પ્રકરણ 1 : વરસાદ
“ કાગળ ની હોડીઓ પાછળ ભાગવું બાળપણ માં ગમતું હતું, વરસાદ માં અગાસી પર નાહવા જવું બાળપણ માં ગમતું હતું, શેરી ના ખાબોચિયા માં છબછબિયાં કરવા બાળપણ માં ગમતા હતા પણ, આજે ફરી એ બાળક થવું નથી ગમતું”. ઘણી વખત આપણી પસંદ પ્રત્યે સમય જતાં અણગમો થઈ જતો હોય છે તો, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે વસ્તુ આપણ ને બાળપણ માં પસંદ ના હોય તે યુવાની માં મનપસંદ થઈ જતી હોય છે તો એમ પણ કહેવું ખોટું તો નહીં કે સમય સાથે પસંદ પણ બદલાય છે. કદાચ એનું કારણ એ પણ હોય શકે કે સમય સાથે ઇચ્છાઓ બદલાય છે અને ઇચ્છાઓ સાથે પસંદ. સમય થી યાદ આવ્યું મારૂ નામ પણ સમય છે અને આ વાર્તા છે મારી. મારી અને રાશિ ની. થોડી શબ્દ રમત કરું તો કહી શકાય કે આ વાર્તા છે, સમય ની રાશિ ની. રાશિ, જેનાપર ભવિષ્ય નિર્ભર કરે છે અને સમય જે પોતે ભૂત, વર્તમાન અને ભવિષ્ય છે.
રોજ ની જેમ હું સવારે 7 વાગ્યા ના 5 અલાર્મ સ્નૂજ કરીને આશરે 7:25 એ જાગ્યો. હજુ, અંકિત રૂમ પર આવ્યો નહોતો જે આર. આર. કેબલ નામની કંપની માં ક્વાલિટી એંજીનિયર તરીકે જોબ કરતો હતો. હું પલંગ પર થી ઊભો થઈ બેસિન પાસે આવ્યો અને મોઢાપર પાણી છ્ટકોરયું. અને અરિસામાં જોતાં જોતાં બ્રશ કરવા લાગ્યો આ એક મારી આદત હતી પણ, કેમ એતો હું પણ નહીં જાણતો. હું રોજે અરિશા માં જોઈને જ બ્રશ કરતો આ થોડું અજુગતું હતું. આ વાત વિશે મને અંકિતે પણ ટકોર કરી હતી. હું ફ્રેશ થઈને મારી નોકરી પર જવા માટે તૈયાર થયો. ત્યાં અંકિત રૂમ પર પહોચ્યો. અમે અમારી દેશી ભાષા માં થોડી વાત કરી અને હું મારી 10 વર્ષ જૂની splender બાઇક ને કીક મારીને રૂમ પરથી નીકળ્યો. નોકરી પર પહુચતા પહેલા હું માધવ રેસ્ટોરન્ટ પહુચ્યો.
માધવ રેસ્ટોરન્ટ, એક વિધ્યાર્થી નું વિધ્યાર્થી માટે વિધ્યાર્થી દ્વારા ભોજન આપવા માટેનું ભોજનલાય. સવારે ચા, કોફી, બોનવીટા, સાદીભાખરી,
તળેલીભાખરી, મસાલાભાખરી, પોહા, આલુપરાઠા અને બીજું પણ ઘણું. આ રેસ્ટોરન્ટ એક પારૂલ કોલેજ ના પૂર્વ વિધ્યાર્થી એ શરૂ કર્યું હતું. અહી પીજી માં રહેતા આસરે 200 થી 300 લોકો રોજે જમતા અને હું એમાનો એક હતો. મે મારી 400 રૂપિયા વાળી ઘડિયાળ માં જોયું આશરે 8:30 થયા હતા. હું ગૂગલ પે થી પેમેન્ટ કરીને મારી ઓફિસ પર જવા નીકળ્યો. જે કપુરાઈ નજીક હતી. માધવ રેસ્ટોરન્ટ થી ત્યાં પહોચવા માટે મારી બાઇક પર આસરે 15 થી 20 મિનિટ જેટલો સમય લાગતો. જોકે મારી જોબ નો સમયગાળો 9 થી 5 સુધીનો હતો. મે આકાશ માં જોયું. સુરજ વાદળ પાછળ છુપાયેલો હતો અને વાદળો એકબીજા સાથે મળી ને કોઈ સડયંત્ર કરી રહ્યા હતા. મે બાઇક ને કીક મારી ને સ્ટાર્ટ કરી અને ત્યાં થી રવાના થયો.
વરસાદ સમય માં માનતો નથી .હું બાઇક પર જતો હતો અને પાણી ની એક છાંટ મારી આંખ નીચે પડી. અને પછી એક પછી એક તેની પાછળ એનું અનુકરણ કરતી પાણીની બુંદો એ મને ભીંજવી નાખ્યો. નાનપણ માં કવિતાઓ માં વરસાદ ને લુચ્ચો વરસાદ એટલેજ કહેતા. મે મારી બાઇક સાઇડ માં ઊભી રાખી અને વૃંદાવન ચોક નજીક આવેલ સેંટ્રલ બઁક ઓફ ઈન્ડિયા ની છત્રછાયા લઈ લીધી. જ્યાં, ઘણા લોકો પહેલે થી ઊભા હતા. હજુ બેન્ક ખૂલવામાં ઘણી વાર હતી તેથી બેન્ક નું આછા ભૂરા રંગ નું શટર બંધ હતું. વરસાદ જોવાની મજા દૂરથીજ આવતી હોય છે. બાળપણ માં ભીંજાવા નો ખૂબ શોખ હોય છે પણ જેમ જેમ જીવન માં સમય જાય છે તેમ તેમ શોખ ઘટતા જાય છે.
મારૂ ઘાટા મરૂન રંગ નું ટી શર્ટ અડધાથી વધુ ભીંજાઇ ગયું હતું જે મારી કંપની નો યુનિફોર્મ હતો,તે મારા શરીર સાથે ચોટી ગયું હતું જાણે તે વરસાદ થી ગભરાઈ ગયું હોય. આસપાસ બધા લોકો થોડા થોડા ભીંજાયેલા હતા ત્યાં મારી નજર એક છોકરી પર પડી તે મારાથી થોડે દૂર ઊભી હતી આછા પીળા રંગ નો તેણે ડ્રેશ પહેરેલો હતો જેના પર થોડું લીલારંગ નું ભરતકામ કરેલું હતું. આ ઉપરાંત તેના ડ્રેશ પર વરસાદ ની છૂટી છૂટી બુંદો ના લીધે કોઈ નવી ડીજાઈન બની ગઈ હોય એવું લાગતું હતું. તેની આંખો એકદમ સાફ અને તેની કીકી વધારે પડતીજ કાળા રંગ ની હતી અને તેનાથી પણ વધુ કાળારંગ ના એના વાળ હતા જે બાંધેલા તો હતા પણ એમાથી વાળની અમુક લટો છૂટી પડીને તેના ચહેરા પર ડોકિયું કરી રહી હતી એ ભીની લટો પર પાણીની બુંદો લટકી રહી હતી જે નીચે પડવા ઇચ્છતી નહોતી અને પૃથ્વી ના ગુરુત્વાકર્ષણ બળ સામે લડી રહી હતી. તેના ઘઉં થી થોડા સ્વેત અને ચોખા થી થોડા ઘેરા ચહેરા પર થોડી ચિંતા અને થોડી ઉતાવળ નો ભાવ હતો. કાળા રંગ નું પર્સ તેણે પોતાની છાતી સાથે ચાંપીને રાખેલું હતું. તેના હોઠ પરથી આછી લિપસ્ટિક નો રંગ ઉતરી ગયો હતો પણ તેના હોઠ એ લિપસ્ટિક ના રંગ થો પણ વધુ લાલ હતા. એટલામાં વરસાદ ની ઘનતા ઓછી થવા લાગી અને સેંટ્રલ બેન્ક ના ઓટલા પર રહેલા લોકોની સંખ્યા પણ. હું એ પીળા ડ્રેશ વળી છોકરી તરફ જોઈ રહ્યો હતો. તેણે પણ મારી તરફ એક નજર કરી અને પછી તેના હિલ વગરના સાદા ચપ્પલ પર થોડા ઝડપી ડગલાઓ ભરી ત્યાથી જતી રહી. હું પણ મારી બાઇક ની ભીની સીટ સાદા કપડાં થી સાફ કરીને ઓફિસ જવા માટે નીકળી પડ્યો.
હું રાત્રીબજાર નજીક સ્થિત એક કંપની માં DATA ANALYST તરીકે કામ કરતો હતો. અને કામ પણ મને પસંદ હતું. મે B.SC MATHAMATICS કર્યું હતું અને ત્યારબાદ DATA ANALYSIS નો 1 વર્ષ નો Online Course USA ની એક university માથી કરેલ હતો. અને મારી ઠીક ઠાક આવક પણ હતી. એટ્લે હું ખુશ પણ હતો. મારા મમ્મી પપ્પા રાજકોટ નજીક ગામ માં રહેતા હતા અને ખેતી ની આવક પણ સારી હતી.
હું મારી ઓફિસ પહોચ્યો અને રોજ ની જેમ મારા ક્યૂબિકલ માં જઈને મારૂ કામ કરવા લાગ્યો. 9 to 5 ની નોકરી હતી મારી જેમાં 1:00 થી 2:00 સુધી લંચ બ્રેક રહેતો. હું અને જય કંપનીની કેન્ટીન માં જ જમી લેતા કેટલાક કંપની ના લોકો ઘરેથી ટિફિન લઈને પણ આવતા. જય મારો સારો મિત્ર હતો. અમે બંને ઓફિસ માં ખાસ્સો સમય સાથે વિતાવતા ક્યારેક એક બીજાની મસ્તી પણ થતી. હું પાચ વાગ્યે છૂટો થયો અને બાઇક પર મારા રૂમ તરફ જઇ રહ્યો હતો. ત્યાં નજીક ના બસસ્ટેન્ડ પાસે સવારે જોયેલ એ છોકરી ઊભી હતી. કદાચ એ બસ ની રાહ જોઈ રહી હતી. હું મારા રસ્તે ઘર પહોચ્યો.
અંકિત હજુ સૂતો હતો. મહિના માં 1 વીક અંકિત ને નાઇટ શિફ્ટ માં જવાનું થતું. મે મારી બેગ ખૂણા માં મૂકી અને પલંગ પર પગ બેસી પગ લંબાવ્યા અને મોબાઇલ કાઢી ને ફેસબુક, Instagram અને Whatsup પર timepass કરવા લાગ્યો.
આશરે 7 વાગ્યા હશે. અંકિત જાગ્યો અને તે પણ મારી જેમ ફોન પર timepass કરવા લાગ્યો. 8 વાગ્યે અમે માધવ રેસ્ટોરન્ટ ગયા અને જમીને થોડીવાર ત્યાં નજીક આવેલ પણ ના ગલ્લા પાસે ઊભા રહ્યા અને રસ્તા પર જોવા લાગ્યા.
હું: કેમ, તારી જનરલ શિફ્ટ કરવાના છે કે નઈ કંપનીવાળા.
અંકિત: નથી કરતાં એજ તો વાંધો છે. કદાચ આવતા વર્ષે કરે તો. બાકી તો શિફ્ટ જ કરવાની થશે આ વરસ. તારે કેવું ચાલે છે, જોબમાં ?
હું : અત્યારે તો શાંતિ છે. હમણાં બઉ લોડ નથી. નવો પ્રોજેકટ આવે ત્યારે ખબર હવે જોઈએ એતો આવે ત્યારે જોયું જશે.
બસ આવી થોડી વાતો ચાલી અને અમે ફરી અમારા રૂમ પર ગયા. હું ફરી ફોન મચડવા લાગ્યો. અંકિત એની નાઈટ શિફ્ટ માટે યુનિફોર્મ પહેરી ને તૈયાર થયો અને જોબ માટે નીકળી ગયો. હું ફોન પર યૂટ્યૂબ પર વિડિઓસ જોવા લાગ્યો. સમય વિતતો ગયો અને મારી આખો ઘેરાવા લાગી. હું ફોન સાઇડ માં મૂકી રુમ નો દરવાજો બંધ કરી સૂઈ ગયો. બસ આવીજ જિંદગી ચાલી રહી હતી.
સમય સાથે સમય નું શું થશે એ તો સમય જતાજ ખબર પડશે.