આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૬
દિયાનને હવે ખ્યાલ આવવા લાગ્યો હતો કે સુલુબેન – દિનકરભાઇએ એના છૂટાછેડાની વાત છેલ્લે સહજ રીતે કેમ સ્વીકારી લીધી હતી. પહેલાં બંનેના અલગ થવાની વાત સાંભળીને દુ:ખી થનારા અને એમને રોકવાનો પ્રયત્ન કરનારા મમ્મી-પપ્પાએ હેવાલી સાથેના છૂટાછેડા કોઇ મોટી ઘટના ના હોય એમ સ્વીકારી લીધું હોવાનું બતાવી રહ્યા હતા. મમ્મીએ પહેલી વખત અમારા અલગ થવાની વાત સાંભળી ત્યારે જીવનનો અંત લાવી દેવાની ધમકી સુધ્ધાં આપી દીધી હતી. પિતા પણ કેટલું ખીજવાયા હતા. અત્યાર સુધી અમે તો એમ જ સમજતા હતા કે મેવાન અને શિનામી નામના ભૂત સાથેની વાત માત્ર મિત્રદંપતી જેકેશ- રતીના જ જાણે છે. એનો અર્થ એ થયો કે એમણે મમ્મી- પપ્પાને આ વાત કહી દીધી હશે. એ સિવાય બીજું કોઇ કહી શકે એમ ન હતું. હા, હેવાલીના તર્ક મુજબ એ બંને ભૂત મમ્મી- પપ્પાને કહીને ગયા હોય તો જ એમને ખબર પડી હોય શકે. પણ હું પાછો આવ્યો એ પછીનું તેમનું વર્તન અને વલણ યાદ કરું તો જેકેશ અને રતીના જ એમને કહી ગયા હોય શકે.
દિનકરભાઇએ એમને કેવી રીતે ખબર હતી એ દિયાન અને હેવાલીને કહેવાની ઉતાવળ ના કરી. તે મંદ મંદ મુસ્કુરાઇને પુત્ર અને પુત્રવધુના ચહેરા પરના આશ્ચર્યને જોઇ રહ્યા. પછી હસીને બોલ્યા:'દિયાન, તું મારો છોકરો છે તો હું તારો બાપ છું એ ભૂલતો નહીં!'
'તમને જેકેશ- રતીનાએ જ વાત કરી હતી ને?' દિયાને પોતાની શંકા વ્યક્ત કરી દીધી.
'હા, જેકેશ- રતીના અમને એમ કહેવા આવ્યા હતા કે તમે બંને એની પાસે ગયા હતા અને એ લોકો તમને બંનેને અલગ થતા એ રોકી શક્યા નથી. જેકેશને મેં જ્યારે સમજાવવા કહ્યું ત્યારે એણે શક્ય ન હોવાનો રાગ આલાપ્યો હતો. મને ત્યારે થોડી શંકા થઇ હતી. મેં સુલુને કહ્યું કે જેકેશ- રતીના એમના જિગરજાન મિત્રો છે. એમનાથી દિલની વાત છુપાવે એ માની શકું નહીં. અને એ બંને માફી માગવા આવ્યા હતા એનો અર્થ પોતાને એમના અલગ થવાના કારણની કોઇ ખબર નથી એ સાબિત કરવા જ આવ્યા હતા. એમને ખબર ન હતી કે અમે ઘાટઘાટના પાણી પીધા છે. અમે બીજા જ દિવસે એમના ઘરે ગયા અને કહી દીધું કે અમે હવે દિયાનને પુત્ર માનતા નથી. અમે દિયાન સાથે સંબંધ કાપવાની વાત કરી એટલે એનું દિલ પીગળી ગયું અને એણે તમારી સ્થિતિની બધી જ વાત કરી દીધી...' દિનકરભાઇ મોટું કામ કર્યું હોય એમ ખુશ થતા બોલ્યા.
'પપ્પા, તમે જેકેશ- રતીનાને બ્લેકમેલ કર્યા કહેવાય! હું એને છોડીશ નહીં!' કહી દિયાન હસવા લાગ્યો.
દિનકરભાઇએ તરત જ જેકેશને ફોન જોડ્યો અને પોતાના ઘરે આવી જવા કહ્યું.
સુલુબેન અને હેવાલી ચા- નાસ્તો તૈયાર કરવા ગયા.
દસ મિનિટ પછી જેકેશ- રતીના હાજર હતા. એ બંને દિયાન- હેવાલીથી નજર ચોરતાં માફી માગવા લાગ્યા.
દિયાન પણ રીસાઇ ગયો હોય એમ બોલ્યો:'જેકેશ, આ સારું ના કહેવાય. તેં મિત્ર સાથે વિશ્વાસઘાત કર્યો છે.'
'શું કરું યાર? તારા પપ્પાએ મને મુસીબતમાં મૂકી દીધો હતો. તમને એક યુવક અને યુવતીનું ભૂત કાબૂમાં લઇ રહ્યું છે એ મારે કહેવું પડ્યું હતું. તમારા જીવને ખતરો હોવાથી એ ભૂતોની શરણમાં રહેવા સિવાય બીજો કોઇ માર્ગ ન હોવાથી એમણે અલગ થવાનો નિર્ણય લીધો છે એવું કહી દેવું પડ્યું. કેમકે તમને ખબર ન હતી કે આ વાતનો અંજામ શું આવવાનો છે. પહેલાં તો અંકલ અને આંટી બહુ ગભરાઇ ગયા હતા. એ તારી સાથે ચર્ચા કરવાના હતા. મેં એમને કહ્યું કે એ ભૂત એમના મનોજગતમાં આંટો મારે છે. જો એમને ખબર પડશે તો દિયાન અને હેવાલીની હાલત વધારે ખરાબ થશે. અત્યારે એમના ઇશારે જ જીવવા દો. ભગવાન કરે કે કોઇ ચમત્કાર થાય અને એ બંને મુક્ત થઇ જાય. ત્યારે એમણે ભગત- ભૂવાને બોલાવીને વિધિ કરવા જેવા અનેક ઉપાય સૂચવ્યા હતા. પરંતુ મેં એમને આશ્વાસન આપ્યું હતું કે દિયાન અને હેવાલીએ મને કહ્યું છે કે એમનાથી છૂટકારો મેળવવાનો કોઇ રસ્તો શોધી કાઢશે...' જેકેશ બંને માટે લાગણી વ્યક્ત કરતા બોલ્યો.
'રસ્તો તો મોતની ખીણમાં જ જતો હતો. થોડીવાર પહેલાં એમણે અમને પણ ભૂત-પ્રેત બનાવવા ગળા દબાવી દીધા હતા. કાચાપોચાના તો હાંજા ગગડી જાય એમ હતું. પરંતુ અમારી પાસે એનો રસ્તો હતો એટલે નિશ્ચિંત હતા...' દિયાન રાહતના શ્વાસ લેતાં બોલ્યો.
સુલુબેનની નજર દિયાન અને હેવાલીના ગળા પર પડી. ત્યાં ખરેખર લાલાશ હતી. તે ચોંકીને બોલ્યા:'તમારા ગળા એમણે દબાવી દીધા હતા પછી તમારો જીવ કેવી રીતે બચ્યો? અને તમે આટલી હિંમત કેવી રીતે લાવ્યા? તમે કોઇ પ્રતિકાર કેમ ના કર્યો?'
'કેમકે અમે તમારી સામે માનવી તરીકે નહીં ભૂત તરીકે બેઠાં છે! હા...હા...હા...' દિયાન મોટેથી હસીને બોલ્યો.
'હેં....?' બોલતાં સુલુબેનને આંખો ફાટી ગઇ. દિનકરભાઇ અને જેકેશ- રતીના પણ ગભરાઇને ઊભા થઇ ગયા. બધાંને શંકા ગઇ કે આ દિયાન- હેવાલીના રૂપમાં મેવાન- શિનામી તો નહીં હોય ને?
ક્રમશ: