અતીતરાગ-૧૪
મહેમૂદ અને કિશોરકુમાર હિન્દી ફિલ્મજગતમાં આ બે એવાં કલાકાર હતાં જેમની અભિનય બક્ષિસ પર કુદરતના ચાર હાથ હતાં.
તે બન્નેનું કોમેડી ટાઈમિંગ ઈશ્વરે સેટ કર્યું હતું.
બંને જેટલાં ઓન કેમેરા અનપ્રેડીકટેબલ હતાં એટલા જ મૂડી ઓફ કેમેરા, મતલબ અંગત જિંદગીમાં હતાં.
બન્નેની એક સુપર ડુપર હિટ ફિલ્મ ‘પડોશન’ વિશે આપણે ચર્ચા કરીએ.
‘પડોશન’ ના નિર્માતા હતાં મહેમૂદ સાબ. અને ‘પડોશન’માં અભિનય કરવાં માટે કિશોરકુમારે ડબલ ચાર્જની માંગણી કરી હતી. પણ શા માટે ?
સૌ પ્રથમ આપને જણાવી દઉં કે, ‘પડોશન’ એ મહેમૂદ સાબનું મૌલિક સર્જન નહતું.
‘પડોશન’ એક બંગાળી ફિલ્મની રીમેક હતી. એ બંગાળી ફિલ્મનું નામ હતું ‘પાશેર બાડી’ જેનો અર્થ થાય છે, બાજુ વાળાનું ઘર.
એ ફિલ્મ જોઈ હતી બિમલ રોયે વર્ષ ૧૯૫૨માં. બિમલ રોયને એ ફિલ્મ એટલી પસંદ પડી કે, તેમણે તે ફિલ્મના રાઈટ્સ ખરીદી લીધા, હિન્દી વર્જન માટે.
પણ બિમલ રોય તેની વ્યસ્તતામાં રહ્યાં અને ‘પાશેર બાડી’ ને વિસરી ગયાં.
ત્યારબાદ ઘણાં વરસો બાદ મહેમૂદ સાબે ‘પાશેર બાડી’ ફિલ્મ જોઈ. અને જોતાં વ્હેત એટલા પ્રભાવિત થઇ ગયાં કે, તરત જ તેમણે તે ફિલ્મ હિન્દીમાં બનાવવાનું નક્કી કરી લીધું.
પછી તપાસ કરતાં માલૂમ થયું કે તેના રાઈટ્સ તો બિમલ રોય પાસે છે.
તેમણે બિમલ રોયનો સંપર્ક કર્યો અને તેની ઈચ્છા દર્શાવતાં કહ્યું કે,
‘પાશેર બાડી’ના રાઈટ્સ હું ખરીદવા માંગું છું.’
રાજીખુશીથી બિમલ રોયે ફિલ્મના રાઈટ્સ મહેમૂદ સાબને સુપર્ત કર્યા અને ત્યારબાદ મુહુર્ત થયું ‘પડોશન’નું.
મૂળ ઓરીજનલ બંગાળી ફિલ્મ ‘પાશેર બાડી’ અને ‘પડોશન’ ફિલ્મ વચ્ચે એક ખુબ મોટો પાયાનો તફાવત એ છે કે, ‘પડોશન’ ફિલ્મ માં જે ગુરુની ભૂમિકા કિશોરકુમારે ભજવી હતી તે કેરેક્ટર ફિલ્મમાં હતું જ નહીં.
ગુરુના પાત્રની ઉત્પતિ થઇ હતી મહેમુદ સાબની મસ્તીખોર પ્રકૃતિના કારણે.
મહેમૂદે ફિલ્મ ‘પડોશન’ ના રાઈટર રાજેન્દ્ર કૃષ્ણને કહ્યું કે, આવાં કોઈ મસ્તીખોર કેરેક્ટરનું પાત્રા લેખન કરો અને સ્ટોરીમાં એડ કરો.
જયારે મહેમૂદ સાબના દિમાગમાં ગુરુના પાત્રનું ચિત્ર ખડું થયું ત્યારે તેમને આ પાત્ર માટે સૌથી પહેલો વિચાર આવ્યો કિશોરકુમારનો.
જયારે ‘પડોશન’ની પૂરી સ્ક્રીપ્ટ ફાઈનલ થઇ ગઈ ત્યારે મહેમૂદ સાબે ગુરુના પાત્ર માટે પ્રસ્તાવ મુક્યો કિશોરદા પાસે.
ફિલ્મમાં કિશોરકુમારની ભૂમિકા વિશે વિસ્તૃતમાં ચર્ચા કર્યા પછી અંતે મહેમૂદે
મહત્વની વાત કરતાં પૂછ્યું કે.
‘તમને કેટલું મહેનતાણું આપવાનું થશે ?’
એટલે થોડીવાર વિચાર કર્યા પછી કિશોરદાએ મહેમુદને કહ્યું કે,
હવે રૂપિયા પૈસાનો સવાલ છે તો, તમે ફિલ્મ ‘પ્યાર કિયે જા’ માટે જે ફીસ લીધી હતી તેની બે ગણી, મતલબ ડબલ કિંમત હું તમારી જોડેથી લઈશ.’
હવે મહેમુદ સાબની માફક આપને પણ આશ્ચર્ય એ વાતનું થશે કે, ‘પડોશન’ના મહેનતાણાને ‘પ્યાર કિયે જા’ સાથે વળી શું કનેક્શન હશે ?
‘પ્યાર કિયે જા’ ફિલ્મ ‘પડોશન’ કરતાં બે વર્ષ અગાઉ રીલીઝ થઇ હતી.
વર્ષ ૧૯૬૬માં તેમાં મુખ્ય ભૂમિકામાં હતાં શશી કપૂર,મુમતાઝ, કિશોરકુમાર અને સહાયક ભૂમિકામાં હતાં મહેમૂદ.
ફિલ્મના નિર્માતા, નિર્દેશક હતાં શ્રીધર.
શ્રીધરે જયારે મહેમૂદ સામે ‘પ્યાર કિયે જા’ની ભૂમિકા માટે ઓફર કરી ત્યારે મહેમૂદે ફિલ્મ રીજેક્ટ કરી. શ્રીધર એવું ઇચ્છતા હતાં કે આ કેરેક્ટર મહેમૂદ જ ભજવે એટલે શ્રીધરના અતિ આગ્રહ કર્યા બાદ મહેમૂદે તેમની રેગ્યુલર ફીસ કરતાં બમણા રકમની માંગણી કરી.
એ રકમ એટલી ઉંચી હતી કે. તેટલી રકમ ફિલ્મના લીડ હીરો શશી કપૂર અને સેકન્ડ લીડ હીરો કિશોરકુમારના મહેનતાણા કરતાં પણ ડબલ હતી.
શ્રીધરે તેમની અને મહેમૂદની ઈચ્છા પૂર્તિ માટે અંતે મન મારીને તે રકમ આપવાં રાજી થઇ ગયાં.
એકાદ વર્ષ પછી આ ગુપ્ત મંત્રણાનો પર્દાફાશ થતાં શશીકપૂર અને કિશોરકુમારને ને જાણ થઇ ત્યારે તેઓ જરા દુઃખી થયાં પણ કિશોરકુમારે એ વાતની મનમાં ગાંઠ વાળી લીધી જે તકનો મહેમૂદે ગેરલાભ ઉઠાવ્યો હતો.
હવે આ વાતને ઇજન અને અનુસંધાન મળ્યું ‘પડોશન’ ના કાસ્ટિંગ સમયે.
કિશોરકુમારની વાત સાંભળીને સૌથી પહેલાં મહેમૂદ સાબને સમજાયું નહીં કે, કિશોરકુમાર આ વાત ગંભીરતાથી કરી રહ્યા છે યા વિનોદવૃતિમાં ?
મનોમન ‘પ્યાર કિયે જા’ ના ઉલ્લેખને યાદ કરતાં મહેમૂદ સાબ સમજી ગયાં કે કિશોરદાએ આ ઓફર શા માટે મૂકી છે.
અંતે કરારનામુ તૈયાર થયું અને મહેમૂદ, કિશોરકુમારને તેમની ડીમાંડ મુજબ બમણી કિંમત આપવાં રાજી થઇ ગયાં.
મહેમૂદ સાબે કિશોરદાને જે કંઈપણ રકમ આપી હોય.. પણ કિશોરકુમારે તેની અફલાતૂન અદાકારી દ્વારા ગુરુના પાત્રને યાદગાર બનાવી મહેમૂદની તિજોરી છલકાવી દીધી.
આજે પણ ‘પડોશન’ નો ઉલ્લેખ થતાં આપણને સૌ પ્રથમ ચહેરો યાદ આવે કિશોરદાનો.
ફિલ્મ ‘પડોશન’ માં ભોલાનું પાત્ર ભજવ્યું હતું સુનીલ દત્ત સાબે. પણ તે પહેલાં મહેમૂદ એવું ઇચ્છતાં હતાં કે આ પાત્ર આર.ડી.બર્મન ભજવે.
આપને યાદ હોય તો આર.ડી.બર્મને વર્ષ ૧૯૬૫માં ‘ભૂત બંગલા’ ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી.
તે ફિલ્મ બાદ પિતા-પુત્ર, એસ.ડી.બર્મન અને આર.ડી.બર્મન વચ્ચે ગંભીર ચર્ચા થઇ અને સચિન દેવ બર્મને પંચમને કહ્યું કે..
‘તું ફાઈનલી નક્કી કરી કે તારે ક્યાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાવી છે ? મન લગાવીને સંગીતની સાધના કરવી છે કે ઉટપટાંગ હરકતો કરીને ફિલ્મો કરવી છે ?
થોડી જ પળોમાં પંચમદાને બ્રહ્મજ્ઞાન થઇ જતાં પિતા
સચિનદાને વચન આપ્યું કે,આજ પછી તે કયારેય ફિલ્મોમાં અભિનય નહીં કરે
અને પિતાને આપેલું વચન નીભાવતા પંચમે મહેમૂદ સાબને ફિલ્મ ‘પડોશન’ માટે સવિનય ના ફરમાવી.
આગામી કડી...
લીજેન્ડ અભિનય સમ્રાટ દિલીપકુમારે તેમની લાંબી ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણી એવી ફિલ્મોમાં ભૂમિકા ભજવવા માટે નનૈયો ભણ્યો હતો, જે ફિલ્મો એ પડદા પર આવ્યાં પછી કંઇક કીર્તિમાન સ્થાપિત કર્યા હતાં.
પણ આ વાતના મલાલનો ઉલ્લેખ કયારેય દિલીપસાબે કર્યો નથી.
સિવાય ત્રણ ફિલ્મોને બાદ કરતાં..
એ ત્રણ ફિલ્મો હતી.... બૈજુ બાવરા, પ્યાસા અને ઝંઝીર.
આગામી કડીમાં આપણે ચર્ચા કરીશું સુપરહિટ ફિલ્મ ‘બૈજુ બાવરા’ વિશે.
અને શા માટે દિલીપકુમારને રંજ રહ્યો ‘બૈજુ બાવરા’નો હિસ્સો ન બની શકવાનો.
વિજય રાવલ
૨૪/૦૮/૨૦૨૨