ફોરેન્સિક વિભાગે ખાતરી આપી હતી કે મૈત્રીના અન્ડરવેર પરથી મળેલો હત્યારાનો ડીએનએ અને જશવંતના સગા કાકા કાનાભાઈનો મળેલો ડીએનએ એકબીજા સાથે મેચ થાય છે એટલે એ સ્પષ્ટ છે કે હત્યારો કાનાભાઈનો દીકરો છે કારણ કે મૈત્રીના હત્યારાનો ડીએનએ એક પુરુષનો ડીએનએ હતો.
શ્રેયાને ખાતરી હતી કે કાનાભાઈને મંજુલાબેન સિવાય પણ કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધો રહ્યા હતા અને તેમના સંબંધોને પરિણામે તેમને એક અથવા વધુ સંતાનો થયા હતા, જેમાંથી કોઈ એક પુરુષ સંતાન જ મૈત્રીનો હત્યારો હતો. પરંતુ હજી સુધી શ્રેયાને ખબર ન હતી કે કાનાભાઈને કોની સાથે અવૈધ સંબંધ હતો અથવા હતા. શ્રેયાને એ પણ શંકા હતી કે કદાચ કાનાભાઈને એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે પણ સંબંધ હોઈ શકે.
શ્રેયાએ મનોજ, પ્રતાપ અને રેશ્માને કાનાભાઈની નાનામાં નાની તમામ વિગતો એકઠી કરવાનો આદેશ આપ્યો. શ્રેયા અને ટીમે લગભગ આજથી પિસ્તાલીસ થી પચાસ વર્ષ પાછળ જઈને તપાસ કરવાની થતી હતી. તેમણે પચાસ વર્ષ જુનો ઈતિહાસ ખંખોળવાનો હતો.
મનોજ અને શ્રેયા પોતે ફરી એકવાર મંજુલાબેનને મળવા ગયા અને પૂછ્યું કે કાનાભાઈ યુવાનીમાં અર્થાત આજથી પચાસેક વર્ષ પહેલાં ક્યાં ક્યાં જતા હતા, કોણ કોણ એમના મિત્રો હતા, કાનાભાઈ શું કામ કરતાં હતા, કાનાભાઈ ક્યાં ક્યાં કામ કરતાં હતા, કાનાભાઈના અવૈધ સંબંધો વિષે તેમને ખબર છે વગેરે ઘણા સવાલોના જવાબ મંજુલાબેન પાસેથી મેળવવાના હતા.
કાનાભાઈ વિશે મંજુલાબેનને જેટલી ખબર હતી તેટલી માહિતી આપતા મંજુલાબેને શ્રેયાને જણાવ્યું કે સમય ઘણો વીતી ગયો છે અને તેમની ઉંમર પણ થઈ ગઈ છે એટલે એમણે જેટલું યાદ છે એટલું કહી શકે છે. શ્રેયા પોતે એ સમજતી હતી કે જેટલી પણ માહિતી મળે તેની વિગતો પરથી જ તપાસ આગળ વધારવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.
શ્રેયાને મંજુલાબેન પાસેથી જાણકારી મળી કે કાનાભાઈ પચાસ વર્ષ પહેલાં ગાડી ચલાવતાં હતા. મંજુલાબેન ભણેલા ન હતા એટલે એમને એ ખબર ન હતી કે કઈ ગાડી ચલાવતા હતા. એમણે એ પણ કહ્યું કે એ લગભગ પાંચ વર્ષ સુધી સુરત કામ કરવા ગયા હતા, જ્યાં એ કોઈ કંપની માટે ગાડી ચલાવતાં હતા.
શ્રેયા અને ટીમે એ શોધી કાઢ્યું કે કાનાભાઈ સુરતમાં ક્યાં રહેતા હતા અને કોની સાથે રહેતા હતા. પ્રતાપને શ્રેયાએ જશવંતના પિતાજીના અન્ય ભાઈઓ પાસેથી એ માહિતી મેળવવાનો પ્રયાસ કરવા કહ્યું કે કાનાભાઈ સુરતમાં ક્યાં કામ કરતાં હતા એ કોઈને ખબર છે?
પ્રતાપ જશવંતના પિતાજીના બધા ભાઈઓને મળ્યો અને તપાસ કરી. જશવંતના અન્ય એક કાકા ઝેણાભાઈ પાસેથી તેને માહિતી મળી કે તે વર્ષમાં એક બે વાર પોતાના ભાઈ કાનાભાઈ પાસે સુરતમાં રહેવા જતો. કાનાભાઈ ૧૯૭૮ થી ૧૯૮૩ સુધી સુરતના સચિન વિસ્તારમાં ગાડી ચાલવતા હતા. ઝેણાભાઈને પણ એ ખબર હતી કે એ શું કામ કરતાં, કારણ કે જયારે જ્યારે ઝેણાભાઈ સુરત કાનાભાઈ પાસે રહેવા જતા ત્યારે કાનાભાઈ ઝેણાભાઈને એમની ગાડીમાં સાથે ફેરવતા.
ઝેણાભાઈએ કહ્યું કે એ પહેલાં માલવાહક ટ્રક ચાલવતા હતા, પણ લગભગ એક વર્ષ પછી માલિક સાથે ઝગડો થતા એ નોકરી છોડી દીધી હતી અને એક શેઠને ત્યાં બસ ચલાવવા લાગ્યા હતા. તેમને પાવો વગાડવાનો શોખ હતો એ પણ ઝેણાભાઈ પાસેથી જાણવા મળ્યું હતું.
ઝેણાભાઈને એમના શેઠનું નામ નહતી ખબર, પણ એ જે જગ્યાએ ચાલીમાં રહેતા હતા એનું નામ ખબર હતી. કાનાભાઈ જે ચાલીમાં રહેતા હતા એ ચાલીનું નામ મોતીકાકાની ચાલી હતું.
પ્રતાપે જશવંતના કાકા ઝેણાભાઇ પાસેથી મેળવેલી માહિતી પર વિચાર કરીને શ્રેયાએ પ્રતાપ અને મનોજને સુરત મોકલવાનો નિર્ણય કર્યો. સમય બગાડ્યા વિના પ્રતાપ અને મનોજ કેસ માટેની આગળની તપાસ માટે સુરત જવાના રવાના થયા.
પ્રતાપ અને મનોજ માટે અઘરી વાત એ હતી કે એમણે આજથી પચાસ વર્ષ પહેલાં અહીં રહેતા એક માણસની શોધ કરવાની હતી અને એ માણસ હયાત ન હતો. એમની પાસે ફક્ત એક ચાલીનું નામ અને કાનાભાઈનું નામ તથા કાનાભાઈનો મંજુલાબેન સાથેનો એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો હતો. પચાસ વર્ષોમાં સુરતની કાયાપલટ થઈ ગઈ હતી. આટલા મોટા સુરતમાં કોઈ એક વ્યક્તિ વિષે માહિતી મેળવવી અઘરી હતી.
એ જમાનામાં ન તો સોશીયલ મીડિયા હતું કે ન તો આટલી બધી ટીવી ચેનલો જેનાથી તેમની પાસેની જૂની માહિતીને આધારે એ શોધી શકાય કે અમુક વ્યક્તિ અમુક સમયે ક્યાં હતી. છતાં પણ શ્રેયાના આદેશને આધીન થઈ બંને જણાએ સુરતમાં ધામા નાંખ્યા. એમને ખબર ન હતી કે કેટલા દિવસમાં તપાસ આટોપી લેવાશે.
બંને જણા શ્રેયાના કહેવા પ્રમાણે સૌથી પહેલાં સચિન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજેશ ગામીતને મળ્યા. રાજેશ ગામીત છેલ્લા ત્રણ વર્ષથી સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ગામીત આશરે પચાસેક વર્ષના હતા, પણ શરીર કસાયેલું હતું. તેમનો ચેહરો અને તેના પરની મૂછો તેમના પોલીસના અનુભવને છતો કરે તેવા રોબદાર હતા.
જયારે મનોજે ગામીતને આખા કેસ વિષે વાત કરી ત્યારે ગામીત પોતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ શ્રેયા ગોહિલ વિષે પહેલેથી જ જાણતા હતા. તેમણે શ્રેયાએ ગુનેગારોને પકડવા માટે કરેલા કારનામાં સાંભળ્યા હતા. ગામીતે પોતાના હવાલદારોને બોલાવી આખા કેસની ચર્ચા કરી અને જણાવ્યું કે જો તમને કેસને લાગતી વળગતી કોઈ પણ બાબત વિષે જાણકારી મળે તો તેમને જાણ કરે.
ત્રણ હવાલદારોની એક ટુકડી પણ મનોજ અને પ્રતાપને મદદ માટે ફાળવી આપી. પાંચેય જણાના કાફલાએ સચિનમાં જઈ મોતીકાકાની ચાલીમાં ઘરે ઘરે જઈને તપાસ કરવાનું નક્કી કર્યું. પહેલે દિવસે એમને ખાસ કંઈ સફળતા મળી નહિ. મોતીકાકાની ચાલીમાં કોઈને પણ કાનાભાઈ વિષે ખબર ન હતી.
મનોજે બે દિવસની મળેલી નિષ્ફળતાથી હતાશ થયેલા પ્રતાપને કહ્યું કે આપણે આજુબાજુની ચાલીમાં પણ તપાસ કરી લેવી જોઈએ, કદાચ કોઈ આ ચાલીમાંથી આજુબાજુની ચાલીમાં કોઈ રહેતું હોય. તેમણે પચાસ વર્ષથી અહિયાં રહેતા લોકો વિષે, દુકાનો વિષે અને હોટેલો વિશે જાણકારી મેળવવાનું અને તેમને જ પૂછવાનું નક્કી કર્યું.
તેમણે લોકોને મળીને શોધી કાઢ્યું કે કોણ કોણ અહિયાં પચાસ કે તેથી વધુ વર્ષોથી અહિયાં રહે છે. તે તમામના ઘરે તપાસ કરી પણ પરિણામ શૂન્ય જ આવ્યું. ઘણા એ વખતે નાના બાળકો હતા એટલે એમને કંઈ યાદ ન હતું. ઘણા બધાના માતા પિતા કે જે એ સમયે અહિયાં રહેતા હતા સુરતમાં ફાટેલા પ્લેગમાં ભરખાઈ ગયા હતા.
વારંવાર મળતી નિષ્ફળતાથી હિંમત હારી જવાને બદલે બંને જણાએ પ્રયત્ન ચાલુ રાખ્યો. તેમણે કાનાભાઈ વિષે શરૂ કરેલી તપાસના ત્રીજા દિવસે ગોવિંદ પાન હાઉસ પર પુછતાછ કરતાં એક હકારાત્મક સમાચાર મળ્યા. ગોવિંદ પાન હાઉસવાળા રમેશે પ્રતાપને કાનાભાઈનો ફોટો જોતા તરત જ કહ્યું કે આતો કાનાકાકા છે અને પ્રતાપના શરીરમાં ખુશીનું મોજું ફરી વળ્યું. એણે તરત જ મનોજને ફોન કરીને બોલાવી લીધો.
મનોજના આવ્યા પછી રમેશે કાનાભાઈ વિષે માહિતી આપતા કહ્યું કે મારા પપ્પા ગોવિંદભાઈ અને કાનાભાઈ બંને ભાઈબંધ હતા. કાનાભાઈ પાંચ વર્ષ રહીને અમદાવાદ પાછા જતા રહ્યા તે પછી પણ કોક કોક વાર કાનાકાકા અમારે ઘરે આવતા.
મનોજે જયારે રમેશને તેના પિતા ગોવિંદભાઈ ક્યાં છે એના વિષે પૂછ્યું ત્યારે રમેશે તેમને જણાવ્યું કે તે તો ચારધામની યાત્રાએ ગયા છે, અઠવાડિયા પછી આવી જશે. બંનેએ એકબીજા સામે લાચારીથી જોયું કારણ કે રાહ જોયા સિવાય તેમની પાસે કોઈ રસ્તો ન હતો.