Prem - Nafrat - 42 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૪૨

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૪૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૨

નવા મોબાઇલનું બધું જ નક્કી થઇ ગયા પછી એને બધાંની સામે રજૂ કર્યા બાદ જ લોન્ચ કરવાનો ઇરાદો આરવનો હતો. આરવે મોબાઇલનો સેમ્પલ તૈયાર કરી રચના સાથે બેસીને પોતે ચકાસી લીધો હતો. બંને પોતાની કામગીરીથી સંતુષ્ટ હતા. આરવે એ મોબાઇલનો એક સેમ્પલ ઇ કોમર્સ વેબસાઇટને મોકલી આપ્યો હતો. હવે એમના તરફથી સંમતિ મળી જાય એટલે પ્રોડકશન શરૂ કરી દેવાનું હતું.

આરવનો વિચાર હતો કે બધાંને એક વખત ડેમો આપી દેવો જોઇએ. એણે રચનાને આ વાત કરી ત્યારે એનો વિચાર અલગ હતો. તે બોલી:'આપણે એનો ડેમો બતાવીશું તો બધાં પોતાના તરફથી કંઇને કંઇ સૂચન કરશે...' રચના પોતાના દિલના 'ખામી કાઢશે' એવા શબ્દોને 'સૂચન કરશે' જેવા સારા શબ્દોમાં ફેરવીને બોલી હતી.

આરવને એ વાત સ્વાભાવિક લાગી:'એમાં આપણાને શું વાંધો છે? મોબાઇલની સફળતા માટે જ એ સૂચન આવશે ને?'

'સૂચન આવે એ સારું જ છે પણ એ સૂચનનો અમલ કરવાનો હવે સમય રહ્યો નથી. એમ કરવા જતાં લોન્ચિંગ લંબાઇ જશે અને બધાંના સૂચનો સારા હશે તો પણ એમને તકનીકી જ્ઞાન નહીં હોય તો આપણે એ સ્વીકારી શકીશું નહીં. અને બધાંએ આપણાને પૂરી સત્તા આપી જ દીધી છે ને? આપણે જે કરીશું એ કંપનીના સારા માટે જ કરતા હોઇશું ને?' રચનાએ આરવને સમજાવવાનો પ્રયાસ કર્યો.

આરવને થતું હતું કે બધાં ડિરેકટરોને નહીં પણ પરિવારના સભ્યો એવા પપ્પા અને ભાઇઓને ફોર્માલિટી ખાતર પણ ડેમો બતાવવો જોઇએ. રચનાએ એની વાતનો વિરોધ કરવાનું ટાળ્યું પણ એને પપ્પા પર નહીં હિરેન અને કિરણ પર શંકા હતી. તે સીધી રીતે મંજુરી આપશે નહીં. તેણે કમનથી હા પાડ્યા પછી બધાં ભેગાં થયા ત્યારે એની શંકા સાચી પાડતા હોય એમ એમણે પોતાની ટાંગ અડાવી જ દીધી. પહેલાં તો વખાણ જ કર્યા પછી જાણે અચાનક કોઇ વિચાર આવ્યો હોય એમ કિરણ અને હિરેન સાથે જ બોલી ઉઠ્યા:'આમાં ફેસ અનલોક નથી.'

આરવે દલીલ કરી:'ફિંગર અનલોક સુવિધા છે જ...'

હિરેન કહે:'અત્યારે તો દરેક મોબાઇલમાં એ આવે છે અને આગળ જતાં એની જરૂરિયાત વધવાની છે. આપણે એડવાન્સમાં ચાલવું પડશે...'

રચનાએ બધાંનું માન જળવાય એવા શબ્દો વાપર્યા:'આપણો મોબાઇલ જે રેન્જમાં છે એમાં આ સુવિધા આપી શકાય એમ નથી...'

કિરણ કહે:'થોડી કિંમત વધશે પણ ફેસ અનલોક તો જરૂરી લાગે છે.'

લખમલભાઇ શાંતિથી બંને તરફના દાખલા- દલીલો સાંભળ્યા પછી બોલ્યા:'આરવ, આજે ફેસ અનલોક સાથેનું નવું બજેટ કાઢી જો. પછી આપણે નક્કી કરી દઇએ...'

હવે કોઇને કંઇ બોલવાનું રહેતું ન હતું.

આરવને થયું કે રચનાની વાત ના માનીને પોતે ભૂલ કરી છે. હિરેન અને કિરણ સારું વિચારતા હશે પણ હવે એ શક્ય બની શકે એમ નથી. ફેસ અનલોક સાથેની કિંમત કાઢવામાં વધારે સમય ગયો નહીં. સાંજે જ્યારે એ ફરીથી મોબાઇલની નવી કિંમત જણાવવા મીટીંગ ગોઠવવાનું વિચારતો હતો ત્યારે ઇ કોમર્સ કંપનીનો એક ઇ મેઇલ જોઇને ચમકી ગયો. એણે રચનાને બોલાવીને કહ્યું:'બહુ ખરાબ સમાચાર છે...'

રચના ચમકીને બોલી:'કેમ? શું સમાચાર છે?'

આરવે કોમ્પ્યુટરના સ્ક્રીન પર ઇ મેઇલના શબ્દોને ઝૂમ કરીને બતાવ્યા.

રચનાએ એ વાંચ્યા અને નિરાશા સાથે બોલી:'આવું કેમ બન્યું હશે? એમણે આપણી સાથે ડિલ કરી દીધી હતી. હવે એ મોબાઇલ લોન્ચ કરવાની ના પાડે છે એ કેમ ચાલી શકે? એમણે કારણ શું આપ્યું છે?'

આરવે મેઇલને સ્ક્રોલ કરી એમાંનું લખાન બતાવ્યું. એમાં લખ્યું હતું કે મોબાઇલમાં ફેસ અનલોકની સુવિધા ન હોવાથી એમણે ડિલ કેન્સલ કરી છે.

રચનાને સમજતા વાર ના લાગી કે હિરેન અને કિરણનું જ આ કાવતરું હશે.

આરવ જુદું જ વિચારતો હતો:'હિરેન અને કિરણ સાચા હતા. આપણે પહેલાં જ એમને મોબાઇલ બતાવ્યો હોત તો આ સમસ્યા આવતા પહેલાં આપણે કોઇ રસ્તો શોધી શક્યા હોત...હવે આપણે મોબાઇલ કેવી રીતે લોન્ચ કરી શકીશું? ફેસ અનલોકની સુવિધા આપવામાં કિંમત વધી જશે અને આપણો જે ગ્રાહકોનો ટાર્ગેટ છે એ પૂરો કરી શકાશે નહીં. આપણે આ મોબાઇલનું લોન્ચિંગ પડતું મૂકવું પડશે...'

રચનાને થયું કે તેની બાજીને પલટવાની કોશિશ થઇ રહી છે. આરવ શસ્ત્ર હેઠાં મૂકવાની વાત કરી રહ્યો હતો ત્યારે તેણે રસ્તો શોધવા પોતાના દિમાગને કામે લગાવી દીધું. તેને થયું કે મોબાઇલને લોન્ચ કરવા સાથે હિરેન અને કિરણને પણ ખુલ્લા પાડવાની જરૂર હતી.

ક્રમશ: