ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"જીતુભા કેટલી વાર?" સુમિતે જીતુભાના બારણે આવીને પૂછ્યું.
"બસ, 2 જ મિનિટ. મારી માંનો ફોન આવ્યો હતો."
"જીતુ, પ્લીઝ મને તારી જરૂર છે એમને કહે તને અડધા કલાક પછી ફોન કરે. માત્ર 10 મિનિટ મારી રૂમમાં આવ, પછી અડધો કલાકમાં મારી મુંબઈની ફ્લાઇટ છે."
'હા. આવ્યો" કહી જીતુભા એ અનોપચંદને ઝડપથી કહ્યું. "સુમિત ભાઈ મુંબઈ જવા ઉતાવળા થયા છે હું એમને રોકવાની કોશિશ કરું છું તમે જે કહ્યું એ મને સમજાતું નથી તમારી કંપની વિશે. સુમિતને હમણાં મુંબઈ ન જવા દેવા એ હું સમજ્યો છું. પણ સ્નેહા ભાભીની તપાસ હું ક્યાંથી કરું એ મને સમજાતું નથી."
"પ્રભુ તને રસ્તો બતાવશે. મેં જીવનમાં કઈ ખોટું કર્યું નથી. મારા સંજોગો એવા છે કે મારે હજી 2-3 દિવસ અમેરિકામાં રોકાવું પડશે. અત્યારે મારા વિશ્વાસુમાં માત્ર એક તું જ છો જે સુમીતને રોકી શકે, અને સ્નેહા ને શોધી શકે કેમ કે...."
અનોપચંદ નું વાક્ય કાપતા જીતુભાએ કહ્યું કે "શેઠજી મારા પ્રાણની આહુતિ આપી ને પણ તમારા કુટુંબ અને નામની હું રક્ષા કરીશ ફોન કટ કરું છું સુમિતભાઈ મને મળ્યા વગર મુંબઈ જતા રહેશે તો ગરબડ થશે " કહી ફોન કટ કર્યો.
xxx
લગભગ પોણો કલાક પછી જીતુભા અને સુમિત બન્ને માથે હાથ દઈને સુમિતની રૂમમાં બેઠા હતા, દિલ્હીના બંગલા વાળી ફૂટેજ 3-4 વખત અને એરપોર્ટ વાળી ફૂટેજ 2 વખત જોઈ હતી. પણ એમાંથી કોઈ ક્લ્યુ મળતો ન હતો.
"પણ જીતુ આ કઈ રીતે શક્ય છે. સ્નેહા બંગલામાંથી બહાર આવી કારમાં બેઠી અને એરપોર્ટ પર ઉતરી. અને અંદર ગઈ. પછી ફ્લાઈટમાં બેઠી નહિ તો ક્યાં ગઈ?"
xxx
"ચઢ્ઢા, એક બિઝનેસ વુમન તારા માણસોના હાથમાંથી છટકી ગઈ એ નવાઈ ની વાત નથી?"
"પણ એમાં એવું છે ને."
"મને દલીલ કરનારા માણસો પસંદ નથી. અને એમાં તારો ય ફાયદો હતો."
"હું એ જ તો કહું છું. કે એ આપણા હાથમાં આવી હોત તો આપણો ફાયદો જ હતો. હું શું કામ એને છટકવા દઉં. ચાર મહિનામાં હું રિટાયર્ડ થવાનો છું અને મને આરામદાયક જીવનશૈલીની આદત પડી ગઈ છે મારા પડ્યા બોલ ઝીલનારા મારા ગુલામ મારા પ્યુનની હું શું કામ મારુ નુકશાન થાય એવું કરું."
"જો એના ગાયબ થવા પાછળ તું નથી, તો શોધ એને અને લઇ આવ મારી પાસે. એના વરે મારું અપમાન કર્યું છે બદલો લેવો છે મારે."
"મેં મારા માણસોને કામે લગાડ્યા છે. ટૂંક સમયમાં કૈક ખબર મળશે એના"
xxx
"જીતુ, હું તો કહું છું કે તું પણ મુંબઈ ચાલ જે કામ અહીંયા આપણે કરવું હતું એમાં મારું મન લાગતું નથી."
"પણ સુમિત ભાઈ, શેઠજી કહેતા હતા કે સાંજ પહેલા જો હું આ મામલો ન સમજ્યો તો.."
"હા ખબર છે કેમ કે એમને જે ખાતરી છે કે હું મુંબઈ જઈશ એટલે જ એમણે સાંજ સુધીનું કહ્યું. હું અહીં રહી ને તને ગાઈડ કરું એવી એમની ઈચ્છા છે. પણ હું તને 10 મિનિટમાં બધું સમજાવી શકીશ. અને આમેય આપણી જવાબદારી મારા સ્ટાફ ની હોય. આતો દેશ સેવા છે. છતાં હું કરવાનો હતો પણ આ સ્નેહનું અચાનક ગાયબ થવું."
"સુમિત ભાઈ આટલા વર્ષોમાં દેશ સેવાના કેટલા કાર્ય તમે કર્યા હશે, અને આજે કેમ મોઢું ફેરવો છો."
"કેમ કે જે કાર્ય માટે સ્નેહા સહુથી ઉત્સાહિત હતી. એ કાર્યને અંજામ આપવાના સમયે જ સ્નેહા ગાયબ થઇ ગઈ છે."
"ઓકે, તો તમને એવું લાગે છે કે સ્નેહા ભાભી જયારે મળશે અને એમને ખબર પડશે કે તમે, જે 3-4 નિર્દોષ લોકો મરી ગયા એને બચાવી શકતા હતા પણ ન બચાવ્યા એમને શોધવાના પ્રયાસ માટે. તો એ ખૂબ રાજી થશે નહિ " કહી જીતુભા વ્યંગ ભર્યું હસ્યો. એ બે સુમિતની રૂમમાં બેઠા હતા, સુમિત મુંબઈ નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. જીતુભાનું આ વાક્ય સાંભળી ને એ અવાચક થઇ ગયો અને જીતુભાને તાકતો રહ્યો. એને એ વાત યાદ આવી ગઈ 'એના ઘરે પાર્ટી માં આ વાતનો કોઈ એ આ વાતનો અછડતો ઉલ્લેખ કર્યો હતો. એ એમણે કરેલા રેકોર્ડિંગમાં આવી હતી. પાર્ટી પત્યા પછી આ વાત જાણીને સ્નેહા કેટલી ઉત્તેજિત થઇ હતી.એનું ચાલત તો એ અડધી રાતે જ બધાં ને બચાવવા દોડી પડત.' સુમિત 2 ક્ષણ થંભી ગયો એને સ્નેહા સહિત પોતાનું આખું ફેમિલી યાદ આવી ગયું. એક અરબપતિ ફેમિલીનો હેડ, પોતાનું અને પોતાના કુટુંબનું સર્વસ્વ કોઈ એક જનસામાન્ય માટે દાવ પર લગાડતો એનો બાપ, એની પત્ની એનો ભાઈ એના ભાઈની પત્ની. બધા આ યજ્ઞમાં જોતરાયેલ છે અને પોતે પોતાની પત્નીની ખબર કાઢવા માટે આજે 2 3 જણાને મરવા દેશે? એનું મન ગ્લાનિ થી ભરાઈ ગયું. આખરે એણે કહ્યું "જીતુભા, તારી વાત સાચી છે આજે જો હું મારી ફરજ ચુક્યો. તો સ્નેહા મને કદી માફ નહીં કરે, ચાલો એક કામ કર, હું ગરમ ચાનો ઓર્ડર કરું છું અને મુંબઈ માં જે કરવું છે એ મોહનલાલ ને જણાવી દઉં છું. તું ફરી એક વાર ડીવીડી બદલાવ." કહી ઇન્ટરકોમમાં ફોન કરીને પોતાની રૂમમાં ચા નાસ્તો મંગાવ્યા. અને પછી મોહનલાલને ફોન કર્યો કે "તમે સ્નેહની તપાસ કરાવો અને આપણી સિસ્ટમમાંથી શું ખબર માંડ્યા?"
"સિસ્ટમમાં તો એનું સ્થાન બિહારના મોતીહારી ગામમાં બતાવે છે. પણ એના ફોનનું સિમ કાર્ડ એ અંબાલા હોય એવું બતાવે છે. મેં આપણા સ્ટાફને દેશભરમાંથી ખબર ભેગી કરવા કહ્યું છે. જેવી કઈ ખબર મળે કે તરત તને કહીશ. પણ તું જીતુભાને ગાઈડ કર્યા વગર મુંબઈ ન આવતો."
"ભલે મોહનલાલ હું જીતુભાને આ આખું પ્રકરણ સમજાવીને રાતની ફ્લાઇટ પકડીશ." કહી સુમિતે ફોન કટ કર્યો.
xxx
અનોપચંદના મોટા વેવાઈ અને મિત્ર એવા સ્નેહના પિતા, ગિરિરાજ પ્રસાદ ફોનમાં અનોપચંદ સાથે વાત કરી રહ્યા હતા. આમ તો અનોપચંદની કંપની 'અનોપચંદ એન્ડ કૂ.' પ્રાઇવેટ કંપની હતી પણ એમાં એના બંને વેવાઈ ઉપરાંત 2-3 અંગત મિત્રો સ્લીપિંગ પાર્ટનર હતા. એટલે કે એની થોડી મૂડી લાગેલી હતી. અને થોડો શેર હિસ્સો હતો. આ ઉપરાંત મોહનલાલ ના 2% શેર હતા. પણ મોહનલાલે વહેલી સવારે મિટિંગ બોલાવી બધા પાર્ટનરને અનોપચંદે સાઈન કરેલા ગિફ્ટ ડીડ બતાવ્યા હતા. જે મુજબ અનોપચંદે કંપનીના 60% શેર મોહનલાલને ગિફ્ટ આપ્યા હતા. એકાદ પાર્ટનરે પૂછ્યું કે "તમે કંપની રજીસ્ટ્રારને આ બાબત જણાવી છે?" તો મોહનલાલે કહ્યું કે "આ બધું મારા નામે કાયદેસર ટ્રાન્સફર કરાવવા મને લગભગ 200 કરોડ રૂપિયાની જરૂર પડે. જે હાલમાં મારી પાસે નથી. પણ હવેથી આ કંપની હું મારી મરજીથી ચલાવું એવી શેઠજી ની ઈચ્છા છે. આ ગિફ્ટ ડીડ 26 જાન્યુઆરીએ બન્યું છે. અને શેઠજી હજી અમેરિકામાં 15 દિવસ રોકાશે કોઈને મારી લીડરશીપ પર વાંધો હોય તો શેઠજી ને ફોનથી પૂછી લો." બસ પછી કોઈ ને કઈ પૂછવું હતું નહિ, કેમ કે બધા મોહનલાલ ને 40 ઉપરાંત વર્ષો થી ઓળખતા હતા. અને અનોપચંદ પર બધાને વિશ્વાસ હતો. વેવાઈ એ માત્ર કન્ફર્મ કરવા અનોપચંદને ફોન જોડ્યો હતો. અનોપચંદે આરામથી એની વાત સાંભળીને કહ્યું. "હા મારે અહીં થોડા દિવસ રોકાવાનું છે અને સુમિત નિનાદને પણ ભારત બહાર થોડો સમય રહેવું પડશે. એટલે"
"પણ, અનોપ એમાં 60% શેર મોહનના નામે કરવાની શી જરૂર હતી? આમ તો એ સ્વચ્છન્દ બની જશે."
"ઠીક છે, હું મોહનલાલને ફોન કરીને કહું છું કે એ ગિફ્ટ ડીડ ફાડી નાખે અને તમારા નામે હું 60% ટ્રાન્સફર કરી દઉં છું હવે તો રાજી ને વેવાઈ" વ્યંગમાં અનોપચંદે કહ્યું. અને ગિરિરાજ પ્રસાદ
બઘવાઈ ગયા અને કહ્યું. "નારે મારે ક્યાં સાત પેઢી ખાધે ખૂટે એટલું છે. મારે નથી જોતા તારા રૂપિયા તું જ રાખ તારી પાસે."
"તો પછી હું રાખું કે ઉડાવી દઉં કે કોઈને ગિફ્ટ કરી દઉં. તું શું કામ વચ્ચે માથાકૂટ કરે છે?"
"સોરી અનોપ, એક સાથે આવી હજારો કરોડની ગિફ્ટ હું જરા અસ્વસ્થ થઈ ગયો હતો. ખેર મારે તને ફોન કરવાની જરૂર ન હતી."
"ઓકે, ગિરિરાજ, હજી મારું દિમાગ સ્વસ્થ છે. મને જરૂર લાગશે, તો જેટલા ગિફ્ટ કર્યા છે એટલા રૂપિયા હું વર્ષ ભરમાં માં કમાઈ લઈશ." કહી ને અનોપચંદે ફોન કટ કર્યો. અને વિચારવાનું ચાલુ કર્યું થોડી અછડતી વાત મુકેશે એને કહી હતી. થોડી હમણાં વેવાઈ પાસેથી જાણવા મળી કે મોહનલાલ 'અનોપચંદ એન્ડ કુ.’નો સર્વેસર્વા બનીને બેઠો છે. 'એ જે 26 જાન્યુઆરીના બનેલ ડીડ ની વાત કરે છે એવું મેં કઈ સહી કર્યું નથી હા 4-5 દિવસ પહેલા એક ફાઈલ જે છેલ્લી મિનિટે મોહનલાલે મોકલી હતી ઈ મેં વગર જોયે સહી કરી છે. એનો મતલબ... નક્કી મોહનલાલ કંઈક મોટી ગેમ રમી રહ્યો છે. એના મનમાં શું હશે? '
xxx
એરપોર્ટના ફૂટેજ જોતા જોતા એક જગ્યાએ જીતુભા સ્તબ્ધ થઈ ગયો અને ડીવીડી પોઝ કરીને બારીકાઈથી જોયું. અને પછી સુમિતને પૂછ્યું. "સુમિત ભાઈ કઈ સમજાયું?"
"ના આમાં એવું ખાસ શું છે. સ્નેહા કારમાંથી ઉતરી રહી છે. એરપોર્ટ પર બસ"
ઓકે. એક કામ કરો એક બીજી સ્ક્રીન અને ડીવીડી પ્લેયર રૂમમાં 5 મિનિટ માટે સેટ કરાવો એટલે સમજવું. ત્યાં સુધીમાં હું એક અરજન્ટ કોલ કરીને આવું છું." કહી જીતુભા પોતાની રૂમમાં ગયો અને અનોપચંદ ને ફોન કર્યો કે "તમારી વાત સાચી છે. સુમિત ભાઈ ઉપર મુંબઈમાં જોખમ છે અને સ્નેહા ભાભીના ગાયબ થવા પાછળ મોહનલાલનો હાથ છે."
xxx
10 મિનિટ પછી સુમિતની રૂમમાં 2 ડીવીડી પ્લેયર પર એક સાથે 2 ડીવીડી રન થતી હતી. એકમાં સ્નેહા પોતાના બેડરૂમમાંથી બહાર આવીને બંગલાના પોર્ચમાં ઉભી રહેલી કારમાં બેસીને એરપોર્ટ પર જાય છે એ. અને બીજી સ્ક્રીન પર સ્નેહા એરપોર્ટ પર કારમાંથી ઉતરે છે એ ફૂટેજ ચાલુ હતા. બંગલા વાળી ડીવીડી જીતુભા એ એક જગ્યાએ અટકાવી દીધી, સ્નેહા કારમાં બેસવા જઈ રહી છે એનો એક પગ બહાર છે. ત્યાં ફ્રિજ કરી ને પછી એરપોર્ટ વાળી ડીવીડી ને અમુક મિનિટ પછી ફ્રિજ કરી, જેમાં સ્નેહા કારમાંથી ઉતરી રહી રહી છે. પછી બન્ને સ્ક્રીનને મેક્સિમમ ઝૂમ કર્યા અને સુમિત ને પૂછ્યું "કઈ સમજાયું?" જવાબ માં સુમીતે કહ્યું "ના કઈ સમજાતું નથી."
"ઓકે હવે બન્ને સ્ક્રીનમાં બારીકાઈથી જુઓ સ્નેહા ભાભી પગ,"
"હજી કંઈ સમજાતું નથી" 2 મિનિટ પછી સુમિતે કહ્યું. "
"એ બન્ને સ્ક્રીન પર પગ અલગ છે. અને પગમાં રહેલા ચંપલ પણ ધ્યાનથી જુઓ. બન્નેમાં તફાવત છે. ઘરવાળા ફુટેજમાં જે ચંપલ છે એ બ્રાન્ડેડ છે. જયારે એરપોર્ટ વાળા ફુટેજમાં ચંપલ છે. એ એજ બ્રાન્ડની સસ્તી નકલ છે. અને એનો મતલબ એ છે કે સ્નેહા ભાભી કીડનેપ થયા છે અને એ કાવતરામાં તમારા દિલીપ ભાઈ ડ્રાઈવર રામજી બન્ને મોહરા બન્યા છે. અસલી ગેમ કોઈ એનો બોસ રમી રહ્યો છે એ કોણ હોય એ વિચારો"
"મને સમજાઈ ગયું એ કોણ છે. દિલીપ અને રામજી બન્ને ને કંપનીમાં લાવનાર મોહનલાલ જ છે. અને કંપની વતી બધી હુકમ મોહનલાલ જ આપે છે. પણ હું એને છોડીશ નહીં, મોહનલાલ તારી ખેર નથી."
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો.