Prem - Nafrat - 43 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૪૩

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૪૩

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૩

રચનાએ કંઇક વિચારીને કહ્યું:'મને બે કલાકનો સમય આપો. હું ઇન્ટરનેટ પર કોઇ વિકલ્પ શોધીને જણાવું છું.'

રચના આરવના જવાબની રાહ જોયા વગર જ પોતાની જગ્યાએ આવીને બેસી ગઇ અને ગૂગલ પર સર્ચ શરૂ કરી દીધું. તે ઇ કોમર્સ કંપનીને જવાબ આપવા માગતી હતી. લગભગ એક કલાકની મહેનત પછી એણે પાંચ એવા સ્ટાર્ટઅપના સરનામા અને ફોન નંબર મેળવી લીધા જે મોબાઇલ વેચવા માટે એક અલગ પ્રકારની જ વેબસાઇટ ચલાવી રહ્યા હતા. રચનાએ બે જગ્યાએ ફોન કર્યો પણ સંતોષકારક માહિતી કે જવાબ મળ્યા નહીં. રચનાને થયું કે યુવાનો સરકારી સહાય મેળવવા સ્ટાર્ટઅપ ચાલુ કરીને બેસી જાય છે પણ કોઇ સમજ હોતી નથી. બનાવવા ખાતર વેબસાઇટ બનાવી છે. તેણે જ્યારે 'મોબ સ્ટાર્ટઅપ' ના કરણને ફોન લગાવ્યો અને તેણે જે પ્રતિભાવ આપ્યો એ પરથી સમજી ગઇ કે અહીં વાત બની શકે છે. 'મોબ સ્ટાર્ટઅપ' ની વેબસાઇટ એને પ્રભાવિત કરી ગઇ હતી. એના પર મોબાઇલને લગતી અઢળક એસેસરીઝ વેચાતી હતી. પરંતુ એમણે મોબાઇલ વેચવાનું શરૂ કર્યું ન હતું. એના પર નવા લોન્ચ થતા મોબાઇલના રીવ્યુ પણ આપવામાં આવતા હતા અને કરણની પોતાની યુટ્યુબ ચેનલ હતી. જેના લાખો સબસ્ક્રાઇબર હતા. રચનાએ પોતાની 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની વિશે વાત કરી. કરણ કંપની વિશે બધું જ જાણતો હતો તેણે અગાઉના મોબાઇલનો રીવ્યુ કર્યો જ હતો. તેને જ્યારે 'મોબ સ્ટાર્ટઅપ' વેબસાઇટ પર 'ઓલ ઇન વન મોબાઇલ' નો નવો મોબાઇલ વેચવા મૂકવાની ઓફર કરી ત્યારે એ ખુશ થઇ ગયો અને એનું વેચાણ કરવા જાહેરાત પણ કરવાની તૈયારી બતાવી દીધી. રચનાએ એક કલાક સુધી ચર્ચા કરીને નવા મોબાઇલને વેચવાની જવાબદારી એને આપવાનું નક્કી જેવું જ કરી લીધું.

રચનાએ પોતાની યોજના આરવને સમજાવી ત્યારે પહેલાં તો એ નવાઇ પામ્યો પણ એને રચના પર વિશ્વાસ હતો. એક મોટી ઇ કોમર્સ કંપનીને બદલે નવા સ્ટાર્ટઅપની વેબસાઇટ પર મોબાઇલ વેચવાનું જોખમી હતું. જો ના વેચાયા તો મોટી ખોટ જઇ શકે એમ હતી. 'ઓલ ઇન વન મોબાઇલ' માટે એક મોટી ખોટ ખમવાની શક્તિ ન હતી. આરવે કેટલીક માહિતી જાણ્યા પછી 'મોબ સ્ટાર્ટઅપ' પર વિશ્વાસ બેઠો. તેને રચનાનું મગજ મોબાઇલના બિઝનેસમાં સારું ચાલતું હોવાનું લાગી રહ્યું હતું. તેણે સંમતિ આપી એટલે રચનાએ ઇ કોમર્સ કંપની સાથે વાત કરીને એમની સાથે મોબાઇલ વેચવાની યોજના રદ કરી રહ્યા હોવાનું કહી દીધું. રચના આરવને ફરીથી કંપનીની મીટીંગ યોજીને આ યોજનાથી બધાંને માહિતગાર કરવા કહીને પોતાની યોજના પર કામ કરવા લાગી ગઇ.

હિરેન અને કિરણે જ્યારે જાણ્યું કે ઇ કોમર્સ કંપનીએ ના પાડી દીધી છે ત્યારે બહુ ખુશ થયા પણ સ્ટાર્ટઅપની વાત સાંભળીને ચમકી ગયા. આરવે રચનાને બોલાવીને આખી યોજના સમજાવવા કહ્યું. રચનાએ સમજાવ્યું કે આ સ્ટાર્ટઅપના મિ.કરણ બહુ હોંશિયાર છે. એ પહેલી વખત કોઇ મોબાઇલનું વેચાણ કરવા જઇ રહ્યા હોવાથી સફળતા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. આપણે પણ ઠેરઠેર એમની વેબસાઇટનો પ્રચાર કરીને એના પર મોબાઇલ ઉપલબ્ધ હોવાનું જણાવીશું. સૌથી મોટો લાભ એ છે કે એમણે મોબાઇલ વેચાણ માટેનો ચાર્જ માત્ર એક હજાર રૂપિયા જ લગાવ્યો છે. એટલે આપણો બાકીના જે બે હજાર રૂપિયાનો ફાયદો છે એમાંથી એક હજાર રૂપિયા મોબાઇલની કિંમત ઘટાડીશું અને એક હજાર રૂપિયા વધારે નફો મેળવીશું. હિરેન અને કિરણે કેટલીક શંકા વ્યક્ત કરીને ઇ કોમર્સ કંપની પર વેચાણ થાય તો વધુ સારું રહેશે એવો મત વ્યક્ત કર્યો ત્યારે રચનાએ એ ઇ કોમર્સ કંપનીની શરતો ભારે હોવાથી ભારતના મુંબઇ ખાતેના મેનેજર સાથે બધાંની વચ્ચે સ્પીકર પર ફોન રાખીને વાત કરવાની તૈયારી કરી ત્યારે બંને ગભરાઇ ગયા અને રચનાની યોજનાને મંજુરી આપી દીધી. લખમલભાઇ પણ રચનાની યોજનાથી પ્રભાવિત થયા. એમણે ખુશ થઇને કહ્યું કે આ રીતે વિદેશી ઇ કોમર્સ કંપનીઓ પરની આપણી નિર્ભરતા ઓછી થશે અને આપણે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધીશું. સરકાર પણ આ સ્વદેશી ધંધાની બાબતની નોંધ લે એવા હું પ્રયત્ન કરીશ.

રચનાએ કરણ સાથે વાત કરીને બે દિવસમાં જ મોબાઇલ લોન્ચ કરવાનું આયોજન કરી લીધું. રચના હવે લગ્નમાં મોડું થાય એમ ઇચ્છતી ન હતી. લખમલભાઇને પોતાના પર પૂરો વિશ્વાસ બેસી ગયો છે એનો ખ્યાલ આવી ગયો હતો. રચનાને થયું કે હવે તે સરળતાથી આગળ વધી શકે છે.

રચનાએ લગ્ન માટે ખરીદી શરૂ કરી દીધી હતી. તેને લગ્ન ધામધૂમથી કરવાની બહુ ઇચ્છા ન હતી. પણ 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના માલિકના પુત્રના લગ્ન હોવાથી તેમના તરફથી વધુ તૈયારી થઇ રહી હતી. લગ્ન પહેલાં મોબાઇલ લોન્ચ કરવાનો કાર્યક્રમ પણ યોજાઇ રહ્યો હતો. તેની પણ તૈયારી ચાલતી હતી ત્યારે એકાએક રચનાને એક વિચાર આવ્યો. એણે આરવને પોતાનો વિચાર રજૂ કર્યો ત્યારે એ બોલી ઊઠ્યો:'રચના, આવો વિચાર તને કેવી રીતે આવ્યો?'

ક્રમશ: