DNA. - 15 in Gujarati Thriller by Maheshkumar books and stories PDF | ડીએનએ (ભાગ ૧૫)

Featured Books
Categories
Share

ડીએનએ (ભાગ ૧૫)

ત્રણ દિવસ પછી નિરામયભાઈના ઘરે મૈત્રીનું બેસણું રાખવામાં આવ્યું. બેસણામાં પણ હજારો લોકોની ભીડ હતી. એક પછી એક લોકો આવતા જતા ને મૈત્રીના ફોટા આગળ ફૂલો મૂકી નિરામયભાઈને આશ્વાસન આપી નીકળી જતા. મૈત્રી ફોટામાં હસી રહી હતી. શહેરની મોટી મોટી હસ્તીઓ મૈત્રીના બેસણામાં તેના પરિવારના દુઃખમાં સહભાગી થવા સામેલ થઈ હતી. રાજ્યના ગૃહમંત્રી જયદીપસિંહ જાડેજા નિરામયભાઈના ઘરે આવ્યા હતા. તેમણે નિરામયભાઈને હત્યારાને કોઈ પણ ભોગે શોધી કાઢવાનું વચન આપ્યું.

નિરામયભાઈના ઘરની બહાર મીડિયા સમક્ષ ગૃહમંત્રીએ જનતાને જણાવતા કહ્યું કે, “મૈત્રી જોશી એ આપણા રાજ્યનું ગૌરવ હતી, છે ને રહેશે. મૈત્રી ફક્ત નિરામયભાઈની દીકરી નથી, પણ આપણા તમામની દીકરી છે. એના હત્યારાને બક્ષવામાં નહીં આવે. અમે એના હત્યારાને ગમે ત્યાંથી શોધી કાઢીશું અને એને સખત સજા કરવામાં આવશે.”

એક પત્રકારે પૂછ્યું, “સર, રોજે રોજ સ્ત્રીઓ પર અત્યાચારની ઘટનાઓ વધતી જાય છે. અને તમે દર વખતે એમ કહો છો કે અમે હત્યારાને સજા કરીશું. અમે કડક કાયદા બનાવીશું. પણ હજી સુધી કડક કહી શકાય એવા કાયદા બન્યા નથી.”

“અમે બહેનો માટે અલગ પોલીસ વીંગની રચના કરી છે અને અમે ઘણા કેસ ઉકેલીને અપરાધીઓને સજા પણ કરી છે. આ કેસમાં પણ અમે અમારા તમામ પ્રયત્નો કરીશું. જેથી મૈત્રીના હત્યારાને યોગ્ય સજા થાય.” જયદીપસિંહે પત્રકારના પ્રશ્નનો વાજબી જવાબ આપવાની કોશિશ કરી.

બીજા પત્રકારે તેમને ઘેરતા પૂછ્યું, “સર, છેલ્લા એક વર્ષમાં ૩૨૯ યુવતીઓ ગુમ થઈ છે જે હજી સુધી મળી નથી. તેના વિશે તમારું શું કહેવું છે?”

જયદીપસિંહે પોતાનો બચાવ કરતાં કહ્યું, “અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીએ છીએ પણ ભાઈ અમે કંઈ ભગવાન નથી કે આંખો બંધ કરીને જાણી લઈએ કે ગુનેગાર કોણ છે.”

એક પત્રકારે કટાક્ષમાં પ્રશ્ન કર્યો, “પણ જેના વિષે ખબર છે એવા ગુનેગારોને તમારું રક્ષણ મળે છે એના વિશે કંઈ કહેશો.”

જયદીપસિંહના મનમાં તો ગાળ આવી પણ હસતાં ચેહરે જવાબ આપતા કહ્યું, “એવું શક્ય જ નથી. અમે કોઈ પણ ગુનેગારને રક્ષણ આપતા નથી. કાયદા મારા અને તમારા માટે દરેક માટે સરખા છે. મારો ભાઈ ગુનો કરે તો તે પણ કાયદાની રુએ ગુનેગાર જ છે.”

પેલા પત્રકારે જયદીપસિંહને તેમની દુખતી નસ દબાવતો હોય એમ પૂછ્યું, “તો તમારા ભાણા પર બળાત્કારનો આરોપ લગાવનાર યુવતીનું રહસ્યમય મોત થયું એના વિષે જનતાને કંઈ જણાવશો.”

જયદીપસિંહના આંખમાં ગુસ્સો સળગી ઉઠ્યો પણ ગુસ્સાને ડામતા તેમણે કહ્યું, “બીજા પ્રશ્નો પછી, મારે જવાનું મોડું થાય છે.” જયદીપસિંહ પોતાની ગાડીમાં બેસી રવાના થઈ ગયા.

પત્રકારે હસતાં હસતાં કહ્યું, “પોતાના પર વાત આવે એટલે દરેકને જવાબ આપવા અઘરા થઈ જાય છે. જયારે કાયદાના રક્ષકો જ ભક્ષકો બને ત્યારે સામાન્ય માણસ ક્યાં જાય ન્યાય મેળવવા. જોઈએ મૈત્રી જોશીને ન્યાય મળશે કે નહીં.”

મૈત્રીની લાશ મળ્યાના ચોથા દિવસે પોસ્ટમોર્ટમ લઈને રેશ્મા શ્રેયાની ઓફિસમાં પ્રવેશી. શ્રેયાએ પોસ્ટમોર્ટમ રીપોર્ટનું સીલબંધ કવર ખોલી વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે રીપોર્ટ વાંચતી ગઈ તેમ તેમ તેની કપાળની રેખાઓ તંગ થતી ગઈ. રેશ્મા તેની સામે જોઈ રહી હતી. શ્રેયાએ લગભગ પાંચ સાત મિનીટ પછી ટેબલ પર રીપોર્ટ મૂકી કોણીઓ ટેબલ પર ગોઠવી માથું પકડી લીધું.

રેશ્માને પહેલાં થયું કે પૂછું કે ન પૂછું, પણ એણે હિંમત એકઠી કરીને પૂછ્યું, “શું થયું મેડમ? કોઈ ગંભીર બાબત છે?”

શ્રેયાએ કોઈ જવાબ આપ્યો નહીં. તે એમ જ માથું પકડીને બેસી રહી. તેની ઓફિસમાં થોડીવાર શાંતિ રહી. તે ઉભી થઈ અને ઓફિસમાં આંટા મારવા લાગી. રેશ્માની બેચેની વધવા લાગી.

શ્રેયાએ બેલ વગાડ્યો. એક હવાલદાર અંદર આવ્યો. શ્રેયાએ કહ્યું, “મનોજને બોલાવ.” થોડીવારમાં મનોજ આવી ગયો.

મનોજે આવતાં જ જયહિંદ કહ્યું. શ્રેયા તેની ઓફિસની બારીની બહાર જોઈ રહી હતી. મનોજનો અવાજ તેણે સાંભળ્યો ન હતો. તે વિચારોમાં ખોવાયેલી હતી. મનોજે પૂછ્યું, “મેડમ. તમે મને બોલાવ્યો.”

શ્રેયા ફરી. તેણે બંનેની સામે જોયું અને એક નજર રીપોર્ટ પર નાંખી. તે તેના ટેબલ પાસે આવી. તેણે રીપોર્ટ ઉઠાવતા કહ્યું, “મૈત્રીનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયો છે. પણ તેની અંદરની હકીકત પર વિશ્વાસ નથી આવતો.”

મનોજે પૂછ્યું, “એવું તો શું છે રીપોર્ટમાં મેડમ.”

શ્રેયાએ રીપોર્ટની હકીકતથી બંનેને વાકેફ કરતાં પહેલાં બંનેની સામે જોયું. એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, “મૈત્રીની હત્યા ત્રણ મહિના પહેલાં જ થઈ ગઈ હતી.”

રેશ્મા અને મનોજ બંને એકસાથે બોલી ઉઠ્યા, “શું?”

મનોજે આશ્ચર્યાઘાત સહ કહ્યું, “પણ એ કેવી રીતે બને. આપણને લાશ તો હમણાં બે દિવસ પહેલાં જ મળી છે.”

શ્રેયાએ કહ્યું, “મારા પણ માન્યામાં નથી આવતું.” ત્રણેયના ચેહરા પર આશ્ચર્ય છવાયેલું હતું. રેશ્મા અને મનોજે એકબીજાની સામે જોયું. શ્રેયાએ વાત આગળ ચલાવતા કહ્યું, “ડોક્ટરનું કહેવું છે કે તેને માઈનસ ટેમ્પરેચરમાં ક્યાંક રાખવામાં આવી હોવી જોઈએ તો જ આટલા દિવસ લાશ સચવાઈ રહે. તેના ગળા પર અને બંને હાથ પગ પર લાઈન્સ હતી. તેનો અર્થ એ થાય કે એને કોઈ દોરડાંથી કે પછી કોઈ વસ્તુથી મજબુતીથી બાંધી હશે. તેના મોઢાના ભાગે પણ એવી એક લાઈન છે.”

મનોજે કહ્યું, “એ બુમો ન પાડી શકે એટલે એનું મોં બાંધી દીધું હશે.”

શ્રેયાએ હકારમાં માથું હલાવ્યું. તે બોલી, “તેના માથામાં પથ્થર વાગવાનો ઘા છે. તેના શરીર પર ઉઝરડા છે મતલબ કે એને ઘસડવામાં આવી હશે. શરીર પર નાના નાના ઘા છે. ડોક્ટરનું માનવું છે કે તેની સાથે જબરદસ્તી કરવામાં આવી હશે. તેના પેટના ભાગે પણ નખના ઉઝરડાના નિશાન છે.”

રેશ્માએ ગંભીર અવાજે કહ્યું, “બળાત્કાર!”

શ્રેયાએ કહ્યું, “એ હજી ખબર પડી નથી. ડીટેલ્ડ ફોરેન્સિક રીપોર્ટ આવે પછી ખબર પડે. તેના સ્વાબ કલેક્ટ કરીને ફોરેન્સિકમાં મોકલી આપ્યા છે. રાહ જોઈએ શું મળે છે.”

રેશ્માએ કહ્યું, “મેડમ આપણે જે ટેમ્પો ટ્રેક કર્યો હતો એ પણ આઈસ્ક્રીમનો જ લાગતો હતો.”

શ્રેયાની અને મનોજની આંખો પહોળી થઈ. શ્રેયાએ પૂછ્યું, “એનો કોઈ પુરાવો મળ્યો કે નહીં.”

રેશ્માએ દિલગીરી વ્યકત કરતાં કહ્યું, “ના મેડમ.”

શ્રેયાએ કહ્યું, “ગમે ત્યાંથી એને શોધી કાઢો. જલ્દી.” રેશ્મા અને મનોજ શ્રેયાની ઓફિસની બહાર નીકળી ગયા. શ્રેયા મૌન ઉભી રહી. તેણે ફરી રીપોર્ટ હાથમાં લીધો અને વાંચવા લાગી.

બીજા દિવસે મનોજ શ્રેયા પાસે આવ્યો. તેની સાથે એક ત્રેવીસેક વર્ષનો યુવાન છોકરો હતો. તેણે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. શ્રેયા કંઇક લખી રહી હતી.

મનોજે તેની ઓળખાણ આપતા કહ્યું, “મેડમ આ વકીલ સાહેબ ઝડપાયા છે.”

શ્રેયાએ આવનાર યુવાનને જોયો અને પૂછ્યું, “કયા કેસમાં?”

મનોજે કહ્યું, “મૈત્રી જોશીના કેસમાં.”

શ્રેયાની પેન અટકી ગઈ અને તે ટટ્ટાર થઈ. પેન કાગળો પર મૂકી ઉભી થઈ આવનાર યુવાન પાસે આવી. યુવાનની સામે જોઈ પૂછ્યું, “નામ શું છે તારું?”

પેલાએ કહ્યું, “પીનાકીન”

મનોજે એક ઝાપટ મારી. આખું નામ બોલ.

પેલાએ માથે હાથ ફેરવતાં કહ્યું, “પીનાકીન મનુભાઈ સુથાર.”

શ્રેયાએ મનોજને પૂછ્યું, “શું છે આનું?”

મનોજે રહસ્ય પર પ્રકાશ પડતા કહ્યું, “મેડમ. મૈત્રીનો ફોન આને મળ્યો હતો. અને આણે જ પેલા છોકરાને વેચ્યો હતો. આ સાહેબ વકીલ છે.”

શ્રેયાએ પીનાકીનને પૂછ્યું, “આપ વકીલ છો.”

પીનાકીને કહ્યું, “ગઈસાલ એલએલબી પુરૂ કર્યું છે ને અત્યારે પ્રક્ટિસ કરું છું.”

શ્રેયાએ પીનાકીનની પાંસળી પાસેની ચામડી પકડીને મસળી. પેલાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. તે બન્ને પગ પર ઊંચો થઈ ગયો. ચામડી પકડી રાખતા શ્રેયા બોલી, “વકીલ થઈને ખબર નથી પડતી કે કોઈ અજાણી વસ્તુ મળે તો પોલીસને પહોંચાડવી. હંઅઅ.. કાયદા ભણ્યા છો કે પછી કોપી કરીને પાસ થયા છો.”

પીનાકીન દર્દથી કણસી રહ્યો હતો. તેણે કણસતા કણસતા કહ્યું, “ભૂલ થઈ ગઈ મેડમ. હવે ફરીથી આવું નહીં થાય.”

શ્રેયાએ તેને છોડતાં મનોજને કહ્યું, “આને સાંજે સાત વાગ્યા સુધી બહાર મુર્ગો બનાવીને બેસાડ. પાણી કે જમવાનું કંઈ આપતો નહીં. એનો ફોન સ્વીચ ઓફ કરી દેજે.” પીનાકીનને કહ્યું, “સાંજે સાત વાગ્યા સુધી, ‘મારી ભૂલ થઈ ગઈ, ખોવાયેલી વસ્તુ પોલીસ સ્ટેશને પહોંચાડી દઈશ’, નો સતત પાઠ કરતાં રહેવાનું.” શ્રેયાએ આંખ ઉલાળી પુછ્યું, “શું કરવાનું?”

પીનાકીને પાંસળીને પંપાળતા કહ્યું, “તમે કહેશો એ બધું કરીશ.”

મનોજ પીનાકીનને બહાર લઈ ગયો.

ત્રણેક દિવસ પછી રેશ્માએ શ્રેયાને જણાવ્યું કે “આપણે જે ટેમ્પો શોધતાં હતા તે મળી ગયો છે, પણ એનું કહેવું છે કે તેને મૈત્રી વિષે કોઈ જાણકારી નથી. એણે કોઈ દિવસ મૈત્રીને જોઈ પણ નથી. નંબર પ્લેટ માટે તેણે કહ્યું કે વરસાદના લીધે અકસ્માતમાં તૂટી ગઈ હતી એટલે તેણે તૂટેલી નંબર પ્લેટ ગાડીમાં મૂકી દીધી હતી. એણે મને તૂટેલી નંબર પ્લેટ પણ બતાવી.”

શ્રેયાએ પૂછ્યું, “અને આગળની નંબર પ્લેટ કેમ નહતી લગાડી? એ પણ તૂટી ગઈ હતી.”

રેશ્માએ કહ્યું, “મેં એ પણ પૂછ્યું હતું, મેડમ. એણે કહ્યું કે એ તો ક્યારનીય ખોવાઈ ગઈ હતી. મેં એનો ક્રિમીનલ રેકોર્ડ ચેક કરાવ્યો પણ નીલ છે.”

મૈત્રીની લાશ મળ્યાના દસેક દિવસ પછી એક દિવસ મનોજ એના પોલીસ મિત્રો સાથે નાસ્તો કરી રહ્યો હતો અને તેનો મોબાઈલ રણકી ઉઠ્યો. મનોજે નંબર જોયો અને ફોન ઉપાડી કહ્યું, “બોલો ડોક્ટર પ્રજ્ઞેશ.”

સામેથી એક પુરુષનો અવાજ સંભળાયો, “મૈત્રી જોશી કેસમાં એક લીડ મળી છે.”

મનોજે પૂછ્યું, “શું?”

સામેવાળા પુરુષે કહ્યું, “મૈત્રીના અન્ડરવેર પરથી મેલ ડીએનએ મળ્યો છે.”