‘અવાક’:કૈલાશ – માનસરોવર : એક અંતરયાત્રા
ગગન ગિલ
અનુવાદ: દીપક રાવલ
1
મારી પાસે એક વસ્ત્ર છે, નિર્મલ કાયાએ પહેરેલું અંતિમ વસ્ત્ર. એને લઈને કૈલાશ જવું છે.
સાંભળ્યુ છે, ત્યાં એક જગ્યા છે, ડોલ્મા-લા, તારાદેવીનું સ્થાન. તિબેટી લોકો ત્યાં પોતાના પ્રિયજનોને દેવી તારાની રક્ષામાં મૂકી જવા માટે પરિક્રમા કરે છે, કૈલાશ કોરા. પ્રિયજને વાપરેલી કોઈ વસ્તુ, વસ્ત્ર, વાળ આદિ મૂકી આવીએ તો દેવી સદા એની રક્ષા કરે છે.
મારે કૈલાશ જવું છે.
આ એક યાત્રા મારે નિર્મલ માટે કરવી છે. એમના વસ્ત્ર, મોજા, પહેરણ, સ્વેટર પહેરીને કરું, તો એવું બને જ નહીં કે દેવી એમના આવવાનું સ્વીકારે નહીં. જતાં જતાં મારા ઉપર બહુ મોટી જવાબદારી છોડી ગયા હતા.
હું વિધિપૂર્વક જવા ઇચ્છું છું.
કહેવા માટે તો હું ઘણી આસ્થાવાન પરંતુ ખરેખરું જ્ઞાન કોઈ ધર્મનું નહીં. અંત્યેષ્ટિ-કર્મનું પુસ્તક મંગાવી મે બધાં કામ કર્યા. કોઈ રહી ન જાય.....
આ તીર્થયાત્રા રહી ગઈ હતી. એનો વાયદો એમના જીવતેજીવત કર્યો હતો. વૈલ્લી, મારી ગ્રીક સખી સાથે કૈલાશ જવાનું હતું. એણે કહ્યું હતું ‘તું આ તીર્થયાત્રાનું પુણ્ય એમને આપી શકે છે.’ નિર્મલને કહ્યું તો એની આંખો સ્વપ્નિલી થઈ ગઈ. કૈલાશ અને તિબેટ....કહે, જરૂર જઈ આવ.
એ પહેલાં કે અમારી તૈયારી શરૂ થાય, એવા બીમાર પડ્યા કે ક્યારેક ઘેર ક્યારેક હોસ્પિટલ. જાણે અમે કોઈ જાદુગરના હાથોમાં ઊછળતો -પડતો દડો હોઈએ, જેની એકમાત્ર ચિંતા માત્ર એ જ હોય કે ક્યાંક અમે પડી ન જઈએ !
પછી વૈલ્લીએ જ કહ્યું, ચિંતા ન કરો, નિર્મલના નામની પરિક્રમા હું કરીશ.....
જ્યારે તેઓ હોસ્પીટલમાં પથારીમાં પડ્યા હતા, વૈલ્લી માનસરોવરના જળમાં ઊભી રહીને નિર્મલનું નામ લઈ લઈને દેવતાઓને સાદ પાડતી હતી. હોસ્પીટલમાં જ મેં એમને માનસરોવરથી લાવેલું જળ પીવડાવ્યું હતું. એમણે કૈલાશ - માનસરોવરના ચિત્રોના દર્શન કર્યા હતા.
- ‘તમે સારા થઈ જશો, તો પછી હું જાતે જઈશ, તમારી પરિક્રમા કરવા. ....’
એમણે ખુશીથી માથું હલાવ્યું હતું. બાળકોની જેમ ખુશ થઈ જતા હતા, બીજાને કરી દેતા હતા. આ જ સંબલને સહારે અમે આ વિકટ યુધ્ધ લડતાં આવી રહ્યા હતાં.
એક અઘટિત રાત્રે અમે ઘેર આવી ગયાં હતાં, હું અને નિર્મળનું શરીર.
સામાનમાં એમના શરીરે પહેરેલું જે અંતિમ વસ્ત્ર હતું તે મે સાચવીને રાખી લીધું....કોઈક દિવસ દેવીને કહીશ, લ્યો, આમાં જ હતાં એ. જ્યાં પણ હોય અત્યારે, એમની રક્ષા કરજે.
મારે કૈલાશ જવું છે.
2
જે કોઈ ઈશ્વરને જુએ છે, મરી જાય છે. મરવું એક રીત છે ઈશ્વરને જોવાની.
મોરીશ બ્લાંશોના આ વાક્યનો નિર્મલે મારાં પુસ્તક ‘અંધેરે મેં બુધ્ધ’ માટે અનુવાદ કર્યો હતો....આ અને બીજાં અનેક વાક્યો. એ દિવસોમાં મોરીશ બ્લાંશો અમારાં બંનેનો પ્રિય લેખક હતો.
મને ક્યાં ખબર હતી, એક દિવસ હું આ વાક્યનું વારંવાર પુનરાવર્તન કરીશ.....
મરવું એક રીત છે ઈશ્વરને જોવાની....
શું નિર્મલે ઈશ્વરને જોયો હશે ?
હું કદી નહીં જાણી શકું.
જે પ્રાર્થનાઓ હું કરું છું, તે ક્યાંક પહોંચે પણ છે કે નહીં.
હું કદી નહીં જાણી શકું.
*
મારે કૈલાશ જવું છે.
બોલાવે નહીં તો તમે જઈ ન શકો. સૌ કોઈ આ જ કહે છે.
મને તો ક્યારનું લાગી રહ્યું છે, મને બોલાવે છે. તો હું કેમ જઈ શકતી નથી ?
-તો તમે જવા માટે તૈયાર છો ?
અંકિત પૂછી રહ્યા છે. ફિઝિયોથેરાપીના ડૉક્ટર. છેલ્લા સાડા ત્રણ મહિનાથી તેઓ મારા જામ થઈ ગયેલા ખભાની સારવાર કરી રહ્યા છે.
ખબર નહીં, આ સૂટકેસને મારા ખભા પર જ શા માટે પડવાનું હતું ? આઠ મહિના થવા આવ્યા, ઇજા એવીને એવી છે. જરાક હાથ વળી જાય તો ચીસો પડાઈ જાય છે. કપડાં બદલવાનું પણ અઘરું હતું.
-હું મનની પીડા જાણતી હતી. શરીરની પીડા આવી હશે, ખબર નહોતી.
પીડાથી બેહાલ એક દિવસ હું કહું છું.
અમરજ્યોતિ દિવ્યાંગો માટેનું સેવા કેન્દ્ર છે. એ લોકો ચીસો સાંભળવા ટેવાયેલાં છે, તો પણ મરી વાત સાંભળીને મોં ફેરવી લે છે.
થોડા દિવસોથી હું ગુપ્ત ખેલ કરી રહી છું. જેવા ડૉક્ટર મારો હાથ મરડે, હું શરીરમાંથી બહાર નીકળી જાઉં છું, દૂર કૈલાશ-હિમાલયની ઘાટીઓમાં. મને લાગે છે, ડૉક્ટર નહીં, મહાદેવજી મને ખેંચી રહ્યા છે, કે હું મનુષ્ય નથી, કોઈ પતંગ છું, જે ઉડવા ઇચ્છે છે...બસ એક ઝટકો બીજો, અને હું આકાશમાં હોઈશ.....
-તો તમે જવા માટે તૈયાર છો ?
ડોક્ટરને ખબર છે, મારે કૈલાશ જવું છે.
-જો આ ઠૂંઠા હાથ સાથે બોલાવશે, તો ઠૂંઠો હાથ લઈને જઈશું....
-ગભરશો નહીં, હવે તમને ઘણું સારું છે. હવે પછી તમારી ઇજાએ સ્વસ્થ થવાનો રસ્તો જાતે નક્કી કરવાનો છે.
હવે રોકાઈ શકું એમ નથી...
આ દરમ્યાન જાપાનથી મિત્ર મુરાકામીએ પીડાનિવારક પટ્ટીઓ મોકલી છે. દિલ્હીમાં એણે મને બદહાલ જોઈ છે.
-મામીજી, હું તમને મલમ લગાડી આપીશ.
રૂબી કહે છે.
એ અને એનો પતિ પંકુલ, નિર્મલનો ભાણિયો, મારા સહયાત્રી થવાના છે. યુવા દંપતી, ટ્રેકિંગના શોખીન. આસ્થા છે કે નહીં, હજી બરાબર ખબર નથી. ગયાં વર્ષે અમે આ યાત્રા નક્કી કરી હતી.
જો મેમાં જઈએ, એમના બાળકોની સ્કૂલની રજાઓ દરમ્યાન, તો અમે એક સાથે જઈ શકીએ. જો હું મારા ખભાને સહી લઉં તો અમે જઈ શકીએ.
મારે ક્યારનું કૈલાશ જવું છે.
ઈજાએ સ્વસ્થ થવાનો રસ્તો જાતે નક્કી કરવાનો છે.