિડનીની ગલીઓ અને બીચ પર ફરતો હોઉં એવો અનુભવ થવા લાગ્યો.