ઠહેરાવ -9 સુધી આપણે જોયું કે, વીરા મહેતા હાઉસમાં છે. ગિરિશ પપ્પાના લેટરને વાંચ્યા પછી વીરા ફરી એકવાર પોતાના દગાથી થયેલ લગ્ન, સમય સાથેનો પ્રેમ વગરનો સંબંધ અને સાહિલ સાથેની પહેલી મુલાકાતથી લઈને વધતી નજીકતા અને સાહિલ અને વીરાના પ્રેમની અભિવ્યક્તિ સુધીની પોતાની જીંદગીની યાત્રા પોતાના વિચારોમાં એક વાર ફરી જીવી ગઈ અને આખરે થાકીને સુઈ ગઈ. વીરાને, કાલે સાહિલને મળવાનું છે. સાહિલ અને વીરાના આજ વિશે જાણવાં ચાલો વાંચીએ, ઠહેરાવ - 10.
વીરાને સુતા ઘણું મોડું થયું હોવાથી એની આંખ ખુલતાં આઠ વાગી ગયા હતા. પલંગ પરથી ઉભા થતા એને ચક્કર આવ્યા, બાજુમાં રાખેલ બોટલમાંથી પાણી પીને, વીરા ફરીથી ઉભી થઇ. ફ્રેશ થઈને નીચે આવી ત્યારે, સમય, કામ માટે જઈ ચુક્યો હતો અને તારા મોમ હજી સુતા હતા. મહારાજે બ્રેકફાસ્ટ રેડી કરી રાખ્યો હતો. મોહન મહારાજ, વીરા અને સમયને નાનપણથી જાણતાં હતા એટલે જયારે- જયારે વીરા અને સમય અહીંયા રોકાતા, મહારાજ એમના માટે એમનો ભાવતો નાસ્તો બનાવતાં. વીરા, મોહન મહારાજને મળી અને એમણે બનાવેલા મેથીના થેપલાનો રોલ વાળીને, પોતાની સાથે લેતી મહેતા હાઉસની બહાર નીકળી.
વીરા, કેબ કરીને ઠહેરાવ પહોંચી. સાહિલ સ્ટુડીયોમાં હતો, વીરાને જોઈને એ ઉભો થયો અને વીરાને કપાળ પર, પ્રેમથી ચુંબન કર્યું. મામીથી ઓર્ડર કરેલ કેક્ટ્સ, વીરાને આપતા, સાહિલ વીરાની આંખોમાં જોઈ રહ્યો. કેક્ટ્સને જોઈને ખુશ થઇ ગયેલ, વીરાની આંખોની ચમક માટે સાહિલ આજે પણ મરતો હતો. સાહિલને પોતાની સામે જોઈ, વીરા બોલી 'શું?' સાહિલે હસીને, વીરાને પોતાની પાસે ખેંચીને એને ભેટતાં બોલ્યો, 'તારી આંખો,' સાથે-સાથે સાહિલે વીરાની આંખોમાં રહેલો ઉજાગરો પણ નોંધી લીધો. વીરાની આંખોને ચૂમતા બોલ્યો, કે 'કાલે ગિરીશ પપ્પાનો પત્ર વાંચ્યો હતો ને? ખૂબ મોડા ઊંઘી હતી ને? શું કામ વીરા, શું કામ, ખુદને આટલી તકલીફ આપે છે? મારાથી તારી આ હાલત નથી જોવાતી. તને કેમ નથી ખબર પડતી કે, પોતાની ખુશી માટે એક નિર્ણય લેવો એ કોઈ ખોટી વાત નથી. વીરુ, સમજ જાન, ના તકલીફ આપ તારી જાતને, મને, આપણને.' વીરા સાહિલને વધારે જોરથી વીંટળાઈ ગઈ. સાહિલ, ફરી એક વાર વીરાનું કપાળ ચૂમતા બોલ્યો કે 'ચાલ, માં પપ્પાને, મળવું છે ને?'
સાહિલ, વીરાની આંખોમાં રહેલ સંકોચ જોઈને બોલ્યો , 'તું ચિંતા ના કર, કોઈ તને જજ નહિ કરે. તું પરણેલ છે એ મેઘામાં અને વિશાલ પપ્પા બંનેને ખબર છે. તું ફિકર ના કર, તારા વિશે કોઈ ધારા ધોરણ નહિ બધાંય.' વીરા અને સાહિલ જવા માટે નીકળતા હતું કે , દરવાજા પાસે વીરાને ફરી એક વાર ચક્કર આવ્યા. વીરાએ સાહિલનો હાથ પકડી લીધો, સાહિલે પૂછ્યું 'કાંઈ ખાઈને આવી છે?' વીરા એ કહ્યું 'હા, પણ આજકાલ આવું ઘણી વાર થાય છે.' સાહિલે કહ્યું, 'આપણે માં અને પપ્પાને મળીને પછી ડોક્ટર પાસે જતા આવીશું. ગુરુજી, આવવાનાં છે એટલે આપણે પહેલાં મારા ઘરે જ જવું પડશે પછી સીધા ડૉક્ટર પાસે જઈશું.'
સાહિલ અને વીરા કારમાં વડોદરા જવા નીકળ્યા. સાહિલનું ઘર વડોદરાના માયરા રોડ પર હતું. જૂની ઢબનો પણ એક્દમ સરસ રીતે માવજત કરેલ બંગલાની આગળ ખૂબસુંદર બગીચો હતો. વીરા એ સુંદર બગીચાને પોતાની આંખોમા ભરી રહી. મેઘામાં અને વિશાલ પપ્પા, સાહિલ અને વીરાનું સ્વાગત કરવા, દરવાજા પાસે આવીને ઉભા હતા. વીરાએ, મેઘા અને વિશાલને આદરથી પ્રણામ કર્યા. મેઘા માંએ, વીરાને પ્રેમથી ગળે લગાડી. વીરાએ ઘણા વખતે, મમતાનો અહેસાસ કર્યો. બધા સાથે અંદર ગયા. થોડીવારમાં ગુરુજીની પધરામણી થવાની હતી. વીરા, મેઘા માંની પાસે બેઠી અને સાહિલ, વિશાલભાઈ સાથે કંઈક ચર્ચા કરવા અંદર ગયો.
મેઘા માંએ વીરાને પ્રેમથી પૂછ્યું કે 'તું શું ખાઈશ બેટા?' વીરાએ, કઈ પણ ખાવાની ના પાડી. વીરાએ પૂછ્યું , 'તમને ગુસ્સો નથી આવતો મારા પર?' મેઘમાં બોલ્યા, 'આવે છે ને, મને તારી પર ખૂબ ગુસ્સો આવે છે. ગુસ્સો એ વાતનો કે તું શું કામ તારી ખુશી માટે નથી લડતી? તું જેમાં ખુશ છે, એ નિર્ણય કેમ નથી લેતી? બેટા, તને હક છે ખુશ થવાનો. પ્રેમ કરવાનો અને જરૂર પડે તો પોતાના પ્રેમને પામવાં, નિર્ણય લેવાનો. જીંદગી ઘણી વાર આપણે ખુશ કરવા માટે, આપણા તરફથી કોઈ પગલાંની અપેક્ષા રાખતી હોય છે અને તારા માટે એ પગલું, સાહિલ છે. બેટા, આ બાબતે વિચારજે.'
ગુરુજી આવતાં બધા ઉભા થઈને બહાર એમને તેડવા ગયા. સાહિલ અને વિશાલ પપ્પાં પછી વીરા અને મેઘામાં, ગુરુજીને પગે લાગ્યાં. ગુરુજીએ સાહિલને આશીર્વાદ આપતા કહ્યું કે 'બેટા, જે ઉદેશ્યથી તારો જન્મ થયો હતો એ હેતુ પૂરો થઇ ચુક્યો છે. તું જેની તલાશમાં છે એ ખુશી તને જલ્દી મળશે.' વીરાને જોઈને બોલ્યા, 'બેટા ખૂબ જલ્દી તારું જીવન ખુશીઓથી ભરાઈ જવાનું છે, બસ તારે હિંમત કરવાની છે.'
ગુરુજીના ગયા પછી, વીરા, સાહિલ અને એના મમ્મી પપ્પા જોડ જમવા બેઠી. બધા ખુશ હતા. મેઘામાં થોડા ચિંતિત દેખાતા, સાહિલ બોલ્યો 'શું થયું માં? કેમ ઉદાસ છે?' માં બોલી, બેટા આજે ગુરુજીએ એમ કહ્યું કે, : સાહિલ, જે ઉદેશ્યથી તારો જન્મ થયો હતો એ હવે પૂરો થયો અને પછી બોલ્યા કે તને ખૂબ જલ્દી ખુશી મળશે. મને કંઈક અજુગતું લાગે છે. સાહિલ, પોતાની ખુરશી પરથી ઉભો થઇને, માંને પ્રેમથી, બાથ ભીડતા બોલ્યો, તું ચિંતા ના કર, બધું સારા માટે થશે. તું હમેશા મારી જોડે રહેજે અને હું પણ હંમેશા તારી આસપાસ રહીશ.'
સાહિલ અને વીરા, અમદાવાદ આવવા નીકળ્યા. વીરાને એમ કે સાહિલ ડૉક્ટર પાસે જવાની વાત ભૂલી ગયો હશે પણ એના આશ્ચર્ય વચ્ચે, સાહિલે અમદાવાદમાં પહોંચીને, ડોકટરના ક્લીનીક પાસે ગાડી ઉભી રાખી અને વીરાના આશ્ચર્ય વચ્ચે, સાહિલે વડોદરાથી જ એપોઇન્ટમેન્ટ લઇ લીધી હતી જેથી બહુ રોકાવું ના પડે. બંને સમયસર ત્યાં પહોંચી ગયા હતા. ડોક્ટરે, વીરાનું કાંડુ પકડીને, ધબકારા ચેક કર્યા અને પછી બ્લડપ્રેશર માપ્યું. યુરિન ટેસ્ટ કરાવવાનું કીધું અને પ્રેગ્નનસી ટેસ્ટ માટે પણ કહ્યું. વીરાને આ સાંભળીને ઘક્કો લાગ્યો, એણે ડોક્ટરને થોથવાતા કહ્યું ડૉક્ટર હું તો માં બની શકું એમ જ નથી. ડોક્ટરે કહ્યું 'બેન, ચમત્કાર તો બધે થાય છે, આ પણ ચમત્કાર હોઈ શકે અને હું તો ફક્ત તપાસ કરવાનું કહું છું. તમે ઉપરના માળે જતા રહો ત્યાં, ગાયનેક ડૉક્ટર છે એ તપાસ કરશે.' સાહિલ શાંતિથી, બહાર બેસીને વીરાની રાહ જોતો હતો. વીરાએ, બહાર આવીને સાહિલને બધી વાત કરી. વીરા જે રીતે ગભરાઈ રહી હતી એ જોઈને સાહિલે, વીરાનો હાથ પકડીને કહ્યું કે 'ચાલ હું આવું છું તારી સાથે. તું ચિંતા ના કર, જે થાય છે એ સારા માટે જ થાય છે.' વીરા અને સાહિલ, સાથે ઉપર જાય છે.
સાહિલ અને વીરા, જેવા રૂમમાં પ્રવેશ્યા, લેડી ડોક્ટરે કહ્યું, 'અભિનંદન, તમે માતા-પિતા બનવાના છો.' જાણે એક ધબકારો ચુકી ગઈ હોય એમ, વીરા ઠંડી પડી ગઈ. ડોક્ટર, વીરાને ચેક કરવા અંદર લઇ ગયા. વીરાને હવે યાદ આવ્યું કે એના છેલ્લા પીરીયડને આવ્યે લગભગ દોઢ મહિના જેવું થઇ ચૂક્યું છે. ધીરે રહીને એને ડોક્ટરને પૂછ્યું કે 'ડોક્ટર તમે ચોક્કસ છો? મને તો એવું ખબર છે કે હું માં બની શકું એમ નથી.' ડોક્ટરે કહ્યું , 'ના એવું તો કાંઈ જ નથી. તમારી ઓવરી એકદમ નોર્મલ છે. મને તો એમ કે તમે પ્લાન કરતા હશો. બાકી તમને તો પ્રેગનેંસી બહુ પહેલ રહી જવી જોઈતી હતી.' વીરાનું મગજ ચકરાવે ચઢી ગયું. સાહિલ અને વીરા ડોક્ટરના કેબીનમાંથી બહાર નીકળ્યા. ગાડીમાં બેસવા સુધીમાં બંને વચ્ચે એક ચુપકીદી છવાઈ ગઈ. સાહિલ પૂછ્યું, 'વીરા આ બાળક, આ બાળક, વીરાએ કીધું હા, સાહિલ, આ બાળક આપણું છે. તારું અને મારુ. આપણું બાળક. તને યાદ છે જ્યારથી મને ખબર પડી કે હું માં બની શકું એમ નથી એ પછી આપણે......' સાહિલ વીરાને ભેટી પડ્યો, એના કપાળને વારે- વારે ચુમતાં બોલ્યો, 'આજે તેં મને એટલી મોટી ખુશી આપી છે કે આજે મારે મરવાનું પણ હોય તો મને અફસોસ નથી.' વીરાએ, સાહિલના મોઢા પર હાથ મૂકી દીધો. સાહિલ બોલ્યો, 'વીરા શું હવે પણ, હજી પણ તને નથી લાગતું કે આપણે સાથે રહેવું જોઈએ?'
✍️CA આનલ ગોસ્વામી વર્મા
વધુ છેલ્લા અંકે....
ખાસ નોંધ: ધારાવાહિકમાં આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.