ગીરના સુકા ભઠ્ઠ જંગલ ઉપર ધીમે ધીમે વાદળાની જમાત ભેગી થવા લાગી હતી. રાધી પાણીમાં ડૂબી પછી તેના શરીરમાં નબળાઈ વધારે દેખાતી હતી. હમણાંથી તે જંગલમાં માલ ચરાવવા પણ નહોતી આવતી. રાધીના આપા નનોભાઈ એકલો માલ લઈને આવતો હતો. તો ક્યારેક અમુઆતા પણ ભેળા આવતા હતા. કનો એકાદ દિવસ માલમાં નહોતો આવ્યો પછી પાછો કાયમ ગેલા સાથે માલ ચરાવવા પહોંચી જતો હતો. રાધી વગર કનાનું મન જંગલમાં લાગતું ન હતું. તે આખો દાડો સુનમુન રહ્યા કરતો હતો.તે એક જગ્યાએ બેસીને ભેંસોનું ધ્યાન રાખ્યા કરતો હતો. અને બીજા ગોવાળિયાની વાતો સાંભળ્યા કરતો હતો. બીજા ગોવાળિયાને એવું લાગતું હતું કે કનો પાણીમાં ડૂબી ગયો એમાં બી ગયો હશે એટલે ઓછું બોલતો હશે.
બપોરનું ટાણું થઈ ગયું હતું. માલઢોર તડકાને લીધે છાયડો ગોતીને બેસી ગયા હતા. તો ભેંસો બધી મોટી પાટયમાં પડી પડી આળોટતી હતી. અને આખી રાબડ રાબડ થઈને નિરાંતે વાગોળતી હતી. જંગલમાં માખી, મચ્છર ભેંસોને વધારે કરડે એટલે પાણીમાં કે રાબડામાં પડીને ભેંસોને તેનાથી છુટકારો મળે છે. ગોવાળિયા મોટી જૂની પીપરના ઝાડ નીચે ભેગા થઈ બપોરા કરવાની તૈયારી કરી રહ્યા હતા. રોજે રોજનું કામ બધાએ વહેચી લીઘેલું હોય છે. બે ત્રણ ગોવાળ બળતણની કોળી કરવા લાગે છે. બધાના થેલામાંથી લાવેલું કાચું શાકભાજી બધાં ગોવાળિયા એક કપડાં પર મૂકીને દે છે. બે ગોવાળિયા કમરે બાંધેલી ચપ્પુ છોડીને બધું શાકભાજી કાપવા લાગે છે. આમ તો શાકભાજીમાં ગોવાળિયા મોટાભાગે ડુંગળી, બટાકા જ ખાય છે. ક્યારેક કોઈક લીલું શાક લાવ્યું હોય તો ખાવા મળે છે.ચોમાસામાં જંગલમાં મળી આવતાં કંટોલા વીણીને તેનું શાક બનાવી લેતાં હોય છે. બધા ગોવાળિયાની સાથે થેલામાં તેલની બોટલ પણ હોય છે. રોજ એક એક વારાફરતી તેલ, મસાલા આપતા રહે છે. શાક બનાવવાનો સારો જાણકાર હોય તે મોટી તપેલીમાં શાક વઘારી નાખે છે. અહીં વધારે તો ગેલો જ શાક બનાવે. બધા ગોવાળિયાની સાથે બે બે બાજરાના બઢા તો હોય જ છે. શાક તૈયાર થાય એટલે બધા સરખા ભાગે વહેંચી લે છે. તેમાંય જમતી વખતે કોઈ સાધુ સંત રસ્તે નીકળ્યા હોય તો ગોવાળિયા ભાતમાંથી એક તેનો ભાગ પણ કાઢે છે. અને સાધુ મહારાજને જમવા બેસાડી દે છે.
ગોવાળિયાની રોજની માલઢોર ચરાવવા માટેની જગ્યા નક્કી હોય છે. આવા અલગ અલગ પાંચ થી છ રુટ બનાવેલા હોય છે. જેથી બધે એકસરખા પ્રમાણમાં ઘાસ રહે. અલગ અલગ ચરાણની જગ્યાએ બપોરા કરવાની અને બપોરે આરામ કરવાની જગ્યા પણ ચોક્કસ વડલા કે પીપરના છાયાદાર વૃક્ષ નીચે હોય છે. એટલે જે દિવસે આ ઝાડના આછરે ગોવાળિયા હોય તે દિવસે ઝાડ પરની ખિસકોલીઓ, બુલબુલ, લેલા, કાગડા, કાબરો,બ્રાહ્મણી મેના બધા ખૂબ મોજમાં હોય છે. ગોવાળિયા બપોરા કરીને વધેલા રોટલાને છોળીને ભૂકો કરી સુવાની જગ્યાથી દૂર વેરી દે છે. જેવા ગોવાળિયા પથ્થરના ઓશીકા કરી માથે લૂંગી નાખી આરામ કરે કે તરત આ બધા પક્ષીઓ નીચે આવીને રોટલાનો ગોર ચણવા માંડે છે. રોટલા ખાધ્યા પછી ખિસકોલીઓ ધરાઈને મોજમાં આવી જાય છે, અને પોતાની ગુચ્છાદાર પૂછડી ઝાટકાથી ઊંચી નીચી કરી ટ્રીક...ટ્રીક..કરી બોલવા લાગે છે. પછી ઝાડના થડ પર અને ડાળીઓ પર એકબીજાની પાછળ દોડવા લાગે છે. ઘણી વખત આવી રીતે દોડમદોડી કરતા ખિસકોલી ઝાડની ઊંચી ડાળીએથી નીચે પણ પડી જાય છે. પરંતુ કુદરતે તેને એવી આવડત આપી છે કે તે જમીન પર પડે એટલે પગ ભેર જ પટકાય છે અને પડ્યા ભેગી પાછી દોડવા લાગે છે.
કનો બપોરા કરીને સૂતો ન હતો. રાધી હોય ત્યારે તો તે બંને ભેગા થઈ ભેંસોનું ધ્યાન રાખીને બેઠા હોય. પણ અત્યારે કનો એકલો જ હતો. આજે કનાને બેઠા બેઠા રાધીની બહુ યાદ આવતી હતી.આ જગ્યા તેને આજે એકદમ ઉજ્જડ લાગતી હતી. નહિતર બધું એનું એ જ હતું. એ જ ખાડય હતી જેમાં કાયમ ભેંસો બેસતી હતી. એ જ રાણનું ઝાડ હતું,જેના છાયડે રોજ તે રાધી સાથે બેસતો હતો. પરંતુ એક રાધી ના હોવાથી કનો આજે ઉનાળામાં ગીરનું જંગલ જેમ ઉજ્જડ થઈ જાય તેવો ઉજ્જડ લાગતો હતો. કનો બેઠો બેઠો પાણીમાં નાની-નાની કાંકરીઓ નાખી રહ્યો હતો. પરંતુ ભેંસો પાણીને રગદોળતી હોવાથી કાંકરી નાખવાથી પાણીમાં વલયો થતા ન હતા.
સામે પાણીની ઉપર ઝૂકી રહેલા ઝાડની પાતળી ડાળીઓની સાથે સુઘરી પોતાના માળા ગૂંથી રહી હતી. ચકલીના આકારની માદા સુઘરીનો રંગ માદા ચકલીને મળતો આવે તેવો હોય છે. જ્યારે નર સુઘરીના માથાનો ભાગ અને ગળાનો ભાગ પીળા કલરનો હોય છે. માળો બનાવવાની શરૂઆત નર સુઘરી કરે છે. જે દર્ભ પ્રકારના કડક અને લાંબા પાંદડાવાળા ઘાસના પાંદડાને ચીરીને પાતળી પટ્ટી ચાંચમાં લઈને આવે છે. જેને પાણીના ધરા પર ઝૂકેલા ઝાડની ડાળીમાં બરાબર બાંધી દે છે. પછી આવા ઘાસના તરણાને એકબીજા સાથે ગુંથવા લાગે છે. માળો બનાવવો એ ખૂબ મહેનત માંગી લે તેવું કામ છે. નર સુગરી આખો દિવસ ઉડાઉડ કરી આવા તરણા વેવ્યા કરે અને માળો બનાવવાનું કામ આગળ વધારે છે. જે ધીમે ધીમે ઉપરની બાજુ લોટા જેવો અને નીચે આવતા પાઇપના આકારનો થતો જાય છે. મોટાભાગે સુઘરી પોતાનો માળો પાણીના ધરા પર ઝૂકેલી ડાળીઓમાં કે કુવા પર ઝૂકેલા ઝાડની ડાળીઓમાં અથવા તો ખૂબ ઊંચા ઝાડની ડાળીઓમા બનાવે છે. જેથી કરીને શિકારી પ્રાણીઓ આવી ડાળખી પર આવવાની હિંમત કરતા નથી. અને જો ક્યારેક હિંમત કરે તો પણ બધી સુઘરી તેનાં પર હુમલો કરી દે છે. જેથી શિકારી પ્રાણીનું બેલેન્સ બગડે અને તે નીચે કૂવામાં કે પાણીમાં પડે છે. તેથી કોઈ શિકારી પ્રાણી હુમલો કરવાની હિંમત કરતું નથી. સુઘરી મોટાભાગે સમૂહમાં કોલોની બનાવીને રહે છે. તેમના ઘણા બધા માળા એક સાથે જોવા મળે છે. સુઘરીના માળાનું પ્રવેશ દ્વાર લાંબા પાઇપ જેવું હોવાથી શિકારી પક્ષી પણ તેમાં ઘૂસી શકતા નથી. માળાની બનાવટ એવી હોય છે કે તેમાં ફક્ત સુઘરી જ પ્રવેશ કરી શકે છે. માળાની અંદર ઈંડા, બચ્ચાને બેસવાની જગ્યા સીધા લોટાના આકારની હોય છે, જેથી લટકતા માળા પવનના ગમે તેટલા હલે બચ્ચા નીચે પડતા નથી. નર સુઘરીનો માળો જોવા માદા સુઘરીઓ આવે છે. તેમાંથી જે માદાને માળો પસંદ આવે તે આ માળાવાળા નરસુઘરી સાથે જોડી બનાવે છે. જોડી બનાવ્યા પછી નર માદા બંને મળીને અધૂરો માળો પૂર્ણ કરવામાં લાગી જાય છે. ત્યાર પછી માદા માળામાં બે થી ચાર ઈંડા મૂકે છે. જેને નર અને માદા વારાફરતી માળામાં બેસીને સેવે છે. ઈંડામાંથી બચ્ચા બહાર આવે એટલે નર માદા ચણ લાવીને ખવડાવવા લાગે છે, અને બચ્ચાને મોટા કરે છે.
માળો બાંધતી નર સુઘરીને કનો નિહાળી રહ્યો હતો. યુવાન થયેલા કનાના મનમાં પણ પોતાનું ઘરનું ઘર હોય, પોતાની પત્ની હોય પોતાના બાળકો હોય, તેવા વિચારો ચાલી રહ્યા હતા. કનાનું સ્વપ્નનું ઘર ગીર જ હતું. પહેલા કનાને આવા વિચારો નહોતા આવતા. તે વખતે રાધી સાથે બાળ સહજ રમતો રમતો હતો. નાનપણમાં ઘણી વખત બંને જંગલમાં ઘર ઢીંગલાની રમતો રમવામાં લાગી જતા. એ વખતે રાધી જ કનાની વહુ લાડી બનતી.એ પણ ખીજકણી વહુલાડી બનતી. ઝાડના છાયડે રાધી ઝીંઝવા નામના જાડા ઘાસની સાવરણી બનાવી સાફ સુફ કરી ફરતે માટીની પાળી બનાવી ઘર બનાવતી. આ ઘરની બાજુમાં આવી રીતે જ માટીની પાળી બનાવી ભેંસો પૂરવાનો વાડો બનાવતી. કનોને રાધી બંને જંગલમાંથી આંકડો ગોતી તેના ફળ જેને પોપટડા કહેતા તે તોડી લાવતા. તેની આગળના ભાગમાં એક સલેકડું આડું ખોસી આવી રીતે જંગલના રમકડાંની ભેંસો બનાવતા. આજુબાજુમાંથી ઘાસ તોડી ભેંસોને ખાવા માટે વાડામાં ઘાસની ગંજી બનાવતા. રાધી આવા બધા કામમાં વ્યસ્ત હોય ત્યારે કનો નિરાંતે બેઠો હોય. આ જોઈને વહુલાડી બનેલી રાધી લાડો બનેલા કનાને ખીજાતી, "આમ કુકડાઈને બેહી હૂ રયા સો? જોતાં નહી ભેંહું ભૂખી થય જય સે.ઊંડી ગર્યમાં હાંકલી જાવ.ઘડીક ભેહુને તો જંગલમાં સારવા હાંકલી જાવ. કે ન્યા હાવજ્યુંની બીક લાગે હે?" કનો રમકડાંની બનાવેલી ભેંસોને એક પછી એક હાથમાં લઈ લીલા ઘાસમાં મૂકે છે. ઘડીક ભેંસો ચરાવે ત્યાં પાછી રાધી છણકો કરી હાંકલ કરતી, " હવે ભેંહુને ઘર કોરી મોઢે કરો.પસે હું કયે દોય રશ અને તું કયે ડેરીએ દૂધ ભરવા જાહે?" વળી કનો રમકડાંની ભેંસો હાંકલીને ઘરે લાવતો.
આજે એ વાત યાદ આવતાં કનાનુ મોઢું મરકવા લાગ્યું. તેનાં મનમાં એ બધી બાળ રમત સાચી પડે તો? ના સપનાં ચાલી રહ્યાં હતાં.
ક્રમશ: ....
( વિજાણંદ આડો વીંઝણો ને શેણી આડે ભીંત,પડદેથી વાતું કરે બાળાપણાની પ્રીત....બાળપણાની પ્રીત જોવા વાંચતા રહો:"નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
Watsapp no. 9428810621