ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
સ્નેહાએ પોતાના શરીરના ભારે કળતરને અવગણીને ઓલી અજનબી સ્ત્રી પર છલાંગ લગાવી. એણે વિચાર્યું કે હમણાં હું આને પાડી દઈશ. એણે કરાટે જુડોની ટ્રેનિંગ લીધી હતી. પણ હજી એ સ્ત્રી સુધી પહોંચે એ પહેલા ઓલી અજનબી સ્ત્રી સ્ફૂર્તિથી ફરી, અને એક સાઈડમાં ખસી ગઈ, સ્નેહા જોરથી લાકડાના બારણા સાથે ભટકાઇ. અને ત્યાં જ નીચે પડી ગઈ. એના શરીરને વધારાનો દુખાવો બારણામાં ભટકાઈ એનાથી મળ્યો હતો. અચાનક બહારથી બારણું ખુલ્યું અને 40-45 વચ્ચેની ઉંમરની 2 સ્ત્રીએ પ્રવેશ કર્યો. એમણે ચણીયા ઉપર જિમી જેવું શર્ટ જેવું દેખાતું પહેર્યું હતું. અને સાથે માથા પર ઓઢણી હતી. એ ભરવાડણ જેવી દેખાતી હતી. એમણે જોયું તો સ્નેહા નીચે પડી હતી. એમણે ઉંમરલાયક સ્ત્રી તરફ જોયું અને પૂછ્યું "ગોરાણીમાં શું થયું? "
"કઈ નહીં આ સ્નેહા હજી પોતાની પરિસ્થિતિ સ્વીકારી શકી નથી. એણે મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. હવે એને ઊંચકીને પલંગ પર સુવડાવો. બિચારીનું માથું ભટકાણું છે"
"અરે પણ હું હમણાં એને ઠીક કરું છું" કરતાં બેમાંથી ઊંચી સ્ત્રી સ્નેહા તરફ ફરી.
"રહેવા દે કાંતા એ બિચારી ઓલરેડી તકલીફમાં છે. હવે તું અને શાંતા બહાર જ બેસજો, અને બારણું લોક જ રાખજો. એને પાણી પીવડાવો અને એનું જમવાનું લાવવા તમને કહ્યું હતું એ ક્યાં છે? ગોરાણીમાં એ બન્ને પર હુકમ કરતા પૂછ્યું.
"જી, જમવાનું લઈને અમે બંને આવતા હતા ત્યાં બારણાંનો અવાજ આવ્યો." શાંતાએ કહ્યું.
"સ્નેહા પાણી પી અને સ્વસ્થ થા. તું મારુ કઈ નહીં બગાડી શકે આમ આવ, આ જો" કહી સ્નેહનો હાથ પકડીને બારી પાસે લાવી અને બહાર જોવા કહ્યું. બહાર મકાનનું આંગણું હતું લગભગ 500 ફૂટ. જેની ચારે તરફ લગભગ 15 ફૂટ ઉંચી દીવાલ બાંધેલી હતી. અને એક લાકડાનો મોટો ગેટ હતો જે અત્યારે બંધ હતો. ગેટ પછી તરત જ એક ખેતર હતું. અને એ ખેતર પૂરું થયા પછી એક નદીનો પટ હતો. અને દૂર લગભગ પોણો કિલોમીટર પછી એક નદી હતી. પણ બારીની રચના એવી હતી કે બીજું કઈ દેખાતું ન હતું.
"આ ક્યુ ગામ છે? તમે લોકો કોણ છો? મને બાંધી રાખવાનો શું મતલબ છે? શું જોઈએ છે તમારે?"
"તને કોઈ માહિતી અમારા કોઈ તરફથી નહિ મળે. બીજું તને છુટ્ટી જ રાખી છે. ન તો તને ક્યાંય બાંધી છે ન તારા હાથ કે પગ. ઉપરાંત આ આખા રૂમમાં તું છૂટ થી હરફર કરી શકે છે. પણ જો હવે કોઈ આડું અવળું પગલું ભર્યું તો, ન છૂટકે તારા હાથ પગ બાંધવા પડશે. તારી બેગ આ વોર્ડરોબમાં છે. એમાંથી તારી ગન કાઢી લીધી છે અને તારા શરીર પરના એક મંગળસૂત્ર સિવાયના બધા દાગીના પણ ઉતારી લીધા છે. મને નથી લાગતું કે તારે એની કઈ જરૂર હોય. એ અમારા માણસોને કામ આવશે." ગોરાણી એ કહ્યું. અને સ્નેહની નજર પોતાના જમણા હાથ પર પડી એની સંરક્ષક (ઝેરવાળી, નીતા પાસે હતી એવી)વીંટી એમાં ન હતી.
"તારી માટે જરૂરી જાણકારી એ છે કે નીચે અમે લોકો રહીએ છીએ. 3-4 કમર છે. અહીં ઉપર 2 કમરા છે જેમાંથી 1 માં તું છે, જયારે બાજુના કમરામાં આ શાંતા કાંતા ઉપરાંત ચમેલી અને ગુલાબો રહેશે 12-12 કલાક. અને તારી જાણ ખાતર આ બન્ને ઉપરાંત ચમેલી અને ગુલાબો કરાટે જુડોમાં એક્સપર્ટ છે. રેસલિંગની તાલીમ લીધી છે. અને એમને કોઈના હાડકા તોડવામાં મજા આવે છે. તારા મોબાઈલનું ડબલુ તારી બેગમાં છે. પણ એનું સીમકાર્ડ અને બેટરી અલગ અલગ જગ્યાએ અહીંથી 200 કિલોમીટર દૂર છે. તારી રૂમની બાજુમાંથી નીચે જવાનો દરવાજો છે પણ, તારા રૂમની જેમજ એમાં નીચેથી તાળું રહે છે. તું રૂમની બહાર નીકળીશ એટલે 4 માંથી જે 2 હાજર હશે એ તને તોડી પડશે. ઉપરાંત 4 કુતરા ચોવીસ કલાક આંગણમાં રહે છે, જે તને જોતાજ તારા શરીરની ગંધથી તને ફાડી ખાશે. અને ગેટની બહાર" કહીને એણે ગળામાંથી એક વિચિત્ર ચીસ પાડી. ચીસ બહુ ભયંકર હતી. એ અવાજ આંગણની બહાર પહોંચતાજ ગેટ ખુલ્યો અને ચાર સુરક્ષા કર્મચારીઓ અંદર ધસી આવ્યા. એ ચારેયના હાથમાં આધુનિક ગન હતી. એમાંથી એકે હિન્દીમાં પૂછ્યું. "શું થયું ગોરાણીમાં?"
"કઈ નહીં આ સ્નેહાને આપણી સુરક્ષા વ્યવસ્થા બતાવતી હતી. મોતિયાની ગેંગ ક્યાં છે?" ગોરાણીએ પૂછ્યું.
"એ બધા રાત્રિનું ભોજન કરે છે"કહીને એણે એક ખૂણો બતાવ્યો ત્યાં 4-5 કુતરાઓ એમને પીરસેલું ખાવાનું ખાઈ રહ્યા હતા. બાજુમાં એક પથ્થરની કુંડીમાં લગભગ 5-7 લીટર દૂધ ભરેલું હતું. એ સ્નેહાએ જોયું. પછી ગોરાણી એ એ લોકોને ગેટ બંધ કરી ચોકન્ના રહેવાનું કહ્યું. પછી સ્નેહા તરફ ફરી અને કહ્યું. "અહીંથી નીકળવું અશક્ય છે. અને કદાચ આ બાઈઓને હરાવીને તું નીકળીશ તો પણ નીચેથી ગેટ બંધ છે. એ કોઈ રીતે ખોલીશ તો વરંડામાં કુતરા તને ફાડી ખાશે. અને પછી આંગણનો ગેટ બંધ છે અને બહાર 24 કલાક 4 ગન મેન ઉભા છે. માટે મસ્ત આ રૂમમાં આરામ કર અને દુનિયાને ભૂલીજા. હમણાં કાંતા તને વોર્ડરોબ ખોલી દેશે તારે કાલે પહેરવા હોય એ કપડાં બેગ માંથી કાઢી લેજે. બાકી તારો સવારે ઉઠવાનો સમય કહી દે એટલે ગરમ ગરમ ચા તૈયાર મળે. સવાર સાંજ 2 વખત ચા. સાંજે એક વખત નાસ્તો અને બપોર તથા રાતનું જમવાનું. આ 2 જણીઓ કે ચમેલી અને ગુલાબો તને આપી જશે. એ લોકો બારણું ખોલે એ પહેલા એ એક બેલ દબાવશે. એટલે તારે પલંગ પર બેસી જવાનું. એ તને જમવાનું કે ચા નાસ્તો આપીને અહીં બેસસે. તારું જમવાનું પૂરું થાય પછી એ લોકો વાસણ લઇને જશે. હા તારા કપડાં તારે જ ધોવા પડશે. કઈ પૂછવું છે તારે?"
"હા તમે લોકો કોણ છો? અને મને.." એનું વાક્ય અધૂરું રહ્યું. ગોરાણીએ હાથ ઉંચો કરી ને એને અટકાવી, અને કહ્યું "તારા માટેની જરૂરી બધી માહિતી તને આપી દીધી છે. હવે અમે બધા મૂંગા છીએ. તું ગમે એ પૂછીશ અમે કોઈ જવાબ નહીં આપીયે." કહી શાંતા-કાંતા ને સ્નેહાને જમવાનું આપવાનું કહી એ રૂમની બહાર નીકળી ગઈ.
xxx
"મોહનલાલ, સ્નેહા મુંબઈ પહોંચી કે નહીં તમને કઈ ખબર છે? એનો કોઈ મેસેજ?" સુમિતે મોહનલાલ ને પૂછ્યું.
"મને બપોરે મેસેજ હતો કે દિલ્હી એરપોર્ટ પહોંચી છું. બસ પછી કોઈ કોન્ટેક્ટ નથી થયો. એને ફોન લગાવ." મોહનલાલે કહ્યું.
"એનો ફોન સ્વીચ ઓફ આવે છે. મને ચિંતા થાય છે" કૈક વ્યગ્ર અવાજે સુમિતે કહ્યું.
"તું ચિંતા ન કર. હું હમણાં તમારા બંગલે જાઉં છું અને પૂછપરછ કરાવું છું." કહી મોહનલાલે ફોન કટ કર્યો. અને પોતાની કાર અનોપચંદના ઘર તરફ વાળવાને બદલે રેસકોર્સની બાજુમાં આવેલ અનોપચંદ એન્ડ સન્સ હોસ્પિટલની બાજુમાં રહેલા પોતાના ઘર તરફ વાળી. એ ઘરે પહોંચ્યો ઘરમાં એના સિવાય કોઈ હતું નહીં. એની પત્ની ચારેક મહિના પહેલા ટૂંકી બીમારીમાં મૃત્યુ પામી હતી. ઘર ખોલી એ અંદર પ્રવેશ્યો, પછી દરવાજો લોક કરીને આરામથી નહાવા ગયો. નાહીને એણે સ્વચ્છ લેંઘો ઝભ્ભો પહેર્યા અને પોતાના બેડરૂમમાં પોતાના પલંગ પર લંબાવ્યું અને પછી કોઈને એક ફોન કર્યો સામે વાળા એ જણાવ્યું કે "પંદર મિનિટ" પછીએ ફોન કટ કરી એણે સુમિતને ફોન કર્યો અને કહ્યું. "સુમિત બુરી ખબર છે. હું હમણાં જ તમારા બંગલે ગયો હતો. ત્યાં કોઈજ ન હતું. નોકરોને ફોન કરીને પૂછ્યું તો એમણે કહ્યુંકે સ્નેહા મેડમે સવારે 12 વાગ્યે એ લોકોને ફોન કરીને જણાવ્યું હતું કે એ મુંબઈમાં બુધ ગુરુવારે આવશે માટે બુધવાર સુધીની બધાને રજા આપી છે. તમારા બંગલાઓની સોસાયટીની બહારના વોચમેને જણાવ્યું કે સ્નેહા મેડમ આવ્યા નથી."
"મોહનલાલ તો સ્નેહા ક્યાં ગઈ? મને હવે ચિંતા થાય છે. સવારે દિલીપભાઈ એ કહ્યુંકે એમને એરપોર્ટથી મેસેજ આવ્યો કે એ પહોંચી ગઈ છે. અને કલાક પછી આપણો ડ્રાઈવર રામજી પણ કાર બંગલે મૂકી ગયો. અને દિલીપભાઈને જણાવ્યું કે સ્નેહા મેડમે એને બક્ષિસમાં 500 રૂપિયા આપ્યા છે. તમે કંઈક તપાસ કરો પ્લીઝ." કહેતા એનું ગળું ભરાઈ આવ્યું.
"તું ચિંતા ના કર. મને પણ એરપોર્ટ પહોંચ્યાનો મેસેજ એનાજ ફોનથી મળેલો. એટલે એરપોર્ટ સુધીતો એ પહોંચી જ છે. વળી એના ફોનમાંથી જ નોકરોને એણે ફોન કરેલો એનો મતલબ કે એ એરપોર્ટથી મુંબઈ વચ્ચે જ ક્યાંક .."
"મોહનલાલ તો એરપોર્ટ ઓથોરિટીની સાથે વાત કરો અને સીસીટીવી ફૂટેજ ચેક કરવો. જલ્દી કરો. પોલીસમાં કમ્પ્લેઇન નોંધાવો. હું સવારે આવું છું."
"સુમિત એમ અધીરો ન થા. એવું પણ બન્યું હોય કે એને કંઈક અગત્યનું કામ યાદ આવ્યું હોય. અને આમેય સવારે જીતુભા આવે છે. તારે એને દુબઈમાં મળી ને મિડલ ઈસ્ટનું બધું સમજાવવાનું છે."
"ડેમ ઈટ. ભાડમાં જાય મિડલ ઈસ્ટ. હું ફ્લાઇટ પકડું છું. તમે સીસીટીવી ફૂટેજની વ્યવસ્થા કરો. સ્નેહાને કઈ નુકસાન, કોઈ પહોંચાડશે તો હું દુનિયામાં આગ લગાવી દઈશ."
"આકરો ન થા. સુમિત તને જરૂરી લાગે તો કાલે સવારે જીતુભાને બધું સમજાવી ને બપોરે ફ્લાઇટ પકડજે. પણ મિડલ ઇસ્ટ ની વાત કેટલી અગત્યની છે એ તને પણ ખબર છે. હું હમણાં જ ફૂટેજનો બંદોબસ્ત કરું છું. અને મારા ખબરીઓને કામે લગાડું છું." કહી મોહનલાલે એને ધીરજ રાખવા સમજાવ્યો. એટલામાં એની ડોરબેલ વાગી. "ચાલ હું મુકું છું અને કલાકમાં તને ફોન કરું." કહી ફોન કટ કર્યો. પછી બારણું ખોલ્યું બહાર એક 15-18 વર્ષનો છોકરો હતો એના હાથમાં એક ડીવીડી હતી. મોહનલાલે ચૂપચાપ એ ડીવીડી લઇ લીધી અને બારણું બંધ કર્યું. ડીવીડીને ડ્રેસિંગ ટેબલ પર મૂકી અને પોતાના પલંગમાં લંબાવ્યું. એકાદ કલાક પછી એ ફરીથી ઉઠ્યો. અને સુમિતને ફોન જોડ્યો. અને કહ્યું. "મેં ફૂટેજ જોઈ લીધા, આપણી કાર લગભગ 12-45 વાગ્યે એરપોર્ટ પહોંચી. અને સ્નેહા એમાંથી ઉતરીને અંદર એરપોર્ટમાં જતી હોય એવું દેખાય છે. હવે મારા ખબરીને મુંબઈ એરપોર્ટના ફૂટેજ અને સ્નેહા મુંબઈ ઉતરી કે નહીં એ જાણવા કામે લગાડ્યા છે. દિલ્હીના ફૂટેજ હું જીતુભાને મોકલી આપું છું. એટલે સવારે તને મળી જશે. દરમિયાન હું અહીં તપાસ આગળ વધારું છું"
"સ્નેહનું સુરક્ષા કવચ એક્ટિવ કરો અને એનું લોકેશન મને જણાવો" કહીને સુમિતે ફોન બંધ કર્યો. મોહનલાલે અનોપચંદ એન્ડ કુ. માં ફોન કરીને આઠમા માળે 808 નંબરનું એક્સ્ટેંશનની લાઈન માંગી. સામેથી ફોન ઉંચકાયો એટલે કહ્યું "મોહનલાલ બોલું છું. ડાયમંડ 4 નું લોકેશન ગોતીને તરત જ જણાવો. અને એમને મેસેજ પહોંચાડો" આટલું કહીને ફોન કટ કર્યો અને બીજા કોઈ ને ફોન લગાવ્યો અને પોતાના ઘરે આવવા કહ્યું. પંદર મિનિટ પછી પહેલા જે છોકરો ડીવીડી આપવા આવ્યો હતો એણે જ આવીને ડોરબેલ વગાડી. મોહનલાલે એ જે ડીવીડી લાવ્યો હતો એ એના હાથમાં પાછી આપી અને કહ્યું. "અત્યારે જ જઈને જીતુભાનાં ઘરે આપી આવ અને કહેજે કે 'દુબઇ પહોંચી ને તરત સુમિતને આ ડીવીડી આપી દે" છોકરો ડીવીડી લઈને ગયો પછી મોહનલાલે દરવાજો બંધ કર્યો અને પછી દિલ્હીના બંગલાના કેરટેકર દિલીપભાઈ ને ફોન લગાવ્યો. ત્યારે રાત્રીના સાડાબાર વાગ્યા હતા.
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.