એ વાતની ખાતરી થઈ ગઈ હતી કે સરલાના બંને દીકરામાંથી જ કોઈ એક મૈત્રીનો હત્યારો છે, તો પણ હજી સુધી એ બંનેમાંથી એકેયનો ડીએનએ પોલીસ પાસે ન હતો. કારણ કે ફક્ત અમદાવાદના લોકોના જ ડીએનએ લેવામાં આવ્યા હતા, જયારે બંને અમદાવાદથી બહાર રહેતા હતા.
શ્રેયાને સરલાએ જણાવ્યું હતું કે તેના બંનેમાંથી એક પણ દીકરો તેમને પોતાની સાથે રાખતો નથી, એટલે જ તે અને તેનો પતિ તેની દીકરી સાથે રહે છે. શ્રેયા અને તેની ટીમના ઓફિસર્સ શ્રેયાની ઓફિસમાં આગળના પ્લાન પર કામ કરવા માટે એકઠા થયા હતા. શ્રેયા તેમને આખી યોજના સમજાવવા માંગતી હતી. તેનું માનવું હતું કે બંનેમાંથી કોણ સાચો ખૂની છે તે પહેલાં જાણવું જરૂરી હતું અને એ પણ તેમને જાણ ન થાય એ રીતે. તેની તપાસની બંનેમાંથી એકને પણ જાણ થઈ જશે તો જે ખૂની છે એ સચેત થઈ જશે.
શ્રેયાએ બંનેના ડીએનએ લેવા માટેની તરકીબ શોધી કાઢી હતી અને તે જ જણાવવા અને સમજાવવા અહીં બધાને એકઠા કર્યા હતા. શ્રેયાએ તેમને આખી યોજના સમજાવતા કહ્યું, “આપણે સરલાના બંને છોકરાઓના ડીએનએ લેવા માટે સીધેસીધા તેમના પર આરોપ લગાવી તેમને પકડી શકીએ તેમ નથી. કારણ કે જો કંઈ પણ આડુ અવળું થાય તો પોલીસની બદનામી થશે. આપણે દારૂના ચેકિંગના બહાને બ્રેથલાઈઝર દ્વારા બંનેના સેમ્પલ લઈ લઈશું.”
ટીમના ત્રણેય સદસ્યોને શ્રેયાની તરકીબ યોગ્ય લાગી હતી અને તેના પ્લાન મુજબ પ્રતાપને સુરત મોકલવામાં આવ્યો ને મનોજે બાવળા રહેતા સરલાના દીકરાનું સેમ્પલ લેવાની તજવીજ શરૂ કરી દીધી હતી. તેમના બંનેના ઘરે સાદા વેશમાં પોલીસનો પહેરો ગોઠવવામાં આવ્યો. બંનેની રજેરજની માહિતી એકઠી કરવામાં આવી રહી હતી અને તેનો સંપૂર્ણ રીપોર્ટ શ્રેયાને અપાઈ રહ્યો હતો.
પ્રતાપે એકઠી કરેલી માહિતી મુજબ સરલાનો જે દીકરો સુરત રહેતો હતો, તેનું નામ મનીષ હતું એ એક મોટર રીપેરીંગની દુકાન ચલાવતો હતો. તે તેની પત્ની અને તેના બે સંતાનો એક દીકરા અને દીકરી સાથે સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતો હતો. તેનું જીવન એક સામાન્ય હતું. તેનો તેના પાડોશી અને દોસ્તો સાથે વ્યવહાર પણ સારો હતો. તે રોજ તેના ઘરેથી બાઈક પર નીકળી દુકાને જતો અને સાંજે કામ પતાવી સીધો ઘરે આવી જતો.
મનોજે સરલાના બીજા દીકરાની એકઠી કરેલી માહિતી મુજબ સરલાનો જે દીકરો બાવળામાં રહતો હતો તેનું નામ સતીશ હતું અને તે લોડીંગ રીક્ષા ચલાવતો હતો. પાણીની બોટલો પેકિંગ કરતી કંપનીમાં તે પાણીની હેરફેર માટેની રીક્ષા ચલાવતો હતો. તે તેની પત્ની અને ત્રણ બાળકો જેમાં બે દીકરીઓ અને એક દીકરો હતા ની સાથે બાવળામાં રહેતો હતો. તે ફ્રેંચ કટ દાઢી રાખતો તેથી તેના મિત્રો તેને સતીશ બકરી પણ કહેતા.
બંનેના દારૂના ચેકિંગના બહાને સેમ્પલ લઈને ફોરેન્સિક વિભાગમાં મોકલી દેવામાં આવ્યા. બીજે દિવસે જયારે રીપોર્ટ આવ્યો તેમાં બે વાત ચોંકાવનારી સામે આવી. એક તો એ કે સુરતમાં રહેતા મનીષની માં સરલા હતી પણ તેના પિતા કાનાભાઈ ન હતા એનો અર્થ કે તે કાનાભાઈ સિવાય બીજા કોઈનું સંતાન હતો.
મૈત્રીના હત્યારાનો જે ડીએનએ મૈત્રીના અન્ડરવેર પરથી મળ્યો હતો તેની સાથે સતીશનો ડીએનએ સો એ સો ટકા મેચ થતો હતો. ફોરેન્સિક ડોકટરના કન્ફર્મ કર્યા બાદ કે સતીશ જ મૈત્રીનો હત્યારો છે, શ્રેયા અને તેની ટીમમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. લગભગ દોઢ વર્ષ પછી તેમની મહેનત રંગ લાવી હતી અને તેમણે કેસને ઉકેલી કાઢ્યો હતો.
સર્ચ વોરંટ લઈને શ્રેયા પોતે સતીશને પકડવા માટે તેની ટીમ સાથે નીકળી. શ્રેયા જયારે તેની ટીમ સાથે સતીશ જ્યાં કામ કરતો હતો ત્યાં પ્યોર વોટર નામની કંપનીમાં પહોંચી ત્યારે સતીશ તેના બીજા મિત્રો સાથે ગાડીમાં પાણીની બોટલો લોડ કરાવી રહ્યો હતો. ત્યાં રહેલા બધા પોલીસને જોઇને આવાક બની ગયા હતા ને દરેકના મોં પણ પ્રશ્નાર્થ હતું કે પોલીસ કેમ આવી છે.
પોલીસે સતીશને હાથકડી પહેરાવી તેને પોલીસની ગાડીમાં બેસાડી ત્યાંથી રવાના થઈ ગઈ હતી. પહેલાં તો સતીશને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં લાવી અને લોકઅપમાં પુછપરછ કરી ત્યારે એણે એક જ વાત પકડી રાખી હતી કે તે નિર્દોષ છે.
રાજ્યના પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ને જાણકારી આપી કે ક્રાઈમબ્રાંચે મૈત્રી જોશીના હત્યારાને લગભગ દોઢ વર્ષની મહેનત બાદ પકડી કાઢ્યો છે. નિરામયભાઈએ જયારે કુમુદબેનને જાણ કરી ત્યારે કુમુદબેન કંઈ પણ બોલ્યા ન હતા કે ખુશ પણ થયા ન હતા, કારણ કે તેમને ખૂની પકડાવાથી કોઈ ફેર પડતો ન હતો. ખૂનીના પકડાઈ જવાથી કે તેને સજા થવાથી તેમને તેમની મૈત્રી પાછી મળવાની ન હતી.
શ્રેયાએ મનોજને કહ્યું હતું કે આને જ્યાં સુધી સાચું ન બોલે ત્યાં સુધી કંઈપણ ખાવા કે પીવા ન આપવું અને સુવા પણ ન દેવો. સતત ૭૨ કલાક જાગ્યા રહેવાથી અને પાણી કે ખોરાક વગર સતીશ તૂટી ગયો હતો અને બધું સાચું કહેવા તૈયાર થઈ ગયો હતો.
શ્રેયા અને મનોજ સતીશની સામે પૂછપરછ રૂમમાં બેઠા હતા. શ્રેયા સતીશને સવાલ કરે છે, “બોલ, મૈત્રીનું ખૂન તેં શા માટે કર્યું અને લાશ આટલા દિવસ સુધી ક્યાં રાખી મૂકી.”
સતીશ તૂટેલા અને થાકેલા અવાજમાં બોલવાનું શરૂ કર્યું, “મેં એ છોકરીને ઉઠાવી તેના લગભગ છ મહિના પહેલાં પહેલીવાર જોઈ હતી. એને જોઈ એ દિવસથી એ છોકરી મારા મગજ પર છવાયેલી રહેતી હતી. હું જયારે જયારે નાની છોકરીઓ જોઉં ત્યારે ત્યારે મારા મગજ પરનો કાબુ ગુમાવી બેસતો. તેમના શરીરને પામવાની અદમ્ય વાસના મારા શરીરમાં ઉઠવા લાગતી. મેં એના વિષે બધી માહિતી એકઠી કરવાનું ચાલુ કર્યું. એ કેટલા વાગ્યે ઘરેથી નીકળે છે અને કેટલા વાગ્યે સ્કુલે જાય છે. એ રોજ સવારે સાડા સાત વાગ્યે સ્કુલ બસમાં સ્કુલે જતી અને બપોરે લગભગ દોઢ વાગ્યે પરત આવતી. એ ટાઇમે તેને ઉઠાવવી અશક્ય હતી. પણ એ સાંજે રોજ ગુજરાત વિદ્યાપીઠ જતી અને એક કલાક પછી પાછી આવતી. આ સમય મારા માટે એકદમ યોગ્ય હતો. એ જાણવા કે એ ગુજરાત વિદ્યાપીઠમાં કેમ જાય છે હું એક દિવસ તેની પાછળ પાછળ ગયો હતો. તેને એ દિવસ સ્વીમીંગ કોસ્ચ્યુમમાં જોઈ તે દિવસથી મારી તેને પામવાની ઈચ્છા મારું ઝનુન બની ગઈ. મેં જે દિવસે એને ઉઠાવી તે દિવસે મારો ફોન પહેલેથી જ બંધ કરી દીધો હતો. હું એક ઈકો ગાડી ચોરીને લઈ આવ્યો હતો અને તેની નંબર પ્લેટ કાઢી નાંખી. જેથી મને કોઈ પકડી ન શકે. તે દિવસે વરસાદ પડતો હતો એટલે રસ્તો સુમસામ હતો. એ છોકરી નીકળી એટલે મેં એને એડ્રેસ પૂછવાના બહાને બેહોશીની દવા સુંઘાડીને મારી ગાડીમાં ખેંચી લીધી અને તેનો મોબાઈલ રસ્તામાં ફેંકી દીધો. હું એને એક બાવળા જવાના રોડ પર એક અવાવરું જગ્યાએ લઈ ગયો અને તેના ભાનમાં આવવાની રાહ જોતો રહ્યો. એ જેવી ભાનમાં આવી કે તરત બુમો પડવાની કોશિશ કરવા લાગી પણ મેં પહેલાથી તેના હાથ અને મોં બાંધી દીધા હતા. હું તેની પાસે ગાડીમાં પહોંચું તે પહેલાં જ એણે હાથ ખોલી નાંખ્યા હતા. મેં તેને કાબુમાં લેવા કોશિશ કરી પણ તેનામાં ગજબની તાકાત હતી. તેણે મને એટલી જોરથી લાત મારી કે હું કણસી ઉઠયો હતો. મેં એનો બળાત્કાર કરવા માટે તેના કપડાં કાઢવાની કોશિશ કરી પણ તે મારો સામનો કરી રહી હતી. મને એટલો ગુસ્સો આવ્યો ગાડીની સીટ નીચે પડેલું પાનું ઉઠાવી મેં એના માથા પર મારી દીધું. તે ફરી બેહોશ થઈ ગઈ અને મેં તેના શરીરને બેહોશીની હાલતમાં જ ભોગવ્યું. પણ હું જેને બેહોશ માની રહ્યો હતો તે મરી ચુકી હતી. મારું આખું શરીર ઠંડુ પડી ગયું. મારા હાથે ખૂન થયું એનો હવે મને પારાવાર પસ્તાવો થવા લાગ્યો, પણ બહુ મોડું થઈ ગયું હતું.”
તેની વાત સાંભળીને શ્રેયાના આંખમાં આંસુ આવી ગયા. તેણે આંસુ લૂછ્યા અને આંસુના જગ્યાએ ગુસ્સો તરી આવ્યો. શ્રેયાએ તેના પર ગડદા પાટું વરસાવવા માંડ્યા. શ્રેયા ગાંડીતૂર બની ગઈ હતી. મનોજે જો તેને ન રોકી હોત તો તેના હાથે સતીશનું મોત નિશ્ચિત હતું.
સતીશ કણસી રહ્યો હતો. શ્રેયાએ સ્વસ્થ થતા પૂછ્યું, “અને આટલા દિવસ લાશ ક્યાં મૂકી હતી.”
સતીશના મોંમાંથી લોહી નીકળી આવ્યું હતું, તે તેણે સાફ કરતાં ને રડતા રડતાં કહ્યું, “મારો એક મિત્ર કોલ્ડ સ્ટોરેજમાં કામ કરે છે. તેના કોલ્ડ સ્ટોરેજમાં લાશ એક બેગમાં ભરીને મૂકી દીધી હતી. તેના કોલ્ડ સ્ટોરેજમાં એટલી ઠંડી રહેતી કે મોટભાગે કોઈ અંદર જતું નહીં. ત્રણ મહિના પછી હું એની લાશને જાસપુર ગામની ઝાડીઓમાં ફેંકી આવ્યો હતો.”
શ્રેયાના મનમાં તો થતું હતું કે તેને ગોળી મારી દે. પણ તેના હાથ કાયદાથી બંધાયેલા હતા. નિરામયભાઈના ઘરમાં હત્યારાને લઈને કોઈ વાત ન થઈ, કારણ કે તેના પકડાવાથી તેમને કોઈ ફાયદો ન હતો. તેમની લાડકી દીકરી પાછી મળવાની ન હતી. સરલાના પતિને જયારે ખબર પડી કે તેણે જેને ઉછેરીને મોટો કર્યો એ ખરેખર તો તેનો છોકરો છે જ નથી, ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મંજુલાબેનને પણ જયારે ખબર પડી કે કાનાભાઈને એમના સિવાય પણ બીજી સ્ત્રી સાથે સંબંધ હતો, ત્યારે તેમણે એમ માની મન મનાવી લીધું કે પુરુષની જાત જ દગાખોર છે, સ્ત્રીના પ્રેમને લાયક નથી. કાનાભાઈ જીવિત ન હતા કે તેમને એ કંઈ કહી શકે કે ફરિયાદ કરી શકે. શ્રેયા પોતે એક દીકરીની માં હતી એટલે તેના માટે મૈત્રીના કેસને ઉકેલવાની શાતા તેના ચેહરા પર સ્પષ્ટ દેખાતી હતી