ઋણાનુબંધ
આવવું અને જવું એ એક સાવ સામાન્ય શબ્દ, જાવું એક સાવ સામાન્ય ક્રિયા. નાનપણ થી જ આપણૅ સાંભળતા આવ્યા છીએ કે જે આવે એનું જવું નિશ્ચિત છે. જે આ દુનિયામાં આવ્યું છે તેને એક દિવસ આ દુનિયામાંથી જવાનું નિશ્ચિત છે જ. પણ આ જવું એ નિયતિ છે. કાળનો ક્રમ છે. કુદરતનું આ એક સૂત્ર છે. કે જે આજ છે. એ ક્યારેક જવાનું જ. નવું આવવાનું જ. અને પાછું એ પણ જવાનુ જ છે. પણ… કોઈ અહીં જ રહી ને જતું રહે તો???
કોઈનું જીવન સમાપ્ત થયા પછી જવું એ એક નિયતિનો એક પ્રકાર છે. આ ઘટના ગમે કે ના ગમે તેને સ્વીકારવી જ પડે છે. પણ ક્યારેક કોઈ હયાત હોવા છતાં જતું રહે તો?..
કહેવાય છે કે આપણે બધા ઋણાનુબંધનથી જોડાયેલા છીએ. ક્યાં, ક્યારે, કેવી રીતે મળ્યા હશું ! કે મળશું ? એ બધું પહેલે થી નક્કી હોય છે. કોઈ ઘટના કોઈ બનાવ કે કોઈ વ્યક્તિ માધ્યમ બનતું હોય છે. કે આપણે મળીયે. અને એવી જ રીતે ફરી પાછી કોઈ ઘટના બને કે બાબત બને એજ પાત્ર એજ વ્યક્તિ કે કોઈ વસ્તુ આપણા જીવન માંથી જતી રહે છે. આ બે નક્કી કરેલા ક્રમ છે. બંને વિરોધી છતાં બંને વારાફરતી આવવાના જ.
બાળક નાનું હોય એ તમે જેમ રાખો તેમ રહેશે. ખોળામાં બેસી રહેશે, તેડેલું રહેશે, જેવું એ થોડું મોટું થશે એ તરતજ ઉભું થઈ જતું રહેશે. અહીં થી જ જવાની સમજણની શરૂઆત થઈ જાય છે. પોતાનું ના ગમતું થાય એટલે એ જતું રહશે.
કોઈ પણ વ્યક્તિ કે કોઈ ગમતી વસ્તુ આપણા જીવનમાં આવે ત્યારે જીવન કાંઈક સાવ જુદું અને એકદમ અલગ જ લાગે છે. તમારી ગમતી વ્યક્તિ સાથે વાતોમાં સમય દિવસ રાત ક્યાં પસાર થઈ જાય છે એ ખબર સુધ્ધા પણ નથી રહેતી. અને એમજ કોઈ ગમતી વસ્તુ ખરીદો ત્યારે મન અકારણ જ ખુશ રહેતું હોય છે.
મારો આ જાત અનુભવ છે. ક્યારેક હું ઉદાસ હોવું છું ત્યારે કંઈક ગમતી વસ્તુનું નાનું મોટું શોપિંગ કરી લઉ છું. મને એ નથી ખબર કે આ સાચું કહેવાય કે સારું ? પણ મને બહુ મજા આવે છે. મારી ઉદાસી ગાયબ થઈ જાય છે. હું એવું જ માનું છું કે ખુશ રહેવું જોઈએ. હવે એ કોઈ વ્યક્તિ થકી હોય કે કોઈ વસ્તુ થકી. જરૂરી છે તો ફક્ત આનંદમાં રહેવું.
હા ચોક્કસપણે વ્યક્તિની હૂંફ વસ્તુ ના આપી શકે. પણ આપણી ઉદાસી વખતે દર સમયે સામે વાળી વ્યક્તિ ફ્રી જ હજાર હોય એ જરૂરી તો નથી? આજની આ હાડમારી ભરી જિંદગીમાં સહુ ને પોતાની મુશ્કેલીઓ હોય છે. મન તો બહુ થાય કે કોઈના ખભે માથું રાખી બસ બેસી જ રહીએ. પણ કાયમ એ શક્ય ન પણ બને…? વળી એની મુશ્કેલી ના સમયે આપને પણ બીજે ઘેરાયેલા હોઈએ એવું પણ બને. કાયમ સંજોગો સાથ આપે એવું ના પણ બને. ને એ સમયે સાથે રહેવાની જીદ, આદત તમને એ વ્યક્તિથી અલગ પણ કરી દે છે. તમારી અકળામણ, આક્રોષ તમને તમારા પ્રિય પાત્રથી દુર લઇ જાય છે. અને તમને એવું લાગે છે કે એ દૂર જાય છે. હકીકત માં તમે જોશો તો તમારો વ્યવહાર જતમને દૂર લઈ જાય છે. એ જેટલો સમજણ ભરેલો હશે. સંબંધો એટલાજ તંદુરસ્ત હશે. આસપાસના વ્યક્તિઓ તમારાથી ખુશ હશે જો તમે પોતે ખુશ હશો. પછી આપમેળે બધું ગોઠવાતું જશે. સમજણની પરિપક્વતા જેટલી હશે એટલે સવાલ જવાબ ઓછા હશે. અને જેટલા સવાલ જવાબને ચોખવટો ઓછી હશે એટલો સંબધ લાંબો મજબૂત અને ટકાઉ રહેશે. તમારો સારો કે ખરાબ વ્યવહાર જ નક્કી કરે છે કે તમારી સાથે કોણ રહેશે. કોણ જશે.
ચાલો માની પણ લઈએ જે જાય છે એને રોકી નથી શકવાના. પણ શું આપને આપણી જાતને પહેલે થી જ એવી સક્ષમ ના બનાવી રખાય કે કોઈ જાય તો આપણે બસ ખાલી આપણી જાત સાંભળી શકીએ એટલા ઘડાયેલા રહીએ. જો તમે તમારા વિચારોમાં ખુલ્લા હશો. અને કોઈ પર તમારા વિચારો થોપશો નહીં તો એ અકારણ તો તમારા પાસેથી જશે જ નહીં. પણ છતાં જો કોઈ જશે તો તમે એટલા સમજદાર બનો કે એને જાવા દો એની સાથે દલીલો ના કરો.
દરેક સંબધ કે માણસ કોઈના કોઈ લેણદેણથી એકબીજા સાથે જોડાય છે, અને લેણદેણ પુરી થતા એક યા બીજા સ્વરૂપે વિદાય લઈ લે છે. માત્ર આજ વાતને સમજી લેવાની છે. થોડા સમયના ખાલીપા પછી તમને સમજાય જશે. તમે પાછા ટેવાતા જશો અને તમને ત્યારે સમજાઇજશે કે અમુક સંબધ માત્ર આદત હતી ટેવ હતી, અથવા જો સાચો સ્નેહ હશે તો જીવનભર મીઠી એક યાદ બની, આંખો બંધ કરશો એટલી વાર ઉભરી આવશે. આ વાત સમય સાથે જ સમજાય છે. અને એટલે જ જ્યાં છો, જેની સાથે છો, એ ઘડી એ પળ ને માણી લો. ભરપૂર જીવો. ખૂબ આનંદ કરો. એ દરેક ને ચાહો જે તમને ચાહે છે. જે તમારી પાસે નથી એની ચિંતામાં જે છે એને દૂર ના કરો. તમે જોશો તો ઈશ્વરે તમારા માટે કોઈ તો એવું મોકલ્યું જ હશે કે જેને તમારી જરૂર હશે. જે તમને જોઈને જીવતું હશે. જે ગયું એ ભૂલી એમાંથી બહાર આવશો તો, જે છે એ ચોક્કસ દેખાશે. તમને ફરી પાછા જીવન જીવતા શીખવાડશે. અને જો ખરું કહીએ તો આજ તો જીવન છે. જે ધબકતું છે. જેમાં વહેતા રહેવાનું છે. બંધ પાણી જેમ કોહવાઈ જાય એમજ જીવન નું પણ કંઇક એવું જ છે. વહેતા રહો ખુશ રહો અને ખુશી વહેંચતા રહો.
એવા મસ્ત બની જાઓ કે જે તમને છોડી ને ગયું હોય એને પણ બીજે કશે તમારા જેવું તો ના જ મળે. એટલા સહજ બની રહો કે ફરી પાછું એ અચાનક ક્યાંક મળે તો કોઈ ખીજ કે રીસ રાખ્યા વિના તમારા માટે આદર ભાવ રાખો.
હંમેશા યાદ રાખો આપણે બધા માત્ર કિરદાર છીએ. પહેથી જ પાત્રો અને સ્ક્રિપ્ટ નક્કી કરેલી જ છે. માટે કોઈ પણ દોષારોપણ વગર દરેક વાત ને હરિઈચ્છા માનો. હા પ્રયત્ન કર્યા કરો. કહેવત છે ને ‘મનુષ્ય યત્ને ઈશ્વર કૃપા’ એમ જ બસ ચાલ્યા કરો. ક્યાંક તો સફળ થશો તેમાં લેશમાત્ર શંકા નથી. તમારામાંથી તમે ખુદ બાદ થઈ જાવ એવું ના કરો. કારણ કે એ પણ એક પ્રકારે જાવું જ થયું તમારા ખુદનું તમારામાંથી અલગ જવુ એવું ના કરો. આ જીદ મૂકી દો દરેક પરિસ્થિતિ માટે કશુંક કારણ નિમિત્ત માત્ર હોય છે. એ યાદ રાખી ખુશ રહો. આનંદ કરો. પોતાની જાત ને માણો. પોતાની જાત સાથે વાતચીત કરો. જીવન જીવો અને મસ્ત રહો.
Dipakchitnis
dchitnis3@gmail.com