વસુધા - વસુમાં
પ્રકરણ -52
પ્રવિણભાઇ ગુમાસ્તાનાં ગયાં પછી એનાં સસરા ગુણવંતભાઈનાં પગ પાસે વસુધા આવીને બેસી ગઈ અને એમનો પીતાંબર પૂછતો હોય એમ એમની સામે જોઈને બોલી ‘પાપા તમે શેર મારાં નામે કેમ કરાવ્યાં ? એમનાં અને તમારાં, મમ્મી બધાંજ શેર ? કેમ ?
ગુણવંતભાઈએ વસુધાનાં નિર્દોષ ચહેરા સામે હસતાં હસતાં જોઈને કહ્યું “આજે તારાં આં પ્રશ્ન પૂછવાનાં અંદાજે મને પીતાંબર યાદ કરાવી દીધો” એમ કહી ગળગળાં થઇ ગયાં. આંખો ભીંજાઈ ગઈ... એમણે ખોંખારો ખાઈ ગળું સાફ કરીને કહ્યું “દીકરાં ખુબ સમજીને કર્યું છે જે કર્યું છે તે. મેં પીતાંબરના તો શેર તારાં નામે કરવાનાંજ હતાં પણ મારાં બધાંજ શેર નથી કર્યા મારાં બધાં શેરમાંથી માત્ર પાંચ શેર મારાં નામે રહેવાં દીધાં છે. એનું પણ કારણ છે. બીજું તારાં મમ્મીનાં શેર બધા તારાં નામે નથી કર્યા...’ ભાનુબહેને કહ્યું “મારાં પણ તમારી જેમ પાંચ રાખીને બીજા વસૂનાં નામે કરી દેવા જોઈએ ને... હવે આપણું શું છે ? “
ગુણવંતભાઈએ કહ્યું “તારી ભાવનાં સારી છે પણ આમાં ભાવના નહીં મારી કોઈ ચોક્કસ ગણત્રી છે” પછી આતુરતા પૂર્વક સાંભળી રહેલી વસુધાને કહ્યું “દીકરા મેં ખુબ સમજી વિચારીને કર્યું છે. મારાં બધાં શેરમાંથી પાંચ રાખી બધાં ટ્રાન્સફર કર્યા છે કારણકે જેટલાં શેર તારાં નામે થાય એટલો મંડળીમાં તારો શેર ફાળો વઘી જાય આજે નહીં તો કાલે તું મંડળીની ચૂંટણીમાં ઉભી રહે ત્યારે આ શેરફાળાના આધારે તારાં હક્ક અધિકાર વધી જાય બીજું પાંચ રાખ્યાં કારણકે હું સમય રહી તને મદદ કરી શકું તારાં પક્ષે મતદાન કરી શકું...”
“દીકરા તારી મમ્મી ભાનુનાં શેર છે એમાંથી અમુક શેર સરલાનાં નામે ટ્રાન્સફર કરાવીશ જેથી સરલા પણ ભવિષ્યમાં તારી સાથે કામ કરી શકે. સરલાનુ તો હવે... “
વસુધા બધું સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ એને આનંદ પણ થયો બોલી “પાપા તમે કેટલું વિચારો છો ? અને સરલાબેન માટે વિચાર્યું એ પણ સારું થયું મને ખુબ ગમ્યું. “
વસુધાને સરલા અંગે વિચારતી અને ચિંતા કરતી જોઈને ભાનુબહેનને સારું લાગ્યું એમનું હૃદય ઠર્યું એ બોલ્યાં “વસુધા છે તો સરલાને વાંધો નહીં આવે છેલ્લાં અઠવાડીયાથી સિદ્ધપુર ગઈ હતી પાછી આવી છે ત્યારથી. એનું બહુ...”
વસુધાએ ભાનુબહેન તરફ જોઈને કહ્યું “માં તમે ચિંતા ના કરો સહુ સારાં વહાણાં થશે. બીજું માં હવે સરલાબેન અહીં છે હવે ભાવેશકુમાર આવે તો મને એમની સાથે વાત કરવા દેજો તમે રજા આપો તો... હું વાત કરી શકું...”
ભાનુબહેન બોલે પહેલાં ગુણવંતભાઈએ કહ્યું “વસુ... હું તારો સસરો...તારાં બાપની જગ્યાએ છું અમે આટલાં વખતમાં બધું સમજી ચૂક્યાં છીએ બધું સ્વીકારી ચૂક્યાં છીએ...તને વહુ તરીકે આ ઘરમાં લાવીને જીવનનું સૌથી સારું કામ કર્યું છે...એમાં દિવાળીબેનનો આભાર માનું છું. મારો પીતાંબર નથી રહ્યો...એ તારાં અને અમારો કમભાગ્ય છે...ઈશ્વરને ગમ્યું એ ખરું ઉપરથી અમારે દીકરીનું દુઃખ જોવાનાં દિવસો આવ્યાં છે શું કરીએ અમે ? જમાઈને શું વાંકુ પડ્યું છે કળાતું નથી...રોજ એક દહાડો જાય છે અને કંઈક વધારેજ બગડે છે.”
“દીકરાં વસુ... જમાઈ આવે ત્યારે તું તારી રીતે એમની સાથે વાત કરજે. તને મહાદેવ સ્ફુરાવશે મને ખબર છે એમની માન મર્યાદા રાખવા સાથે તું જે કહેવાનું હશે એ સચોટ કહી શકીશ... પૂછી શકીશ. તારી બેન જેવી સરલાનાં સંસારમાં જે પલીતો ચંપાયો છે એને શાંત કરી શકીશ... તું કરજે વાત દીકરા... “
ભાનુબહેને સહમતી દર્શાવતાં કહ્યું “સાચી વાત છે તું આ ઘરની દીકરીજ છે અહીંનું બધું...બધાં કામની "રાશ" હવે તારાં હાથમાંજ છે તારાં પર સંપૂર્ણ વિશ્વાસ છે દીકરો તો ગયો અને દીકરીનું દુઃખ જોવાતું નથી મારાંથી...” એમ કહી સાડલો મોઢે દબાવી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં.
વસુધાની પણ આંખો ભીંજાઈ ગઈ એ ભાનુબહેનની નજીક ગઈ અને એમનાં બરડે હાથ પ્રસારીને બોલી “માં તમે ઓછું ના લાવો આમ...તમારાં આશરે તો બધી હિંમત ટકાવી છે મેં...એમની વિદાય પછી હુંજ છું તમારો દીકરો -વહુ જે ગણવું હોય...સરલાબેનને દુઃખી નહીં થવાં દઉં...મહાદેવ એટલી તો કૃપા કરશેજ...મારાં હાથમાંથી તો મારાં સત્યવાન નીકળી ગયાં હું સાવ અભાગણ બધું ગુમાવી બેઠી...પણ મારી બેન મારી સખી સરલાનું સુખ અકબંધ રહે એવો પ્રયત્ન જરૂર કરીશ”. ત્યાં દિવાળીફોઈએ એમનાં હાથમાં સુતેલી આકુને લઈને આવ્યાં અને બોલ્યાં “આ સુઈ ગઈ છે એને ઘોડીયામાં સુવાડી દઉં છું...વસુધાએ કહ્યું લાવો ફોઈ હુંજ સુવાડી દઉં છું થોડી કામમાં અટવાઈ હતી પણ હવે હું એનું ધ્યાન રાખીશ”. એમ કહીને આકુને દિવાળીફોઈ પાસેથી લઈને ઘોડીયામાં સુવાડી દીધી અને વાતો કરતાં કરતાં ઘોડિયું હિંચવા લાગી.
દિવાળીફોઈએ કહ્યું “આમતો આપણી પરી ખુબ ડાહી છે સહેજેય પજવતી નથી હાં ભૂખી થાય ત્યારે થોડું રડે એટલે સમજાઈ જાય... ભૂખી થાય તો રડેજ ને...આમને આમ 3 મહિનાની થઇ ગઈ ઢીંગલી...”
વસુધાએ કહ્યું “દિવસો ક્યાં પસાર થાય છે ખબર નથી પડતી...પણ રાત્રી આવે ત્યારે એક પળ ખસતી નથી એમ કહેતાં કહેતાં આંખો ભીની થઇ ગઈ...એનાં પપ્પાની વાતો યાદ આવે છે. બાળક આવવાની કેટલી રાહ જોતાં હતાં એમનાં સ્વપ્નોની...ઇચ્છાઓની વાતો કરતાં હવે ક્યાં એ બધું...” એમ કહી રડી પડી...
દિવાળીફોઈએ કહ્યું “વસુ દીકરાં સમજીએ છીએ બધુંજ સમજીએ છીએ. કાળો કાળો કેર વર્તાવ્યો છે એટલો મોટો અન્યાય કરી નાંખ્યો છે મારાં નાથે...હું નહીં સમજુ તો કોણ સમજશે ? મેં આખું આયખું આમજ કાઢી નાંખ્યું..”.એ પણ બોલતાં બોલતાં ઢીલા થઇ ગયાં.
ગુણવંતભાઈએ કહ્યું “બસ...હવે આવી વાતો ના કરશો જે થવાનું હતું એ થઇ ગયું છે હવે આગળનું વિચારો...આમેય મંડળીમાં ચૂંટણી આવશે બે મહિના પછી...મને વિચાર આવે છે આવનાર સમય યોગ્ય સમય છે મારો વિચાર છે વસુધાને ઉભી રાખીએ...જે થવાનું હોય એ થાય...જીતીએ તો વસુની ઈચ્છા હતી એમ ડેરી ઉભી કરવાની તક મળશે એની ઈચ્છા મુજબ ગામ માટે કામ કરી શકાશે...”
“ન કરે નારાયણ...અને હારી જાય તોય વાંધો નથી...અનુભવ મળશે...અને સહકારી મંડળીમાં ના થયું તો આપણે પોતે ઉભું કરશું...ત્યાં સુધીમાં બધાનો સાથ મળે એવો પ્રયત્ન કરશું. જુઓ પશાકાકા અને બીજા ઘણાં છે આપણને સહકાર આપવા એમની વહુ દીકરીઓ વસુધાની પડખે રહેશે...હજીતો એક મોટો વ્યૂહ રચવાનો બાકી છે..” એમ કહી ચૂપ થઇ ગયાં વસુધાએ પ્રશ્નાર્થ નજરે એમની સામે જોયું પણ ગુણવંતભાઈ મૌન થઈને ત્યાંથી ઉભા થઇ ગયાં એ વાતજ દબાવી દીધી.
ત્યાંજ ફોનની રીંગ આવી લેન્ડલાઈન ઉપર અને ગુણવંતભાઈ બહારથી અંદર આવે પહેલાં વસુધાએ ઉભા થઈને ફોન ઉપાડી લીધો. જય શ્રી કૃષ્ણ બોલી અને પછી ઉત્સાહથી વાત કરી રહી હતી બધાં વસુધાને આતુરતા સાથે જોઈ રહ્યાં હતાં. વસુધાએ ફોન પૂરો કરતાં કહ્યું ભલે ભલે પધારો... પધારો જીજાજી...એમ કહીને ફોન મુક્યો.
વસુધાએ કહ્યું જીજાજીનો ફોન હતો. તેઓ કાલે અહીં આવે છે. ગાડી લઈનેજ આવવાનાં છે. જીજાજી બે દિવસ રોકાશે...એમને કંઈક ખાસ વાત પણ કરવી છે એમને બાપુજી અંગે પૂછ્યું હું હજી બાપુજીને બોલાવું એ પહેલાં એમણે કહ્યું કંઈ નહીં કઈ નહીં કાલે રૂબરૂ વાત કહીને ફોન મુક્યો.”
*****
સવારે ગાડી ગુણવંતભાઈનાં આંગણે આવીને ઉભી રહી. એમાંથી ભાવેશકુમાર ઉતર્યા...એમનો ચહેરો થોડો ઉદાસ હતો વસુધા બહાર દોડી આવી અને હાથમાંથી થેલી લઇ લીધી અને બોલી આવો જીજાજી..પછી સરળ અંદરથી દોડી આવી..વસુધાએ સરલાનો હાથ દબાવી હસી અને કંઈક ઈશારો કર્યો...
વસુધાએ જેવો ઈશારો કર્યો સરલા હસી પડી વસુધાએ એનાં કાન પાસે જઈને કહ્યું બસ આવા રહેજો. પછી ગુણવંતભાઈ અને ભાનુબહેન આવ્યાં કહ્યું “આવો આવો કુમાર...”
ભાવેશકુમારે ડેકી ખોલીને મોટી બેગ કાઢી અને ડેકી બંધ કરી અંદર લાવવા માંડી...અને ગુણવંતભાઈને જોઈને કહ્યું જય મહાદેવ...આ સરલાની બેગ છે એને હમણાં અહીં રેહવું છે એટલે એનાં કપડાં અને સામાનની બેગ છે એમ કહી બેગ અંદર સુધી લઇ આવ્યાં અને અંદર આવ્યાં. ગુણવંતભાઈ અને ભાનુબહેન એકબીજાની સામે જોઈ રહ્યાં...વસુધાની નજર એમની તરફ ગઈ અને એણે ઈશારો કર્યો અને...
વધુ આવતા અંકે -પ્રકરણ 53