Naari tu Narayani - 2 in Gujarati Short Stories by Nij Joshi books and stories PDF | નારી તું નારાયણી - 2

Featured Books
Categories
Share

નારી તું નારાયણી - 2

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः

આ શ્લોકનો અર્થ છે: જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે એટલે કે સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે, એટલે કે તે કુળના તમામ કાર્યો પૂર્ણ થાય છે.પરંતુ જે સ્થાનમાં સ્ત્રીઓનું સન્માન થતું નથી અને સ્ત્રીઓનું અપમાન થતું હોય છે, ત્યાં કરેલાં બધાં કામ, યજ્ઞ, કર્મકાંડ વગેરે નિરર્થક બની જાય છે અને એ કુળનું કોઈ કામ પૂરું થતું નથી.
ભગવાન મનું દ્વારા સ્ત્રીઓના માન સન્માન અને અપમાન વિશે કેટલું સરળ રીતે સમજાવ્યું છે. પણ આ બધું ગ્રંથોના પાનાઓમાંજ રહી ગયું. તેનું વાસ્તવિક જીવનમાં મહત્વ બહુ ઓછું જોવા મળે છે. શું સાચા અર્થમાં નારીને નારાયણી ગણવામાં આવે છે ખરી?

તેં ભલે MBA કરેલું હોય પણ લગ્ન પછી નોકરી તો હું કે મારો પરિવાર કહે તો જ કરીશ. પોતાના ભણતરના આધારે પોતે નોકરી કરી શકે કે નઈ એ નક્કી કરવાનો અધિકાર પણ સ્ત્રીનો પોતાનો નથી હોતો.
નારી એટલીજ પૂજનીય ગણાતી હોય છે તો લગ્ન સમયે નારીના સ્વીકારની સાથે દહેજનો સ્વીકાર કેમ થાય છે. અરે નારી અને દહેજમાં દહેજનું પલડું કેમ ભારી થઈ જાય છે. જ્યારે પૂજનીય તો નારી છે. એનેજ નારાયણી કે લક્ષ્મી માનીને લઇ જાવને, સાથે નગદ નારાયણ કેમ? આ સવાલ હંમેશા મનને મુંજવ્યા કરતો.

નારીને નારાયણી ગણો છો તો એ નારાયણી પર વિશ્વાસ કરો ને. એણે હંમેશા પોતાની પવિત્રતા પુરવાર કેમ કરવી પડે છે? એણે વારંવાર પોતાની જાતને નિર્દોષ પુરવાર કેમ કરવી પડે છે. અરે જગત આખું જેને સીતામાતા તરીકે પૂજે છે એજ સીતામાતાને અગ્નિ પરીક્ષા કેમ આપવી પડી? વારંવાર સીતાજીને પોતાનાં આત્મસન્માનના ભોગે પોતાની નિર્દોષતા કેમ સાબિત કરવી પડી હતી? અને એટલું કરવાં છતાંય સીતામાતાને અંતે તો ધરતીમાંજ સમાવવું પડ્યું હતું ને.

કહેવાતી આજ નારાયણીને મીરાબાઈ બનીને ઝેરના ઘૂંટડા કેમ ભરવા પડ્યા હતા. નારાયણીને સતીપ્રથાનો ભોગ કેમ બનવું પડતું હતું. કે એજ નારાયણી બાળ સ્વરૂપે જન્મ લેતી તો એને દૂધ પિતી કેમ કરવામાં આવતી? એને ધબકતા હૈયે જિંદગીના શ્વાસ કેમ નાં મળતા. અને આ દુનિયામાં જીવવાનો અધિકાર કેમ નહોતો આપવામાં આવતો. અરે એને જીવવાનો અધિકાર તો શું પણ થોડી ક્ષણો માં ની મમતાની પણ અધીકાર ક્યાં મળતો હતો. પછી ભલે નારીને લક્ષ્મીનો અવતાર ગણવામાં આવતો. પણ એજ લક્ષ્મી નારી બની જન્મી નાં શકતી. આતે કેવી કરુણતા. પણ નારીના જીવનની વાસતવિકતા તો આજ છે ને?

ખરા અર્થમાં જો નારીને નારાયણી માનતા હોઈએ તો એની વ્યથા કેમ ના અનુભવાય. આજે ઠેર ઠેર નારિગૃહ ના બંધાયા હોતને. નારી સાથે ડગલેને પગલે ગુનાહિત પ્રવૃત્તિઓ ના આચરાતી હોતને. પોતાની લાજ કે આબરૂને સાચવીને આરામથી દુનિયામાં ફરી કેમ નાં શક્તી હોય. હંમેશા વાસનાભરી લોલુપ નજરોથી બચીને કેમ રહેવું પડતું હશે. મુકત પંખીની જેમ ઉડાન ભરી જીવી કેમ નથી શકતી.
કહેવાતી આપની આ નારાયણીને પોતાની માલિકીની વસ્તુ કે સામાન સમજીને તેનો બજારમાં સોદો નાં થતો હોય ને. તેને બહેલાવી, ફોસલાવી કે ડરાવીને દેહ વ્યાપારના ધંધાના દલદલમાં કેમ ધકેલી દેવામાં આવતી હશે. નારાયણીનાં તન મનને કેમ રહેંશી નાંખતા હશે. ત્યારે એક પણ મિનિટ માટે તેના મનની સ્થિતિની કલ્પના શુદ્ધા કેમ નથી આવતી.

હકીકતમાં જોઈએ તો નારીને મહાનતાનું બિરુદ નઈ પણ સમાનતાની શાતા જોઈએ છે. નારાયણીને પુજાવવું નહિ પણ મહેકાવું ગમે છે. જેને માન સન્માનની નહિ પણ સામાન્ય નારી બની સમાન અધિકાર સાથે જીવવું વધારે ગમે છે. નારીને નારી સમજો તોય ઘણું છે. નારાયણી નાં ગણો તો કંઈ નઈ.

🌺નીતુ જોષી નીજ🌺