પ્રસ્તુત વાતૉ એક નારી કલ્પના ની ગાથા સમય છે તેનો કોઈ જીવિત કે મૃત વ્યકિત સાથે કોઈ જ સીધો સંબંધ નથી....
" માતા સિંહણ બની"
સોરઠ ની ધરતી પર ગિરનાર ની ગોદ માં વસેલ જુનાગઢ ને જટાધારી ગિરનાર ની ઘેરી જટાઓ જેવો તાલાલા પંથક.હરિયાળી હિલ્લોળા લે ને પંખી ઓ મોજે કિલ્લોલ કરે.હિરણ ના ખળખળતા વહેણ ને જંગલ ના રાજા સિંહ ના ગીર કેસરી થી જાણીતો આ પંથક ખેડુતો ને પશુપાલકો માટે તો જીવાદોરી સમાન. માલધારી ઓ ને સિંહો નો સજોડે વસવાટ.તાલાળા પંથક નાનકડા ગામ માં એક ખેડુત રહે નામ એનું રામદાસ ,રામદાસ ની વહુ લીલા બંને સાથે મળીને ખેતી કરે અને પ્રેમ ને આનંદ થી રહે.ખુબ મહેનત કરે ને ખેતી માં જે કંઈ પાકે તેનાથી તે રોટલો રળે.
તેમને એક દિકરો.હજી ઘણો નાનો પણ ખુબ નમણો.લીલા ની આંખો નો તારો. 'હીરો' એનું નામ.
રોજ દિ ઉગે એ પહેલાં તો રામદાસ ખેતરે પહોંચી જાય.
લીલા પણ ઝટપટ ઘરકામ આટોપી માથે ભાતૂ ને કાંખ મા હીરા ને લઈને ખેતરે પહોંચી જાય. બન્ને ધણી-ધણયાણી ખેતર માં કામ કરે ને હીરો ઝાડ નીચે રમે.
સુરજ બરોબર માથે ચડે ત્યારે બેય ભેગા બેસી ને બપોરા કરે ને પાછા બન્ને કામે વળગી જાય તે દિ ઢળે ત્યારે કામ મેલી ઘર ભેગા થાય.આમ સુખે થી મહેનત નો રોટલો ખાય.
એક દિવસ ની વાત છે.રામદાસ ને બહારગામ જવાનું થયું.લીલા ઘર સંભાળે,ખેતી સંભાળે,દિકરા ને સંભાળે.
લીલા ખેતર માં કામ કરતી હતી.હીરો ઝાડ નીચે રમતો હતો.તે એકલો હતો. સુયૅ આથમણી દિશા એ ઢળી રહ્યો હતો.અચાનક ગીરમાંથી એક સિંહણ અહીં આવી ચડી.હીરાને જોઈ સિંહણની દાઢ સળકી.ત્રાડ પાડી ને છલાંગ મારી.સિંહણે હીરાને નિશાન બનાવ્યો.હીરો સિંહણ ના પંજા માં ઝડપાયો.
આસપાસ ના ખેતરમાં કામ કરતા લોકો એ આ જોયું.
સૌના હાંજા ગગડી ગયા.કોઈએ ત્યાં જવાની હિંમત ન કરી પણ હીરા ની માં લીલા તો ભારે હિંમતવાળી. લીલા તો સિંહણ સામે સિંહણ બની.ખેતર માંથી વાયુ વેગે દોટ મુકી ને ઝાડ ના ઓથે ઉભેલી કડિયાળી ડાંગ લઈ ,લીલા એ છલાંગ મારી.તે સીધી જ સિંહણ પર ગજૅના કરતી ત્રાટકી પડી. કડિયાળી ડાંગના જોરદાર પાંચેક ઘા એકધારા સિંહણ પર કરી દિધા.અચાનક થયેલા હુમલા થી સિંહણ ડરી ગઈ.હીરાને ત્યાં જ પડતો મુકી તે ઘૂરકતી ઘૂરકતી નાસવા લાગી.લીલા તો ડાંગ લઈ તેની પાછળ પડી.સિંહણ તો યુધ્ધ હારેલા ને મોત થી ડરેલા કોઈ યોધ્ધા ની માફક લાંબી છલાંગો ભરતી ઝડપભેર જંગલમાં ભાગી ગઈ.
લીલા હાંફતી દોડતી પાછી વળી.તેને હીરા ને ઊંચકી લીધો.છાતી એ વળગાડી ને તેના આંખ ના રત્ન સમાન હીરા ને વ્હાલ ના વરસાદ માં નવડાવી દિધો આંખે અશ્રુધારા ને અંતર માં વ્હાલ ના દરિયા માં પોઢી ગયો હોય એમ થોડીવાર એમ જ પડ્યો રહ્યો.પાસે ના ખેતર માં કામ કરતા લોકો જે દૂર થી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તે દોડતા આવ્યા. સિંહણ તો ભાગી છુટી હતી પરંતુ સોરઠ ની એક આવી સિંહણ પણ તેણે આજે નજરો નજર જોઈ કે જે પોતાના બાળકને તેના ઘાવ પર સાડી નો છેડો બાંધી રહી હતી ને તેના હ્દય ના ટુકડા ને છાતી એ વળગાડી ને તેની ખુમારી ને વ્હાલ ગીર ની આ વનરાજી ને બતાવી રહી હતી.ત્યારે જ ત્યા આવેલા કોઈક ના મુખે થી આ શબ્દો સરી પડ્યા!!!!
આજ એક માતા સિંહણ બની ગીરના આ જંગલે !!!
"નારી થી નર નિપજે,નારી રતન ની ખાણ,
નારી તું નારાયણી,શું કરું તારા વખાણ."