અતીતરાગ-૭
માત્ર ભારતની સરહદ સુધી સીમિત નહીં પણ જેની કીર્તિમાન કીર્તિની સુગંધિત સુરાવલી, વિદેશમાં વસતા તેમના પુષ્કળ પ્રસંશકો અને કરોડો સંગીતપ્રેમીઓ સુધી ફેલાયેલી છે.
એવાં હિન્દી ફિલ્મ જગતના બે દિગ્ગજ સિંગર્સ કિશોરકુમાર અને આશા ભોંસલે વિષે
આપણે તેમના જીવન અને સંગીત ઇતિહાસમાં ઘટિત એક રસપ્રદ અને અક્લ્પીનીય કિસ્સાને મમળાવીશું આજે અતીતરાગ શ્રુંખલાની સાતમી કડીમાં.
મહાન ગાયક કિશોરકુમાર અને ગાયિકા આશા ભોંસલેને એક ગીતના ચાલુ રેકોર્ડીંગ દરમિયાન બહાર કાઢી મુકવામાં આવ્યાં હતાં. કોણ હતી એ વ્યક્તિ જેમને આ ભયંકર ભૂલ કરવાની હિમાકત કરી ? એ કયું ગીત હતું ? અને તે ફિલ્મનું નામ શું હતું ?
ચલો તે વિષે વાત કરીએ.
આ એ ફિલ્મની વાત છે જે રીલીઝ થઇ હતી વર્ષ ૧૯૫૦માં અને ફિલ્મનું નામ હતું
‘જાન-પહેચાન’ જેના મુખ્ય કલાકારો હતાં રાજકપૂર અને નરગીસ.
તે ફિલ્મના સોંગ્સનું રેકોર્ડિગ શરુ થયું હતું વર્ષ ૧૯૪૮માં. આ ઘટના વર્ષ ૧૯૪૮ની છે.
ફિલ્મ ‘જાન-પહેચાન’ ના સંગીતકર હતાં ખેમચંદ પ્રકાશ. અને તેમના આસિસ્ટન્ટ હતાં. મહાન ગાયક મન્નાડે.
એ ગીતના રેકોર્ડિગ માટે કિશોરદા અને આશાજીને સાંજના સાત વાગ્યે સ્ટુડીઓ પર બોલાવવામાં આવ્યાં હતાં.
વર્ષ ૧૯૪૮નો સમયગાળાઓ હતો એટલે એ સમયે આજની માફક કોઈ અદ્યતન કે ડીઝીટલ રેકોર્ડીંગ સ્ટુડીઓઝ નહતા.
જે સ્ટુડીઓમાં ફિલ્મોનું શૂટિંગ થતું એ સ્ટુડીઓમાં સોંગ્સ પણ રેકોર્ડ થતાં હતાં.
દિવસ દરમિયાન ફિલ્મોનું શૂટિંગ થતુ, અને સાંજનો સમય ગીતોના રેકોર્ડીંગ માટે ફાળવવામાં આવતો.
સમયની પાબંદીને અનુસરતા કિશોરકુમાર અને આશાજી બન્ને નિર્ધારિત સમયે સ્થળ પર આવી પહોચ્યાં.. અને ખેમચંદ પ્રકાશ સાથે ગીતના રીહર્સલમાં જોડાઈ ગયાં.
ગીતની ધૂન બનાવવાનું કામ સંગીતકારનું, ગીતને મધુર સ્વર આપવાનું કામ ગાયક યા ગાયિકાનું, પણ આ સઘળી જટિલ અને અઘરી પ્રક્રિયાને ટેકનીકલી અંજામ આપવાનું કામ સાઉન્ડ રેકોર્ડિસ્ટનું.
એ સમયમાં સાઉન્ડ રેકોર્ડિસ્ટનું કામ હતું આજે નથી, કારણ કે આજે ગીતો ટેપ પર રેકોર્ડ નથી થતાં.
તે દિવસે એ ગીતના રેકોર્ડીંગ માટેની ફરજ બજવતા હતાં સાઉન્ડ રેકોર્ડિસ્ટ રોબીન ચેટરજી. તેમણે ફિલ્મ જગતમાં આપેલા યોગદાનની સૂચી લાંબી છે.
તે દિવસે રોબીન ચેટરજીને તમામ ટેકનીકલી સેટ અપ કરતાં કરતાં રાત્રીના બાર વાગી ચુક્યા હતાં.
છેવટે રાત્રીના બાર વાગ્યાં બાદ શકીલ બદાયું લિખિત એ ગીતને ફાઈનલ ટચ આપવાં કિશોરકુમાર અને આશા ભોંસલેએ સ્વરબદ્ધ કરવાની શરૂઆત કરી.
‘અરમાન ભરે દિલ કી લગન તેરે લિયે હૈ.....હો લગન તેર લિયે હૈ’
હવે તમે એમ કહેશો કે આ ગીત તો સૌ એ તલત મહેમૂદ અને ગીતાદત્તના સ્વરમાં સાંભળ્યું છે.
તેનો ઉલ્લેખ આપણે પછી કરીશું.
કિશોરકુમાર અને આશા ભોંસલે એ જેવું ગીત લલકારવાનું શરુ કર્યું.. અને એક મિનીટથી પણ ઓછા સમયમાં, રેકોર્ડિગ રૂમમાં બેસેલાં રોબીન ચેટરજી ઝડપથી અંદર દાખલ થયાં અને ચાલુ ગીતને થંભાવી દેવાનો આદેશ આપ્યો.
અને તે ઓપન સ્ટુડીઓમાં સૌની સામે ખેમચંદ પ્રકાશને રોબીન ચેટરજીએ કહ્યું કે,
‘આ ગાયકો ગાયકીને લાયક નથી. તેમને હટાવી અને કોઈ અન્ય સંજીદા ગાયકો પાસે આ ગીત રેકોર્ડ કરવો.’
બસ.. આટલું સાંભળતા જ કિશોરકુમાર અને આશા ભોંસલે બન્ને એ પરસ્પર એકબીજા તરફ જોયું, માઈક છોડી દીધું અને તરત જ સ્ટુડીઓની બહાર નીકળી ગયાં.
તમને એમ થતું હશે કે એક સાઉન્ડ રેકોર્ડિસ્ટની શું મજાલ કે કિશોરદા અને આશાજી જેવાં ગાયકોની ગાયકી તરફ સૌની હાજરીમાં આ રીતે આંગળી ચીંધે ?
વર્ષ ૧૯૪૮, આ એ સમયગાળો હતો, જે આ બન્ને સિંગર્સનો સંઘર્ષકાળ હતો.
અને બંને નવોદિત પણ હતાં.
૧૯૪૮માં તો ફિલ્મ ‘મહલ’ પણ રીલીઝ નહતી થઇ..
‘આયેગા... આયેગા... આયેગા આને વાલા આયેગા..’ ગીત પણ લોકપ્રિય નહતું થયું.
અને લતા મંગેશકરનું નામ પણ એલ.પી રેકર્ડ પર નહતું અંકિત થયું.
ખેમચંદ પ્રકાશ રોબીન ચેટરજીની વાતતો વિરોધ કેમ ન કરી શક્યા ?
રોબીન ચેટરજી ક્યાં પરિબળના આધારે તેની મનમરજી કરી શક્યા ?
શું કારણ હતું ?
કારણ હતું.. રોબીન ચેટરજી એ તેની ફિલ્મી કારકિર્દીમાં માત્ર એક જ ફિલ્મમાં નિર્માતા બન્યા હતાં અને તે ફિલ્મ હતી, ‘જાન-પહેચાન’
હાં, એ ફિલ્મ ‘જાન-પહેચાન’ના નિર્માતા પણ હતાં. અને નિર્માતા એટલે હિન્દી ફિલ્મ જગતના સર્વેસર્વા. અને અંતે ધાર્યું ધણીનું થયું.
ત્યારબાદ એ ગીત તલત મહેમૂદ અને ગીતાદત્તના સ્વરમાં ગવડાવવામાં આવ્યું.
પણ સમય સમય બલવાન હૈ... એ ઉક્તિ સાર્થક થઈ..
તે દિવસની ઘટના બાદ કિશોરકુમાર અને આશા ભોંસલેની કારકિર્દી ધીમી ગતિએ ઉપર ચડવા લાગી પણ... રોબીન ચેટરજી ત્યાંના ત્યાંજ રહ્યાં.
અને એક દિવસ એક ગીતના રેકોર્ડિગ સમયે સાઉન્ડ રેકોર્ડિસ્ટ હતાં રોબીન ચેટરજી,
અને ગાયકો હતાં સુપર સિંગર કિશોરકુમાર અને આશાજી.
દેવ આનંદ અને તેમની રીયલ લાઈફની વાઈફ કલ્પના કાર્તિક અભિનીત ફિલ્મ હતી ‘નૌ દો ગ્યારહ’, મજરૂહ સુલતાનપુરી લિખિત ગીત હતું... ‘આંખો મેં ક્યા જી.. રુપહલા બાદલ..બાદલ મેં ક્યાં જી..’ અને સંગીતકાર હતાં ધ ગ્રેટ એસ. ડી. બર્મન.
ફિલ્મ રીલીઝ થઇ હતી વર્ષ ૧૯૫૭માં. અને આ ગીતનું રેકોર્ડિગ થયું હતું તેના દોઢથી બે વર્ષ પહેલાં.
વર્ષ ૧૯૫૫ની આસપાસ કિશોરકુમાર એકટર અને સફળ સિંગર બની ચુક્યા હતાં અને આશજી પણ નવોદિતોની ક્ષેણીમાંથી બહાર આવી ચુક્યા હતાં.
એ ગીતના રેકોર્ડિગ સમયે કિશોરદાની નજર રોબીન ચેટરજી પર પડી અને તરત જ તેમમાં દિમાગમાં ભૂતકાળની એ અકલ્પનીય અપમાનિત ઘટનાના શાબ્દિક પ્રહારના ઘા તાજા થઇ ગયાં.
એ ગીતના રેકોર્ડિગ બાદ જ્યારે કિશોરદા એ રોબીન ચેટરજીને નજદીક બોલાવીને પૂછ્યું.. ‘મને ઓળખો છો ? હું કોણ છું ? તમે તો મને તગેડી મુક્યો હતો..’
કિશોરદા કંઇક કેટલુ’યે સંભળાવવાના મૂડમાં હતાં..પણ આશાજી એ તેમને રોકી લીધા. અને કહ્યું કે દાદા.. ‘ભૂલી જાઓ બધું.’
આવાં કિસ્સા માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ નહીં પણ સામાન્ય જિંદગીમાં પણ રોજબરોજ ઘટતા જ હોય છે. આવાં નેગેટીવીટીના બ્રાંડ એમ્બેસેડરથી દુર રહેવામાં જ ભલાઈ છે.
દુનિયામાં રોબીન ચેટરજી જેવાં ઘમંડી લોકો તેના મદમાં આવીને ચપટી વગાડતા કિશોરકુમાર અને આશાજી જેવાં પ્રતિભાશાળી વ્યક્તિની કારકિર્દી પણ રગદોળી નાખે તો આપણું શું ગજું ?
આગામી કડી...
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રીલથી શરુ થયેલી પ્રેમ કહાની રીયલ લાઈફમાં તબદીલ થયાં બાદ અંગત અને સાર્વજનિક જિંદગીમાં કઈ હદ સુધી તેના સારા-નરસા પરિણામના આઘાત-પ્રત્યાઘાત પડે છે તે વિષય પર વાત કરીશું...
અને એ જગ મશહુર પ્રેમ કહાનીના પાત્રો છે..
ગુરુદત્ત અને વહીદા રહેમાન.
શરૂઆતમાં બંને જોડાયા એક વ્યવસાયિક મિત્રો તરીકે અને અંત આવ્યો એક ક્લાસિક પ્રેમ કહાની દ્વારા.
એટલા ઘનિષ્ટ સંબંધો કે, તેમના ઊંડા અને ઊંધાં પ્રત્યાઘાત પડ્યા ગુરુદત્તના વૈવાહિક જીવન અને ગુરૂદત્તની અંગત જિંદગી પર પણ હંમેશ માટે પૂર્ણવિરામ મૂકાઈ ગયું..
આપણે વાત કરીશું વહીદા રહેમાન અને ગુરુદત્તની એ પહેલી મુલાકાત વિષે.
વિજય રાવલ
૧૫/૦૮/૨૦૨૨