DNA. - 14 in Gujarati Thriller by Maheshkumar books and stories PDF | ડીએનએ (ભાગ ૧૪)

Featured Books
Categories
Share

ડીએનએ (ભાગ ૧૪)

નિરામયભાઈના ઘર આગળ આવીને ઉભી રહેલી સફેદ ગાડી ઉપર શબવાહિની લખ્યું હતું. ગાડીમાંથી ડાબી બાજુએથી એક સફેદ કપડાં પહેરેલો કમ્પાઉન્ડર અને જમણી બાજુથી ડ્રાઈવર ઉતર્યા.

નિરામયભાઈ અને મુકુંદભાઈ બંને ગાડીનો અવાજ સાંભળીને બહાર આવી ગયા હતા. તેમને હોસ્પિટલથી આવી રહેલી શબવાહિનીની ખબર પહેલેથી જ આપી દેવાઈ હતી. નિરામયભાઈએ પરિસ્થિતિનો સામનો કરી શકવાની હિંમત એકઠી કરી લીધી હોય તેવું તેમના ચેહરા પરથી જણાતું હતું. બંને ગાડી પાસે આવી ગયા.

ગાડીમાંથી ઉતારેલા બંને જણા કમ્પાઉન્ડર અને ડ્રાઈવર ગાડીની પાછળની તરફ ગયા અને ડ્રાઈવરે પાછળનું બારણું ખોલ્યું. તેમાંથી સ્ટ્રેચર કાઢવા માટે ડ્રાઈવરે સ્ટ્રેચરના બંને હાથા પકડીને ખેચ્યું. સ્ટ્રેચર સામેના છેડા સુધી બહાર આવ્યું એટલે કમ્પાઉન્ડરે સામેના બંને હાથા પકડીને સ્ટ્રેચરને ઊંચકી લીધું.

સોસાયટીમાં જે પણ લોકો બહાર હતા તેમણે ગાડી અને તેમાંથી ઉતારાઈ રહેલી મૈત્રીની લાશને જોઈ. સ્ટ્રેચરમાં આશરે સાડા પાંચ ફૂટ લાંબી સફેદ કપડામાં વીંટાળેલ મૈત્રીનું શબ નજરે પડ્યું. મૈત્રી છેલ્લી વાર જયારે ઘરની બહાર નીકળી હતી ત્યારે આ જ સોસાયટીનો માહોલ અલગ હતો. નિરામયભાઈએ હૃદય કાઠું રાખવાની ઘણી કોશિશ કરી પણ સ્ટ્રેચર તેમની પાસે આવતા જ તેમના મોંમાંથી પથ્થર પણ ઓગળી જાય તેવી રુદન સાથે “મૈત્રી.. બેટા..”ની ચીસ નીકળી. મુકુંદભાઈએ તેમને પકડી લીધા. નિરામયભાઈની ચીસે સોસાયટીમાં પડઘો પાડ્યો અને જેણે જેણે ચીસ સાંભળી તે પોતપોતાના કામ છોડી બહાર આવી ગયા.

સ્ટ્રેચર લઈને બંને જણા નિરામયભાઈના ઘરમાં દાખલ થયા. નિરામયભાઈ ને મુકુંદભાઈ સ્ટ્રેચરની સાથે સાથે ચાલતાં હતા. સોસાયટીના લોકો એક પછી એક પોતપોતાના ઘરમાંથી નીકળી નિરામયભાઈના ઘર તરફ આગળ વધ્યા.

નિરામયભાઈ અને મુકુંદભાઈએ હોસ્પીટલમાંથી આવીને મૈત્રીના મોતની ખબર જણાવી હતી ત્યારે કુમુદબેને પોક મૂકી હતી અને એમની પોકની કારમી ચીસે આખી સોસાયટીની શાંતિ હણી લીધી હતી. એમનું મગજ ભમવા માંડ્યું હતું અને તે બેભાન થઈ ગયા હતા. માંડ માંડ ભાનમાં આવેલા કુમુદબેન નિરામયભાઈની ચીસ સાંભળી પોતાના રૂમમાંથી બહાર દોડ્યા. ભાનુબેન અને બીજા બે પાડોશી બેનો પણ ઉતાવળા પગલે તેમના પાછળ તણાયા.

ઘર લોકોથી ભરાયેલું હતું. તેમનો ધીમો ધીમો ગણગણાટ સંભળાઈ રહ્યો હતો. સ્ટ્રેચર લઈને બંને જણા ભીડને ચીરતા ઘરની અંદર દાખલ થયા. ગણગણાટ શમી ગયો. કુમુદબેનના પગમાં અચાનક જોમ આવ્યું હોય એમ તેમણે સ્ટ્રેચર તરફ દોટ મૂકી અને સ્ટ્રેચર પાસે આવી મૈત્રીની લાશને બાઝી પડ્યાં. કમ્પાઉન્ડર અને ડ્રાઈવરે અચાનક આવેલા ઝટકાથી સ્ટ્રેચર છટકી ન જાય તે માટે સ્ટ્રેચરના હાથા પરની પોતાની પકડ મજબુત કરી અને સાચવીને સ્ટ્રેચર નીચે મુક્યું.

કુમુદબેનના હૈયાફાટ રુદનથી ઘરમાં એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. નિરામયભાઈ પણ સ્ટ્રેચર પાસે ફસડાઈ પડ્યાં. હેલી પણ ભાનુબેનને વળગીને રડવા લાગી. ત્યાં ઊભેલા મોટાભાગના તમામ લોકોના આંખોમાં પાણી આવી ગયું. સ્ત્રીઓ તો રીતસર રડવા લાગી. લોકોના રડવાનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. લોકો સાથે ઘર પણ રડી રહ્યું હોય તેવો ભાસ થતો હતો. આખી સોસાયટીમાં સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ.

કમ્પાઉન્ડરે ત્યાં ઊભેલા એક ભાઈને કહ્યું, “આમને સ્ટ્રેચર પરથી થોડીવાર માટે જરાક દૂર લઈ જાઓ તો શબને સ્ટ્રેચરમાંથી ઉતારીને અમે નીકળી શકીએ.” પેલા વ્યક્તિએ એક મહિલાને વાત કરી અને બે ત્રણ બહેનોએ કુમુદબેન અને ભાઈઓએ નિરામયભાઈને મૈત્રીના શબથી અલગ કર્યા. કમ્પાઉન્ડર અને ડ્રાઈવરે મૈત્રીના શબને સ્ટ્રેચરમાંથી ઊંચકીને જમીન પર મુક્યું. બંને જણા સ્ટ્રેચર લઈને બહાર નીકળી ગયા. સ્ટ્રેચરને ગાડીમાં મૂકી બંને શબવાહિનીમાં ગોઠવાયા. શબવાહિની સોસાયટીની શાંતિને અવરોધ્યા વિના સોસાયટીની બહાર નીકળી ગઈ.

વરસાદના છાંટા જેમ ખુલ્લામાં પડેલા વાસણોમાં પાણી ભરી દે કાંઇક એવી જ રીતે નિરામયભાઈની સોસાયટી આજે માણસોથી ભરાઈ ગઈ હતી. ઘરમાં મૈત્રીની સ્મશાનયાત્રા કાઢવા માટે તેના શબને સફેદ કપડામાં વીંટાળીને તૈયાર કરાયું હતું. ગલગોટાના પીળા અને ગુલાબના લાલ ફૂલોથી મૈત્રીના શરીર પર વીંટેલ સફેદ કફન દેખાતું ન હતું. લોકો એક પછી એક આવ્યે જતા હતા અને ફૂલો મૂકી હાથ જોડી પ્રણામ કરી નીકળી જતા. મૈત્રીના શબની આસપાસ લાલ, પીળા અને કેસરી રંગના ફૂલોનો ઢગલો નજરે પડતો હતો. મૈત્રીના મિત્રો અને તેના સગાસંબંધીઓએ લાવેલા હાર અને ફૂલોથી ઘેરાયેલી મૈત્રી ચીર નિદ્રામાં પોઢી ચુકી હતી. ફક્ત તેનો ચેહરો ફૂલો વચ્ચે દેખાઈ રહ્યો હતો ને જાણે આ ફાની દુનિયાને અલવિદા કહી રહ્યો હતો. તેના નાકમાં રૂ ભરાવેલું હતું. તેના લલાટ પર કરેલા ચંદનના લેપ તેની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યા હતા. હળવો હળવો રામ ધૂનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેના માથાની બાજુમાં અગરબત્તીઓ સળગી રહી હતી. બ્રાહ્મણના મંત્રોનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

નિરામયભાઈ એકીટશે તેનો ચેહરો જોઈ રહ્યા હતા. તેમને આભાસ થતો હતો કે હમણાં મૈત્રી બોલી ઉઠશે, “આવજો પપ્પા, હું જાઉં.” નિરામયભાઈના મોંમાંથી એકવાર ફરીથી ડૂસકું નીકળી ગયું.

મુકુંદભાઈએ નિરામયભાઈની પાસે આવીને કહ્યું, “કોઈ સગું આવવાનું બાકી તો નથી ને?” નિરામયભાઈએ મુકુંદભાઈ સામે જોયું. “મૈત્રીને સ્મશાને લઈ જઈએ.” મુકુંદભાઈને બોલતા સખત ભાર વરતાતો હતો. નિરામયભાઈ મુકુંદભાઈને વળગી પડ્યાં ને જોર જોરથી રડવા લાગ્યા. મુકુંદભાઈ પણ પોતાના આંસુ ન રોકી શક્યા. બંને પોક મૂકી રડવા લાગ્યા.

બે ત્રણ જણાએ બંનેને શાંત પાડ્યા. બંને એકબીજાથી અળગા થયા. નિરામયભાઈ મૈત્રીના શબ પાસે જઈ બેસી ગયા. મૈત્રીના ગાલ પર બચ્ચી કરી. તેમના મોંમાંથી હળવું ડૂસકું નીકળી ગયું. કુમુદબેન મૈત્રીના શબ પાસે આવીને રીતસર શબને બાઝી પડ્યાં. “ના લઈ જાઓ મારી મૈત્રીને” કુમેદબેને મોટેથી પોક મૂકી. તેમની પોકનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. ચાર પાંચ બહેનો તેમને નનામી પાસેથી દૂર લઈ ગયા. તેમનું મોટે મોટેથી રડવાનું ચાલુ જ હતું.

નિરામયભાઈ અને મુકુંદભાઈએ ફૂલોને સહેજ ખસેડીને નનામીના હાથાને પકડ્યો. પાછળથી બીજા બે જણાએ પાછળના બે હાથા પકડ્યા અને નનામીને ઊંચી કરી. કુમેદબેનનો “ના લઈ જાઓ મારી મૈત્રીને... ના લઈ જાઓ..” રડવા સાથેના અવાજે ત્યાં રહેલા લોકોના હૃદયને હચમચાવી નાંખ્યા. “રામ નામ સત્ય હૈ” ના ગણગણાટ વચ્ચે નનામીને ઊંચકીને ઘરની બહાર લવાઈ. ત્યાં એક ભાઈ દુની લઈને ઉભો હતો. એક ભાઈએ નિરામયભાઈના હાથમાંથી નનામી પકડી લીધી. દુની લઈને ઊભેલા વ્યક્તિએ દુની નિરામયભાઈને આપી.

નિરામયભાઈ દુની લઈને લોકોની ભીડને ચીરતા બંગલાની બહાર જવા આગળ વધ્યા. તેમની પાછળ નનામી નીકળી. નિરામયભાઈના ઘરની બહાર માણસોની એટલી ભીડ હતી કે ભીડમાં જમીન પણ દેખાતી ન હતી. જેમ જેમ નિરામયભાઈ ચાલતાં જતા ભીડ તેમને જગ્યા આપતી અને તેમની પાછળ નનામી દોરાતી જતી હતી. નનામીની પાછળ લોકો જોડાતા જતા હતા.

સ્મશાન નિરામયભાઈના ઘરથી એક કિલોમીટર દૂર હતું. મીડીયાએ લાઇવ ટેલીકાસ્ટ શરૂ કર્યું હતું. અમદાવાદે પહેલીવારે કોઈની સ્મશાનયાત્રામાં આટલી ભીડ જોઈ હતી. ઠેર ઠેર માણસો જ માણસો નજરે પડતા હતા. આખું દ્રશ્ય પથ્થરદિલ માણસનું પણ કાળજું કંપાવી દે તેવું હતું. રામ નામનો તાલબદ્ધ અવાજ ગમગીનીમાં વધારો કરી રહ્યો હતો. રસ્તા પર આવતા ઘરો અને ફ્લેટની બાલ્કનીઓમાં ઊભેલા લોકો પણ સ્મશાનયાત્રા જોઈ નમન કરતાં, તો નરમ હૈયાના લોકોની આંખો પલળી જતી. નનામી એક ખભાથી બીજો ખભો બદલતા બદલતા સ્મશાને પહોંચી.

સ્મશાનમાં પહેલેથી ગોઠવેલા લાડકાં પર મૈત્રીના શબને હળવેકથી સુવડાવાયું. એક વ્યક્તિએ સળગતું લાકડું નિરામયભાઈને આપ્યું. નિરામયભાઈએ લાકડાં પર ગોઠવેલા મૈત્રીના શબને પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા પૂરી કરી શબને અગ્નિદાહ આપ્યો અને થોડીવારમાં ચિતા ભડભડી ઊઠી. નિરામયભાઈ એકીટશે ચિતા સામે જોઈ રહ્યા હતા. તેમને મૈત્રીનો અવાજ સંભળાયો, “આવજો પપ્પા.”

નિરામયભાઈના હોંઠ ફફડ્યા, “આવજે બેટા..” કહેતા કહેતા નિરામયભાઈથી એકસામટા બે ત્રણ ડુસકા ભરાઈ ગયા. મૈત્રીનો આત્મા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. ત્યાં ઊભેલા તમામના હૃદય શોકગ્રસ્ત હતા. ટીવી પર લાઇવ જોઈ રહેલા લોકોના ઘરમાં પણ જાણે કોઈ સ્વજન મરી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. શ્રેયાની આંખોમાંથી આંસુ વહી ગાલ પર થઈ જમીનમાં સમાઈ ગયા. નિરામયભાઈના ઘરને પણ રડવાના અવાજોએ ગમગીન કરી દીધું.