લેખ:- રજા???એક સ્ત્રીને?????.......
લેખનો પ્રકાર:- મનની વાત
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
છુટ્ટીનો દિવસ? એ કેવો હોય? શું કોઈ માએ છુટ્ટીનો દિવસ જોયો છે? શું એને ક્યારેય પોતાની જવાબદારીઓમાંથી છુટ્ટી મળી છે ખરી? રજાના દિવસે બધાં શાંતિથી ઉઠે. મા કે ઘરની સ્ત્રી વહેલી ઊઠીને સૌનો મનપસંદ નાસ્તો બનાવવામાં વ્યસ્ત હોય કે જેથી એમનાં પ્રિય એવા તમામને રજાના દિવસે પસંદ મુજબનું ખાવા મળે.
વળી રજાના દિવસે બધાં જ કામો મોડા થાય! ઉઠવાનું મોડું, નાહવાનું મોડું, નાસ્તો મોડો એટલે જમવાનું પણ મોડું. બપોરે તો જમવાનું મોડું જ થાય! પાછું રજા એટલે બપોર આરામ કરવા માટે જોઈએ. સૌ આરામ કરે. સ્ત્રી પણ એ જ વિચારતી હોય કે આજે હું પણ આરામ કરી લઉં. તકલીફ ક્યાં પડે છે? દરેકની ફરમાઈશ હોય છે સાંજે કંઈક નવું અને મજેદાર ચટપટુ ખાવાનું બનાવવાની! અને આવુ ખાવાનું કોઈ એક જ વાનગી હોય તો પણ સમય તો ખાસ્સો એવો નીકળી જાય. એની પૂર્વતૈયારી જ કેટલો બધો સમય માંગી લે છે! એટલે એ સ્ત્રી બપોરે નામ પૂરતો આરામ કરી ઉઠી જાય છે અને બધાંની ફરમાઈશ મુજબનું ખાવાનું બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દે છે. કામ ચાલતું હોય ત્યાં જ વચ્ચે બધાંનો ઉઠવાનો સમય થઈ જતો હોય! કામ પડતું મૂકી બધાંની ચાની વ્યવસ્થા કરવાની અને ફરીથી રસોઈની તૈયારીમાં. બપોરે મોડું ખાધું હોય એટલે રાત્રે પણ બધાં સમયસર જમવા તૈયાર નહીં થાય! એટલે રાત્રે બધાને ગરમ ગરમ ખાવાનું ખવડાવી છેલ્લે એ સ્ત્રી ખાય અને અંતે સૂવા જવા પહેલાં બધાં કામો પતાવી બીજા દિવસે સવારની પણ થોડી તૈયારીઓ એ કરી દે છે. આમ, એનો છુટ્ટીનો દિવસ ક્યારે જતો રહ્યો એ ખબર પણ નથી પડતી. જાણે સુપરફાસ્ટ ટ્રેનમાં બેઠાં હોઈએ અને એક નાનકડું સ્ટેશન આંખનાં પલકારામાં જતું રહે એમ!
આ તો થઈ વાત જ્યારે રજાના દિવસે ઘરે જ હોય ત્યારની! ચાલો બીજી બાજુ જોઈએ! છુટ્ટીનો દિવસ નજીક આવે છે. ઘણાં સમયથી ક્યાંય ફરવા નીકળ્યા નથી. આ રજામાં તો જવું જ છે. જગ્યા નક્કી થઈ ગઈ. એક દિવસીય પ્રવાસનું આયોજન. ઘરનાં નાનાં મોટાં સૌ કોઈ જવાનાં ત્યાં. સ્થળ નક્કી થયું એક નાનકડું હિલ સ્ટેશન, જ્યાં કુદરતી સૌંદર્ય ભરપૂર હોય! એમ માનો કે કોઈક કેમ્પસાઈટ જવાનું નક્કી થયું. ત્યાં જતાં લગભગ બેથી અઢી કલાક લાગે એમ છે. બધાંએ પોતપોતાનાં પ્લાન બનાવી દીધાં. બાકી રહી વાત એ સ્ત્રીની - તો એ બીઝી થઈ ગઈ રસ્તામાં બાળકોને ભૂખ લાગે તો ખાવા માટે નાસ્તો બનાવવામાં. એનું પોતાનું તો બધું તૈયાર કરવાનું બાકી જ છે! ત્યાં જઈને પણ એણે ફરવાનું તો ખરું જ પણ સાથે સાથે બધાંને ખાવાનું આપવાનું, બધું પાછું પેક કરવાનું ધ્યાન રાખવાનું. ઘરમાં જો સૌને પોતપોતાની જવાબદારી લેવાની આદત પાડવામાં આવી હોય તો ઘરની સ્ત્રીઓ પ્રવાસ માણી શકે છે.
માત્ર આટલેથી પૂરું થતું નથી. પીકનીક પત્યા પછી ઘરે આવીને બીજા દિવસે સૌ કોઈ પોતપોતાનાં કામે વળગે છે. પરંતુ સ્ત્રીએ તો રોજનાં કામો તો ખરાં જ, વધારામાં ફરવા ગયેલાં ને જે કપડાં પહેર્યા હતાં એ પણ બધાં ધોવાના અને બધું લઈ ગયાં હતાં એ ય ગોઠવવાનું.
હવે થોડું પરિવર્તન આવવા માંડ્યું છે. હવે ઘણાં ઘરોમાં બધાં ભેગાં મળીને જ બધી તૈયારીઓ કરે છે અને આવ્યાં પછી ભેગાં મળીને કામ પતાવે છે. આ બદલાવ ખૂબ જરૂરી છે. જેટલાં પણ ઘરોમાં આવો બદલાવ આવ્યો છે એ ઘરની સ્ત્રીઓ ક્યારેય રજાના દિવસે કંટાળી જતી નથી. બાકી તો અન્ય લોકો સામે પોતાની હૈયાવરાળ જ ઠાલવતી હોય!
અને વેકેશનની તો વાત જ ન પૂછો! જવા પહેલાં બધું પેક કરવાનું, જ્યાં જાય ત્યાં દરરોજ સવારે અને રાત્રે પહેરેલાં કપડાં જુદા ગોઠવવાનાં અને નવાં કપડાં અલગ કરવાનાં. શોપિંગ કર્યું હોય તો એને બેગમાં વ્યવસ્થિત ગોઠવવું. એક સ્ત્રી ફરવા જાય ત્યાં પણ આ જ બધું કરતી હોય છે. એનો ફરવાનો મૂડ પણ ક્યારેક તો મરી જતો હોય છે.
જે દિવસથી રજાનો દિવસ બધાં માટે સરખો બની જશે એ દિવસથી સૌ હળીમળીને રહેતાં થઈ જશે. ક્યારેય એકબીજાની સરખામણી કરવાનો કે મનદુઃખ થવાનો પ્રસંગ ઉભો થશે નહીં.
વાંચવા બદલ આભાર🙏
સ્નેહલ જાની
નોંધ:- ઉપરોક્ત તમામ વિચારો મારાં પોતાનાં છે, જે એક નાનકડો સર્વે કર્યાં બાદ લખ્યાં છે.