NARI-SHAKTI - 29 in Gujarati Women Focused by Dr. Damyanti H. Bhatt books and stories PDF | નારી શક્તિ - પ્રકરણ- 29, ( સતી- સાવિત્રી ભાગ -1)

Featured Books
Categories
Share

નારી શક્તિ - પ્રકરણ- 29, ( સતી- સાવિત્રી ભાગ -1)

નારી શક્તિ, પ્રકરણ- 29,
( "સતી- સાવિત્રી"ભાગ -1.)

[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 29,, "સતી- સાવિત્રી"-આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋગ્વેદ કાલીન "શશ્વતી- આંગિરસી"એ વિશેની કથા જાણી.આ કથા ખૂબ જ સુંદર અને રસપ્રદ હતી.જેમાં શશ્વતી- અંગિરસી પોતાની તપ અને સાધનાથી અને અશ્રાંત સેવાથી દેવ શાપ વશ નપુંસક થયેલા પોતાના પતિને ફરીથી પૌરુષ પ્રદાન કરે છે. ઋગ્વેદકાલીન આવી કેટલીએ નારીઓ છે ,જેમણે પોતાની તપ સાધનાથી પતિ પરાયણ ધર્મની રક્ષા કરીને પતિને કોઈને કોઈ આપત્તિ માંથી ઉગાર્યા છે. નારી ધર્મ બચાવ્યો છે,બજાવ્યો છે.
આપ સર્વેને એ જરૂર વાંચવી ગમશે એવી આ આ પ્રકરણમાં હું "સતી સાવિત્રી" ની કથા પ્રસ્તુત કરવા જઈ રહી છું. જેમાં સાવિત્રી એ પોતાના સતીત્વના તપથી પોતાના પતિ સત્યવાનને યમરાજના મુખમાંથી છોડાવીને દીર્ઘાયુષ્ય પ્રદાન કર્યું હતું.આપ સર્વેને એ જરૂર વાંચવી ગમશે એવી અભિલાષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર !!માતૃ ભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર !! ]

[ સત્યવાન સાવિત્રી વિવાહ ] અંક-1.
પ્રસ્તાવના:-
સંસારની પાંચ સતી સ્ત્રીઓમાં જેની ગણના થાય છે તેવી....
"સતી- સાવિત્રી" ની કથા મહાભારત વન પર્વમાં આવે છે જે આ પ્રમાણે છે. જ્યારે યુધિષ્ઠિર માર્કન્ડ ઋષિ ને પૂછે છે કે દ્રૌપદી જેવી પતિભક્તિ વાળી બીજી કોઈ સ્ત્રી હતી કે નહીં?
દ્રૌપદી માટે યુધિષ્ઠિર શોક કરે છે અને માને છે કે દ્રૌપદી જેવી પતિવ્રતા નારી અને ભાગ્યવતી સ્ત્રી આ દુનિયામાં બીજી કોઈ મેં આ પહેલાં સાંભળી નથી. ત્યારે માર્કંડેય ઋષિ યુધિષ્ઠિરને સતી સાવિત્રી ની કથા વર્ણવે છે........

માર્કંડ ઋષિ કહે છે કે, હે રાજન ! રાજ કન્યા સાવિત્રી એ જે પ્રકારે કુલકામિનીઓના પરમ સૌભાગ્ય રૂપ પાતિવ્રત્યનો જે સુયશ પ્રાપ્ત કર્યો હતો તે હું વર્ણવું છું સાંભળો,,,,

મદ્ર દેશમાં તત્વજ્ઞાની અશ્વપતિ નામના રાજર્ષિ હતા. તે ખૂબ જ ધાર્મિક અને બ્રાહ્મણ સેવી રાજા હતા. તે અત્યંત ઉદાર હૃદય વાળા, સત્યનિષ્ઠ, જીતેન્દ્રિય, દાની, ચતુર ,પુરવાસી અને દેશવાસીઓના પ્રિય, સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહેનારા અને ક્ષમાશીલ હતા. આ નિયમનિષ્ઠ રાજાને એકનું એક સંતાન એવી સાવિત્રી નામની કમલનયની કન્યા હતી. તે કન્યા સાવિત્રીના મંત્ર દ્વારા હવન કરવાથી સાવિત્રી દેવોએ જ પ્રસન્ન થઈને આપી હતી માટે બ્રાહ્મણોએ અને રાજાએ એનું નામ સાવિત્રી રાખ્યું હતું.
કન્યાને યુવાન વય થયેલી જોઈને મહારાજા અશ્વપત્તિ ખૂબ જ ચિંતાતુર રહેતા હતા. એક દિવસ તેમણે પોતાની પુત્રીને કહ્યું ,બેટી ! તું વિવાહ યોગ્ય થઈ ગઈ છે માટે તું પોતે જ તારાં માટે કોઈ યોગ્ય વરને શોધી લે. તપસ્વીની સાવિત્રી થોડા સંકોચ સાથે પિતાની આજ્ઞાથી સુવર્ણના રથમાં બેસીને મંત્રીઓની સાથે યોગ્ય વર ની શોધમાં નીકળી.
એક દિવસ અશ્વપતિની રાજ સભામાં મહર્ષિ નારદ પધાર્યા. નારદજીએ કહ્યું રાજન ,આપની પુત્રી વિવાહ યોગ્ય થઈ ગઈ છે તો તેમનો વિવાહ કેમ કરતા નથી? રાજાએ કહ્યું મેં એ કામ માટે જ સાવિત્રીને મોકલી હતી અને તે આજે જ પાછી ફરી છે તો આપણે તેને પૂછીએ કે તે વરની પસંદગી કરી કે કેમ? ત્યારે સાવિત્રી રાજ દરબારમાં આવી અને તેણે કહ્યું કે શલ્વ દેશમાં દ્યુમત્સેન નામના વિખ્યાત એક ધર્માત્મા રાજા હતા.કોઈ કારણસર તે અંધત્વને પામ્યા તેથી તેનું રાજ્ય શત્રુએ પડાવી લીધું. તેમનો પુત્ર રાજકુમાર સત્યવાન ને મેં મન થી પતિ તરીકે પસંદ કરી લીધો છે. હું મનથી તેમને વરી ચૂકી છું. આ સાંભળી નારદજી બોલ્યા, રાજન !ખેદની વાત છે સાવિત્રી થી મોટી ભૂલ થઈ ગઈ છે ,જેણે જાણ્યા વિના સત્યવાનને પતિ તરીકે સ્વીકારી લીધો છે તે કુમાર સત્ય વ્રત વાળો , પિતાનો લાડલો રાજકુમાર સત્યવાન, સૂર્ય સમાન તેજસ્વી , બૃહસ્પતિ સમાન બુદ્ધિમાન , ઇન્દ્ર સમાન વીર પુરુષ, પૃથ્વી સમાન ક્ષમાવાન, રતિદેવ સમાન દાતા, શિબિ રાજા સમાન બ્રહ્મવાદી -સત્યવાદી, યયાતી સમાન ઉદાર, ચંદ્રમા સમાન પ્રિયદર્શી, અશ્વિનીકુમારો સમાન અદ્વિતીય રૂપવાન છે. વળી જીતેન્દ્રિય છે ,મૃદુ સ્વભાવ વાળો છે, શૂરવીર છે ,સત્યવાદી છે, મિલન સાર છે, ઈર્ષાહીન છે, લજ્જાશીલ છે અને તેજસ્વી છે, તપ અને શીલમાં વિદ્વાનો એના માટે એમ કહે છે કે સરલતા તેનામાં નિરંતર નિવાસ કરે છે .
નારદજીનું આવું વર્ણન સાંભળીને રાજા અશ્વ- પતિએ કહ્યું, ભગવાન આપે તો તે બધા જ ગુણો થી સંપન્ન છે એમ બતાવ્યું. હવે એનામાં કોઈ દોષ હોય તો તે પણ મને બતાવો.
નારદજીએ કહ્યું ,તેનામાં કેવળ એક જ દોષ છે, પરંતુ આ બધા જ ગુણ તેનાથી દબાઈ જાય છે, જે મેં તમને જણાવ્યો નથી. એ એક દોષ સિવાય તેનામાં કોઈ જ દોષ નથી અને તે દોષ એ છે કે આજથી એક વર્ષ બાદ સત્યવાનનું આયુષ્ય સમાપ્ત થઈ જશે અને તે દેહ ત્યાગ કરશે.
સાવિત્રી એ કહ્યું પિતાજી હવે તો જેને મેં મનથી એકવાર પસંદ કરી લીધો છે, તે દીર્ઘાયું હોય અથવા અલ્પાયુ ,ગુણવાન હોય અથવા ગુણહીન તે જ મારો પતિ હશે. કોઈ અન્ય પુરુષ ને હું વર તરીકે પસંદ કરી શકું એમ નથી. મેં જે નિશ્ચય કર્યો છે તેને જ મારું પરમ પ્રમાણ માનો. નારદજી બોલ્યાં, રાજન ! તમારી પુત્રી સાવિત્રીની બુદ્ધિ નિશ્ચયાત્મિકા છે ,માટે કોઈપણ પ્રકારે તે આ ધર્મથી વિચલિત નહીં થઈ શકે, સત્યવાનમાં જે જે ગુણો છે તે કોઈ બીજા પુરુષમાં નહીં મળે ,તેથી મને પણ આજ યોગ્ય હોય એમ લાગે છે, તો આપ કન્યાદાન કરો. રાજાએ નારદજીને કહ્યું, આપે જે વાત કરી તે મને પણ યોગ્ય લાગે છે, "होनी को कौन टाल सकता है?" તમે મારા ગુરુ છો ,તો હું આપની વાત સ્વીકારીશ.

રાજા અશ્વપત્તિ પોતાની પુત્રી સાવિત્રીને સાથે લઈ શુભ મંગલ વેલાએ શુકનો ની સાથે, સગુન ની સાથે, પોતાના મંત્રીઓ ની સાથે, રથ પર સવાર થઈને રાજા દ્યુમત્સેનના આશ્રમ પર પહોંચ્યા. ત્યાં રાજા અશ્વપતિએ રાજર્ષિ દ્યુમત્સેનને સાલ વૃક્ષની નીચે એક ઘાસના આસન પર બેઠેલા જોયા. રાજા અશ્વપત્તિએ રાજર્ષિ દ્યુમત્સેનની યથાયોગ્ય પૂજા કરી અને પોતાનો પરિચય આપ્યો. ધર્મજ્ઞ રાજર્ષિ એ પણ અશ્વપત્તિનો સત્કાર કર્યો અને આવવા માટેનું કારણ પૂછ્યું, ત્યારે અશ્વપતિએ કહ્યું રાજા મારી સાવિત્રી નામની રૂપવતી કન્યા છે તેનો આપનાં ધર્મ અનુસાર આપ પોતાની પુત્રવધુ ના રૂપમાં તેનો સ્વીકાર કરો.
દ્યુમત્સેને કહ્યું, હું રાજ્ય થી ભ્રષ્ટ થઈ ચૂક્યો છું અને અહીં વનમાં રહીને સંયમપૂર્વક તપસ્વીઓનું જીવન વ્યતીત કરું છું, આપની કન્યા તો આ બધા આશ્રમ ના કષ્ટોને સહન કરી ન શકે, તે આશ્રમના વનવાસ નાં દુઃખોને સહન કરીને કેવી રીતે રહેશે?
રાજા અશ્વ પતિએ કહ્યું, સુખ અને દુઃખ તો આવવા જવા વાળા છે અને આ વાત મારી પુત્રી બરાબર જાણે છે તેથી બધા જ પ્રકારનો નિર્ણય કરીને જ હું આપની પાસે આવ્યો છું. ત્યારે રાજા દ્યુમત્સેને કહ્યું, રાજન, હું પણ આપની સાથે સંબંધ બાંધવા માટે ઈચ્છુક છું પરંતુ રાજ્યાચ્યુત હોવાને કારણે મેં આ વિચાર છોડી દીધો હતો, પરંતુ આપ સ્વયં મારી અભિલાષા પૂર્ણ કરવા ઈચ્છો છો તો આપ મારા અભિષ્ટ અતિથિ છો હું આપનું સ્વાગત કરું છું.

ત્યારબાદ આશ્રમમાં રહેવાવાળા બધા જ બ્રાહ્મણોને બોલાવી અને રાજાએ વિધિવત વિવાહ સંસ્કાર કરાવ્યો. સત્યવાન સાવિત્રીનું લગ્ન સંપન્ન થયું.યથાયોગ્ય રીતે થી વર્ -કન્યાને આભૂષણ વગેરે ભેટ આપી. ત્યારબાદ રાજા અશ્વ પતિ ખૂબ જ આનંદથી પોતાના રાજભવન પાછા ફર્યા અને સર્વ ગુણ સંપન્ન ભાર્યા સાવિત્રીને પત્ની તરીકે પામીને સત્યવાન ખૂબ જ પ્રસન્ન થયો. સાવિત્રી પણ પોતાનો મનપસંદ વર મેળવીને ખૂબ ખૂબ જ આનંદિત થઈ અને ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા. ( સત્યવાન સાવિત્રી લગ્ન અંક-1. પૂર્ણ. )
-વધુ આવતા અંકે.........
[ © & Written by Dr.Damayanti Harilal Bhatt ]