" એ તું જ હતો ને?? "મારા અવાજમાં ઉચાટ હતો.
" તું શું કહી રહી છે?? બહુ રાત થઈ ગઈ છે હવે ઊંઘી જા. આરામ કર તારી તબિયત ઠીક નથી." એ પોતાની ઓફિસ ફાઈલ લઈ ઉભા થતા બોલ્યો.
કદાચ મારો સવાલ સમજાયો ન્હોતો. અથવા એનો જવાબ આપવા માંગતો નહોતો.
મારી સાથે નો એકાંત ટાળવા એ સ્ટડી રૂમ તરફ જવા લાગ્યો. પણ આજે હું મારા પ્રશ્નોને આમ જ મૂકી દેવા તૈયાર નહોતી. મેં એકદમ થી ઉભા થઈ તેનો હાથ પકડી લીધો. એની આંખોમાં જોઈને એને પૂછ્યું,
" તું એ જ છે ને જેણે એ દિવસે મને સ્કૂલથી ઘરે ડ્રોપ કરી હતી??"
"તું કયા દિવસની વાત કરે છે??"એ હજી મારા પ્રશ્નથી અજાણ હતો. અથવા તો જાણી જોઈને અજાણ થતો હતો.
એણે મારા હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો. અને રૂમનો દરવાજો ખોલી બહાર જવા લાગ્યો.
મેં પણ હતું એટલું જોર કરી તેને જતા રોક્યો. તેની પીઠ પાછળથી હું તેને વળગી પડી. મારી આવી રીતે વળગી પડવાથી તે અવઢવ માં હોય એમ જડવત ઉભો રહ્યો. અત્યાર સુધી મારા મનમાં ધરબી રાખેલા પ્રશ્નોના જવાબ ન મળતા મારા મનમાં ભરાયેલ ડૂમો આંખોમાંથી આંસુ બની વહેવા લાગ્યો. પોતાની જાતને મારાથી અળગી કરવા તે મારા હાથને દૂર ધકેલવા લાગ્યો અને હું બળપૂર્વક એને વળગી રહી..
મારા આંસુ એની પીઠ ને પલાળી રહ્યા અને ધીમે ધીમે એનું મન પણ પલળી રહ્યું હોય એમ એના હાથ મારા હાથને પસવારી રહ્યા હતા.
તેનો એ સ્પર્શ મારા માટે પ્રથમ સ્પર્શ હતો. મારું હ્રદય જોર જોરથી ધબકવા લાગ્યું.....
અને કદાચ એનું પણ......
મારું રડવાનું હજુ પણ શરૂ જ હતું. આકાશ ધીરેથી મારી તરફ ફર્યો.. એણે મારા આંસુ લૂછ્યા....પણ મારા આંસુ તો અનરાધાર વરસી રહ્યા હતા....
મને પોતાની છાતી માં છુપાવી લેવી હોય એમ કસીને પકડી.. હું પણ આ દુનિયા થી અલિપ્ત થઇ એનામાં ખોવાઈ જવા તૈયાર હતી....
એકમેકના આલિંગન નો આ અનુભવ કેટલો આહલાદક હતો!!
એના હાથ મારી પીઠ ફરી રહ્યા હતા.... બંધ આંખે હું એને અનુભવી રહી.. હવે એ મારા ખભા અને ગરદન આસપાસ ચુંબન વરસાવી રહ્યો હતો.... અને ધીરે ધીરે મારા કપાળે, ગાલે એના થોડા રુક્ષ હોઠ મેં અનુભવ્યાં. હવે હું પણ મારા બધા પ્રશ્નો ને ભૂલી આકાશ પર પ્રેમ વરસાવી રહી હતી. મારા કોમળ હોઠના સ્પર્શથી એનામાં ઉન્માદ ઉદ્દભવી રહ્યો હતો.
અમારા હોઠ ક્યારે એક થઈ ગયા એનું અમને ભાન ન રહ્યું...... એના હાથ મારા પૂરાં શરીર પર પર ફરી રહ્યા હતા ને અચાનક જ .........
કંઈક યાદ આવ્યું હોય એમ એ એકદમ થી મારાથી અળગો થયો. એની આંખોમાં આંસુ નાં બુંદ ડોકાઇ રહ્યા.એ બહાર નીકળી આવે એ પહેલા જ એ કંઈ બોલ્યાં વગર બહાર જતો રહ્યો. હું કંઈ સમજું એ પહેલાં જ એ બહાર જતો રહ્યો હતો. આટલાં નજીક આવ્યા પછી અચાનક જ એ મારા મનમાં વધુ એક પ્રશ્ન મૂકી ચાલ્યો ગયો હતો. થોડી વાર એમ જ અવઢવ માં વિતાવી હું પણ બહાર આવી.. સ્ટડી રૂમમાં એ ન્હોતો... ઘરમાં ક્યાંય પણ નહોતો... ઘરનો દરવાજો ખુલ્લો હતો... એટલે મને લાગ્યું કે એ બહાર હોવો જોઈએ.... બહાર થોડા થોડા અંતરે મુકેલી સુંદર લાઈટોથી મનને શાંતિ આપતું દ્રશ્ય ખડું થતું હતું..
ઘરનાં સુંદર નકશીકામ વાળા દરવાજા ની સામે આવેલા સુંદર ફુવારા થી લઇ મેઈન ગેટ સુધીનાં સુંદર રસ્તાની એક તરફ એક ગોળ રજવાડી ટેબલ અને આસપાસ થોડી ખુરશીઓ બાજુ મેં નજર કરી પણ આકાશ ત્યાં નહોતો. રસ્તા ની બીજી બાજુએ એક સુંદર હિંડોળા તરફ પણ જોઈ લીધું એ ત્યાં પણ નહોતો... હું ઘરની પાછળ તરફ ના ઉપવન તરફ આગળ વધી...એ ત્યાં જ હોવાનો એની સાથે શું વાત કરવી એ અસમંજસ સાથે હું એને ખોળી રહી હતી.. એક નાનકડા તળાવ ઉપર બનેલા લાકડાના પુલ પર પગ લટકાવીને બેઠો હતો. હું તેની બાજુમાં જઈને બેસી ગઈ. તળાવના પાણીમાં પવનના કારણે ઉઠતી નાની લહેરો, દેડકા ને તમારાનાં અવાજ, અને બાકી નિરવ શાંતિ......
થોડી વાર એમ જ બેસી રહ્યા બાદ એણે કહ્યું,
"આઇ એમ સોરી.." પુલના બંને છેડે થતી લાઈટના અજવાળે તેની આંખની કિનારીએ આવેલું એક અશ્રુ બિંદુ ચમકી રહ્યું.......
એ શેનાં માટે સોરી કહી રહ્યો હતો????
એ મારી નજીક આવ્યો એના માટે???
નજીક આવ્યા પછી મને એમ જ અધૂરી છોડી ગયો એનાં માટે???
કે પછી એવું કોઈ કારણ જે મને ખબર ના હોય?
હું હજુ ચૂપચાપ બેઠી હતી....
મેં ફરી એ જ સવાલ થી શરુઆત કરી," એ દિવસે તું જ હતો ને??"
એણે મારી આંખો માં જોયું, પછી થોડી વારે જવાબ આપ્યો," હા, ......"
હજુ ઘણા પ્રશ્નો મારે પૂછવા હતાં.
હવામાં થોડી ઠંડી હોવાથી મારા શરીરમાં કંપારી થતી જોઇને મને ઘરમાં અંદર જતું રહેવા સૂચવ્યું...
હું એમ જ બેસી રહી એટલે એ પોતે પણ ઉભો થયો...
અમે અંદર આવી ગયા....
અમારા બેડરૂમ બહાર આકાશ થંભી ગયો.... કદાચ થોડા સમય પહેલાં નો ઉન્માદ યાદ આવી ગયો હશે અથવા તો કંઈક ઓર...
એ સ્ટડી રૂમ તરફ ફરે એ પહેલાં જ હું બોલી પડી," કાફી રાત થઈ ગઈ છે. ચાલ, ઊંઘી જઈએ." કહેતા એનો હાથ પકડી હું બેડરૂમમાં ખેંચી ગઈ... અને એ ચૂપચાપ ખેંચાઈ આવ્યો....
ઘરે આવ્યા પછી પહેલી વાર અમે એક સાથે હતાં. હું એની બાજુમાં સૂતેલી હતી. એ મારા માથા પર હાથ પસવારી રહ્યો હતો. આજે હું ખુશ હતી. મનમાં એક શાંતિ હતી. આકાશ નો એ સ્પર્શ યાદ આવતા જ મારું હ્રદય જોર થી ધબકવા લાગતું. ઘણા લાંબા વિયોગ પછી આ સ્પર્શ મિલનનાં પ્રથમ પગથિયાં સમાન લાગતો હતો. હું એ સ્પર્શ ને ફરી ફરી યાદ કરતી કરતી ક્યારે ઊંઘી ગઈ એ મને ખબર પણ ના પડી......
*........*..........*..........*...........*
આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.