Sharat - 10 in Gujarati Moral Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | શરત - ૧૦

Featured Books
  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

Categories
Share

શરત - ૧૦

(આદિએ ગૌરી પર ગુસ્સો કર્યો પણ મમતાબેને ફોન વિશે પૂછતાં ખિસ્સાં તપાસે છે ને એને યાદ આવે છે કે...)

**********************

આદિને યાદ આવે છે કે ફોન તો નિયતી પાસે જ રહી ગયો. ગૌરીની આંખોમાં આંખો ભીંજાઇ ગઇ. એ વિચારી રહી કે એની જ બેદરકારીથી પરીને વાગ્યું એટલે આદિનું ગુસ્સે થવું અયોગ્ય તો નથી જ.

એકલાં પડ્યાં પછી ફરી આદિએ નારાજગી વ્યક્ત કરતાં કડક શબ્દોમાં કહ્યું,

"મારો ફોન ન લાગ્યો તો ઓફિસમાં ફોન ન કરાય. પારકાં એ પારકાં. તમારી ઉપર વિશ્વાસ જ નહોતો કરવો જોઇતો. પરી ક્યાં તમારી કંઈ છે! એટલે જ મારે લગ્ન નહોતાં કરવાં. તમારી માટે તો પરી પારકી જ ને! તમે મારી શરત ભૂલી ગયા લાગો છો કે પછી કોઈ રમત રહી રહ્યા છો?... ને ક્યાં આલતુ-ફાલતુ ડૉક્ટર પાસે લઈ ગયા હતા? બોલો?"

"તમારી ઓફીસનો નંબર નહોતો ને આ રહ્યાં પરીના કૅસ પેપર્સ, મને ખબર નહોતી એટલે જે નજીક હોય એ હોસ્પિટલમાં રિક્ષાવાળા ભાઈને કહ્યું લઇ જવા." ગૌરીએ ફાઇલ લંબાવતા નીચું જોઈ જવાબ આપ્યો.

"હમમમ્..." એમ કહી ફાઇલ લઇ આદિ ફરી પરીને એમનાં જાણીતાં પિડિયાટ્રિશિયન પાસે લઈ ગયો.

કેતુલભાઈ એને રોકવા જતાં હતાં પણ મમતાબેને એમને રોક્યા. હોસ્પિટલથી આવી પરી બરાબર છે ત્યારે ગૌરીને રાહત થઇ પણ આદિ તો હજું પણ ગૌરીથી નારાજ જ હતો એટલાંમાં ડૉરબૅલ વાગીને બધાનું ધ્યાન આવેલ આગંતુકે ખેંચ્યું.

એ આગંતુકે મોડર્ન અને સ્ટાઈલીશ હતી. મોહક સ્મિત સાથે અંદર પ્રવેશી એણે આદિને સૉરી કહ્યું ને ફોન પરત કર્યો. એ હતી નિયતી. આદિએ એનાં મમ્મી પપ્પા અને પરી બધાની સાથે એની ઓળખાણ કરાવી ગૌરીને છોડીને. ગૌરીને મનોમન પીડા થઇ. ગૌરીએ લાવેલું પાણી પી નિયતીએ ઉતાવળ હોવાથી જમવાના આમંત્રણનો સવિનય અસ્વીકાર કરી નીકળી ગઇ.

એનાં ગયા પછી મમતાબેન વિચારમાં પડી ગયા કે આદિ જે કોઈને પોતાનો ફોન અડવા પણ નથી દેતો એનો ફોન આ છોકરી પાસે કેવી રીતે? ક્યાંક આ એ જ તો નથી ને!!!! ના... ના... હે ભગવાન! જો આ એ જ હોય તો ..."

એટલામાં આદિ નિયતીને બહાર મૂકી ઘરમાં આવે છે એટલે મમતાબેન ગૌરી રસોડામાં છે એ ખાતરી કરી એને એમના રૂમમાં ખેંચી જાય છે.

"આદિ... આ નિયતી એ જ છે ને?"

આદિ બસ હકારમાં માથું હલાવે છે.

"આદિ તું હજી એનાં સંપર્કમાં છે!! તેં મારો વિશ્વાસ તોડયો. "

"ના મમ્મી... એણે આજે જ ઓફિસ જોઈન કરી. "

"તો તારો ફોન એની પાસે કેવી રીતે? "

"એનો ફોન ડેડ હતો અને એણે જરુરી કૉલ કરવાનો હતો એટલે..."

"તારો જ ફોન કેમ? ઓફિસમાં બીજાં પણ હશે ને!"

"મમ્મી શંકા ન કરો. આ એક સંયોગ છે બસ."

"શંકા નથી કરતી બસ ડરું છું કે ફરી..."

"એવું કંઈ નહીં થાય."

"આદિ યાદ રાખજે કે પરીના લાલનપાલનની જવાબદારી તારી છે અને હવે ગૌરી તારી પત્ની છે."

"હમમમ્..." આદિ માત્ર એટલું જ બોલ્યો ને દાદરા ચઢી પોતાના રૂમમાં જતો રહ્યો.

પોતાનાં ભૂતકાળને યાદ કરતો આદિ બાલ્કનીની આરામ ખુરશીમાં બેઠો બેઠો એ સમયમાં પહોંચી ગયો. કૉલેજમાં ભણતાં આદિને નિયતી ગમતી. તરુણાવસ્થાનો પ્રેમ ગણો તો પ્રેમ અને આકર્ષણ ગણો તો આકર્ષણ. જે હોય તે આદિ માટે તો નિયતી એનું ભાવિ એનું વિશ્વ.

પ્રેમાંકુર બંને તરફ ફૂટ્યાં છે એમ માનતો આદિ નિયતીની બધી વાતો માનતો. જોકે આ લાગણી આદિ જાહેર નહોતો કરી શક્યો પરંતુ એની દરેક પીડામાં એક સ્નેહીની જેમ એનો સાથ આપતો અને મદદ પણ કરતો.

એવી જ એક મદદ કરવા માટે આદિએ ઘરમાં ચોરી કરી પણ પાછળથી એક કૉલેજના મિત્ર થકી જાણવા મળ્યું કે એ માત્ર નિયતી નું છળ હતું. પોતાનાં શોખ પૂરાં કરવાં એણે ઘણાં બધાંને કરુણરસ પિરસી નાણાકીય કહેવાતી મદદ મેળવી હતી. આ સાંભળી આદિ નિયતી પાસે જાય છે અને બધાને એમનાં પૈસા પાછાં આપવા જણાવે છે પણ નિયતી નથી માનતી ઉલ્ટાનું આદિને પોતાનાં પર અવિશ્વાસ કરવા બાબતે ઘણું સંભળાવે છે. આદિ નિયતીને પોતાની લાગણી અને એની સાથેના ભવિષ્યના સપનાંઓ વિશે જણાવે છે તો નિયતી એને માત્ર મિત્ર ગણાવી ધુત્કારી કાઢે છે.

બીજી તરફ મમતાબેનને ભાંગી પડેલો હારેલો આદિ યાદ આવે છે અને એમની આંખો ભીની થઈ જાય છે. એમણે ફરી આદિને એ હાલતમાં નહોતો જોવો. આદિ નિરાશામાં ધકેલાઈ ગયો હતો જેને જેમતેમ મમતાબેન, કેતુલભાઈ અને ખાસ તો એની બહેનનાં પ્રયાસોથી બહાર લાવી શક્યાં હતાં. ફરીથી એવું કંઈ થયું તો હવે એની બહેન ક્યાં છે એને સંભાળવા એ વિચારે એમનાથી નિસાસા સાથે ડૂસકું મૂકાઇ ગયું.

આ તરફ ગૌરી આદિને જમવા બોલાવવા આવે છે અને આદિ ભૂતકાળની કડવાહટ એનાં પર કાઢે છે.

"મારે નથી જમવુ."

"મારા પર ગુસ્સે છો બરાબર છે, ભૂલ છે મારી પણ એનાં લીધે જમવા પર ગુસ્સો ન કાઢો."

"અચ્છા.. ભૂલ છે છતાં ગુસ્સે નહીં થવાનું. તમે જ સાચાં નહીં, ગમે તેવો ખરાબ વ્યવહાર હોય કે ગુનો કરો છતાં તમે જ સાચાં નહીં! બીજાંની લાગણીઓની તો તમારી માટે કોઈ કિંમત જ નથી. પરીની આડમાં જો કોઈ ષડયંત્ર રચ્યું છે તો શરત યાદ છે ને! "

ગૌરી અવાચક થઈને આદિનું આ રૂપ જોઇ રહી. હંમેશા રમૂજ કરતો, હસતો-હસાવતો આદિ એને ધમકાવી રહ્યો છે. આદિનું સાચું રૂપ કયુ? એ અવઢવમાં ઊભી ગૌરી પાસે પરી હાથ ફેલાવી ઊંચી થઈ એને ઉંચકી લેવા કહી રહી હતી. ગૌરીને પરીને જોઈને થયું કે કદાચ પરીની ઈજાથી આદિ વ્યથિત છે એટલે આવું વર્તન કરે છે. એ ચૂપચાપ પરીને ઉંચકી નીચે જતી રહી.

આદિ બોલતાં તો બોલી ગયો પણ પછી એને જ થયું કે થોડું વધું બોલાઇ ગયું. એ નીચે આવી ચૂપચાપ જમવા બેસી ગયો. ગૌરીએ થાળી પિરસી ને પરીને જમાડવા લાગી. કેતુલભાઈ એ કહ્યું,

"ગૌરી બેટા તું પણ જમી લે. સવારથી એકલીએ જ દોડાદોડ કરી છે પરી માટે."

"હા ગૌરી... જમી લે સાથે જ ને રસોડું હું સાફ કરી લઈશ. તું થાકી હોઇશ. આરામ કર આજે."

"પરી જમી લે એટલે જમી લઈશ પપ્પા અને મમ્મી થાક નથી લાગ્યો સાચે જ."

જમ્યાં પછી ગૌરીએ પરીને દવા પીવડાવી સોફા પર બેસાડી રસોડા તરફ જઇ રહી હતી પણ પરીએ એની સાડી પકડી રાખીને મમ્મા...મમ્મા.. કરી એને ન છોડી તે ન છોડી. બાળકની જીદ સામે તો ભલભલા ઝૂકે. આ તો લાગણીશીલ ગૌરી. એણે પરીને ઊંચકી ને પરીએ એના નાનકડા હાથ એની ફરતે વિંટાળી દીધાં જાણે એ એને છોડીને જવા દેવા માંગતી ન હોય. આ દ્રશ્ય આદિ પણ જોઇ રહ્યો અને મમતાબેન પણ...

મમતાબેન આદિ અને ગૌરીને જોઇ કંઈક વિચારી રહ્યા હતા અને અચાનક એમનાં મુરઝાયેલા ચહેરે નાનકડી મુસ્કાન પ્રસરી ગઇ.

(ક્રમશઃ)