/// ડિસ્કો ડાન્સર ///
વિકી ગયેલ જમાનાના મશહૂર કલાકારો છે જેમાં મિથુન ચક્રવતી નું નામ પણ જે તે સમયે મોખરાની હરોળમાં હતું. મિથુન ચક્રવતી છેલ્લે છેલ્લે હમણાં પણ ટી.વી. ના પરદે જોવા મળેલ હતા આવા મોટા ગજાના કલાકાર મિથુનની ૧૯૮૨માં‘ડિસ્કો ડાન્સર‘ આવેલ આ ફિલ્મે મિથુનને ફિલ્મ લાઇનમાં મોખરાનું સ્થાન આપવામાં મહત્વ નો રોલ અદા કરેલ હતો.
બી. સુભાષે ફિલ્મ ‘અપના ખૂન’ (૧૯૭૮) થી નિર્દેશક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. પણ મિથુન ચક્રવર્તી સાથે ‘તકદીર કા બાદશાહ’ (૧૯૮૨) નું નિર્દેશન કરતી વખતે પોતાના નિર્માણમાં એને સ્ટાર બનાવવાની ખાતરી આપી હતી. એ સમય પર મિથુન ખાસ સફળ થઇ રહ્યો ન હતો. તેમણે મિથુનને રાતોરાત સ્ટાર બની જાય એવી ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ બનાવવાની વાત કરી હતી. મિથુન ડિસ્કો ડાન્સર બની શકે છે એવો એની આંખમાં ચમકારો જોયો હતો. બી.સુભાષે જ્યારે નિર્માતા તરીકે પહેલી ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર ‘ (૧૯૮૨) નું આયોજન કર્યું ત્યારે એમાં મિથુન સાથે કિમને લીધી હતી. ફિલ્મના લેખક ડૉ. રાહી માસૂમ રઝાને જ્યારે વાર્તા વિશે વાત કરી ત્યારે એ પ્રભાવિત થયા ન હતા.
એમની દલીલ હતી કે ભારતમાં કોઇએ ડિસ્કો ડાન્સરનું નામ સાંભળ્યું નથી ત્યારે દર્શકો આ ફિલ્મ સાથે કેવી રીતે જોડાઇ શકશે? એમણે નામ ‘કવ્વાલ’ રાખીને એના વિશે ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું હતું. પણ બી.સુભાષ ફિલ્મનું નામ ‘ડિસ્કો ડાન્સર ‘ રાખવા બાબતે મક્કમ હતા. જ્યારે ફિલ્મના ગીતો લખવાનું કામ ગીતકાર અંજાનને સોંપ્યું ત્યારે એમણે પણ એમ કહીને ના પાડી દીધી હતી કે કોઇ ડિસ્કો ડાન્સર બની જાય એ વાત પર ગીત લખી શકાય નહીં. એમણે બીજા ગીતકારને લેવાની સલાહ આપી દીધી હતી. ત્યારે બી.સુભાષ પુસ્તકોની એક દુકાનમાંથી અંગ્રેજી ગીતોની ચોપડીઓ લઇ આવ્યા હતા. એમાં એક ગીતમાં એક મા તેના પુત્રને કહેતી હતી કે એ બોલતા પહેલાં ગાતાં શીખ્યો હતો અને ચાલતા પહેલાં ડાન્સ શીખ્યો હતો. એ વાત અંજાનને કરી. એને આધાર બનાવીને અંજાને ‘આઇ એમ એ ડિસ્કો ડાન્સર’ ગીતમાં લખ્યું કે,’દોસ્તોં મેરી યે જિંદગી ગીતોં કી અમાનત હૈ, મૈં ઇસિલિયે પૈદા હુઆ હું, યે લોગ કહેતે હૈ મૈં તબ ભી ગાતા થા, જબ બોલ પાતા નહીં થા…’ ખૂબ સફળ રહેલા આ ગીતને નવા ગાયક વિજય બેન્ડિક્ટ પાસે ગવડાવ્યું હતું.
સાડા સાત મિનિટના આ ગીતમાં શબ્દો પૂરા થયા પછી છેલ્લે દોઢ-બે મિનિટ સુધી મિથુનનો ફક્ત ડાન્સ હતો. તેણે એક જ વખતમાં આખો ડાન્સ કર્યા પછી થાકીને બેસી પડ્યો હતો. પરંતુ બી. સુભાષને બીજા રીટેકની જરૂર જણાતા એણે કોઇ ફરિયાદ વગર એવા જ ઉત્સાહથી ડાન્સ કર્યો હતો. ગીતનો સેટ એમણે સસ્તામાં તૈયાર કર્યો હતો. સંગીતકાર બપ્પી લહેરીએ ગીત તૈયાર કર્યા પછી બી.સુભાષે જે વિદેશી પોપ ગીતનો વિડીયો જોયો હતો એવો જ સેટ બનાવવા માગતા હતા. એ વિશે આર્ટ નિર્દેશકને વાત કરી ત્યારે એમણે ઘણો ખર્ચ થવાની શંકા વ્યક્ત કરી. એમણે ઓપેરા હાઉસ જઇને ખર્ચ કઢાવ્યો ત્યારે રૂ.૬ લાખની ગણતરી થઇ. એ પરવડે ના એટલો વધારે હતો. ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે સાયકલની એક દુકાનમાં મેટલની નાની રીંગ જોઇ બી.સુભાષને એક વિચાર આવ્યો. એ રીંગનો ભાવ રૂ.૧૬ હતો. પણ ૧૦૦ રીંગ ખરીદવાની હોવાથી રૂ.૧૪ માં મળી ગઇ. અને એના પર કાગળ ચોંટાડીને પાછળથી લાઇટ ફેંકીને માત્ર દસ હજાર રૂપિયામાં એક રંગીન સેટ ઊભો કરી દીધો. આવા અનેક નવા વિચારોથી ફિલ્મ બનાવવાની કિંમત ઓછી રહી હતી અને સમગ્ર વિશ્વમાં થઇને રૂ.૧૦૦ કરોડની કમાણી કરનારી પહેલી હિન્દી ફિલ્મ ગણાઇ હતી.
DIPAKCHITNIS
dchitnis3@gmail.com