નાનકડી રીમા રોજ એની મા સાથે કામ પર આવતી. તેને ભણવાની ઘણી હોંશ હતી પરંતુ શું કરે? મનમારીને પણ માને કામમાં મદદ કરવી પડતી.
તે જે ઘરમાં કામ કરતી ત્યાં તેના જેવડી એક દીકરી હતી. તેને રોજ સ્કુલે જતા જુએને મનમાં થાય કદાચ "મારા બાપુ પાસે પણ આટલા બધા રૂપિયા હોત તો મને પણ ભણવા મોકલત."
દિવસો પાણીના રેલાની જેમ સરકતા હતા. દિવાળીના કામની સાફસફાઈ કરી રહ્યા હતા. ત્યાં જૂના પુસ્તકોનો બહાર ઢગલો કર્યો. રીમા બોલી" બેન મને આ પુસ્તકો તમે આપશો"
"લઈજાને અમારે હવે એનું કંઈ કામ નથી."
તેની માએ કહ્યું "સારું લઈલે ચુલો સળગાવવા થશે."
પરંતુ રીમાએ તો આ પુસ્તક તેના ભણવા માટે જ લીધા હતા. તેને ઘરે જઈને આ પુસ્તકો ખોલ્યા. તે બીજા ધોરણ સુધી ભણેલી તેથી તેને થોડું ઘણું લખતાં વાંચતા આવડતું હતું. તે તેમાંથી વધુ વાંચતા અને લખતા શીખી. તેને તો હવે ભણી ગણીને આ મુક્ત ગગનમાં મહાલવું હતું. તેના પરિવારને સુખી કરવો હતો. તેને ફરીથી તેની માને કહ્યું "મા તું મને ભણવા જવા દઈશ હું મારા ભાગનું બધું જ કામ કરીને પછી ભણીશ"
તેની આજીજીમાં લાગણી છલકાઈ તેની મા ના પાડી ના શકી. તેને પણ વિચાર્યું કે હું તો અભણ હતી તેથી મારી જિંદગી લોકોના ઘરકામ કરીને વિતાવી પણ જો રીમા બે ચોપડી ભણશે તો તેને કામ લાગશે અને જિંદગી બોલી ઉઠી.. તેને બાળપણથી જ કામની સાથે ભણવાનું વણી લીધું હતું.સવારે વહેલા ઉઠીને તેની માને કામમાં મદદ કરતી હતી અને સાંજના સમયે ટ્યુશન કરાવતી હતી. તે આઠમા ધોરણમાં આવી પછી તેનો ખર્ચ જાતે જ ઉપાડતી થઈ ગઈ હતી. સમય ચક્ર ફરતું હતું અને સમય વિતતૈ હતો. સમય વિતતો ગયા અને રીમાએ બારમા ધોરણની પરિક્ષા પ્રથમ નંબરે પાસ કરીને આર્ટસ કોલેજમાં પ્રવેશ લીધો.તેને કોલેજનું જીવન મોજ મસ્તી કે ફરવામાં ના વિતાવ્યું તેને તો ભણીને બસ નોકરી જ મેળવવી હતી. તેને કોલેજની સાથે સાથે બહારની પરિક્ષની તૈયારી શરૂ કરી દીધી. કોલેજમાં જે લોકો તેને મણી બહેન કહીને ખિજવતા હતા. તે જ લોકો તેની આગળ પાછળ ફરવા લાગ્યા. તે બધા પ્રોફેસરોની પ્રિય વિદ્યાર્થીની બની ગઈ હતી. બધા લોકો તેને માન આપતા હતા. તેને છેલ્લા વર્ષમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો. અને પુરી ધગશ સાથે નોકરી મેળવવા માટે લેવાતી જીપીએસસીની પરિક્ષા તૈયારી કરી જ્યારે જાહેરાત પડી ત્યારે તેને ફોર્મ ભરી દીધું અને તેને પરિક્ષા આપી. તેની મહેનત રંગ લાવી. તે એ પરિક્ષા માં ઉત્તીર્ણ થઈને તેમાં તેને સફળતા મેળવી. તેની ચાલમાં તો બધા તેની જ વાહવાહી કરતાં હતા. કદાચ ચાલમાં સૌ પ્રથમ નોકરી મેળવનાર આ પ્રથમ છોકરી હતી. આખા શહેરમાં ન્યૂઝ પેપર અને ટીવી ચેનલમાં તેની પ્રસિદ્ધીના સમાચાર હતા. તેની મા અત્તેયંત ખુશ હતી આજે તેની જિંદગી બોલી ઉઠી હતી. કે તેનો એ સમયે દીકરીને ભણાવવા માટે લીધેલો નિર્ણય સરાહનીય હતો.રીમાને નોકરી મળતા સૌપ્રથમ તો તેની માને લોકોના ઘરકામમાંથી મુક્તિ અપાવી અને તેમના સમાજમાં દીકરીઓને ભણાવવા માટે લોકોને ભેગા કરી સમજાવવા લાગી. " જૂઓ દીકરીઓને ભણાવો તે ભણેલી હશે તો તેમના જીવનની દરેક સમસ્યાનો સામનો કરી શકશે. તે પોતાની રીતે મુક્ત બનીને વિચરી શકશે. દીકરીએ ગુલામ નથી.આ જિંદગીની લાંબી સફર ખેડવા માટે તમે તેના પર વિશ્વાસ રાખો તે તમારો વિશ્વાસ જરૂરથી જીતશે અને તમને ગર્વ અપાવશે."
તેમના સમાજમાં ઘણીબધી દીકરીઓએ ભણીગણીને પોતાનું જીવન ઉજાગર કર્યું અને આ બધી દીકરીઓની જિંદગી બોલી ઉઠી..
પીના પટેલ "પિન્કી"
વિસનગર
25/7/22