Kantar Kesari in Gujarati Short Stories by Sheetal books and stories PDF | કંતાર કેસરી

The Author
Featured Books
Categories
Share

કંતાર કેસરી

"સુમરા.... અબ મારાથી હલાય ઈમ નથ્ય....જરીક પોરો ખાવા દે." એક ઘટાદાર ઝાડ નીચેના પથ્થર પર ચન્ની બેસી ગઈ અને પોતાની કોટનની ઓઢનીથી ચહેરા પર ફૂટી નીકળેલો પરસેવો લૂછી એ જ ઓઢણીના છેડાથી પોતાને હવા નાખવા લાગી.

"ચન્ની, આ ટેમ આંય બેહી રે'વાનો નથ્ય... આંયથી નીકળી જાઇએ ને નર્મદા પાર કરી હામી કોર જંગલમાં થઈને શે'રમાં પોગી જાઈએ, પસ કંઈ ચંત્યા નહીં". સુમરાએ ખભે ભેરવેલ કારતુસનો બેલ્ટ સરખો કર્યો અને ગમછાથી મોઢું લૂછી ચન્નીનો હાથ ખેંચી ઉભી કરી ને ચાલવા લાગ્યો એની પાછળ પાછળ ચન્ની પણ પગ પછાડતી ચાલવા લાગી.

પાછલી રાતથી નર્મદાના કિનારે કિનારે ચાલતા ચાલતા સુમરો અને ચન્ની બેય ગામથી ઘણા દૂર નીકળી આવ્યા હતાં.

*** *** ***

ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા સાતપુડા પર્વતની તળેટીમાં આવેલું નાનું ગામ જ્યાંથી વહેતી નર્મદા નદી અને નદી પાર આવેલું વિશાળ ઘનઘોર જંગલ જ્યાં નક્સલવાદીઓના કેટલાક છૂટાછવાયા સમૂહ છેક છત્તીસગઢ અને ગઢચિરોલી સુધી વિસ્તરેલા હતા. ક્યારેક ક્યારેક કોઈ નક્સલવાદી આ પાર ગામડામાં પણ આવી ચડતા.

અંતરિયાળ ગામ, આધુનિક સુવિધાઓનો અભાવ, જમીનદારોની રંજાડવૃત્તિ, સ્ત્રીઓ અને યુવતીઓ પર થતા શારીરિક અત્યાચાર....આવા જ એક ગામની યુવતી હતી ચન્ની. ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા સાધારણ માં-બાપનું બે દીકરા બાદ ત્રીજું સંતાન એટલે ચન્ની. જાણે કોલસાની ખાણમાંથી ચમીકીલો હીરો નીકળ્યો હોય એવું આકર્ષક રૂપ લઈને જન્મેલી ચન્ની. ભરેલી શીંગ જેવી જોબનવંતી કાયા, કાળા નાગ જેવો લાંબો ચોટલો, હરણી જેવી આંખો અને જામના નશાને પણ ભુલાવી દે એવા મધુર રસ ભરેલા ગુલાબી હોઠ, લચકતી કમરે જ્યારે એ પાણી ભરવા નદીએ આવતી ત્યારે ગામના યુવાનોના દિલના તાર ઝણઝણી ઉઠતા. કુંવારા હોય કે પરિણીત, હજી મુછનો દોરો ફૂટ્યો હોય એવા તરુણો હોય કે બોખી બત્રીસી અને બેસી ગયેલા ગાલવાળા આધેડ પુરુષો, દરેકે દરેક ચન્નીને એકનજર જોવા તલપાપડ થતા. ફુરસદના સમયે જ ભગવાને ચન્નીને ઘડી હશે.

સુમરો એટલે સુમેરસિંહ ચૌહાણ, એક નામચીન નક્સલવાદી, ગ્રેજ્યુએટ થયેલો પણ બળવાખોર સ્વભાવના લીધે નક્સલવાદના નાદે ચડી ગયેલો મોજીલો છતાંય સરફીરો યુવાન. છ ફૂટની હાઈટ, એકવડીયો પણ મજબૂત બાંધો, ચકોર તેજતરતી આંખો અને ગોરો વાન અને વિખરાયેલા વાળથી એ બધાથી નોખો તરી આવતો. સરકારે પણ જેના પર બે લાખનું ઇનામ જાહેર કર્યું હતું એવો સુમરો એટલે અંતરિયાળ જંગલનો આઝાદ પરીંદો. પોતાનું ઘર છોડ્યા પછી જંગલને પોતાનું ઘર બનાવી ત્યાં જ રહેતો, જંગલના ઝાડ-ઝાડ અને ડાળ-ડાળથી વાકેફ. આખાય જંગલ અને આસપાસના વિસ્તારોમાં એની આણ વર્તાતી. કંતાર નો કેસરી હતો સુમરો....

ગયે વરસ વરસાદ રુઠયો હોવાથી નદી પણ સુકીભઠ્ઠ થઈ ગઈ હતી એટલે ગામની સ્ત્રીઓ અને યુવતીઓ અડધો-એક કિલોમીટર જેટલું ચાલી પાણી ભરવા નદી પાર જઈ વીરડાઓ ખોદી પાણી ભરી લાવતી.

એક દિવસ પોલિસથી બચતો ફરતો સુમરો તરસ્યો અને જખમી હાલતમાં નદી પાસે આવી પહોંચ્યો હતો ત્યારે પાણી ભરવા આવેલી ચન્નીએ બીજી સ્ત્રીઓના વિરોધ વચ્ચે સુમરાને અને એના ઘોડાને પાણી પાયું હતું. એ જ ઘડીએ સુમરો પોતાનું દિલ ચન્નીને હવાલે કરી બેઠો હતો. બંનેની નજરોની આપ-લે સાથે દિલોની પણ આપ-લે થઈ ગઈ હતી. ભલભલાને કાબુમાં રાખનારો સુમરો ચન્નીની ભાવવાહી આંખોમાં પોતાનું દિલ હારી બેઠો.પહેલી નજરે થયેલા પ્રેમનું બીજ ધીમે-ધીમે અંકુરિત થઈ એક વરસના ગાળામાં તો ફૂલીફાલીને મજબૂત વૃક્ષ બની ગયું હતું

ચન્ની અને સુમરા બંનેને જાણ હતી કે પરિવાર અને સમાજ બંનેનો પ્રેમ ક્યારેય નહિ સ્વીકારે અને ક્યારેય એક થવા નહિ દે એટલે એક મધરાતે સુમરો ચન્નીને લઈને ભાગી છૂટવામાં સફળ થયો.

*** *** ***

આખી રાત નદીકિનારે ચાલી ચાલીને ચન્ની થાકી ગઈ હતી. સુમરો એનો હાથ પકડીને નદી પારના ભૂલભુલામણી જેવા અડાબીડ જંગલમાં પ્રવેશી રહ્યો હતો. સુમરાએ ઘોડાને નદી કિનારે જ છુટ્ટો મૂકી દીધો હતો. ઘનઘોર અંધારીયું જંગલ એમાંય તમરા અને ઘુવડના મિશ્ર અવાજમાં પવનના સુસવાટાથી વૃક્ષોમાં પેદા થતું સંગીત ભળતું હતું જે વાતાવરણમાં રોમાંચ અને ભયની લાગણી જન્માવતું હતું. સુમરા માટે તો આ જંગલને પાર કરવું એ ડાબા હાથના ખેલ સમાન હતું. પણ ચન્ની, એની હવામાં લહેરાતી ઓઢણી આસપાસના ઝાડી-ઝાંખરમાં અટવાતી, ભેરવાતી ક્યાંક ક્યાંકથી ફાટી રહી હતી. ત્યાં જ એ બંનેની સામેની ઝાડીમાંથી દસ-બાર આંખો તગતગી રહી હતી અને ઝાડીઓમાં હળવો સળવળાટ પણ થઈ રહ્યો હતો. ધીમે-ધીમે એ આંખો આગળ વધી રહી હતી. પળભરમાં તો ચન્નીને થયું કે પાછી વળી જાય, પણ....

"અરે...ગાંડી, આ તો આગિયાઓ છે. એ પણ આપણને રસ્તો બતાવી રહ્યા છે." સુમરાએ વાતાવરણને થોડું હળવું બનાવ્યું.
નાનકડી ટોર્ચના ધૂંધળા પ્રકાશમાં દેખાતા રસ્તે વધતાં, મળસ્કે એ બંને સૂકા ડાળી-ડાળખાંથી ઝાડને અડોઅડ બનાવેલા એક ઝુંપડીનુમા ઘરમાં પ્રવેશ્યા. થાકની મારી ચન્ની તો અંદર જતાં જ ઘાસની બનાવેલી પથારી પર પગ લાંબા કરી બેસી ગઈ અને સુમરો એક ખૂણામાં છુપાવેલી પોટલી લઈ આવ્યો જેમાં એના સાથીઓ ખાવાનું અને પાણીની બાટલીઓ મૂકી ગયા હતા. આટલી રઝળપાટથી ચન્નીને કકડીને ભૂખ પણ લાગી હતી. બાટલીમાંથી થોડું પાણી મોઢા પર છાંટી બેઉ ખાવા બેઠા. ખાઈને આડી પડતાંવેંત ચન્નીની આંખ લાગી ગઈ અને ઘસઘસાટ ઊંઘી ગઈ એટલે ચન્ની ન દેખાય એમ ઝાડવાં આડા દઈ સુમરો બહાર નીકળી ગયો.

જ્યારે ચન્નીની આંખ ખુલી ત્યારે બપોર હતી કે સાંજ એ કળવું પણ એના માટે મુશ્કેલ હતું. ઘટાટોપ અને એકબીજાને અડોએડ આવેલા ઝાડમાંથી વચ્ચે વચ્ચેથી ક્યાંક ક્યાંકથી સૂરજના કિરણો ચાંદરણા રૂપે ઊંચીનીચી જમીન પર નાચી રહ્યા હતા. એને યાદ આવ્યું કે સુમરાએ એને અહીંથી બહાર નીકળવાની મનાઈ ફરમાવી હતી કેમકે એ આગળ સાથીઓ પાસે જઈને ગાડીની વ્યવસ્થા કરવાનો હતો. બંનેને અહીંથી બહુ દૂર નીકળી જવાનું હતું. એણે ઝાંખરા થોડા હટાવી એક બાકોરા જેવું બનાવ્યું અને એમાંથી બહાર જોતી આસપાસની પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી રહી હતી. સુમરાની રાહ જોઈને એ કંટાળો અનુભવી રહી હતી, જેવો સુમરો આવ્યો એટલે એ વેલની જેમ એને વીંટળાઈ ગઈ.

"ચન્ની, બસ.... કેટલાક કલાકોની જ વાત છે. પછી નવી દુનિયામાં ફક્ત આપણે બે જ હશું" સુમરાએ એને આલિંગનમાં લઈ એના હોઠો પર પોતાના હોઠ મૂકી દીધા.

"સુમરા.... આ... બધું પછી," પોતાની જાતને સુમરાથી અળગી કરતા ચન્નીની આંખોમાં છલકાયેલી લજ્જા એના રતુમડા ગાલોનો નિખાર વધારી રહી હતી.

"ચન્ની.... હવે આપણે અહીંથી નીકળવું પડશે, જો કોઈને જરા પણ ભનક પડી ગઈ તો પોલિસ ગમે ત્યારે ગમે ત્યાંથી જંગલી ઘાસની જેમ ફૂટી નીકળશે" અને ચન્નીનો હાથ પકડી બહાર નીકળી સુમરાએ ઝાડી-ઝાંખરા અસ્તવ્યસ્ત કરી નાખ્યા અને જમીન પર પડેલા લીલા-સૂકા પાંદડાને કચરતા-મસળતાં બેઉ હાથ વડે રસ્તો કરતાં આગળ વધતા ગયા. વચ્ચે વચ્ચે ક્યાંક કોઈ જંગલી પ્રાણીનો અવાજ આવતો તો ચન્ની સુમરાનો હાથ કસકસાવીને પકડી લેતી.

દોઢેક કલાક સુધી ઘનઘોર જંગલની ભૂલભુલામણીમાં ભમ્યા બાદ સુમરો એક ઘેઘુર વડલા નીચે આવીને ઉભો રહ્યો અને સીટી મારી એટલે વડની ડાળીઓમાં સંતાયેલા એના ત્રણ સાથીઓ છલાંગ મારી નીચે ઉતર્યા. એ ત્રણે શિક્ષિત હતા પણ એમના દિલમાં આક્રોશની જલતી જ્વાળાઓ જોઈ ચન્ની આભી બની ગઈ હતી.

"ચન્ની, તારી વાત માનીને જ અમે ચારેએ આ રસ્તો છોડી ઈમાનદારીપૂર્વક જીવન વિતાવવાનું નક્કી કર્યું છે. આગળ નાકે જીપ ઉભી હશે એમાં આપણે બેય નીકળી જઈએ પાછળથી આ ત્રણેય ન્યાં આવી જાહે..." સુમરાએ પોતાની પાસે એક નાનકડી પિસ્તોલ મૂકી બાકી રહેલી કારતુસો અને બીજી રિવોલ્વર એ ત્રણેયને સોંપી એમની પાસેથી જીપની ચાવી લઈ ફરીથી ચન્નીનો હાથ પકડી જંગલમાં આગળ વધવા લાગ્યો.

થોડીક જ વારમાં સુમરો ચન્ની સાથે જંગલમાંથી બહાર નીકળી જીપ પાસે આવી પહોંચ્યો. ચન્નીને બેસાડી પછી પોતે બેસી એણે જીપ શહેરના રસ્તે મારી મૂકી.

જીપ હજી ચાર રસ્તા પર પહોંચી ત્યાં જ સુમરાએ પોલિસ જીપની સાયરન સાંભળી અને જીપ પાછળ વાળવા ગયો ત્યાં બંને બાજુના રસ્તે રહેલી ઝાડીમાંથી બહાર નીકળી કેટલાક પોલીસોએ એની જીપને ઘેરી લીધો અને ફાયરિંગ કરી જીપના ટાયરમાં પંચર પાડી દીધું. સામેથી આવી રહેલી જીપ લગોલગ આવી ઉભી રહી અને એમાંથી ઇન્સપેક્ટર બહાર નીકળેલા ઇન્સપેક્ટર સુમરા તરફ રિવોલ્વર તાકતા આગળ વધી રહ્યા હતા.

"આ લ્યો ઇનસપેક્ટર સાહેબ, તમારો ગુનેગાર તમારી હામે જ ઉભો સે..." ચન્ની જીપમાંથી ઠેકડો મારી નીચે ઉતરી અને છાતીમાં છુપાવેલ પિસ્તોલ કાઢી સુમરા સામે તાકી ઉભી રહી એટલીવારમાં તો ઇન્સપેક્ટરે આભા બની ચન્નીને જોઈ રહેલા સ્તબ્ધ સુમરાનો હાથ ખેંચી એને જીપમાંથી જમીન પર પાડી દીધો. સુમરો હજી કાંઈ વિચારે એ પહેલાં જ ઇન્સપેક્ટરે એના હાથમાં હથકડી પહેરાવી દીધી.

સુમરામાં રહેલો નક્સલવાદી જાગી ઉઠ્યો. એની આંખોમાં ઝનૂન જાગી ઉઠ્યું અને નીચા વળી બેય હાથોમાં માટી ભરી ઇન્સપેક્ટરની આંખમાં નાખી દીધી....

." એક બેવફા સ્ત્રીના કપટી કારસ્તાનથી માથું ઝુકાવી પોલિસનું શરણું સ્વીકારી બદનામ થઈ જીવવા કરતાં આ સુમરો પોતાની જાતને મિટાવવાનું પસંદ કરશે, સુમરો પહેલાં પણ આઝાદ હતો અને પછી પણ આઝાદ રહેશે. કોઈ પોલિસમાં એટલો દમ નથી કે એ સુમરાને જીવતો ઝાલી શકે".....કહી સુમરાએ ઇન્સપેક્ટરના હાથમાં રહેલી રિવોલ્વર ઝૂંટવી પળભરમાં તો ત્રણ-ચાર ગોળીઓ ચન્નીના શરીરમાં ધરબી દીધી. લથડીયા ખાતું ચન્નીનું શરીર ધ...ડ... કરતું જમીન પર પડ્યું અને બીજા પોલીસ આગળ વધે એ પહેલાં સુમરાએ રિવોલ્વર પોતાના ગળે અડાડી ટ્રિગર દબાવતાં જ એમાંથી છુટેલી ગોળી એની ખોપરી વીંધી આરપાર નીકળી ગઈ અને એનું શરીર પણ ચન્નીના બેજાન શરીર પર ઢળી પડ્યું......

*** *** ***

*આ વાર્તાના પાત્રો અને સ્થળ કાલ્પનિક છે. કોઈ જીવંત કે મૃત વ્યક્તિ કે ઘટના સાથે આ વાર્તાનો કોઈ સંબંધ નથી*

-શીતલ મારૂ.