Jivansangini - 4 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | જીવનસંગિની - 4

Featured Books
Categories
Share

જીવનસંગિની - 4

પ્રકરણ-૪
(કિસ્મતના ખેલ)

અનામિકાની શાળામાં એના ક્લાસમાં આજે નવા છોકરાનું આગમન થયું હતું. વર્ગશિક્ષકે એ બાળકનો પરિચય આપતાં કહ્યું, "વિદ્યાર્થીમિત્રો! આ મેહુલ છે. આજથી એ પણ તમારા બધાંની જોડે જ આ સ્કૂલમાં અને તમારા ક્લાસમાં જ ભણવાનો છે. ચાલો બાળકો તો આપણે મેહુલનું તાળીઓથી સ્વાગત કરીએ."

શિક્ષકની આ વાત સાંભળતાં જ આખો કલાસ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બધાં બાળકોએ મેહુલનું સ્વાગત કર્યું. મેહુલ હવે જે ડેસ્ક ખાલી હતી ત્યાં આવીને બેઠો. અનામિકા બે ઘડી એની સામે જોઈ રહી અને પછી ભણવામાં પોતાનું ધ્યાન પરોવવા લાગી. શિક્ષક ભણાવી રહ્યાં હતાં પણ મેહુલને હજુ બહુ સમજમાં આવી નહોતું રહ્યું.

*****
બેંકમાં આજે નવા મેનેજર ટ્રાન્સફર થઈને આવવાના હતા એટલે બધાં એમના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા હતાં. એમાંય મનોહરભાઈને તો એમના સ્વાગતની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. એટલે એ એમની તૈયારીઓ કરી રહ્યા હતાં. અને સાંજે બેંકના બધાં સ્ટાફની ડીનર પાર્ટી રાખેલી હતી જેમાં બધાંએ સહપરિવાર હાજરી આપવાની હતી.

સાંજ પડી ગઈ હતી. મનોહરભાઈ, માનસીબહેન, કલગી અને અનામિકા સાથે પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. મિહિરભાઈએ પોતાના પરિવારની ઓળખ આપતાં મનોહરભાઈને કહ્યું, "આ મારી પત્ની મનીષા છે અને આ મારા ત્રણ બાળકો સૌથી મોટો નિશ્ચય, એનાથી નાનો સાગર અને સૌથી નાની દીકરી વિદ્યા. તમને બધાંને મળીને અમને લોકોને ખૂબ જ આનંદ થયો."

મનોહરભાઈએ પણ સામે પોતાના પરિવારની ઓળખ આપતાં કહ્યું, "આ મારી પત્ની માનસી, સૌથી મોટી દીકરી કલગી અને નાની અનામિકા. અમને પણ તમને મળીને ખૂબ જ આનંદ થયો."

અનામિકા બે ઘડી નિશ્ચય સામે જોઈ રહી. અને નિશ્ચય પણ અનામિકાને નિહાળી રહ્યો હતો. એક ક્ષણ પૂરતી બંનેની નજર મળી. અને પછી બધાં પાર્ટીનો આનંદ માણવામાં વ્યસ્ત થઈ ગયા.

હજુ તો એકબીજાની ઓળખ જ થઈ હતી ત્યાં જ માનસીબહેનને અચાનક ચક્કર આવી ગયા. માનસીબહેનને આવી રીતે અચાનક ચક્કર આવવાથી મનોહરભાઈ ચિંતામાં આવી ગયા અને તરત જ એમને તાબડતોબ હોસ્પિટલમાં લઈ ગયા.

હોસ્પિટલમાં આવ્યા પછી ડૉક્ટરે એમને તપાસ્યા અને બહાર આવીને બોલ્યા, "ચિંતા કરવા જેવું કંઈ નથી. ખુશ ખબરી છે. તમે ફરીવાર માતા પિતા બનવાના છો."
ડૉક્ટરની આ વાત સાંભળીને બધાં ખૂબ જ ખુશ થઈ ગયા.

*****
આ વાતને નવ મહિના જેટલો સમય વીતી ગયો. નવ મહિના પછી માનસીબહેને એક સુંદર દીકરાને જન્મ આપ્યો. એ દીકરાનું નામ રાજવીર પાડ્યું.ઘરમાં દીકરા રાજવીરના આગમનથી બધાં ખૂબ જ ખુશ હતાં. કલગી અને અનામિકાનો બધો જ સમય ભાઈ રાજવીરને રમાડવામાં ક્યાં વીતી જતો એ જ ખબર નહોતી પડતી. બંને બહેનો ભાઈના આગમનથી ખૂબ જ ખુશ હતી અને દર રક્ષાબંધન પર બંને ભાઈને રાખડી પણ બાંધતી.

સમય વીતી રહ્યો હતો. બાળકો પણ હવે મોટાં થતાં જતા હતા. કલગી હવે દસમાં ધોરણમાં આવી ગઈ હતી અને અનામિકા સાતમા ધોરણમાં હતી અને રાજવીર હવે ત્રીજા ધોરણમાં ભણતો હતો. મિહિરભાઈની ફરી બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી એટલે એ પણ હવે ચાલ્યા ગયા હતા અને એમના સ્થાને બીજા બેંક મેનેજર આવી ગયા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું.

કલગી હવે દસમા ધોરણમાં આવી હતી એટલે એના માટે સારું ટ્યુશન પણ શોધવાનું હતું. ઘરમાં કમાવવાવાળા મનોહરભાઈ એક જ હતા અને એમના માથે ત્રણ ત્રણ છોકરાઓની જવાબદારી પણ હતી. એ પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવતા હતાં પરંતુ આજના સમયમાં ત્રણ ત્રણ છોકરાઓની ફી ભરવી એમના એકના પગારમાંથી અઘરું તો હતું જ. એ કઈ રીતે વધુ પૈસા કમાઈ શકાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા હતાં અને એવામાં જ કોઈએ એમને સલાહ આપી કે, તમે શેરબજારમાં રૂપિયા રોકો. અને એમણે એ સલાહ માની. એના પરિણામરૂપે એમને પોતાના પગાર સિવાયની વધારાની થોડીઘણી આવક પણ થતી. એ આવકમાંથી કલગીની ટ્યુશનની ફી ભરી શકાય એમ હતી.
કલગી હવે ટ્યુશનમાં જવા માંડી.

કલગીનું દસમુ ધોરણ પણ જોતજોતામાં પૂરું થઈ ગયું. એ સારા માર્કસે પાસ પણ થઈ ગઈ. સમયને વીતતા ક્યાં વાર લાગે છે?

*****
આ બાજુ મેહુલના પિતાની કોઈ આવક થતી નહોતી અને હવે તેમના માથા પર ત્રણ ત્રણ છોકરાઓની જવાબદારીનો બોજ પણ હતો. મોટો દીકરો મૌલિક હવે કોલેજમાં આવ્યો હતો અને એ ભણવામાં હોશિયાર હોવાથી એને સ્કોલરશીપ મળી ગઈ હતી એટલે એ ભણવા માટે બીજા શહેરમાં ચાલ્યો ગયો હતો. મૌલિકના હોસ્ટેલમાં ગયા પછી મંજુબહેનની તબિયત ગંભીર રીતે બગડી. એ દરમિયાન મેહુલ દસમા ધોરણમાં હતો પરંતુ મા ની તબિયત લથડવાના કારણે એમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. એમાં ખર્ચો પણ ખૂબ થયો. અને એ કારણે એ દસમાં ધોરણની પરીક્ષા પણ ન આપી શક્યો. કદાચ કિસ્મતના ખેલ આને જ કહેવાતા હશે! મા ની આ સ્થિતિને લીધે હવે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ હતી કે નાના દીકરા મેહુલને કોઈપણ સંજોગોમાં હવે કમાવવું જ પડે એવી સ્થિતિ થઈ ગઈ હતી. અને મેહુલ પણ પોતાના પિતાની આવી સ્થિતિ સમજતો હતો એટલે એણે પોતે જાતે જ સમજીને ભણવાનું છોડી દીધું અને પૈસા કમાવવાના રસ્તા શોધવા લાગ્યો. દિગ્વિજયભાઈના પત્ની હવે બહુ બીમાર રહેવા લાગ્યા હતાં. એમનો મોટા ભાગનો સમય ખાટલામાં જ વીતતો એટલે એમની બંને દીકરીઓને જ ઘર સંભાળવું પડે એવી સ્થિતિ હતી એટલે એમણે પણ ઘર સંભાળવા માટે શાળા છોડવી પડી.

*****
આ બાજુ મિહિરભાઈની પણ ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ ગઈ હતી. એમનો મોટો દીકરો નિશ્ચય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. એ હંમેશા સારા માર્કસે પાસ થતો. દસમા ધોરણ પછી એણે કોમ્પ્યુટર એન્જીનીયરનો ડિપ્લોમા કોર્સ કરવાનું વિચાર્યું હતું. અને એ માટે એણે દિવસ રાત ખૂબ જ મહેનત પણ કરી. અને એની એ મહેનત સફળ પણ થઈ ગઈ અને એ વધુ સારું ભણવા માટે હોસ્ટેલમાં રહેવા ગયો.

*****
શું હશે અનામિકાનું ભવિષ્ય? કોની જીવનસંગિની બનશે અનામિકા? શું મેહુલને પૈસા કમાવાનો યોગ્ય રસ્તો મળશે? કેવી રહેશે નિશ્ચયની હોસ્ટેલ લાઈફ? શું નિશ્ચયના જીવનમાં કોઈનું આગમન થશે? શું સંબંધ હશે અનામિકા, નિશ્ચય અને મેહુલ વચ્ચે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.