Thherav - 11 - last part in Gujarati Fiction Stories by CA Aanal Goswami Varma books and stories PDF | ઠહેરાવ - 11 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

ઠહેરાવ - 11 - છેલ્લો ભાગ

વીરા અને સાહિલ, વડોદરાથી સાહિલના માં, પપ્પા અને ગુરુજીને મળીને અમદાવાદ આવે છે અને
સાહિલના ગુરુજી, સાહિલ અને વીરાના જીવનમાં ખુશી આવશે એવું કહેતાંની સાથે એમ પણ કહે છે કે, સાહિલનો જે ઉદેશ્યથી જન્મ થયો એ ઉદેશ્ય હવે પૂરો થાય છે. ડોક્ટર વીરાને પ્રેગેન્ટ જાહેર કરે છે. આખરે વીરાએ શું નિર્ણય લીધો એ જાણવા, ચાલો વાંચીયે ઠહેરાવ -11. (છેલ્લો ભાગ)

કોઈક દ્રઢ નિર્ણય કરતી હોય એમ વીરા બોલી, 'ચાલ સાહિલ, મારી સાથે મહેતા હાઉસ ચાલ.' સાહિલ અને વીરા મહેતા હાઉસ ગયા. વીરાની ધારણા પ્રમાણે, સમય ત્યાંજ હતો. આખા દિવસમાં વીરા ક્યાં છે એ જાણવા સુધ્ધાંની દરકાર, સમયે કરી ન હતી. કોઈ ફોન, મેસેજ સુધ્ધાં નહિ. વીરા અને સાહિલને એકસાથે જોઈને, સમય બોલ્યો, 'આવી ગયા મેડમ, હરીફરીને.' પછી વીરાને સંબોધીને કહ્યું, 'તને નથી ખબર કે, ઘરે આપણે ઓફિસ સંબંધિત કોઈ કામ નથી કરતા અને મને એમ કહે કે વીરા, તારા આ ક્લાયંટનું પેયમેન્ટ તું તારા ખાતામાં કેમ લે છે? સારું એક કામ કર, મને આ ચેક સાઈન કરી આપ, કેટલાક ખર્ચ ચૂકવવાના છે.' વીરાએ, સમયને કહ્યું, 'ના. હવે કોઈ ચેક પર સહી નહિ થાય. આપણી ભાગીદારી ખતમ. અંગત અને પ્રોફેશનલ બંને ભાગીદારીનો આજથી અંત.'

એક ધારદાર નજરથી, તારા મોમને જોઈને પૂછ્યું કે 'તમે જાણતા હતા ને કે ખામી સમયમાં છે, એ બાપ બની શકે એમ નથી. ખબર હતી ને તમને? છતાં, તમે મને એમ કહ્યું કે હું માં બની શકું એમ નથી. શું કામ મારી સાથે આવી રમત રમ્યા તારા મોમ? એક સ્ત્રી તરીકે તમને એવું પણ ના થયું કે, માર પર શું વીતશે? તમે મારા પર એટલો પણ ભરોસો ના કર્યો કે મને પોતાની સમજીને સાચું કહો. સમય, તું મને કહે, આપણે પતિ પત્ની સારા નથી પણ આપણે મિત્ર પણ એટલા ખરાબ હતા કે તારે મારી જોડ આવી રમત રમવી પડે. તને કેમ ભરોસો ન હતો કે તું મને સચ્ચાઈ કહી શકે છે . લગ્ન વખતે જુઠું , લગ્ન પછી જૂઠું કેમ સમય કેમ? કેટલા દગા, કેટલાં જુઠ્ઠાણાં? શું ગુનો છે મારો?'

'શું મારા માતા પિતા નથી અને તમે મને મોટી કરી એથી તમે મને તમારી મિલકત સમજી લીધી? મારી ઈચ્છા, મારી મરજી કોઈ મહત્વ જ નથી ધરાવતી. તો મને કહેવા દો કે મને ગિરીશ પપ્પાએ ઉછેરી છે. તમે મારા માટે જે ખર્ચ કર્યો એના પૈસા તો મારા ગિરીશ પપ્પા અને શિશિર પપ્પાની મહેનતનાં છે. સમય, તે ક્યારેય એ જાણવા સુધ્ધાંનો પ્રયત્ન કર્યો કે શું હું ખુશ છું? કેટલી વાર મેં તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ક્યારેય મારી વાત સમજવાનો અરે સાંભળવા સુધ્ધાંનો પ્રયત્ન કર્યો? હું તારા માટે એક બાર્બી ડોલ હતી જે તારા સ્ટેટ્સ માટે જરૂરી હતી. તારી માટે જરૂરી હતી.'

તારા મોમ બોલ્યા, 'તું આ બધું આ સાહિલ માટે કરી રહી છે ને?' સમય, વીરાની તરફ આગળ વધ્યો, સાહિલ વીરા અને સમયની વચ્ચે આવીને ઉભો રહી ગયો. સમય બોલ્યો, 'ખસી જા અમારી વચ્ચેથી.' સાહિલે કહ્યું 'હા, હું તમારી વચ્ચે છું અને હવે તો હું અહીંયા જ રહીશ. તને ખબર છે સમય, હું તમારી વચ્ચે આવ્યો એટલે તું વીરાથી દૂર નથી થયો. તું વીરાથી દૂર હતો અને છે અને એટલે જ મારી જગ્યા થઇ. વીરા, હકદાર છે પ્રેમની, ખુશીઓની ને હવે વીરાને એ બધી ખુશી મળશે જેની એ હકદાર છે.'

વીરા, સમય અને તારા મોમની સામે, સાહિલનો હાથ પકડતા બોલી, 'હું સાહિલ સાથે લગ્ન કરી રહી છું. ડિવોર્સના પેપર પર સહી કરી દેજે અને હા, હું માં બની શકું છું, હું જે તમારા પ્રમાણે ક્યારેય માં બની શકે એમ ન હતી, એ વીરા, સાહિલ અને મારા પ્રેમની નિશાની, અમારા બાળકની માં બનવા જઇ રહી છું.' વીરા, સાહિલનો હાથ પકડીને સડ્સડાટ મહેતા હાઉસની બહાર નીકળી ગઈ. ગાડીમાં બેસીને, મહેતા હાઉસ તરફ, જોતાં બોલી, ગિરીશ પપ્પા, તમારી વીરા હવે, પોતાના મનનું કરશે. સાહિલ તરફ જોઈને, વીરા બોલી, સાહિલ, તું કરીશને મારી સાથે લગ્ન? બનાવીશને મને, "વીરા સાહિલ" હંમેશને માટે. સાહિલની આંખોમાંથી આંસુ વહી રહ્યા અને વીરાએ આંસુને ઝીલતા બોલી, નહિ સાહિલ, હવે આપણી જીંદગી શરૂ થાય છે. હવે, સાહિલ અને વીરાને એક થવાનો વખત થઇ ગયો છે. સાહિલ અને વીરા એકબીજાને ભેટી પડે છે. સાહિલ, વિરાના પેટને ચુંબન કરતા કહે છે, આ જગતમાં તમારું સ્વાગત છે, અમારા અંશ.

સાહિલ, ઘરે ફોન લગાવે છે અને ગાડીના બ્લૂટૂથથી કન્નેક્ટ કરે છે. વિશાલ પપ્પા ફોન ઉપાડે છે. સાહિલ અધીરાઈથી પૂછે છે કે, માં ક્યાં છે. પપ્પા કહે છે, આ રહી તારી માં, ફોન સ્પીકર પર છે, બોલ. સાહિલ, ખુશીથી, મોટેથી બોલે છે કે મમ્મી પપ્પા, તમારો સાહિલ પરણી રહ્યો છે અને તમે દાદા- દાદી પણ બની રહ્યા છો. મેઘામાં અને વિશાલ પપ્પા બંને ખુશ થઇ ગયા. વીરા બોલી, માં તમે ખુશ છો ને? મેઘમાં બોલ્યા, હા વીરા બચ્ચા હું ખુશ છું, બહુ જ ખુશ છું. એક માતા તરીકે પણ અને એક સ્ત્રી તરીકે પણ. તમે બંને જલ્દીથી વડોદરા આવી જાવ. સાહિલ કહ્યું હા માં. અમે રસ્તામાં જ છીએ. પહોંચી જઈશું. જય શ્રી કૃષ્ણ. મેઘામાં ના શબ્દો, સાંભળજે બેટા, મનમાં જ રહી ગયા.

મેઘામાં અને વિશાલ પપ્પા, દરવાજા પાસે ખુરશી લઈને બેસી ગયા. મેઘામાં, સવારથી, એક પછી એક બનેલાં પ્રસંગો વાગોળતા રહ્યાં. પહેલી વાર વીરાનું મળવું, ગુરુજીનું બંનેને આશીર્વાદ આપવું. પોતાનું , વીરાને સમજાવવું, બધું એક પછી એક એમની નજરમાંથી પસાર થવા લાગ્યું. વાર-વારે એમને ગુરુજીના શબ્દો યાદ આવી રહ્યાં હતાં, "સાહિલ, તારો જે ઉદ્દેશ માટે જન્મ થયો હતો એ ઉદ્દેશ, હવે પૂરો થયો છે." મેઘાને એક વિચિત્ર લાગણી થવા લાગી. મેઘાનો ફોન રણક્યો, સાહિલનું નામ દેખાતું હતું, મેઘાએ વધેલ ધબકા સાથે ફોન ઉપાડ્યો, ફોન પર કે બીજાનો અવાજ હતો, એ ભાઈ એ કહ્યું, જલ્દીથી મયાજી હોસ્પિટલ પહોંચો. મેઘા, આગળ કઈ બોલી ન શક્યા, એ મીનીટ પછી ફોન મૂકાઈ ગયો પણ પાછળથી આવતો એમ્બ્યુલન્સનો અવાજ, મેઘાને ઘણું કહી ગયો.

પિસ્તાલિસ મિનિટ પછી, મેઘા અને વિશાલ હોસ્પિટલમા હતા, વીરાની બાજુમાં. વીરા હજી બેહોશ હતી. વીરા ભાનમાં આવતા જ એને સંભાળવા માટે મેઘામાં પોતાને તૈયાર કરી રહ્યા હતા તો વિશાલ, મેઘાને સંભાળી રહ્યા હતા. વીરાએ , ભાનમાં આવતાં જ પૂછ્યું, સાહિલ? વીરાના, સવલન જવાબમાં મેઘા, ફક્ત પોતાનું ડોકું નકારમાં હલાવી શક્યા અને બંને સ્ત્રી, આભ ફાટી પડે એમ રડી પડી. વીરાને, જ હવે ભાન થયું હોય એમ એણે, પોતાના પેટ પર હાથ રાખીને, મેઘા માંની તરફ જોયું, આ વખતે જવાબમાં મેઘામાં એ વીરાના પેટ પર હાથ મૂકીને, હા પાડી અને ફરી એક વાર બંને માં, રડી પડી. એક સ્ત્રીએ પોતાન બાળક ખોઈ દીધું હતું તો બીજીએ પોતાના બાળકનો પિતા.

સાહિલના બેસણામાં, સમય અને તારા મોમ પણ આવ્યા હતાં. તારા મોમે, તક મળતાં, વીરાને કહ્યું, હજી મોંડુ નથી થયું, સમય તારા બાળકને, એનું નામ આપી દેશે, તું ચાલ અમારી સાથે. જેના માટે તે સમયને છોડ્યો એ તો હવે રહ્યો જ નથી. વીરા, સિંહણની જેમ ગર્જના કરતાં બોલી, સાહિલ માર પાસે જ છે, એ ક્યાંય નથી ગયો. એ મારા મનમાં છે, મારા અણુએ અણુમાં છે, મારા અસ્તિત્વમાં છે અને મારા ઉદરમાં છે. થોડેક દૂર બેઠેલાં, મેઘામાં, આ સાંભળી રહ્યા હતા, એમને, સાહિલે એમની સાથે કરેલી છેલ્લી વાત યાદ આવી, "તું ચિંતા ના કર, બધું સારા માટે થશે. તું હમેશા મારી જોડે રહેજે અને હું પણ હંમેશા તારી આસપાસ રહીશ.". મેઘાની નજર વીરા સાથે મળી, જાણે વિરાની આંખોમાં રહેલો સાહિલ કહી રહ્યો હતો કે માં, હું અહિયાં જ છું, તમારી સાથે, હમેશાં.


સમાપ્ત


✍️©CA આનલ ગોસ્વામી વર્મા

ખાસ નોંધ: ધારાવાહિક આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.

મિત્રો, ઠહેરાવ, મારી ચોથી લઘુ નોવેલ છે અને મારી બીજી નોવેલની જેમ, મારાં હ્રદયની ખૂબ નજીક છે. તમારાં, ઠહેરાવ વિશેના અભિપ્રાય ચોક્કસ જણાવજો. મારી બીજી નોવેલ ભાઈબંધ સાથે બહુ જલ્દી, પાછા મળવાના વાયદા સાથે , આવજો.