જોતજોતામાં આઝાદી મળી એ વાતને ૭૫ વર્ષનાં વાણાં વહી ગયાં. આ પંચોતેર વર્ષમાં દેશ ઘણો બદલાયો છે. એક રીતે જોવા જઈએ તો અત્યારે દેશનો સુવર્ણ દસકો ચાલી રહ્યો છે. આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. કોઈ પણ દેશ ભારત પર હુમલો કરતાં પહેલાં અનેકવાર વિચાર કરે એવી સંરક્ષણ ક્ષમતા ભારતે હાંસલ કરી છે. ભારતની સાથે જ આઝાદ થયેલો દેશ પાકિસ્તાન આજે દેવાળું ફૂંકી રહ્યો છે, ત્યારે ભારત વિકાસના પથ પર અગ્રેસર રહીને આઝાદીનો અમૃતકાળ મનાવી રહ્યો છે. વર્ષ ૧૯૪૭ની સરખામણીમાં આજે વર્ષ ૨૦૨૨ સુધી ભારતે જે કાંઈ ઉપલબ્ધિ મેળવી છે, એ માટે ખરાં અર્થમાં આપણે આઝાદીનો અમૃતકાળ મનાવવા માટે લાયક બન્યાં છીએ.
આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે 'હર ઘર તિરંગા' અભિયાન વહેતું મૂક્યું છે. આ અભિયાન અંતર્ગત દરેક ઘર પર તિરંગો લહેરાશે. દરેક હાથ તિરંગાથી શોભી ઉઠશે. પણ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણે તિરંગાને ફક્ત દેખાડો કરવા તો નથી લહેરાવી રહ્યાંને, એ પણ જોવું રહ્યું. તિરંગો હાથોમાં વધારે પણ લોકોના હૃદયમાં ઓછો દેખાઈ રહ્યો છે. કેટલાંક લોકો તિરંગો ફક્ત લહેરાવા ખાતર લહેરાવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. કેટલાંક લોકો તિરંગાને જ દેશ સમજી બેઠાં છે અને જે ખરેખર દેશ છે એની તો ઘોર ઉપેક્ષા થઈ રહી છે. સત્યાગ્રહીઓના દૃઢ સંકલ્પ અને ક્રાંતિકારીઓનાં લોહીથી સીંચીને મળેલી ભેટ સ્વરૂપ આઝાદીનું મહત્ત્વ નવીનતમ પેઢીને સમજાવવામાં આપણે ક્યાંક નિષ્ફળ જતાં હોઈએ એવું લાગે છે. આપણા દેશે જેટલી પણ પ્રગતિ કરી છે, એ કેટલાક પ્રમાણિક અને નિષ્ઠાવાન દેશભક્તોને જ આભારી છે. આ દેશ આજે પણ એમના લીધે જ ચાલી રહ્યો છે. પણ દુઃખદ વાત એ છે કે તેમની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે.
કોઈ કહે કે, 'તમે આવું કયાં આધારે કહો છો? તમે જોયું નહિ, તિરંગા યાત્રામાં કેવું માનવ મહેરામણ ઊમટ્યું હતું! જુઓને, લોકોનાં હૃદય આજે પણ દેશભક્તિથી ઊભરાઈ રહ્યાં છે. આજે પણ સેનામાં ભરતી થવા માટે હોંશે હોંશે લાઈનો લાગે છે. આજે પણ લોકો દેશ માટે કાંઈ પણ કરી છૂટવાની ભાવના ધરાવે છે. આજે ઘરે-ઘરે રાષ્ટ્રવાદની ભાવના છલકાઈ રહી છે.'
હા, એ સત્ય છે કે, જ્યારે દેશની વાત આવે છે, ત્યારે દરેક ભારતીય એકજૂથ થઈ જાય છે. પરંતુ શું દેશદાઝ ફક્ત દુશ્મન દેશો, ક્રિકેટ મેચ અને સેના સુધી જ સીમિત છે? આ તો એ વાત થઈ કે જ્યારે પોતાના પર આવ્યું ત્યારે પલ્લું ઝાટકી નાખ્યું. તમે શું કર્યું? તમે સવારે તિરંગો લહેરાવ્યો અને બીજી જ પળે મોબાઈલમાં દેશની એકતા અને અખંડિતતાને તોડતાં મેસેજને ફોરવર્ડ કરીને દેશને વિભાજિત કરવાનાં કાર્યમાં પોતાનો સાથ આપ્યો. સાચો મેસેજ હોય તો ફોરવર્ડ કરો એમાં વાંધો નહિ, પણ શું તમે એ તસ્દી લીધી કે, જેણે તમને મેસેજ મોકલ્યો છે એ સાચો છે કે ખોટો? તમે પોતાની પ્રોફાઈલ પર બેઢડક કટ્ટર હિન્દુ, અને કટ્ટર મુસ્લિમ લખો છો. શું તમે ક્યારેય પોતાની જાતને કટ્ટર ભારતીય કહી? તમે કહી પણ ના શકો, કારણ કે તમે જાણો છો કે જો તમે પોતાની જાતને કટ્ટર ભારતીય કહેશો તો, તમારે નાત-જાત અને ધર્મનો ભેદ ભૂલીને એ દરેકનો આદર કરવો પડશે જે પોતાને ભારતનો નાગરિક કહે છે, જે તમે ક્યારેય કરી શકો તેમ નથી. અફવાઓ ફેલાવીને દેશમાં અરાજકતાનું નિર્માણ કરવામાં તમને એવી તો શું મજા આવે છે?
ટેબલ પર તિરંગો હોય અને અંડર ધ ટેબલ તમે લાંચ લો છો. તો શું આ તિરંગાનું અપમાન નથી? ઑફિસ પર તિરંગો ફરકતો હોય અને ઑફિસમાં બેઠેલાં અધિકારીઓ ભ્રષ્ટાચારમાં તરબોળ થતાં હોય તો શું એ તિરંગાનું અપમાન નથી? તિરંગો તો દેશની આન, બાન અને શાન છે. કોઈ પણ કાળે તેનું અપમાન સ્વીકાર્ય હોય જ નહિ.
જ્યારે એક નેતા જૂઠું બોલતાં અને પ્રજાને છેતરતાં અચકાશે, જ્યારે એક અધિકારી લાંચ લેતાં અચકાશે, જ્યારે એક વ્યાપારી કરચોરી કરતાં અચકાશે, જ્યારે રોડ કે સરકારી બાંધકામ કરતો એક કોન્ટ્રાકટર હલકો માલસામાન વાપરતાં અચકાશે, જ્યારે એક કર્મચારી પૂર્ણનિષ્ઠાથી પોતાનું કામ કરશે, જ્યારે ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકશે, જ્યારે લોકો સોશિયલ મીડિયા પર અફવાઓ અને નફરત ફેલાવતાં અચકાશે, જ્યારે દેશની એકતા અને અખંડિતતા ને જાળવવા લોકો સભાન થશે, જ્યારે લોકો રસ્તા પર આમતેમ કચરો ફેંકીને દેશમાં ગંદકી કરતાં અચકાશે, જ્યારે સામાન્ય નાગરિકને તેની દેશ પ્રત્યેની ફરજોનું ભાન થશે, ત્યારે એમ કહેવાશે કે તેણે પોતાના દિલમાં પણ એક તિરંગો લહેરાવ્યો છે. અઘરું છે, પણ શક્ય છે. બની શકે તો એક તિરંગો દિલમાં પણ લહેરાવી દો યારો...
લેખક:- પાર્થ પ્રજાપતિ