એ ઠેર ઠેર ફાટેલી સાડી અને બ્લાઉઝમાં શરીર ઢાંકવાનો પ્રયત્ન કરતી રેસ્ટોરાંટની બહાર બેઠી હતી. તેનો જમણો હાથ ઠૂંઠો હતો, એવી જ રીતે જમણાં પગે કે ખોડંગાતી હતી. તો એ જ બાજુનું મોંઢું સહેજ વાંકું બની ગયેલું હતું. ક્યારે નાહી હશે તેની તેને પોતાને ખબર નહીં હોય. તેનાં શરીરમાંથી અને કપડાંમાંથી એક પ્રકારની વિચિત્ર વાસ આવતી હતી. તેની આવી હાલતમાં તે કોઈ કામ કરી શકે તેમ જ ક્યાં હતી? ભીખ માંગી ખાવાં સિવાય કોઈ રસ્તો નહોતો. ઘરબાર, પતિ, છોકરાં બધું હતું. કામ કરવાંયે તે જતી. એક નાની સરખી કાચી ઝૂંપડી પણ હતી. સાસુસસરા, પતિ, દિયર ઘરમાં બધાંયની મારઝૂડ ને કકળાટ હોવાં છતાં એ હસતી ને હસતી રહેતી. કામે જતી તો છોકરાંને સાથે લેતી જતી. જે જે ઘરનાં કામ કરતી તે તે ઘરની બહાર બેસાડી રાખતી. કોઈ ખાવા આપે તો ત્યાં જ ખવડાવી દેતી. ઘરે લઈ જાય અને કદાચ પશુઓ જેવાં એનાં ઘરનાં માણસો છોકરાંઓને ભાગે કશું આવવાં જ ના દે તો?
એ દિવસે આઠમનો તહેવાર હતો. પતિ, સાસુસસરા, દિયર બધાંયે દારૂ પીને છાકટા થઈને બેઠાં હતાં. એ કામથી ઘરે આવી એટલે એ લોકોએ ખાવાનું માંગ્યું. ઘરમાં તો અનાજનો એક દાણો નહોતો. બધું ખાલીખમ હતું. એ ચારમાંથી કોઈ થોડાં દિવસોથી કામે ગયાં નહોતાં અને જે પૈસા તે કમાઈને લાવતી તે તો બધાં પતિ કે સાસુ લઈ લેતાં. ક્યાંથી હોય ઘરમાં ખાવાનું? અને તો એ શું બનાવે? એ આજુબાજુમાં કશેથી થોડો લોટ અને ચપટી દાળ માંગી લાવું એમ વિચારતી ઘરમાંથી બહાર નીકળવાં જ જતી હતી ને તેનાં પતિએ તેને ચોટલો પકડી પાછળથી ખેંચી નીચે ફેંકી. તે જમીન પર પછડાતાં તેનાથી કારમી ચીસ નીકળી ગઈ. બંને છોકરાં ગભરાઈને એક ખુણામાં ઊભાં રહી રડવાં લાગ્યાં. તે ઊભી થાય તે પહેલાં તો પતિ અને દિયર બંનેએ ગડદાંપાટુનો વરસાદ વરસાવી દીધો. બંને છોકરાંઓએ હવે જોર જોરથી રડવાં માંડ્યું. હજુ એમની ઉંમરેય શું હતી! છોકરો અઢી વરસનો અને છોકરી ચાર વરસની.
એ માર સહન ના થતાં બેવડ વળી ગઈ અને જોર જોરથી ચીસો પાડવાં માંડી. દારૂનાં નશામાં ચૂર સાસુએ એક ઓશીકું લઈ એનાં પર બેસી જઈ મોંઢું દબાવી દીધું. એનો અવાજ દબાઈ ગયો અને શ્વાસ રૂંધાવાં લાગ્યો. એનાં પગ આપોઆપ પછડાતાં ગયાં. અને પછી થોડાં તરફડાટ પછી તે શાંત થઈ ગઈ. છેલ્લાં છેલ્લાં તેનાં કાનમાં બંને છોકરાંઓની બૂમાબૂમ અને રડારોળ સંભળાતી રહી.
જ્યારે તે ભાનમાં આવી, તે કોઈ ગટરની બાજુમાં પડી હતી. અને તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. તેણે ચારે તરફ નજર ફેરવી- તેનાં છોકરાં? ક્યાં ગયાં? ધીરેધીરે આજુબાજુનું ભાન આવ્યું. તે એક તદ્દન અજાણી જગ્યાએ ગટર પાસે પડી હતી. તેનાં આખાં શરીરે પાટાપીંડી હતાં. હલવાનો પ્રયત્ન કરતાં પીડાનો એક ઊંડો હુંકાર નીકળી ગયો પણ તેનાંથી સહેજે ય હલાયું નહીં. તેને લાગ્યું કે તેનો એક હાથ તો છે જ નહીં જાણે! હવે તેણે મદદ માટે ચારેકોર જોવા માંડ્યું. તેનાથી સહેજ દૂર એક ઓવરબ્રીજ હતો. જેની નીચેની બાજુ એક તરફ ઘર વગરનાં લોકો રસ્તા પર ફાટેલાં તૂટેલાં કપડાંનાં ટુકડાંઓ, પેપર, થેલાં, જેને જે મળ્યું હોય તે લઈને પડ્યાં હતાં. અને તેમની જ બાજુમાં તે પણ પડી હતી. તેણે બોલવાનો પ્રયાસ કર્યો પણ બોલાયું નહીં. એટલે તેણે હાથ ઊંચો કરી કોઈને બોલાવી જોયું. પણ જે થોડાં લોકો ત્યાં બેઠાં હતાં તે ફૂંકણીમાં મશગૂલ હતાં. કોઈનું ધ્યાન તેનાં તરફ ગયું નહીં.
થોડીવારે અંધારું થતાં થોડાં વધારે એમનાં જેવાં જ લોકો આવ્યાં. અને ભેગાં બેસી બધાં જે થોડું થોડું લાવ્યાં’તાં તે ખાવાં લાગ્યાં. એમાંથી કોઈની નજર પડી ને તેને ભાનમાં આવેલી જોઈ સૌ ભેગાં થઈ ગયાં. મોંઢે પાટો હોવાથી તેનો અવાજ નીકળતો નહોતો. તેથી બધાંએ બોબડી સમજી લીધી. બધાંની વાતો પરથી તેને ખબર પડી કે થોડાં દિવસ પહેલાં તેને કોઈ અહીં અધમરી હાલતમાં નાંખી ગયું હતું. એ બેત્રણ દિવસ હલ્યાંચાલ્યાં વિના પડી રહી હતી. એવામાં કોઈ ટેમ્પાવાળો અડધીરાત્રે દારૂ પીને ત્યાં સૂતેલાં લોકો પર ટેમ્પો ચઢાવીને ભાગી ગયો હતો, જેમાંથી એની જેમ ઘણાં લોકોને હોસ્પીટલ દાખલ કરવાં પડેલાં. તે લગભગ નાકા પર હતી તેથી તેને જમણી બાજુનાં આખાં શરીર પર બહુ જ વાગેલું. લોહી બંધ નહોતું થતું. પણ મ્યુનિસિપલ હોસ્પીટલવીળાંએ એને થોડાં દિવસમાં રજા આપી દીધી હતી. તેથી એ લોકો તેને પાછાં અહીં જ લઈ આવેલાં. એ ગળગળી બની ગઈ. જેમતેમ હાથ ઊંચો કરી આભાર માન્યો.
ને બસ, ત્યારથી એ જ રસ્તો તેનું ઘર બની ગયો હતો અને એ રસ્તા પર વસતાં બધાં એનાં ઘરનાં લોકો. એ ભીખ માંગતી તો કોઈ ખાવાં આપતું, કોઈ પૈસા આપતું, કોઈ કપડાં કે ઓઢવાનું આપતું તો વળી કોઈ ગાળો આપતું. તો કોઈ ધિક્કારતું અને કાઢી મૂકતું. કોઈ મશ્કરી કરતું. કોઈ છેડછાડ કરતું. એ બધાંથી ટેવાઈ ગયેલી. અપમાન, ગાળો તેને કશું અસર કરતું નહીં. બસ, તેને પોતાનાં છોકરાં યાદ આવતાં ત્યારે રડું આવી જતું. તેને થતું, બસ, કોઈકીતે તેનાં છોકરાં તેને મળી જાય! પણ હવે મળે તો યે એ એમને ખવડાવશે શું?! કેવીરીતે?! એમ જોવાં જાય તો એમનો બાપ પણ ખવડાવતો હશે ખરો? પણ તેની પાસે એટલી હિંમત ભેગી થઈ નહોતી કે તે એ ઘરમાં પાછી જાય અને છોકરાંઓની ખબર કાઢે! પોતાનાં પેટની ભૂખ ઠારવાનાં જ ફાંફાં છે ત્યાં એ એટલે દૂર છાનીમાની તપાસ કરવાં જાય, તો જાય કેવીરીતે?
તે દિવસ આખો વરસાદ રહ્યો હતો. એટલે ઠંડક ખાસ્સી થઈ ગઈ હતી. આજે ખાવાં યે કશું મળ્યું નહોતું. બપોરે વીસ પચ્ચીસ રૂપિયાં ભેગાં થતાં તેણે નજીકની ચાની લારી પરથી ચા ને બિસ્કૂટ ખાધાં હતાં. ગઈકાલે ય વરસાદ ધોધમાર હોવાથી કશું મળ્યું નહોતું. એથી એ આજે રેસ્ટોરાંટની બાજુમાં બેસી રહેલી. ત્યાંથી કદાચ વધ્યું ઘટ્યું મળી જાય! પણ કમનસીબે મોડી રાત સુધી કશું મળ્યું નહીં. વરસાદ ચાલુ હતો. તેની ત્યાં બેઠાંબેઠાં જ આંખ મીંચાઈ ગઈ. ઊંઘમાં તેને લાગ્યું કે તેને કશું વીંટળાયું છે. વરસાદની ઠંડીમાં સારું લાગ્યું. કપડાં તો હજુ યે ભીનાં હતાં. એટલે વધારે ઠંડું લાગતું હતું. હવે તે એટલી તો બેદરકાર થઈ ગઈ હતી કે તેણે આંખ ખોલી શું છે તે જોવાની પણ તસ્દી ના લીધી. હવે એકાદ મહિનામાં ઠંડી ચાલુ થવાની હોઈ કદાચ કોઈ બ્લેન્કેટ વહેંચવાં નીકળ્યું હશે! તે ઊંઘતી રહી.
પક્ષ ધીમેધીમે ઊંઘમાં તેને જુદી જ અનુભૂતિ થઈ જાણે! કશુંક તેને આખાં શરીરે જોરથી વીંટળાઈ વળ્યું છે. તે હલી શકી નહીં. છાતી પર એક ભીંસ લાગી. પગ પર વજન લાગ્યું. તેણે ઊંઘથી વજનદાર આંખ ખોલી. તો કોઈ પુરુષ તેને વીંટળાયેલો હતો. તે છળી પડી. પણ પેલા પુરુષની પકડમાંથી છટકાયું નહીં. તે આખો જ તેના પર હતો. ઉપરથી વરસાદ પણ જોર જોરથી વરસી પોતાનું જોર બતાવવાં લાગ્યો હતો. તે જોર કરી છટપટી પણ કશું ચાલ્યું નહીં. પેલો પુરુષ એનાથી વધુ મજબૂત હતો. થોડીવાર પછી તેનું શરીર આપોઆપ એ પ્રક્રિયામાં જોડાઈ ગયું. શરીરની ગરમી મળતાં સારું લાગ્યું. પતિએ અધમૂઈ કરી ફેંકી દીધે વરસો વીતી ગયાં હતાં. પેટની ભૂખ ઠારવવાં ઝઝૂમતી અપંગ સ્ત્રીને બીજી કશી ઈચ્છા સંતોષવાંનો વિચાર આવે જ કઈ રીતે?! અને રોજ જે જગ્યાએ જઈને પડી રહેતી હતી, તે જગ્યાએ બધાં તેનું ધ્યાન રાખતાં અને તેને સાચવતાં. એથી જબરદસ્તીનો તો કોઈ સવાલ ઊભો નહોતો થયો.
આજે ભૂખ અને થાકથી તે જ્યાં ભીખ માંગવાં આવી હતી ત્યાં જ ઊંઘી ગઈ હતી. અહીં તેને કોઈ ઓળખતું નહોતું. પણ આજે વરસો પછી પેટની નહીં તો શરીરની ભૂખ ભંગાતાં તેને સારું લાગ્યું. થોડીવાર બેઠાં થઈ કપડાં વ્યવસ્થિત કર્યાં. પેલો પુરુષ પણ બેઠો થયો. બંનેએ વાતચીત કરવાની ચાલુ કરી. પેલાં પાસે એક મીણનો જાડો કોથળો હતો. તેણે બંનેને માથે કોથળો ધરી છત કરી વરસાદનો માર ઓછો કર્યોં. તેને જીવનમાં પહેલીવાર લાગ્યું કે કોઈ છે, જેને તેની દરકાર છે. પણ તેણે તો હમણાં જબરદસ્તી કરી હતી. પણ, તેને ય તો સારું લાગ્યું હતું ને! આ અજાણ્યો પુરુષ… કોણ હશે? લાગે છે તો એની જેમ જ માથે છાપરાં વગરનો! નહીંતર આમ અડધીરાત્રે આવાં વરસાદમાં કોણ અહીં હોય? સવાર પડતાં સુધી બંને વાતો કરતાં રહ્યાં ને એકમેકનાં જીવનનો તાગ મેળવતાં ગયાં.
સવાર પડતાં પેલી ઊભી થઈ આજે કઈ બાજુ ભીખ માંગવાં જવું તે વિચારવાં લાગી. પણ…
આજે તેને ભીખ માંગવાં જવું ના પડ્યું. પેલાં પુરુષનું થોડે દૂર ખાડાં આગળ ઈંટમાટી ભેગાં કરી જાતે ચણેલું મકાન હતું. તે પેલાં રેસ્ટોરાંટ જ્યાં એ બેસી રહેલી ત્યાં છૂટક વાસણ ધોવાનું કામ કરતો. કોઈવાર કામ મળતું કોઈવાર નહીં. તો બીજી કોઈ જગ્યાએ મજુરી કરી આવતો. પણ પેટ પૂરતું રળી લેતો. આ જગ્યાનો માલિક ભલો હતો, તેની પાસે વાસણ ધોવાંવાળાં માણસો હતાં. પણ કોઈવાર કોઈ રજા પર હોય તો એ આને બોલાવતો. કદાચ કોઈવાર કામ ના હોય અને ખાવાનું વધારે વધ્યું હોય તો પણ આને બોલાવી ખાવાનું આપતો. એટલે અહીં આ જગ્યાએ એ લગભગ રોજ આવતો. તેણે ઘણીવાર તેને અહીં ભીખ માંગતાં જોઈ હતી.
તેને જોતો ત્યારે ત્યારે એની દયા આવતી અને એક છાનું ખેંચાણ પણ થતું. તેનાં વાંકાં વળી ગયેલાં મોંઢામાં એવું શું હતું તે તેને સમજાયું નહોતું. બસ, તેને એક આકર્ષણ જેવું થતું. આટલી ગંદી, નાહ્યાંધોયાં વગરની એ, પહેલાં પતિએ ભેટમાં આપેલ ખોડંગાતો પગ, ઠૂંઠો હાથ અને વાંકું મોંઢું!
તે સવારે તે એનો ઠુંઠો હાથ પકડી પોતાની ઓકડી પર લઈ ગયો. અને પછી મજુરીએ જવાં એમ જ નીકળી પડ્યો. હવેથી એણે બે જણ માટે મજુરી કરવાની હતી ને!