'રણકારનો રંજ.’
સાવ નવરાશની પળોમાં, સંધ્યા ટાણે
સાતમાં ફ્લોર પર આવેલાં ફ્લેટની બાલ્કનીમાં
ઝૂલા પર બેસી, ચાઈની ચુસ્કીનો આસ્વાદ માણતાં
અથવા તો ભરચ્ચક ભાગદોડ ભરી દિનચર્યા દરમિયાન
બે સેકન્ડ માટે થંભી, ખુદને આઈનામાં ટાંકતા
યા તો માર્કેટમાં ભીડની વચ્ચે..બે ક્ષણ માટે પણ
સ્વયંને એ રૂપમાં જોઈએ, અનુભવીએ..
જે રૂપમાં હંમેશા જોવા ઇચ્છતા હોઈએ
આ નરી કલ્પના પણ હોય શકે અથવા
કોઈ ઢબૂરેલી અદમ્ય કામના
જો સદ્દભાગ્ય સાથ આપે તો યથાર્થ
નહીં તો અંતે કોઈ મનગમતું સપનું
મારાં બાળપણથી તો નહીં કહું કેમ કે
બાળપણ તો અતિ અસ્તવ્યસ્ત હતું,
મારાં વિચારોની માફક ધીંગા મસ્તી ભર્યું
સમજણની ક્ષમતા વિકસિત થઇ અથવા તો એમ કહું કે
મનોસ્થિતિનો તાગ લાગવવા સક્ષમ થઇ ત્યારથી
હમેશાં મને લગાવ રહ્યો... ઘૂંઘરુંનો
સ્વયં પણ ક્યારેય સ્થિર નથી રહી... તન અને મને બન્નેથી
કાયમ મૂડ અને મૂંડી ફરતાં રહેતાં ચકરડીની માફક
અને મનમાં રણક્યાં કરે ઘૂંઘરુંની ખનક
મને આજ લગી ખ્યાલ નથી કે
મારે શું બનવું હતું ?
ટફ લાઈફનો રફ સ્કેચ બનાવવાનું પણ ક્યારેય નહતું વિચાર્યું
જેમ જિંદગી આવતી ગઈ તેમ જીવાતી ગઈ
હાં, આજે કોઈ પૂછે તો એક પળનો પણ વિચાર કર્યા વિના ઝટથી કહી દઉં
કુશળ નૃત્યાંગના બનવું છે
શાસ્ત્રનૃત્યમાં પારંગત
કથક અથવા ભરત નાટ્યમ
મને એ દૂધ જેવાં શ્વેત વસ્ત્રમાં, લાલ ચટક રંગના શ્રીંગાર સાથેની
નૃત્યાંગના અત્યંત મંત્રમુઘ્ધ કરે મુકે
ફૂલ સ્લીવની કુર્તી
ચૂડીદાર
ગજર્રો
ઘૂંઘરું
મહેંદી
આ સઘળું મને સંમોહન કરવા માટેનો અસબાબ છે
મને એ રંજનો ડંખ આજે પણ ખૂંચી રહ્યો છે કે
મને ક્યારેય શાસ્ત્રીય નૃત્યના તાલીમની તક ન મળી
મને કયારેય મારાં અવચેતન મનની આ ખનકનો અણસાર ન સંભળાયો
નાનપણથી મને નાચવાનો અભરખો
શાળાના કોઈ વાર્ષિકોત્સવમાં નાચવાની તક મેં નથી ગુમાવી
પણ.. ભણતરના ભારે મારાં ચિત્ત અને ચરણની ચંચળતાને કુંઠિત કરી નાખી
દસમા ધોરણમાં સુધી આવતાં આવતાં..
મારો શોખીન મિજાજ ખત્મ થતા શોકિંગ ન્યુઝ બની ગયો
એ પછી મારી એ અલગારી અભિરુચિને અનુસંધાન મળ્યું છેક કોલેજકાળમાં
કોલેજના ક્લાસ સાથે જિંદગીમાં દાખલ થયાં નવા મિત્રો
એ નવા દોસ્તમાં એક હતી નુપુર શર્મા
તેના સાનિધ્યમાં આવતાં
મારી સુષુપ્ત ઈચ્છા અને ઘૂંઘરું બન્ને ઝંકૃત થઇ ઉઠ્યાં
નુપુરની ઉપસ્થિતિ મારી એનર્જીમાં ઇંધણનું કામ કરતી
કારણ.. કે નુપુરનો અર્થ જ છે ઘૂંઘરું
આટલાં વર્ષો જેનો ખાલીપો રહ્યો
આજે એ પડછાયો બની પડખે ઉભી છે, કેવો યોગાનુયોગ !
ત્યારબાદ નાચવાનો તાલ અને તક હું ક્યારેય નથી ચૂકી
એ પછી મારી સોસાયટીનો ગણેશ ઉત્સવ હોય
કે પછી નવરાત્રી અથવા કોઈ અંજાનના લગ્નની જાન
બસ અપન ઝમ કે નાચ લિયે...
મન થાય ત્યારે મનભરીને નાચી લઉં
અને હાં, તેની કિંમત પણ ચૂકવી છે
હવે કરોડરજ્જુ, ગોઠણ અને કમરનો દુ:ખાવામાં વૃદ્ધિ થઇ છે
જે થશે એ જોયું જશે એ રાગ ગણગણીને બધું વિસારી દઉં છું
એક કુશળ પારંગત નૃત્યાંગના
બનવાની ખ્વાહીશનો મલાલ
આજે પણ મન મસ્તિષ્કને મસળે છે,ધમરોળે છે
જિંદગીમાં કશું શીખવાનો કોઈ સમય ન હોય પણ,
શર્ત હોય
શીખવા માટે સ્વયંમાં કશું શેષ હોવું અનિવાર્ય છે
કદાચ એ મુજમાં નથી અથવા હું અજાણ છું, યા કોઈ છુપી ભીતિ
પણ જે ખૂટે છે,એ ખુબ ખુંચે છે
મને ઘૂંઘરું મારાં અભિન્ન અંગ જેવાં લાગે
ઝૂમકા, ડ્રેસ, સાડી, જીન્સ, ચૂડલો, બંગડી બધાની સાથે મને ઘૂંઘરું તો જોઈએ જ
અને મને મળી પણ જાય છે
ગયાં વર્ષે નવરાત્રીમાં લો ગાર્ડન પાસેની
માર્કેટમાંથી મખમલમાં મઢેલા ઘૂંઘરુંની જોડ મળી આવી ...
હું એટલી ખુશ થઇ ગઈ કે લગભગ નાચતાં નાચતાં ઘરે આવી
નુપુર શર્માના લગ્નમાં એ ઘૂંઘરું પહેરીને ખુબ ધમાલ મસ્તી કરી
ત્યારે એક ઉંમરલાયક કાકી બોલ્યાં..
‘આ છોરી, ઓવર સ્માર્ટ લાગે છે.’
સૌનું સાંભળીએ તો મનનું કયારે સાંભળીએ ?
અને ચોર્યાસી લાખના ફેરા ફર્યા બાદ માંડ એક માનવ જિંદગી મળી એ પણ
કોઈનું સાંભળવામાં ખર્ચી નાખીશું તો માણીશું શું ?
હું આજે પણ નાચું છું.. બેહદ..બિન્દાસ અને બેફીકર થઈને નાચું છું
બીજાના નહીં પણ નિજાનંદ માટે નાચી ઉઠું , મોહરી ઉઠું છું
પણ આ એ નાચ નથી જેની કોઈ સાધના હોય
ઢોલ અને શરણાઈ અને ડી.જે, તાલ વચ્ચેના નાચ વચ્ચે
મારી મુક્તતા અને અલ્લ્ડપણું અચૂક મોજુદ હોય
પણ.. તબલા અને હાર્મોનિયમના અનુસાશનની
ખોટ કાયમ વર્તાય છે, મારી અધુરી મનોકામનામાં
હથેળીની વચ્ચે મહેંદીથી રચેલું ગોળ લાલ ચટાક ચકરડું
લાલ વસ્ત્રો
કાજળ ભર્યા નયનો
ગજરો
ઘૂંઘરું
ચરણોની થિરકટ
તબલાની થાપ
ચહેરાના ભાવભંગીમા
હાથેળીની મુદ્રા
મારાં માટે આ સઘળું સંસારની સૌથી સાચી અને મોટી મોંઘી મિરાત છે
સંપૂર્ણ હોવાનું સુખ.. અને હાલ હું આ સુખથી વંચિત છું
અને મારામાં રહેલી આ મનોકામના સાથે અવગત કરાવવામાં
વૃંદા દેસાઈનું ઘણું અગત્યનું યોગદાન છે
હું છેલ્લા ત્રણ વર્ષથી તે નામથી પરિચિત છું
એ છોકરી અદ્દભુત નૃત્યાંગના છે હું તેની જબરી પ્રશંસક છું
એને નાચતાં જોઉં ત્યારે એવું મહેસૂસ થાય..
જાણે અચનાક મારાંમાં કશું ઉગી નીકળે.
કાચી કુંપળની માફક ફૂંટી નીકળે
છેલ્લા ઘણા સમયથી હું ખુબ સંવેદનશીલ બની ચૂકી છું
નાની અમથી વાત પણ ખુબ ગહનતાથી મહેસુસ કરી રહી છું
મારામાં ખૂટતાં, ખુંચતાં અને ખટકતાં પરિબળોની પૂર્ણતા માટે
નુપુર અને વૃંદાનું જેવી હસ્તીનું અસ્તિત્વ
મારી મસ્તી ટકવા માટે પર્યાપ્ત છે
મારાં કને સજીવ ઘૂંઘરું છે
જીવતાં,જાગતાં, હસતાં દોડતાં અને બોલતાં એવાં ઘૂંઘરું
જેને હું મન થાય ત્યારે આલિંગનમાં લઇ શકું
મારી જિંદગીના ખજાના જેવી ખણખણતી ખનક
વિજય રાવલ
૧૦/૦૮/૨૦૨૨