Love - Ek Kavataru - 2 in Gujarati Love Stories by Rakesh Thakkar books and stories PDF | લવ – એક કાવતરું - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ – એક કાવતરું - 2

પ્રકરણ-૨

વિમળાબેન બેલાની નજીક આવ્યા અને એના કપાળ પર પ્રસ્વેદના બુંદ જોઇ બોલ્યા:'તને તો બહુ ગરમી લાગે છે. બીજો પંખો ચાલુ કર. આ ગરમીએ તો આ વખતે તોબા પોકારાવી દીધી છે. એમાં દેશ કોઇને કોઇ સમસ્યાથી સળગતો રહે છે. આ લવ-જેહાદ પણ ક્યાં સુધી ચાલશે?'

બેલાને માની વાત સાંભળ્યા પછી રહી રહીને મેહુલના જ વિચાર આવતા હતા. એ મેહુલ ખરેખર હિન્દુ જ હોય એવી પ્રાર્થના કરવા લાગી હતી. તેણે લવ-જેહાદ વિશે અખબારોમાં વાંચ્યું હતું અને ટીવી પર સમાચાર ચેનલો પર ચાલતી ડિબેટમાં ઘણું સાંભળ્યું હતું. મેહુલ આમ તો હિન્દુ છોકરો જ લાગતો હતો. તેની વાતો અને સ્વભાવ મુસ્લિમ સાબિત કરતા ન હતા. પણ હવે આગળ વધતા પહેલાં એની સાથે કેટલાક ખુલાસા અને પુરાવા માંગી લેવાની જરૂર હતી. ઘરમાં પોતે એકમાત્ર યુવાન દીકરી હોવાથી પરિવારને એની ચિંતા થાય એ સ્વાભાવિક હતું. રાત્રે જમતી વેળા રમેશભાઇ ગંભીર હતા. તેઓ જમતી વખતે કંઇ બોલ્યા નહીં પણ ઘરના બધાં જ સભ્યો રોજની જેમ પરવારીને દસ-વીસ મિનિટ માટે સાથે બેઠા ત્યારે વાતને છેડી જ દીધી:'વિમળા, તેં બેલાને કહી દીધું છે ને?'

'હા, મેં એને કહ્યું છે કે તું કોઇપણ છોકરા સાથે દોસ્તી કરતાં પહેલાં સો વખત વિચારજે. હવે કોઇનો ભરોસો થાય એમ નથી. દુનિયા બનાવટી છે.' વિમળાબેને પોતાની મા તરીકેની ફરજ બજાવી ચૂક્યા હોવાનો અહેવાલ આપી દીધો.

'બેલા, આ વાતને ગંભીરતાથી લેવાની છે. આજ સુધી તને મુક્ત રીતે જીવવા દીધી છે. હવે બદલાતા સમય અને સંજોગો જોતાં તારે પણ આ વાત સમજવાની છે. કોઇ છોકરા સાથે વધારે પડતી લપ્પન- છપ્પન કરવાની નહીં. અત્યારે અભ્યાસ પર જ ધ્યાન આપવાનું છે. તારી કોલેજ પૂરી થાય પછી અમે છોકરાની શોધખોળ શરૂ કરી દેવાના છે. લવ- જેહાદની ઘટનાએ માતા-પિતાઓને ચિંતામાં મૂકી દીધા છે. તમારી ઉંમર ઓછી હોય અને સમજ ના પડે એમ મુસ્લિમ છોકરાઓ વેશ બદલીને ફસાવે છે. અનેક કિસ્સા પછી આપણે જાગૃત ના થઇએ તો મૂરખ કહેવાઇએ. મુસ્લિમ સમાજ એમના છોકરાઓને આવું કરવાનું શીખવતો નથી. મારા પણ કેટલાક મુસ્લિમ દોસ્તો છે અને આવી બધી ઘટનાઓ પછી પણ એમની સાથે દોસ્તી ચાલુ જ રહેશે. કેમકે બધાં એવા હોતા નથી. આજની પેઢીની જે વિચારધારા બદલાઇ છે એમાં ક્યાંક ખોટ છે. પ્રેમના નામે છેતરપીંડી કરે છે. પ્રેમને પામવા માટે બહુરૂપિયા બનતા આવા છોકરાઓને ઓળખવાનું કામ સરળ નથી. મા-બાપ એટલે જ દીકરીના લગ્ન કરતાં પહેલાં છોકરા વિશે પૂરતી તપાસ કરે છે. એમણે પોતાની દીકરીનું ભવિષ્ય સારું જોવું હોય છે. બેટા, તને કોઇ છોકરો હેરાન કરતો હોય તો પણ કહી દેજે. સહેજ પણ ગાફેલ ના રહીશ....' રમેશભાઇ દીકરીને સમજાવી રહ્યા હતા ત્યારે કોઇ એક શબ્દ બોલ્યું નહીં. બેલા હોંકારો ભણતી રહી પણ એના મનમાં મેહુલ વિશેની શંકાઓ વધતી જ રહી. પોતે મેહુલ સાથે પ્રેમ કરીને કોઇ ભૂલ તો કરી નથી ને? એવો સવાલ સતત એના મનમાં ઊભો થવા લાગ્યો હતો. ક્યાંક મેહુલ દગો નહીં આપી જાય ને? પોતે એની પ્રેમજાળમાં ફસાઇ ચૂકી નથી ને? બેલાનો ગભરાટ વધતો જ રહ્યો.

બીજા દિવસે સવારે તે એક નિર્ણય લઇ ચૂકી હતી. આજે મેહુલ સાથે સ્પષ્ટ વાત કરી લેવી છે. તેના ઘરે જવું છે અને તેના પરિવાર વિશે માહિતી મેળવી લેવી છે. જ્યાં સુધી એના વિશે સંતોષકારક માહિતી ના મળે ત્યાં સુધી આગળ વધવું નથી. મેહુલને સાચા દિલથી પ્રેમ કર્યો છે. તે આવો દગો કરી જશે તો દિલ તૂટી જશે. લગ્ન પછી જો તેના વિશે કોઇ બીજી જ માહિતી મળશે તો પોતે પરિવારને મનાવીને લગ્ન કર્યા હશે તો પણ તેને કોઇ માફ નહીં કરે.

કોલેજની રીસેશમાં રોજની જેમ મેહુલ એને મળવા આવી પહોંચ્યો હતો. તેને ઉદાસ જોઇને મેહુલે પૂછ્યું:'જાન! આજે તારું ગુલાબ જેવું મોં મુરઝાયેલું હોય એવું કેમ લાગે છે?'

'મહાશય! તમે કોઇ મુસ્લિમ શાયર હોય એવા શબ્દપ્રયોગ કેમ કરો છો?' બેલાએ એની પૂછપરછની તક ઝડપી લીધી.

'મને વાંચવાનો બહુ શોખ છે. પિતા જીવતા હતા ત્યારે એમને મદદ માટે દુકાને જતો હતો. ત્યારે લાઇબ્રેરીમાંથી લીધેલા પુસ્તકો સાથે લઇ જતો હતો. એમાં મિર્ઝા ગાલિબ, મીર તકી મીર જેવા શાયરોના પુસ્તકો વધારે વાંચતો હતો. હવે એવો સમય મળતો નથી. સાંભળ... મીર સાહેબનો એક શેર છે,'જિન જિન કો થા યે ઇશ્ક કા આજાર મર ગયે, અક્સર હમારે સાથ કે બીમાર મર ગયે.'

'તારામાં મુસલમાન શાયરનો અંદાઝ છે, ભાષા પણ એવી જ છે. તું તો અડધો મુસ્લિમ બની ગયો છે!' બેલા હસીને બોલી પણ એનું દિલ થડકતું હતું.

'હા...હા...હા.... હું તો આખો મુસ્લિમ છું!' તે મોટેથી હસીને બોલ્યો.

'હેં?' બેલા ચમકી ગઇ.

'ના-ના, મજાક કરું છું. હું જોતો હતો કે તું મને મુસ્લિમ માનીને કેવી પ્રતિક્રિયા આપે છે!' કહીને તે ફરી હસ્યો.

'તારું આધારકાર્ડ બતાવીશ?' બેલાએ કોઇ વકીલની અદાથી કહ્યું.

'આ લે...' મેહુલે પ્રેમથી હસતાં-હસતાં પર્સમાંથી આધારકાર્ડ કાઢી બતાવ્યું. એના પર 'મેહુલ અમર પટેલ' નામ લખ્યું હતું. સરનામું સૌરાષ્ટ્રના કોઇ ગામનું હતું. મેહુલે ખુલાસો કરતાં કહ્યું:'અમે પહેલાં સૌરાષ્ટ્રમાં રહેતા હતા એટલે ત્યાંનું જ સરનામું ચાલે છે...'

બેલાને થયું કે મેહુલ આટલા ખુલાસા કેમ કરી રહ્યો હશે? અને પપ્પા કહેતા હતા કે ઘણા મુસ્લિમ લોકોની અટક પણ 'પટેલ' હોય છે. અને આધારકાર્ડ ખોટા બનાવાય છે.

ત્યાં મેહુલના ફોનની રીંગ વાગી. તેણે ફોન ઉપાડતા પહેલાં કહ્યું:'એક મિનિટ!' અને સહેજ દૂર જઇ ફોન ઉપાડીને કહ્યું:'હલો... બોલ કાદીર! કેમ યાદ કર્યો?' પછી 'હા-હા' અને 'સ્યોર' કરતો રહ્યો.

કાદીર સાથે મુસલમાન લહેજામાં વાત કરતા મેહુલને સાંભળી તેના મનમાં ફરી શંકાએ સળી કરી.

પાછા ફરીને મેહુલે કહ્યું:'મારા મિત્રનો ફોન હતો.' ત્યાં રીસેશ પૂરી થયાની કોલેજની સાઇરન વાગી અને બેલાનો બીજો એક પ્રશ્ન મનમાં જ રહી ગયો.

'બેલા, આજે થોડી વહેલી આવજે. વધારે સમય બેસીને ગુફ્તગૂ કરીશું!'

બેલા કમનથી 'હા' કહીન જતી રહી. તેનું મન કોલેજના એકપણ પિરિયડમાં લાગ્યું નહીં. તેને મેહુલના વ્યવહાર- વર્તનના જ વિચાર આવતા રહ્યા. તેની સાથે પ્રેમ થયો હતો પણ હવે મન તેની સાથે પ્રેમનો અનુભવ કરવાને બદલે શંકા જ વધારે કરવા લાગ્યું હતું. સાથે એમ પણ થતું રહ્યું કે તે વધારે શંકા કરી રહી નથી ને?

સાંજે કોલેજ છૂટી ત્યારે રોજની જેમ મેહુલ દૂર એક ખૂણામાં તેની રાહ જોતો મોબાઇલમાં વ્યસ્ત હતો. બેલાએ વિચાર બદલી નાખ્યો હતો. તે એની આંખથી દૂર જતી રહી. પછી ફોન કરીને કહી દીધું:'ઘરે જલદી પહોંચવાનું છે એટલે આજે મળી શકાશે નહીં.'

'તો જલદી આવવું જોઇએ ને!' મેહુલે મીઠી ફરિયાદ કરી પણ બેલાએ 'મને મોડું થાય છે' કહી ફોન કાપી નાખ્યો.

બેલાએ ફોન પર્સમાં મૂક્યા પછી જોયું કે મેહુલ પોતાની બાઇક પર સવાર થઇ ગયો હતો. બેલાએ સમય ગુમાવ્યા વગર નજીકમાં ઊભેલા એક રિક્ષાવાળાને કહ્યું:'ભાઇ, પેલા બાઇક પાછળ રિક્ષા લઇ લો..'

બેલાએ 'પીછો કરો' ને બદલ 'પાછળ લઇ લો' કહીને રિક્ષાવાળાને કોઇ શંકા કરવાનો મોકો ના આપ્યો. સારા ઘરની છોકરી જોઇ રિક્ષાવાળાએ કોઇ સવાલ ના કર્યો. મેહુલની બાઇક એની દુકાનને બદલે બીજી જગ્યાએ જઇ રહી હોવાનો બેલાને ખ્યાલ આવી ગયો. જ્યારે મેહુલે એક સોસાયટીની અંદર બાઇકને વાળી ત્યારે એનું નામ જોઇને બેલાની આંખો ચમકી ગઇ. દિલમાં ગભરાટ વ્યાપી ગયો. સોસાયટીનું નામ 'અખ્તર મંઝિલ' હતું અને આસપાસમાં પણ મુસ્લિમોની વસ્તી દેખાતી હતી. તેણે રિક્ષાવાળાને તરત જ પાછા વળવા કહી દીધું.

ક્રમશ: