પાંચેક વાગતા બધો માલ કેડી વગો થયો હતો. માલને નેહડાને રસ્તે હાકલીને ગોવાળિયા આગળ પાછળ ચાલ્યા આવતા હતા. બે ગોવાળ માલના ધણની આગળ ચાલે, જ્યારે એકાદ બે ગોવાળ માલની લાંબી લાઈનની વચ્ચેના ભાગમાં ચાલે, બાકીના ગોવાળ માલની પાછળ વાતો કરતા કરતા ધીમી ગતિએ ચાલ્યા આવતા હોય. આમ તો માલ ઢોરમાં ભેંસોનું ખાડું સાથે હોય એટલે બહુ બીક જેવું રહેતું નથી. ભેંસોને હાવજની ગંધ તરત આવી જતી હોય છે. હાવજની ગંધ આવે એટલે ભેંસો તરત સાવધાન થઈ જાય છે. અને ચકળ વકળ ડોળા કરી, હવામાં ઊંચા ડોકા કરી ફૂફાડા મારવા લાગે છે. માલઢોર જંગલમાં ચરવા જાય ત્યારે જો કોઈ જગ્યાએ કે ઢવામાં આગળના દિવસે સિંહ પરિવાર બેઠેલો હોય તો પણ ભેંસો એ જગ્યાએ ભેગી થઈ જ્યાં સિંહ પરિવાર બેઠો હોય તે આખળીએ જમીનને સુંઘ્યા કરે છે. અને આજુબાજુમાં સિંહ છે નહીં ને?તેની તપાસ કરે છે. આખળી એટલે જે જગ્યાએ સિંહ બેઠો હોય તે. આમ ગોવાળોને ભેંસોનું ખાડું સાથે હોય ત્યારે સિંહનો હુમલો થવાની બહુ બીક રહેતી નથી. પરંતુ જો ખબર ન રહી હોય અને બીમાર કે નબળી ભેંસ, પાડરું કે ગાય વાછરડું પાછળ રહી ગયું હોય ત્યારે સિંહ તેના પર હુમલો કરી તેનો શિકાર કરી લે છે. એક વખત ગોવાળિયા ખાડુની પાછળ પાછળ બે ફિકરાયથી ચાલ્યા આવતા હતા. એટલામાં જામલા નામના સાવજે અચાનક આવીને ગેલાના નેહડાના એક ગોવાળની ભેંસનો લઢીયો જાલી લીધો. કોને ખબર! હાવજ આવી રીતે ક્યારેય હુમલો કરે નહીં! અને મોટાભાગે શિકાર તો સિંહણ જ કરે. સિંહણોએ જો મોટો સાંભર, પાડા જેવો શિકાર દબોચ્યો હોય અને તેનાથી શિકાર જમીન પર પડતો ન હોય ત્યારે જ હાવજ ઊભો થઈને આવે છે. અને દબોચેલા શિકારની પાછળથી ઉપર ચડીને શિકારની કરોડરજ્જુ પર પોતાનો કેટલાંય ઘણ બરાબર તાકાત ધરાવતો પંજો મારી શિકારની કરોડરજ્જુમાં પોતાના ચાર ઈંચના ખીલા જેવા દાંત ભેરવી દે છે. કરોડરજ્જુમાં ઘૂસેલા દાંત શિકારનું ચેતાતંત્ર ફેલ કરી નાખે છે. એટલે ગમે તેટલો મોટો શિકાર હોય તો પણ તે જમીન દોસ્ત થઈ જાય છે. જમીનદોસ્ત થઈ ગયેલા શિકારને ખાવાનો પ્રથમ અધિકાર નર હાવજનો જ હોય છે. નર હાવજ શિકાર ખાતો હોય ત્યાં સુધી સિંહણોને બાજુ પર બેસી પોતાનો વારો આવે તેનો ઈન્તેજાર કરવાનો હોય છે. અધીરી સિંહણો ક્યારેક ક્યારેક શિકારને બીજી બાજુથી ખાવાની કોશિશ કરે છે. પરંતુ જો સાવજને ગુસ્સો આવે તો સિંહણને તેનું ભોગ બનવું પડે છે. હાવજ ઠપકા સ્વરૂપે સિંહણને મોઢા પર પંજો મારીને સજા આપે છે. જ્યારે હાવજ ધરાઈ જાય પછી સિંહણોને ખોરાક ખાવા મળે છે. જોકે બચ્ચાને પોતાની ભૂખ મિટાવવાની ઈજાજત હોય છે. તે પણ પિતાની પુરી અદબ જાળવીને!
શિકારી અને શિકારએ તો જંગલનો સદીઓથી ચાલ્યો આવતો ભગવાને બનાવેલો નિયમ છે. 'જીવ જીવશ્ય ભોજનમ્ 'જંગલની ફળદ્રુપ જમીનમાં ઘાસના બી સચવાયેલા પડેલા હોય છે. જે દર ચોમાસે વરસાદ આવતા ઊગી નીકળે છે. આ કુણા ઘાસને હરણાનું ટોળું ચરીને પોતાની પેટની ભૂખ મીટાવે છે. આ હરણાંના ટોળા પર ક્યારેક સિંહનો પંજો ફરી જતા એકાદુ હરણું મારી પાડે છે. આવી રીતે સમયાંતરે શિકાર થતો રહે છે એટલે હરણાંની વસ્તી પણ નિયંત્રણમાં રહે છે. આ હરણાંને મારીને સિંહ પરિવાર પોતાનું પેટ ભરે છે. આ સિંહ પરિવાર પણ નિયંત્રણમાં રહે તેવી વ્યવસ્થા કુદરતે ગોઠવી રાખેલી છે. સિંહનું આયુષ્ય લગભગ 15 થી 18 વર્ષનું હોય છે. એ દરમિયાન સિંહનું મૃત્યુ ઇન્ટરફાઇટ, એકસીડન્ટ કે બીમારીને લીધે પણ થઈ જતું હોય છે. જંગલખાતાની તકેદારીને લીધે હવે સિંહનું એવરેજ આયુષ્ય વધ્યું છે. તેમ છતાં દર વર્ષે અમુક રોગો એવા આવે છે કે જેનો ભોગ બનીને સિંહ પરિવારના અમુક સભ્યો મૃત્યુ પામે છે. મૃત્યુ પામેલા સિંહ કે સિંહણને જંગલ ખાતાના ટ્રેકર શોધી લેતા હોય છે. આવા મૃત્યુ પામેલા સિંહ પરિવારના શબને જંગલ ખાતાના માણસો પૂરી અદબ સાથે દફનવિધિ કરી દેતા હોય છે. ઘણી વખત બીમાર હાવજ કે સિંહણ કરમદીના કે બાવળના ઢુંવામાં ઘૂસી જતા હોય છે. જેનું ત્યાંને ત્યાં જ મૃત્યુ થઈ જતું હોય છે. આવા મૃત્યુ પામેલા હાવજનું લોકેશન માલધારીઓ ગંધ પરથી પોતાનો માલ ચરાવતા હોય ત્યાંરે ગોતી લેતા હોય છે. અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા હોય છે. આવા મૃત્યુ પામેલા સિંહ પરિવારના મૃત શરીરને બેક્ટેરિયા અને જીવજંતુઓ વિઘટન કરી નાખે છે. પછી આ શબનું જમીનમાં ગુણવત્તા યુક્ત ખાતરમાં પરિવર્તન થાય છે. આ ખાતર રૂપે પોષણ પામેલી જમીનમાં ફરી વખત ચોમાસાનો અમૃત જેવો વરસાદ મળતા પોષણયુક્ત ઘાસ ઉગી નીકળે છે. જે ઘાસને હરણાં ચરે છે. કુદરતનું ગોઠવેલું આ ચક્ર આવી રીતે ચાલતું રહે છે. એટલે જ કહેવાયું છે કે 'જે પોષતું તે મારતું એ ક્રમ દિસે કુદરત તણો.'
જંગલમાં અનેક પ્રાણીઓ રહે છે. જેની અલગ અલગ લાક્ષણિકતાઓ છે. આ બધા પ્રાણીઓમાં સૌથી ઉપરની લાઈનમાં સિંહ આવે છે. સિંહના સ્વભાવને લીધે તેને જંગલનો રાજા કહેવાય છે. સિંહ ભૂખ્યો ન હોય ત્યારે તે કદી શિકાર કરતો નથી. જો તેને છંછેડવામાં ન આવે તો તે ક્યારેય માણસ ઉપર પણ હુમલો કરતો નથી. તે માણસથી ડરતો પણ નથી,અને માણસને ડારતો પણ નથી. સિંહનો ચાલવાનો અંદાજ રાજા મહારાજા જેવો હોય છે. સિંહ પોતાના શિકારની પણ ઈજ્જત કરે છે. નહિતર ઝરખ જેવા પ્રાણી કોઈ પ્રાણીનો શિકાર કરે એટલે શિકાર હજુ જીવીત હોય ત્યાં તેને ખાવાનું ચાલુ કરી દેતા હોય છે. જેના લીધે શિકાર બનેલું પ્રાણી બિચારું તડપી તડપીને મરે છે. પરંતુ સિંહ પોતાના શિકારને દબોચે એટલે તે તેનું પૂર્ણ રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધી તેને દબોચી રાખે છે. શિકાર જ્યારે મૃત્યુ પામે પછી સિંહ તેની પાસે બેસી રહે છે. પછી જ તેને ખાવાનું ચાલુ કરે છે. આવી રીતે જાણે તે શિકારને માન સન્માન આપતો હોય તેવું લાગે છે. તેથી જ સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે.
એ વખતે ઘર તરફ પાછા વળતા ખાડું ઉપર જામલાના અચાનક હુમલાથી ઘડીક તો ભેંસોમાં નાસભાગ મચી ગઈ હતી. જામલો ખૂબ ખૂંખાર હાવજ હતો. તે એક વખત હુમલો કરે પછી તેના મોઢેથી માલને છોડાવવો કોઈનું ગજું ન હતું. ગોવાળિયાની હાજરીમાં જ્યારે માલઢોર પર સાવજ હુમલો કરે છે ત્યારે ગોવાળિયા હાકલા પડકારા કરતા હાથમાં કુહાડીવાળી ડાંગ ઊંચી કરતા સાવજને ઘેરી લે છે. જો સાવજ એકલો હોય તો તે દબોચેલું માલ છોડી દે છે.પરંતુ સાવજનું આખું ગ્રુપ હોય તો તે ગોવાળો ઉપર પણ તેને ડારવા વળતો હુમલો કરી દે છે. તેથી આવા સમયે ગોવાળો એકાદ માલઢોરને હાવજોને હવાલે કરી નીકળી જતા હોય છે. જામલાના હુમલાને લીધે ખાડુમાં અફડા તફડી મચી ગઈ. ગોવાળીયા પણ હાંકલા કરતા દોડ્યાં. જામલે જાલેલી કુંઢી ભેસ પણ એમ કય પડી જાય એવી ન હતી! એટલામાં ભૂરાઈ થઈને ભાગેલી ભેંસો પણ એક જૂથ થઈને બોથા ઉગામી પાછી વળીને જામલાને ઘેર્યો. ધીમે ધીમે ભેસોનો ઘેરો સાંકડો થતો ગયો. જામલો ઘેરાતો ગયો. પરંતુ આજે જામલો પણ જાણે હઠે ચડ્યો હોય તેમ તેણે જાલેલી ભેંસ છોડતો ન હતો. એટલામાં ભેંહુંના ટોળામાં રહેલા હાથીના મદનીય જેવો લોઠકા અને વળેલા શિંગડાવાળા પાડાને ગુસ્સો આવ્યો. તે ધૂળ ઉડાડતો દોડ્યો. દોડીને કુંઢી ભેસના લઢીયે ચોંટેલા જામલા હાવજના પેટમાં એક જોરદાર બોથાંનો પ્રહાર કર્યો. અચાનક થયેલા પાડાના આ હુમલાથી જામલાની પકડ ઢીલી પડી ગઈ અને કુંઢી ભેંસ બળ કરી છોડાવી નીકળી ગઈ. ત્યાં તો ફરતે ઘેરો ઘાલેલી ભેંસોએ જામલાને બોથે ચઢાવ્યો. એક ભેંસે તો જામલાને શિંગડામાં ભરાવી હવામાં ઉછાળ્યો....
ક્રમશ: .....
( શું ગીરની ભેંસો જામલાને મારી નાખશે? જાણવા માટે વાંચતા રહો "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
Watsapp no. 9428810621