Red Lion climbs in Gujarati Film Reviews by Hitesh Patadiya books and stories PDF | લાલ સિંહ ચડ્ઢા

Featured Books
Categories
Share

લાલ સિંહ ચડ્ઢા

લાલ સિંહ ચડ્ઢા : ફિલ્મ રીવ્યૂ
(માત્ર ફિલ્મ રીવ્યૂ)

કભી કભી જો યે આધી લગતી હૈ,
આધી લીખ દે તું, આધી રેહ જાને દે, જાને દે.

જિંદગી હૈ જૈસે બારીશોં કા પાની,
આધી ભર લે તું આધી બેહ જાને દે, જાને દે.

ફિલ્મના એક ગીતના આ શબ્દોથી વ્યક્ત થતી જિંદગી વિશેની હકીકત, સમજણ અને સૂચન ફિલ્મની વાર્તાના મુખ્ય પાત્ર સહિત ઘણાં પાત્રોમાં ઝીલાય છે.

મૂળ વર્ષ ૧૯૯૪માં રીલીઝ થયેલી અંગ્રેજી ફિલ્મ "ફોરેસ્ટ ગમ્પ"ની ઓફિશિયલ સિક્વલ એવી આ ફિલ્મના નિર્માતાએ મૂળ ફિલ્મની આભા અને શોભા જાળવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. ફિલ્મ બેઠી નકલ પણ છે અને ભારતીયકરણ કરેલી અલગ કલેવર પણ ધરાવે છે.

સહજ રીતે જ મૂળ ફિલ્મ સાથે સરખામણી કર્યા વિના ચાલે તેમ નથી. છતાં પ્રથમ એક નવી અને અલગ ફિલ્મ તરીકે ગણતરી કરીને જોઈએ તો આ એક રસપ્રદ કાલ્પનિક ઘટનાક્રમો ધરાવતી લાગણીશીલ, સરસ અને સ્વચ્છ ફિલ્મ છે કે જેમાં જીવનને લગતાં અમુક સહજ સૂચનો છે અને પાકિસ્તાન દ્વારા તેના નાગરિકોના કરાતાં બ્રેઇનવોશને પણ દર્શાવ્યું છે.

વધુ વાત પેલી મૂળ ફિલ્મ સાથે સરખામણી સિવાય શક્ય અને યોગ્ય જણાતી નથી. આથી તે રીતે જ જણાવું છું.

શાળામાં એડમિશન માટે પણ ઝટ મંજૂરી ન મળે અને 'આવા બાળકો માટે અલગ શાળા હોય છે.' મુજબની સલાહ મળે તેના જવાબમાં માતા દ્વારા દર્શાવાતી મક્કમતાથી ફિલ્મમાં શરૂઆત થાય છે એક જરા ધીરી સમજ ધરાવતા બાળકની અદ્ભુત જિંદગીની કાલ્પનિક દાસ્તાનની. અહીં નોંધપાત્ર બાબત એ છે કે મૂળ ફિલ્મમાં માતાને પોતાના પુત્રને શાળામાં એડમિશન માટે શાળાના લંપટ પ્રિન્સિપાલને શારીરિક લાભ આપવા સહમત થતી અને અમલ કરતી દર્શાવાઈ છે. જ્યારે આ ફિલ્મમાં માતાને પ્રિન્સિપાલને તેના ઘરના કામ કરવા તથા ટિફિન બનાવી આપવા તત્પર દર્શાવી છે. જેનો પણ પ્રિન્સિપાલ દ્વારા અસ્વીકાર દર્શાવીને બંને તરફ એક સારપ જાળવી રાખી છે. જેથી ફિલ્મ ફેમિલિ ફિલ્મ બની રહે તેની કાળજી લેવાઈ હોવાનું સ્પષ્ટ છે.

ભોળાના ભગવાન હોય છે મુજબની કહેવત જાણે સમજાવતી હોય તેમ બાળક જીવનમાં એક પછી એક સફળતા મેળવતો જાય છે. જેમાં નોર્મલ શાળામાં નોર્મલ બાળકો સાથે અભ્યાસ, કોલેજમાં એડમિશન, આર્મીમાં ભરતી, યુદ્ધમાં મિત્રતા નિભાવવા જતાં અનાયાસે ઘાયલ સૈનિકોની મદદ અને તે માટે મેડલ મેળવવો, મૃત મિત્રની ઇચ્છા પૂર્ણ કરવા તથા આપેલ વચન પૂર્ણ કરવા માટે બિઝનેસ શરૂ કરવો વગેરેનો સમાવેશ થાય છે. કુદરત તેની પર એટલી મહેરબાન છે કે તે જ્યારે ભગ્ન હૃદયે દેશ આખામાં કોઈ હેતુ વિના ત્રણ-ચાર વર્ષ દોડવા લાગે છે તો પ્રખ્યાત બની જાય છે. લોકો તેનામાંથી પ્રેરણા લેવા લાગે છે, તેની સાથે દોડવા પણ લાગે છે.

મૂળ ફિલ્મમાં અમેરિકાના ઇતિહાસની ઘટનાઓને ક્રમિક રીતે દર્શાવી છે. (ખાસ કરીને રાજકીય) જેમાંથી ઘણાં ફૂટેજમાં મુખ્ય પાત્ર એટલે કે ફોરેસ્ટ ગમ્પ (ટોમ હેન્ક્સ)ને પણ સરસ રીતે ગોઠવેલો છે. માત્ર ગોઠવેલો છે એટલું જ નહીં પણ જે તે ઘટનાનો હિસ્સો હોય અને તેનાથી ઇતિહાસમાં અમુક ફરક પણ પડ્યો હોય તેમ દર્શાવાયું છે. જ્યારે આ ફિલ્મમાં ભારતના ઇતિહાસની ઘટનાઓ અમુક ઓરિજીનલ ફૂટેજ સાથે દર્શાવી તો છે પણ રાષ્ટ્રપતિ ભવન સિવાયના કોઈ ફૂટેજમાં લાલ સિંહ(આમિરખાન)ને પ્રભાવી રીતે ઐતિહાસિક ક્ષણનો ભાગ હોય તેમ દર્શાવાયો નથી.

મૂળ ફિલ્મમાં એલ્વિસ પ્રેસલિ ફોરેસ્ટ ગમ્પના શારીરિક હાવભાવથી પ્રેરાઈને પોતાની સિગ્નેચર ડાન્સ સ્ટાઇલ અપનાવતો દર્શાવ્યો છે તો આ ફિલ્મમાં પણ લાલ સિંહના હાવભાવથી પ્રેરિત થઈને ભારતની એક ખાસ સેલેબ્રિટિ પોતાની એક સિગ્નેચર સ્ટાઇલ અપનાવતી દર્શાવી છે. જે બાબત યોગ્ય ભારતીયકરણ ગણી શકાય તેમ છે. ફિલ્મ જોવાની બાકી હોય તેમને ધ્યાને લઈને સેલેબ્રિટિનું નામ નથી જણાવવું કારણ કે ફિલ્મમાં તે સેલેબ્રિટિની સરપ્રાઇઝ એન્ટ્રિ છે કે જે સુંદર અને મનોરંજક છે.

મૂળ ફિલ્મમાં ફોરેસ્ટ ગમ્પનો ખાસ મિત્ર ઝિંગાના પ્રકાર અને તેના બિઝનેસ વિશે લંબાણથી વારંવાર વાત કરે છે તો આ ફિલ્મમાં લાલ સિંહનો મિત્ર ચડ્ડી-બનિયાનના પ્રકાર અને તેના બિઝનેસ વિશે વાત કરે છે.

મૂળ ફિલ્મ જરા જટિલ હતી છતાં સુંદર હતી જ્યારે આ ફિલ્મ જરા સરળ અને સુંદર છે. બંને ફિલ્મને સંયુક્ત રીતે સમજવા માટે અમુક મુખ્ય બાબતો ધ્યાને લેવી પડે.

(૧) મુખ્ય પાત્ર:
ફિલ્મની જટિલ સ્ક્રિપ્ટને ન્યાય આપવા માટે મજબૂત અભિનય જોઈએ. બંને ફિલ્મમાં યોગ્ય અભિનેતાઓએ પાત્ર ભજવ્યું છે. ફોરેસ્ટ ગમ્પ માટે ટોમ હેન્કસને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો. આમિરખાનને એવોર્ડ મળે કે ન મળે (બોલિવૂડના જાતજાતના એવોર્ડ સેરેમનીમાં એવોર્ડના નામે મજાકના લીધે એવા એવોર્ડની તો તેને કે પ્રેક્ષકોને પણ કિંમત નથી. રાષ્ટ્રીય એવોર્ડ મળે તો ઠીક રહે.) તેનો અભિનય ઘણો જ સરસ છે. સરદારજી તરીકેનો આમિરખાનનો લૂક જાજરમાન, સુંદર અને નિર્દોષ - ત્રણેય ગુણધર્મો ધરાવે છે. જેમાં અભિનેતાના પુખ્ત અભિનયની કમાલ છે.

(૨) સહાયક પાત્રો:
મૂળ ફિલ્મમાં સહાયક પાત્રોનું શાનદાર કામકાજ હતું. આ ફિલ્મમાં કાસ્ટિંગ તો સરસ છે પણ બે પાત્રોમાં જરા ખામી છે. એક તો કરિના કપૂરનું પાત્ર મૂળ ફિલ્મની જેનીના પાત્રની સરખામણીએ જરા સરળ દર્શાવ્યું છે. કરિનાનો અભિનય પણ ઠીકઠીક જ છે.

બીજું એક પાત્ર એટલે મૂળ ફિલ્મનો લ્યુટેનન્ટ ડેન. આ પાત્ર મૂળ ફિલ્મમાં ઘણું મહત્વનું અને મજબૂત હતું. જ્યારે આ ફિલ્મમાં આ પાત્રની પથારી ફેરવી નાંખી છે. ગળે ના ઊતરે તેવી ત્રણ ઘટનાઓ દર્શાવીને જાણે જનતાને મૂરખ બનાવવાનો બાલિશ પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રથમ ઘટના એટલે લાલ સિંહ આ પાત્રને યુદ્ધ દરમિયાન બચાવે છે પણ કોઈ ઓળખી નથી શકતું કે આ દુશ્મન દેશનો છે. બીજી ઘટના એટલે તેને આર્મી હોસ્પિટલમાં સારવાર પણ મળે છે અને વગર તકલીફે તે ભારતમાં વસવા લાગે છે.(આટલી મોટી વાત કોઈ તર્ક વિના કઈ રીતે રજૂ કરી શકાય!) અને ત્રીજી ઘટના એટલે એ ભાઈની ઇચ્છા થાય છે ત્યારે તે તેના દેશમાં પરત ફરે છે પણ કઈ રીતે તે નથી દર્શાવ્યું. ફિલ્મોમાં રચનાત્મક છૂટછાટ હોય જ. આમ તો મૂળ ફિલ્મની સ્ક્રિપ્ટનો મૂળ રંગ જ પ્રયોગાત્મક છૂટછાટનો છે. પણ ઝીણી વાત કહું તો છૂટછાટ મુખ્ય પાત્રના સંદર્ભમાં હતી. મતલબ આશ્ચર્યજનક નસીબ મુખ્ય પાત્રનું હતું, અન્ય પાત્રોનું નહીં. જ્યારે આ ફિલ્મમાં દુશ્મન દેશ કઈ રીતે પોતાના નાગરિકોનું બ્રેઇન વોશ કરે છે તે દર્શાવવાના હેતુથી એક પાત્ર મારી મચેડીને પરાણે ગોઠવ્યું છે. અથવા એમ કહું કે મારવા મચેડવાની પણ તસ્દી નથી લીધી તો પણ ચાલે. જેનાથી પ્રેક્ષકો નારાજ થયા જ હશે. અહીં એક વધુ ઝીણી વાત પણ કહું તો અમુક લોકોને લાલ સિંહને ભારતીય આર્મીમાં સરળતાથી મળતું સ્થાન પણ ખૂંચ્યું છે. જે મને નથી ખૂંચ્યું. જેનું કારણ ઉપર જણાવ્યું તેમ સ્ક્રિપ્ટનો મૂળ રંગ છે કે જે મુખ્ય પાત્રના જીવનના નવાઈ પમાડતા ઢગલો ઘટનાક્રમોનો દર્શાવે છે.

મૂળ ફિલ્મમાં મુખ્ય પાત્રના બાળપણનો ભાગ જે સહજતા અને સુંદરતા સાથે રજૂ થયો છે તેટલી જ સરસ રીતે અહીં પણ રજૂ થયો છે. જે ભજવ્યો છે દસ વર્ષિય કાશ્મીરી બાળ કલાકાર એહમદ ઉમર દ્વારા. માંજરી આંખવાળા આ કલાકારે તેના સૌમ્ય દેખાવ અને વાર્તા મુજબના નિર્દોષ અભિનયથી સૌના દિલ જીતી લીધાં છે.

લાલ સિંહના માતાના રોલમાં મોનાસિંહે મૂળ ફિલ્મની માતાથી વધુ સારો અભિનય આપ્યો છે. જેમાં સ્ક્રિપ્ટ અને ડાયલોગના ભારતીયકરણનો પણ ફાળો છે.

(૩) લાગણીઓ અને તેની રજૂઆત:
બંને ફિલ્મમાં ઢગલો લાગણીઓ સરસ રીતે ઝીલાઈ છે, પરંતુ લાગણીઓને સંગીતનો સથવારો આ ફિલ્મમાં વધુ મળ્યો છે. ફિલ્મની શરૂઆતમાં જ આવતું સુંદર ગીત ફિલ્મના સંદેશને સહજતાથી સરળ શબ્દોમાં વ્યક્ત કરે છે. જેની અમુક પંક્તિઓથી જ તો આ લખાણની શરૂઆત કરી છે. ફિલ્મમાં અન્ય ગીતો પણ ઘણાં જ સૂચક અને સરસ છે.

(૪) સંદેશ:
ઘણાં પાત્રોના જીવન દ્વારા જીવનના વિવિધ રંગ દર્શાવ્યા છે. મુખ્ય પાત્ર ઘણું મેળવે પણ છે અને એક પછી એક ઘણું ગુમાવે પણ છે. છતાં દર વખતે સ્વીકાર સાથે નવી શરૂઆત કરે છે તે જ મુખ્ય સંદેશ છે. જે "અતિત ભૂલીને આગળ વધવું, મૃત્યુ જીવનનો જ ભાગ છે, જિંદગી પાણીપુરી જેવી છે - પેટ ભરાય પણ મન નથી ભરાતું..." વગેરે જેવા સંવાદોથી પણ સમજાવાયો છે.

(૫) દૃશ્યો:
બંને ફિલ્મોમાં સુંદર સિનમેટોગ્રાફી છે. અમુક સીનમાં લાલ સિંહ મૂળ ફિલ્મના ગમ્પ કરતાં સરસ જણાય છે તો રમતગમત અને યુદ્ધના દૃશ્યોમાં મૂળ ફિલ્મ સારી છે. આ ફિલ્મમાં મૂળ ફિલ્મના અમુક સીન ગાયબ છે. ઠીક છે, અમુક ફેરફાર હોય એ ચાલે ખરું પરંતુ મહત્વના સીન કાઢી નાંખવાના! મૂળ ફિલ્મમાં ગમ્પ અને હીરોઇન જેનીની હજારો લોકોની હાજરીમાં એક જાહેર કાર્યક્રમમાં પાણીમાં દોડીને ભેટીને થતી મુલાકાતનો સુંદર સીન અહીં નથી દર્શાવાયો. તેની બદલે ગાંડાની જેમ રોડ ઉપર દોડીને ગાડીનો પીછો કરતો વાહિયાત સીન દર્શાવાયો છે. જોકે તેને બાદ કરતા અન્ય તમામ સીન સરસ છે. ઓવરઓલ તો સોથી વધુ જગ્યાએ શૂટ કરાયેલી આ ફિલ્મ આખા ભારતની યાત્રા કરાવતી ખૂબ જ દર્શનીય છે.

(૬)સંગીત:
મૂળ ફિલ્મમાં નાના સાઉન્ડટ્રેક ખરાં પણ બોલિવૂડની તોલે એકપણ ના આવે. કારણ કે એ બધાં સાઉન્ડટ્રેક નાના અને માત્ર અમુક ઘટનાઓ માટે બનાવેલાં છે. જ્યારે આ ફિલ્મમાં સરસ શબ્દોના સહારે રચાયેલા અને નીવડેલાં ગાયકો દ્વારા ગવાયેલાં સરસ ગીતો છે. જે ફિલ્મની ગુણવત્તામાં વધારો કરે છે. સંગીત દ્વારા લાગણીઓનો ઓરા સર્જવામાં મૂળ ફિલ્મને આ ફિલ્મે પછડાટ આપી છે.

હિટ કે પછી...? સેમીહિટ કહી શકાય.
રૂ.૧૮૦ કરોડના બજેટથી બને અને અઠવાડીયા બાદ સો કરોડ પણ પાર ના કરે તે ફિલ્મ મલ્ટિપ્લેક્સના જમાનામાં આમ તો ફ્લોપ કહેવાય, પરંતુ આ ફિલ્મને જરા એડવાન્ટેજ આપવો પડે. કારણ કે આ ફિલ્મ ટિપિકલ બોલિવૂડ મસાલા એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ તરીકે રજૂ નથી કરવામાં આવી. વર્ષોથી ફિલ્મો સંદર્ભે ક્લાસ અને માસ મુજબના બે સ્પષ્ટ ભાગ પડેલાં જ છે. ક્લાસ ફિલ્મ ગમે તેટલી મજબૂત સ્ક્રિપ્ટ ધરાવતી હોય છતાં તેને બિઝનેસ ઓછો મળે તે સહજ હોય છે. જ્યારે માસ મનોરંજન ફિલ્મ ગમે તેટલી વાહિયાત સ્ક્રિપ્ટ ધરાવતી હોય તો પણ જો જરા ગલગલિયાં કરાવતી હોય તો કરોડોનો બિઝનેસ કરી લે છે. ઉદાહરણ તરીકે વિચારો કે ઓસ્કાર એવોર્ડ વિજેતા કેટલી ફિલ્મો ભારતમાં સારો બિઝનેસ કરે છે? કદાચ એવું પણ વિચારવું પડે એમ છે કે ઓસ્કાર એવોર્ડ વિજેતા કે નોમિનેટ થયેલી કેટલી ફિલ્મો ભારતમાં તમામ શહેરોમાં રિલિઝ પણ થાય છે? જો હજુ પણ એવી શંકા હોય કે એ તો વિદેશી ભાષાની હોય અને જરા ધીમી હોય એટલે, તો વધુ એક ઉદાહરણ જુઓ. ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ માટે દર વર્ષે "વિદેશી ભાષા કેટેગરી"માં રજૂ થતી ફિલ્મોએ ભારતમાં કેટલો બિઝનેસ કર્યો હતો? લગાન સિવાય કોઈ યાદ પણ આવે છે? કહેવાનો મતલબ છે કે જો ભારતીય પ્રેક્ષક ક્લાસ ફિલ્મો માટે માનસિક રીતે ઘડાયેલો જ ન હોય તો ફિલ્મની ગુણવત્તા ઓછી ન કહેવાય.

હજુ ન સમજાતું હોય તો બે બાબતો ધ્યાને લો. મૂળ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પે તેના બજેટથી તેર ગણી વધુ કમાણી કરી હતી. લાલ સિંહ તેનાથી જરાય ઊતરતી નથી. ઊલટાની ભારતીયકરણ, સરસ સંગીત વગેરે દ્વારા તો અમુક બાબતોમાં વધુ મનોરંજક બની છે. છતાં કેમ ઓછો બિઝનેસ છે? કારણ કે ભારતીય પ્રેક્ષક ક્લાસ ફિલ્મ પાછળ વધુ પૈસા નથી ખર્ચતો, અને અહીં તો પાછી પ્રયોગાત્મક ક્લાસ ફિલ્મ હતી. જો ઓછો બિઝનેસ થાય તો માત્ર બિઝનેસના આંકડા જોઈને માંડ સેમીહિટ જ કહેવી પડે છતાં ગુણવત્તા સારી જ છે. બીજી બાબત: વર્ષ ૨૦૧૩ માટે ભારત તરફથી એક ગુજરાતી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. બોલો, તમને તે ફિલ્મનું નામ ખબર છે?

જોવાય કે પછી?
જો ક્લાસ ફિલ્મ ગમતી હોય તો હા.
જો આમિરખાનનો અભિનય પસંદ હોય તો હા.
જો સરસ પ્રયોગાત્મક ફિલ્મ જોવી હોય તો હા.
જો ફોરેસ્ટ ગમ્પ જોઈ હોય અને ગમી હોય તો તો ફરજિયાત.
કારણો,
(૧) ચારેક પાત્રોનો ઉત્તમ અભિનય.
(૨) નીવડેલી પ્રયોગાત્મક ફિલ્મની યોગ્ય રીતે ભારતીયકરણ કરાયેલી સરસ ફિલ્મ.
(૩) દર્શનીય સિનેમેટોગ્રાફી.
(૪) સહપરિવાર જોઈ શકાય.
(૫) સરળ સંદેશ સરસ સંગીતના સહારે.

✍️©હિતેષ પાટડીયા, તા.૧૯/૮/૨૦૨૨