Varasdaar - 22 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 22

Featured Books
Categories
Share

વારસદાર - 22

વારસદાર પ્રકરણ 22

દિવસો પસાર થતા ગયા. મંથન માટે અમદાવાદનાં લગભગ તમામ કામ પતી ગયાં હતાં. ડ્રાઇવિંગ પણ પાકું શીખી ગયો હતો. અખાત્રીજના દિવસે તોરલનાં લગ્ન હતાં તો વૈશાખ સુદ પાંચમે એના ખાસ મિત્ર જયેશનાં લગ્ન હતાં. પરંતુ આ લગ્ન માટે થઈને અમદાવાદમાં રોકાવાની મંથનની કોઈ જ ઈચ્છા ન હતી.

મુંબઈથી ઝાલા સાહેબના બે ફોન આવી ગયા હતા કે હવે તમે મુંબઈ સેટલ થઈ જાઓ. આવતી કાલથી ચૈત્રી નવરાત્રી શરુ થઈ રહી હતી એટલે મુંબઈ પ્રસ્થાન કરતાં પહેલાં ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવાની મંથનની ખાસ ઈચ્છા હતી. અનુષ્ઠાન પતી જાય પછી રામનવમીના દિવસે અથવા એકાદશીના દિવસે કાયમ માટે મુંબઈ તરફ પ્રયાણ કરવાનો મંથને નિર્ણય લીધો.

નવરાત્રી ચાલુ થઈ ગઈ. મંથન વહેલી સવારે ૪ વાગે ઊઠીને રોજ ગાયત્રી મંત્રની ૩૦ માળા કરતો. હવે સ્પીડ આવી ગઈ હોવાથી સવા બે કલાકમાં માળા પૂરી થઈ જતી. ગાયત્રી મંત્રથી સૌથી મોટો ફાયદો એ થયો હતો કે મંથનમાં ગજબનો આત્મવિશ્વાસ પ્રગટ થયો હતો. એક નવી જ ઉર્જાનો સંચાર પેદા થયો હતો.

પાંચ દિવસ માળા કર્યા પછી ગાયત્રી મંત્રના પ્રભાવથી અચાનક એને એક વિચાર આવ્યો અને સાંજે ૫ વાગ્યે એ ડ્રાઇવિંગ સ્કૂલવાળા રફીકની પાસે પહોંચી ગયો.

રફીકનો મોટો ભાઈ શરીફખાન એક જમાનામાં દરિયાપુર અને પ્રેમ દરવાજા વિસ્તારનો બહુ મોટો બુટલેગર હતો. આખા એરિયામાં એની ધાક વાગતી અને છેક મુંબઈ સુધી એના સંપર્કો હતા. થોડાક વર્ષો પહેલા જ એક ગેંગ વોરમાં એનું મર્ડર થઈ ગયું હતું.

નાનો ભાઈ રફીક સીધો સાદો હતો અને ગુંડાગિર્દીથી દૂર હતો. મંથનને ખબર હતી કે ભલે ડાયરેક્ટ આ બધામાં રફીક ભાગ લેતો ન હતો પરંતુ ભાઈના કારણે એના મુંબઈના સંપર્કો
ઘણા ઊંચા હતા. એના મામુજાન મુંબઈમાં મોટું માથું હતું.

" રફીક તને ખબર છે કે હવે હું એકાદ વીકમાં મુંબઈ શિફ્ટ થઈ રહ્યો છું અને ત્યાં બિલ્ડર તરીકે મારું નામ ઉભું કરવા માગું છું. મુંબઈ જેવા શહેરમાં મોટી સ્કીમો કરવા માટે ઓછામાં ઓછી સો કરોડ જેવી રકમ હાથ ઉપર જોઈએ. મારી અમુક ઓળખાણો છે એટલે ૧૫ ૨૦ કરોડ તો મને મળી જાય પરંતુ મુંબઈ જેવા શહેરમાં આ રકમ બહુ ઓછી પડે." મંથન બોલ્યો.

"તેં એક વાર તારા મામુજાનની વાત કરી હતી મને. તું મોટી રકમ મને વ્યાજે અપાવી શકે ? એમને જે વ્યાજ જોઈતું હોય એ દર મહિને મળી જશે." મંથને કહ્યું.

" મંથન આજે તેં બહુ મોટી વાત કરી દીધી. આટલું મોટું સાહસ કરવાની તારી જો ઈચ્છા હશે તો ઇન્શાલ્લા પૈસા તો મળી જશે. પરંતુ એમની સાથે ઓળખાણ કરવા જેવી નથી. મામુજાનનો એમ.ડી ડ્રગ્સનો બહુ મોટો કારોબાર છે. હું પણ મારી જાતને એમનાથી દૂર રાખું છું." રફીકે એને સાવધાન કર્યો.

" એ બાંદરા વિસ્તારના ડોન છે. રકમ તો તું જેટલી માંગે એટલી હું અપાવી શકું પરંતુ દર મહિને વ્યાજ જરા પણ મોડું થવું ના જોઈએ નહીં તો ઘરે આવીને એમના માણસો ઉઠાવી જશે. કાલ ઊઠીને આપણા સંબંધો ખરાબ ન થાય એનું ધ્યાન રાખજે. " રફીક બોલ્યો.

" તેં આટલું કહ્યું એટલે બધું આવી ગયું રફીક. મારે હાલ ને હાલ પૈસાની કોઈ જરૂર નથી. જરૂર પડશે તો જ હું તને પૈસા માટે ફોન કરીશ. મને એક વાર મુંબઈ જવા દે. બધો તાગ લેવા દે. કોઈ એવો મોટો પ્લોટ મને મળી જાય અને ત્યાં મારે સ્કીમ ડેવલપ કરવાની ઈચ્છા થાય તો જ આટલી મોટી રકમની મને જરૂર પડે. બસ એક વાર તું મને ઓળખાણ કરાવી દે. કારણ કે આટલા મોટા માણસની મુંબઈમાં ઓળખાણ હોય એટલે પછી બીજા કોઈ લોકલ તત્વો મને હેરાન ના કરી શકે. કારણ કે આજકાલ તમે મોટા બિલ્ડર બનો એટલે ગુંડા તત્વોના ફોન ચાલુ થઈ જતા હોય છે." મંથન બોલ્યો. બહુ ગણતરીપૂર્વક એ આગળનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

" એની તું ચિંતા ના કરીશ. તું એકવાર સેટ થઈ જા પછી મને ફોન કરી દેજે. એટલે હું મુંબઈ આવીને તારો પરિચય કરાવી દઈશ. પૈસા તો જેટલા જોઈએ એટલા મામુ પાસેથી મળશે પરંતુ તારી સ્કીમો મામુને મોર્ગેજ કરવી પડશે. " રફીક બોલ્યો.

" હું બધું જ જાણું છું રફીક અને આ બધી તૈયારીઓ સાથે જ તારી સાથે વાત કરું છું. એનીવેઝ થેન્ક્યુ રફીક. મારે હવે જે ઉડાન ભરવી છે એના માટે મોટા પીઠબળની જરૂર છે. " મંથન બોલ્યો.

" મામુજાન સિવાય પણ મારી પાસે બીજા બે કોન્ટેક્ટ છે. એ તને રૂપિયા નહીં આપી શકે પરંતુ અડધી રાત્રે તને કામ આવશે. મારા એક અંગત મિત્રના પપ્પા પાટીલ અંકલ કાંદીવલીમાં જોઈન્ટ પોલીસ કમિશનર છે. હું એમના ઘરે પણ રોકાયેલો છું. બીજો એક રિશ્તેદાર દહીસરમાં મોટો બુટલેગર છે. તું હવે બિન્દાસ્ત ધંધાનું ડેવલપમેન્ટ કરી શકે છે." રફીક બોલ્યો.

રફીક સાથેની મુલાકાત પછી મંથનના પગમાં ઘણું જોર આવી ગયું. મુંબઈ જેવા શહેરમાં સેટલ થવા માટે અને મોટું નામ બનાવવા માટે આવા કોન્ટેક્ટ જરૂરી હોય છે. કારણ કે કન્સ્ટ્રક્શનના ધંધામાં હરીફાઈ પણ ઘણી હોય છે.

નવરાત્રી પૂરી થઈ ગઈ. એણે ગાયત્રી મંદિરમાં જઈને હવનની આખી પ્રક્રિયા સમજી લીધી અને જાતે હવન પણ કરી લીધો. એકાદશીના દિવસે મુંબઈ જવાનો એણે નિર્ણય લીધો અને વહેલી સવારે પાંચ વાગ્યાની કર્ણાવતીમાં ચેરકાર ની ટિકિટ પણ બુક કરાવી દીધી.

સાંજે એ વીણા માસીને મળવા માટે ગયો - " માસી બે દિવસ પછી મુંબઈ શિફ્ટ થઈ જાઉં છું. મકાનની ચાવી તમને આપતો જઈશ. મેં તમને જે વાત કરી છે તે તમે સ્વાતિબેન ને પણ કરી દેજો. હું થોડા દિવસ ત્યાં સેટ થઈ જાઉં પછી તમને લેવા આવીશ " મંથન બોલ્યો.

" અરે પણ મંથન બેટા મને અહીં રહેવા દે ને ? હું આ ઉંમરે હવે મુંબઈ આવીને શું કરું ? " વીણામાસી બોલ્યાં.

" તમારે કશું કરવાનું જ નથી. બસ જ્યાં સુધી મારાં લગ્ન ના થાય ત્યાં સુધી બે ટાઈમ રસોઈ કરજો જેથી ઘરનું ખાવાનું મળે અને મને પણ કંપની મળે. લગન થાય પછી સાસુ તરીકે હુકમ કર્યા કરજો. ત્રણ બેડરૂમનું આટલું મોટું મકાન છે. " મંથન બોલ્યો.

" ઠીક છે ભાઈ.. તને હવે કેવી રીતે ના પાડું ?"

મુંબઈ જવાના આગલા દિવસે મંથન પોતાની બાઈક રેલ્વે સ્ટેશન લઈ ગયો અને બોરીવલી સ્ટેશને પાર્સલ કરાવી દીધી.

રાત્રે સાડા આઠ વાગે એ તોરલના ઘરે પણ ગયો. ઘરમાં બધા જ સભ્યો હાજર હતા

" જય જિનેન્દ્ર અંકલ. કેમ છો માસી ? કાલે હવે હું કાયમ માટે મુંબઈ શિફ્ટ થઈ રહ્યો છું. કંપનીએ મને અંધેરીમાં એક ઓફિસ વાપરવા માટે આપી છે. એક ગાડી પણ મળી જશે. મલાડ સુંદરનગરમાં રહેવા માટે એક ભાડાના ફ્લેટની પણ વ્યવસ્થા કરી છે. " મંથને જાણી જોઈને કાંતિલાલને સંભળાવવા માટે આવી વાત કરી. આજ સુધી એ માણસ મને કામચોર અને રખડુ માનતો હતો. હંમેશા તોછડાઈથી વાત કરતો હતો.

" હોય નહીં !! શું વાત કરે છે તું મંથન ? કંપની તને પગાર ઉપરાંત મુંબઈ જેવા શહેરમાં આટલી બધી સગવડ આપે છે ? " કાંતિલાલ આશ્ચર્યથી બોલ્યા.

" હા અંકલ. મારે હવે માત્ર મુંબઈની સ્કીમો ઉપર જ ફોકસ કરવાનું છે અને ત્યાં એમના પૈસે મારે નવી સ્કીમો પણ મૂકવાની છે . સ્કીમો ઉપર તમામ રોકાણ એનઆરઆઈ ગ્રુપ કરશે. જે પણ પ્રોફિટ થાય એમાં મારો પણ ભાગ રહેશે. " મંથન બોલ્યો.

" અરે મંથન તારા તો ખરેખર ઉઘડી ગયા ભાઈ. તારી ધીરજ ફળી. મારે લાયક કંઈ કામકાજ હોય તો કહેજે." કાંતિલાલ ઢીલા મોંએ બોલ્યા.

" તમારે લાયક જે કામ હતું એ તો તમે કર્યું જ નહીં. નહીં તો તોરલને મેં ૨૫ કરોડની સાચી વાત જ કરી હોત ! " મંથન મનમાં બોલ્યો.

" મંથનભાઈ તમારી પ્રગતિથી હું તો બહુ જ ખુશ છું. ગૌરીબેન આજે જીવતાં હોત તો રાજીના રેડ થઈ જાત." રંજનબેન બોલ્યાં.

" તમારી વાત સાચી છે માસી. મમ્મી મારું આ સુખ ના જોઈ શકી." મંથન બોલ્યો.

" તોરલનાં અખાત્રીજના દિવસે લગ્ન છે. થોડા દિવસ તમે રોકાઈ ગયા હોત તો ? " રંજનબેન બોલ્યાં.

"મારા રોકાવાનો હવે કોઈ મતલબ પણ નથી ને માસી ? એટલા માટે તો હું વહેલો જાઉં છું." મંથન નિસાસો નાખીને બોલ્યો અને ઉભો થયો. એણે તોરલને દિલથી શુભેચ્છાઓ પાઠવી.

તોરલનું હૃદય રડી રહ્યું હતું પરંતુ રડવાનો અવાજ કોઈને સંભળાતો ન હતો. એણે પણ મંથનને દિલથી શુભેચ્છાઓ પાઠવી.

ઘરેથી કપડાં સિવાય કોઈ સામાન લઈ જવાનો ન હતો એટલે જરૂરી સામાન એક જ બેગમાં સમાઈ ગયો. ઘરમાં રાખેલી રોકડ રકમ પણ બેગમાં મૂકી દીધી. વહેલા ઉઠવા માટે સવારે ચાર વાગ્યાનું એલાર્મ મૂકી દીધું.

રિઝર્વેશન હતું એટલે મંથન ચેર કારમાં પોતાની સીટ ઉપર ગોઠવાઈ ગયો. ટ્રેનમાં જ એણે બપોરનું ભોજન લઈ લીધું. ૧૨:૩૦ વાગે બોરીવલી સ્ટેશન ઉતરીને એણે લોકલ ટ્રેન પકડી અને મલાડ પહોંચી ગયો. ત્યાંથી રીક્ષા કરીને સુંદરનગર સી બ્લોકમાં પણ પહોંચી ગયો.

પાંચ નંબરના ફ્લેટમાંથી ચાવી લેવા માટે એણે ડોરબેલ દબાવી. ધનલક્ષ્મી માસીએ જ દરવાજો ખોલ્યો.

" અરે આવી ગયા તમે ? અંદર તો આવો. " કહીને માસી ચાવી લેવા માટે અંદર ગયાં. મંથન પણ અંદર જઈને સોફામાં બેઠો.

" તમે એકલા જ છો એટલે કામવાળી તો બંધાવવી જ પડશે. સુનિતા ને હું અત્યારે ફોન કરી દઉં છું જેથી અત્યારે તમારા મકાનની સાફસુફી કરી દે. એને કહી દઈશું એટલે કાલથી તમારું કામ પણ ચાલુ કરી દેશે. " માસી બોલ્યાં અને એમણે સુનિતા સાથે મરાઠીમાં વાત કરી.

" થોડીવાર અહીં જ બેસો ભાઈ. અડધી કલાકમાં એ આવી જશે. કચરા પોતું કરે પછી તમે આરામથી જાઓ. " માસી બોલ્યાં.

સુનિતા આવી. છ નંબરનો ફ્લેટ ખોલીને એણે કચરા પોતાં કરી દીધાં અને લગભગ અડધા કલાક પછી પાંચ નંબરના ફ્લેટમાં આવી.

" આપ કલ સે મેરે ઘર મેં દો ટાઈમ કામ કરોગી ક્યા ? મેં અકેલા હું તો બર્તન ભી જ્યાદા નહીં હોંગે. આપકે જો ભી પૈસે હોંગે મેં અભી એડવાન્સ મેં દે દેતા હું. " મંથન બોલ્યો. એને મરાઠી આવડતું ન હતું.

" મેં આ જાઉંગી સાબ. મુજે અભી પૈસે નહીં ચાહિયે. જો ભી હોગા મેં મહિના પુરા હોને કે બાદ લે લુંગી. " સુનીતા બોલી અને બહાર નીકળી ગઈ.

હવે એ કાયમ માટે આ મકાનમાં રહેવા આવ્યો હતો એટલે એણે સૌ પ્રથમ તો ફ્લેટમાં પ્રવેશ કરતાં જ ઉમરામાં માથું નમાવીને વંદન કર્યા. દરેક ઘરના એક ગૃહસ્થ દેવતા હોય છે જેમનો વાસ ઉમરામાં હોય છે. ગાયત્રી મંત્ર બોલીને તમામ રૂમમાં પણ એક આંટો માર્યો. એ પછી દરેક રૂમ ધ્યાનપૂર્વક એણે જોયો.

ફ્લેટમાં નાનકડો પૂજા ખંડ પણ હતો. જે પાર્ટીશનથી બનાવેલ હતો. ભગવાન શ્રીકૃષ્ણની નાનકડી મૂર્તિ પણ હતી અને એક શિવલિંગ પણ હતું. ગાયત્રી માતાનો ફોટો હતો. નીચેના ડ્રોવરમાં દીવા કરવા માટે રૂ અગરબત્તી અને ઘી પણ હતાં. મરૂન કલરની એક માળા પણ હતી.

આજે એનો પહેલીવાર ગૃહ પ્રવેશ હતો એટલે બપોરના બે વાગ્યા હતા તો પણ એણે ભગવાન આગળ દીવો પ્રગટાવ્યો. શિવજીનો દિલથી અભિષેક કર્યો. આ નવા ઘરમાં રહીને સુખી સંપન્ન થવાની એણે પ્રાર્થના કરી.

ટીવી જોવામાં એને કોઈ રસ ન હતો એટલે એ બેડરૂમમાં એસી ચાલુ કરીને સુઈ ગયો. સવારે ચાર વાગે ઉઠ્યો હતો એટલે ઊંઘ પણ આવી ગઈ.

પાંચ વાગે ઉઠ્યો એટલે ચા પીવાની ઈચ્છા થઈ. એણે સામેના ફ્લેટમાં જઈને માસીને દૂધનું પૂછ્યું.

" માસી એકાદ કપ જેટલું દૂધ મળશે ? તો ચા બનાવી દઉં. સાંજે તો હું કોથળી લઈ આવીશ. " મંથન બોલ્યો

" અરે મંથનભાઈ પડોશી થઈને મને શરમાવો નહીં. તમે હકથી મને ચા મુકવાનું કહી શકો છો. તમારા પપ્પા સાથે અમારા કેવા સંબંધો હતા એ તમને ખબર નથી. " માસી બોલ્યાં અને તરત એ કિચનમાં ચા મુકવા માટે ગયાં.

માસી ચા લઈને આવ્યાં એટલે મંથન બોલ્યો.

" માસી અહી ટિફિન સર્વિસ મળે છે ? કારણ કે રોજેરોજ બે ટાઈમ હોટલમાં જમવા જાઉં એ ઠીક નથી લાગતું. કોઈ રસોઈ કરવાવાળાં બેન મળતા હોય તો વધારે સારું. " મંથન બોલ્યો.

" આ મુંબઈ છે મંથનભાઈ. અહીંયા પૈસા વેરો એટલે બધું જ મળે. ટિફિન સેવા પણ છે અને રસોઈ કરવાવાળા બેનને પણ હું પૂછી જોઉં. " માસી બોલ્યાં.

ચા પીને મંથન નીચે ઉતર્યો અને સુંદર નગરના માર્કેટ એરિયામાં એણે ચક્કર માર્યું. ક્યાં શું શું મળે છે એ બધી માહિતી એણે મેળવી લીધી. નજીકમાં દૂધનું પાર્લર પણ હતું. કાલ સવાર માટે એણે એક કોથળી દૂધ પણ લઈ લીધું.

શાકવાળા પાસેથી આદુ ફુદીનો અને લીલી ચા પણ લઈ લીધી. મંથનને સાદી ચા ભાવતી જ ન હતી.

રાત્રે ૮ વાગે મંથન જમવા માટે ફરી પાછો બહાર નીકળ્યો અને ગયા વખતે ઝાલા અંકલ સાથે જે રેસ્ટોરન્ટમાં જમ્યો હતો ત્યાં જ એ ગયો.

જમીને આવ્યો ત્યારે રાતના સાડા નવ વાગી ગયા હતા.

મંથન હજુ કપડાં બદલતો હતો ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. મંથને પાછું શર્ટ પહેરી લીધું અને દરવાજો ખોલ્યો.

"મંથનભાઈ રસોઈવાળી બેન કાલ સવારથી જ આવી જશે. મહિનાના ૪૦૦૦ ની એણે વાત કરી પરંતુ તમે એકલા જ છો એટલે ૩૫૦૦માં નક્કી કર્યું છે. ગુજરાતી બેન છે. દેવીબેન નામ છે. "એ" બ્લોકમાં રસોઈ કરવા આવે છે એટલે સાંજે ત્યાં જઈને પૂછી આવી. " " ધનલક્ષ્મીબેન બોલ્યાં.

" માસી તમે આ બહુ મોટું કામ કરી આપ્યું. કમ સે કમ બે ટાઈમ ઘરનું જમવાનું તો મળે ! " મંથન બોલ્યો.

" એમાં શું ભાઈ ? એકબીજાને મદદ તો કરવી જ પડે ને ! હવે તમે આરામ કરો. સવારની ચા બનાવું ? " માસી બોલ્યાં.

" ના માસી. દૂધ લઈ આવ્યો છું. ચા ને ખાંડ તો ઘરમાં જ છે. " મંથન બોલ્યો.

" સારું. બીજું કંઈ કામ હોય તો મને કહી દેજો. " માસીએ કહ્યું અને એ પોતાના ફ્લેટમાં ગયાં.

ચલો ઈશ્વરકૃપાથી બધી વ્યવસ્થા થઈ રહી છે. મંથને ગુરુજીને માનસિક રીતે પ્રણામ કર્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)