Atitrag - 11 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 11

Featured Books
Categories
Share

અતીતરાગ - 11

અતીતરાગ-૧૧

‘નવકેતન’ બેનર હેઠળ વિજય આનંદ દિગ્દર્શિત અને દેવ આનંદ, મુમતાઝ અને હેમામાલિની અભિનીત એક ફિલ્મ બની હતી, જેનું નામ હતું,

‘તેરે મેરે સપને.’

તે ફિલ્મમાં એક લોકપ્રિય ગીત છે..

‘જીવનકી બગિયા મહેકેગી લહેકેગી..
ખુશીયો કી કલિયા ઝુમેગી ઝુમેગી..’

તમને ખ્યાલ છે આ ગીતને સંગીતબદ્ધ કોણે કર્યું હતું ?

તમને યાદ હશે અથવા ગૂગલમાં સર્ચ કરીને તમે તરત જ કહેશો...કે
એસ.ડી.બર્મન.
તો તમારો જવાબ ખોટો છે.

જી હાં, તો સાચો જવાબ શું છે ? અને કેમ છે, ?
તે જાણવા તેની પાછળના ઇન્ટરેસ્ટીંગ કિસ્સાને જાણીએ.

લગભગ મોટા ભાગના કુટુંબમાં પિતા-પુત્ર વચ્ચે નાની મોટી ખાટી-મીઠી નોક ઝોક તો થતી હોય. આપણે અહીં વાત કરીએ હિન્દી ફલમ જગતના બે મહાન સંગીતકાર પિતા-પુત્રની.

એસ.ડી.બર્મન અને આર.ડી. બર્મનની.

સમયગાળો હતો વર્ષ ૧૯૭૧નો.
બન્ને પોતપોતાના ક્ષેત્રમાં વ્યસ્ત હતાં.
એ સમયે એસ.ડી.બર્મન ફિલ્મ ‘તેરે મેરે સપને’ ના સંગીત સર્જનમાં વ્યસ્ત હતાં.
આ ફિલ્મના તમામ ગીતો તેમણે રેકોર્ડ કરી લીધા હતાં. માત્ર એક ગીત સિવાય.

અને આર.ડી. બર્મન વ્યસ્ત હતાં દક્ષિણ ભારત સ્થિત જેમિની સ્ટુડીઓ નિર્મિત ફિલ્મ ‘લાખો મેં એક’નું સંગીતબદ્ધ કરવામાં.

જેના કલાકારો હતાં, મહેમુદ, રાધા સલુજા, પ્રાણ અને અરુણા ઈરાની.
જેનું એક ગીત ઘણું લોકપ્રિય થયું હતું..

‘ચંદા ઓ ચંદા.. કિસે ને ચુરાઈ તેરી મેરી નીંદીયાં..’

હવે મૂળ વાત એ હતી કે, એસ.ડી. બર્મન અને આર.ડી.બર્મન બન્ને અલગ અલગ તેમની ધૂનોની રચના કરતાં પણ, બન્ને વચ્ચે સાજિંદાની ટીમ એક જ હતી.

મતલબ જે ટીમ એસ.ડી.બર્મન માટે મ્યુઝીક તૈયાર કરી આપતી એ જ ટોળકી આર.ડી.બર્મન માટે પણ એ જ કામ કરતી.

બન્નેના મ્યુઝીક એરેન્જર પણ એક જ હતાં. તેમના નામ હતાં મનોજ જી અને બાસુ જી.

હવે બન્યું એવું કે. ફિલ્મ ‘લાખો મેં એક’ના સંગીત માટે આર.ડી.બર્મન તે ટોળકીને લઈને ઉપડી ગયાં મદ્રાસ. (હાલનું ચેન્નાઈ). તે ફિલ્મના ફક્ત બેકગ્રાઉન્ડ મ્યુઝીકનું કામ જ બાકી રહ્યું હતું.

આર.ડી.બર્મન મદ્રાસ ગયાં, એ વાતથી એસ.ડી બર્મન અજાણ હતાં.
અને ‘તેરે મેરે સપને’ના બાકી રહેલાં એક અંતિમ ગીત માટે જયારે એસ.ડી. બર્મન તૈયારી કરવાં લાગ્યાં, ત્યારે તેમને જાણ થઇ કે, અહીં તો કોઈ હાજર છે જ નહીં.

સૌ પંચમ સાથે મદ્રાસ જતાં રહ્યાં છે.
આ સાંભળીને એસ.ડી.બર્મન તો ગુસ્સે ભરાયા. પણ ગુસ્સો કરવાથી જે કામ કરવાનું હતું એ તો નહતું જ થવાનું.

થોડા સમય પછી ગુસ્સો શાંત થતાં તેમણે એક તરકીબ વિચારી.
તેમણે તેના મિત્ર અને પાડોશી શિવકુમાર શર્માને બોલાવ્યાં. જે શિવકુમારનું હાલમાં થોડા દિવસો પૂર્વે નિધન થયું.

શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા બન્ને આવ્યાં એસ.ડી.બર્મનના નિવાસ સ્થાન પર.

ચા-પાણી સાથેની ઔપચારિક વાતચીત પછી એસ,ડી.બર્મને મૂળ વાત રજુ કરતાં કહ્યું કે,

‘માત્ર એક જ ગીત કમ્પોઝ કરવાનું બાકી છે. અને ગીતની સિચ્યુએશન એવી છે કે,
નવદંપતીને ત્યાં બાળક અવતરવાનું છે, અને તે આવનાર બાળકની કલ્પનાની અનુભૂતિ કરતાં ગીતના શબ્દોને સંગીતબદ્ધ કરવાનું છે.’

બસ તમે બંને મળીને મને કોઈ યાદગાર ધૂન તૈયાર કરી આપો.’

આર.ડી.બર્મનની કોઈ વાતનો ઉલ્લેખ એસ.ડી.બર્મને કર્યો નહીં.

અને શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા બન્નેએ તેમના વાજિંત્રો પર ધૂન બનાવી, તે ગીત હતું..

‘જીવનકી બગિયા મહેકેગી લહેકેગી..
ખુશીયો કી કલિયા ઝુમેગી ઝુમેગી..’

મિત્રો..

આ ગીત તમે ધ્યાનથી સાંભળજો..
જો કોઈ સંગીત રસિક હશે તે આંખ મીચી ફટ દઈને કહી આપશે કે, આ ગીતના સંગીતકાર શિવ-હરિ છે, કારણ કે આ ગીતમાં મહત્તમ ઉપયોગ બાંસુરી અને સંતુરનો થયો છે.

લતા મંગેશકર અને કિશોરકુમારના સ્વરમાં ગવાયેલું આ ગીત આજે પણ ગણગણવું ગમે એટલું લોકપ્રિય થયું હતું.

નેસ્ક્સ્ટ એપિસોડ...

મહેબૂબ ખાન અને દેવ આનંદે ક્યારેય સજોડે કામ નથી કર્યું પણ,

મહેબૂબ ખાનની મેગા હીટ ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ ની પબ્લિસીટી મહેબૂબ ખાન કરતાં
સારી રીતે કરી હતી, અભિનેતા દેવ આનંદે.

હાં, તમને આ વાત માનવામાં નહીં આવે કે, ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ અને દેવ આનંદ વચ્ચે શું કનેક્શન હશે ?

દેવ આનંદ તેમની એક ફિલ્મને લઈને ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ સાથે સંકળાયેલા છે.

અને તે વાતનો મહેબૂબ ખાનને પણ ગર્વ છે.
આવતાં એપિસોડમાં આપણે દેવ આનંદ અને તેમની એ યાદગાર ફોલમ વિષે વિગતવાર ચર્ચા કરીશું.

વિજય રાવલ
૨૨/૦૮/૨૦૨૨